અગોચર પડછાયા:કુચી સાકે ઓના

જગદીશ મેકવાન3 મહિનો પહેલા
  • કૉપી લિંક

કુચી સાકે ઓના. આપણા દેશ જાપાનની એક ચુડેલ. જે હંમેશાં માસ્ક પહેરીને ફરે છે. જે મોટેભાગે વહેલી સવારે, સાંજે કે રાત્રે જ જોવા મળે છે, કેમ કે એ ગરમી સહન કરી શકતી નથી. એના ઓવરકોટમાં એક ખંજર હોય છે. એને જો કોઈ વ્યક્તિ એકલું જોવા મળે તો એ એને પૂછે છે કે શું હું સુંદર છું? જો એ વ્યક્તિ ના પાડે તો એ એને મારી નાખે છે. જો એ વ્યક્તિ હા પાડે તો એ ચુડેલ માસ્ક કાઢીને એ વ્યક્તિને પોતાનો ચહેરો બતાવે છે. કુચી સાકે ઓનાનો ઊપલો હોઠ છેક કાન સુધી ચીરાયેલો હોય છે. એમાંથી સ્નાયુ અને માંસ લબડી રહ્યાં હોય છે અને લોહી વહી રહ્યું હોય છે. એ દૃશ્ય એટલું ભયાનક અને ડરામણું હોય છે કે બીકને લીધે જોનારના મોંમાંથી ચીસ નીકળી જાય છે અને ત્યારે કુચી સાકે ઓના ફરીથી એને પૂછે છે કે શું હું સુંદર છું? હવે જો એ વ્યક્તિ ના પાડે તો કુચી સાકે ઓના એને ક્રૂરતાથી રહેંસી નાખે છે અને જો એ વ્યક્તિને ખ્યાલ આવી જાય કે જો ના પાડી તો મર્યા સમજો! એટલે એ જો હા પાડે તો કુચી સાકે ઓના ખંજર વડે એ વ્યક્તિના ઊપલા હોઠને છેક કાન સુધી ચીરીને પોતાના જેવો કરી નાખે છે. એની આંખો ફોડી નાખે છે અને પછી એના કાનમાં કહે છે કે હવે તું પણ મારી જેમ સુંદર દેખાય છે અને એવા સંજોગોમાં મોટે ભાગે એ વ્યક્તિ એ જ સમયે મરી જાય છે, પણ એમાંના બે-ચાર જણ એકાદ-બે દિવસ જીવી પણ ગયેલા અને એમણે મરતાં પહેલાં પોલીસને આપેલા લાસ્ટ સ્ટેટમેન્ટમાં આ વાત જણાવી છે. એટલા માટે હું સૂરજ આથમે એ પછી મળવાની ના પાડું છું.’ તાયાકોમાએ મોબાઈલ પર પોતાનું મંતવ્ય રજૂ કર્યું. એટલે સામે છેડે રહેલી યોશિમા બોલી, ‘વાત તો તમારી સાચી છે, પણ મારી સમસ્યા એ છે કે મારી તો જોબ જ સાંજે સાત વાગ્યે પૂરી થાય છે. એટલે મારે જો કોઈને પણ મળવું હોય તો સાંજે સાત વાગ્યા પછી જ મેળ પડે, પણ જો તમને સાંજે સાત વાગ્યા પછી કુચી સાકે ઓનાને લીધે મળવાની બીક લાગતી હોય તો આપણે આ વાતચીત અટકાવી દેવી જોઈએ અને તમારે લગ્ન માટે બીજી કોઈ છોકરી શોધવી જોઈએ. આભાર.’ બોલીને યોશિમાએ ફોન કટ કર્યો. તાયાકોમાને અફસોસ થયો. લગ્ન કરવાની એની ઉંમર વીતી રહી હતી. એ એવી છોકરી શોધી રહ્યો હતો જેના વિચાર-શોખ વગેરે એના વિચારો સાથે મળતા આવે. મેટ્રોમોનિયલ વેબસાઈટ્સ પર દોઢ વર્ષ સુધી ખાંખાખોળા કર્યા પછી એને એવી છોકરી યોશિમા ભટકાઈ હતી અને હવે કુચી સાકે ઓનાના ડરને લીધે એ છોકરીને પણ ચૂકી જવાય એવી સ્થિતિ ઊભી થઈ હતી. એટલે એણે હિંમત એકઠી કરીને યોશિમાને ફરી વાર ફોન કરીને સાંજે બાગમાં મળવાનું નક્કી કરી લીધું. સાંજે પોણા સાત વાગ્યે તાયાકોમા બાગમાં પહોંચી ગયો. લગભગ સવા સાતે યોશિમા આવી. એના ચહેરા પર માસ્ક હતું, પણ તાયાકોમાએ યોશિમાની પ્રોફાઈલ પર ડી.પી જોયેલો હોવાથી એને યોશિમાને ઓળખવામાં મુશ્કેલી ના નડી. એ ઊભો થયો. એણે યોશિમા સાથે હાથ મિલાવ્યો. ડેટ પર આવ્યો હોવાને લીધે એ ખુશ તો હતો, છતાંયે યોશિમાના ચહેરા પર માસ્ક હોવાથી એને કુચી સાકે ઓનાવાળી વાત યાદ આવી ગઈ. એટલે એના શરીરમાંથી ભયનું એક લખલખું પસાર થઈ ગયું, પણ પોતાના ડર પર કાબૂ રાખીને એણે સવાલ કર્યો, ‘હવે તો કોરોના જતો રહ્યો છે. તો તમે માસ્ક કેમ પહેરી રાખો છો?’ ‘તમને બીક લાગે છે ને કે હું કુચી સાકે ઓના છું?’ યોશિમાએ સવાલ કર્યો. એટલે તાયાકોમાએ ખસિયાણા પડીને જવાબ આપ્યો, ‘ના. આ તો ચહેરો દેખાય તો વાતો કરવામાં મજા પડે.’ ‘શું હું સુંદર છું?’ યોશિમાએ સવાલ કર્યો, જેના જવાબમાં ‘ભાગો…’ એવી ચીસ પાડીને તાયાકોમા ઊભી પૂંછડીએ નાઠો. ભાગતાં ભાગતાં બે વાર તો ગુલાંટ ખાઈ ગયો. એ જોઈને યોશિમા ખડખડાટ હસી પડી. એ ડેટ પર આવી હતી, પણ પોતાના મસ્તીખોર સ્વભાવને એ કાબૂમાં ના રાખી શકી અને એણે તાયાકોમાને બીવડાવીને ભગાડી મૂક્યો, પણ પછી એને પોતાને આશ્ચર્ય થયું કે પોતાનો ડી.પી જોયેલો હોવા છતાં માત્ર ‘ શું હું સુંદર છું?’ એટલો સવાલ સાંભળીને તાયાકોમા ‘ભાગો...’ એવી ચીસ પાડીને નાઠો. શું તાયાકોમા એટલો મોટો બીકણ છે? ‘શું હું સુંદર છું?’ યોશિમાને એની પીઠ પાછળથી સવાલ સંભળાયો. એ તરડાયેલો ભયાનક અવાજ સાંભળીને યોશિમા ધ્રૂજી ઊઠી. એણે બીતાં બીતાં પાછળ જોયું. એની પાછળ બાર ફૂટ ઊંચી, ચહેરા પર માસ્કવાળી અને પીળા રંગની આંખોવાળી એક સ્ત્રી ઊભી હતી. હવે યોશિમાને સમજાયું કે તાયાકોમા ‘ભાગો...’ એવી બૂમ પાડીને કેમ નાઠો હતો. તાયાકોમાએ તો ભાગીને પોતાનો જીવ બચાવી લીધો હતો, પણ યોશિમા પાસે ભાગવાની તક બચી ન હતી. * * * બીજે દિવસે અખબારમાં યોશિમાની કાન સુધી ચીરાયેલા હોઠવાળી લાશ બાગમાંથી મળ્યાના સમાચાર વાંચીને તાયાકોમા એટલો બધો બી ગયો કે આજની તારીખમાં પણ એની માનસિક સારવાર ચાલે છે.⬛ makwanjagdish@yahoo.com

અન્ય સમાચારો પણ છે...