ઓફબીટ:મલક નવરાશનો…

20 દિવસ પહેલાલેખક: અંકિત ત્રિવેદી
  • કૉપી લિંક

થોડીક નવરાશ પહેરીને પંખીની પાંખોથી ઊડવું છે અંતરના આકાશમાં! થોડીક લાગણીની ભીનાશને એકઠી કરીને વહેવું છે ઝરણાના ખળખળની સાથમાં! થોડીક વાર જવું છે સમયની પાર, પરંતુ સમયની પાર જવામાં સંબંધોની સરહદ જ નડે છે. આપણે વહેમના વટેમાર્ગુ છીએ. આપણે આપણાથી જ ઓરમાયા છીએ. વાતે વાતે આપઘાતની વાતો કરનારા આપણે ઉદાસીના ઘરના ભાડૂઆત છીએ. આપણો વહેવાર ફોરવર્ડ કરેલા SMSની જેમ અટકી ગયો છે. કોઈનું ખરાબ અને આપણું સૌથી સારું સૌથી પહેલાં થવું જોઈએ. જીવનના ઓડિટોરિયમની એવી સીટ પર આપણે બેઠાં છીએ જ્યાંથી બધું જોવાનું, અનુભવવાનું અગત્યનું નથી રહેતું! બધાં આપણને જોવે અને આપણે સેલિબ્રિટીમાંથી સહેજ પણ ખસી ન જઈએ, એની ચિંતામાં મનના પડખાને જાગતાં જાગતાં ફેરવીએ છીએ.

ફેસબુક પર કારણ વગર ચર્ચા કરતા અનેક લોકોને જોઈએ છીએ ત્યારે ખબર પડે છે કે માણસ એકલો હતો એ તો સાચું, હવે માણસ ખોખલો થયો એનું દુઃખ છે. આ વાત પણ પાછી ફેસબુક ઉપર મૂકીએ તો જ લોકોને ભાન થાય એવો મૂર્છિત સમય જીવાઈ રહ્યો છે. લંકામાં દવા શોધવા નીકળેલા હનુમાનજીની જેમ આપણે લોકોની સહાનુભૂતિ શોધવા નીકળેલાં અનુમાનો છીએ. રમેશ જાનીની વાર્તાનું એક વાક્ય યાદ આવે છે અને માણસના હાથને ખિસ્સામાં જ પેરાલિસિસ થઇ જાય છે. રિવર્સમાં જવું એ ફાયદાકારક છે, પરતું સાવ સાઈડમાં થઈને રિવર્સમાં જવું દુઃખદાયક છે. તમે બીજા સાથે સ્પર્ધામાં કે રેસમાં છો તો આવું જરૂર બનશે, પરંતુ તમે તમારી જાત સાથે સંવાદમાં છો તો આવું કદીયે નહીં બને! અહીંયા અંગતનો અર્થ વારે-તહેવારે પ્રામાણિકતાથી સાથે જીવનારો થાય છે અને પોતાના માણસનો અર્થ દર વખતે આપણી સમયસર અદેખાઈ કરનારો થાય છે. વિચારવાનું ભૂલી ગયેલા આપણે ફેશનને પરાણે સ્વીકારીએ છીએ અને પેશનને ઉપરાણે! જેટલા એકલા માણસો છે તે એક પણ નવરા નથી, પરંતુ જેટલા નવરા છે તે ઓછેવત્તે અંશે એકલા જરૂર છે. આત્માની અયોધ્યામાં આપણે આપણા વહાલને જ વનવાસ આપ્યો છે અને બીજાના સુખે સુખી થવાનો બે ઘડીનો આનંદ લઈએ છીએ આપણે. પરિણામે આપણે ખાલી ગ્લાસમાં પાર્ટીઓ ભરીએ છીએ અને ભરાઈ ગયા પછી ખાલી નથી થઇ શકતા. બધું જ ઉપરછલ્લું એટલું માફક આવી ગયું છે આપણને કે આપણે આપણા જ દરિયામાં ભરતી નથી આવવાની એની ખબર છે છતાંય ઓટને ઊજવીએ છીએ.

અમથી અમથી આંખોથી મરક મરક થનારી આપણી વ્યક્તિના હોટસ્પોટથી આપણું સુખ એવું કનેક્ટ કરીએ કે હૂંફને પણ અદૃશ્ય રહીને ચેતનવંતી થવાની મજા પડે! લવાજમ ભરેલાં મેગેઝિન દર મહિને આવે છે, પણ એનું એક પણ પાનું આપણા હાથથી ખૂલતું નથી! પ્રત્યેક પળ એવી રીતે આપણામાં શ્વસીને ખૂલ્યા વગરની રહી જાય છે અને આપણાં વર્ષોમાં એક દિવસ ઉમેરાય છે. ભૂલા પડીને ખૂલી જવાની પણ મજા છે. યાદ રાખેલું ભૂલી જવાનો પણ આનંદ છે! અજાણ્યા જોડે જાણીતા બનવાનો શોખ હોવો જોઈએ. જાણીતા જોડે પહેલીવહેલી વાર મળ્યાના ઉમળકે ઓગળવું જોઈએ. ક્ષતિ, ભૂલો, અપૂર્ણતા બધાંમાં છે જ. એમાંથી આગળ વધીને શ્વાસથી ઉચ્છ્વાસ અને ઉચ્છ્વાસથી શ્વાસ સુધીના ફેરામાં નવી આબોહવાને ઊભી કરવાની હોય છે. તો જ સમયની પાર જઈને સમયની અંદર જીવાયું કહેવાય.
‘ઓન ધ બીટ્સ
‘જ્યારથી આલાપ તારો સ્વરમાં ઘૂંટે છે હૃદય,
સૂરમાં તો રહી શકે છે, તાલ ચૂકતું જાય છે.’
-‘અસદ’ સૈયદ
ghazalsamrat@gmail.com

અન્ય સમાચારો પણ છે...