તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મનદુરસ્તી:EQનો અભ્યાસ સાથેનો સંબંધ જાણો છો?

ડૉ. પ્રશાંત ભીમાણી11 દિવસ પહેલા
 • કૉપી લિંક

ડોક્ટર, મોહિત અને નિલય મારા બે દીકરાઓ છે. મોહિતની ઉંમર 16 વર્ષ અને નિલયની 14 વર્ષ છે. અમે બંને દીકરાઓને ખૂબ સરસ રીતે સાચવીએ છીએ. આમ તો અમે ઘરમાં ચાર જ જણ છીએ. મારા પેરન્ટ્સ મારા નાના ભાઈ સાથે મુંબઈ રહે છે. અમારું ફેમિલી બોન્ડિંગ પણ સરસ છે. મારે પ્રોબ્લેમ નિલયનો છે. એનું વર્તન હમણાંથી થોડું નેગેટિવ થઈ ગયું છે. એ ઘરમાં બધા લોકો સામે બેફામ વર્તે છે. હમણાં છેલ્લે છેલ્લે તો અમારી સામે ગાળ પણ બોલ્યો હતો અને ખુશ હોય ત્યારે તે એવું જ લાગે કે જાણે જુદો જ નિલય છે અને વિચિત્ર વર્તન કરે ત્યારે થાય કે આ અમારો એ જ દીકરો છે, જેને અમે સરખા સંસ્કાર આપ્યા છે?! ભણવામાં પણ એ પાછળ પડી ગયો છે. A અને A+ ગ્રેડમાંથી C સુધી એનું લેવલ ઉતરી ગયું છે. અમને એના સ્ટડીઝની પણ ખૂબ ચિંતા થાય છે. મોટો મોહિત તો મેથ્સ સાથે ભવિષ્યમાં રોબોટિક્સ ભણવા માંગે છે, પણ નિલય તો એવો ગુસ્સો કરે છે જાણે અમે જ એના ગુલામ ના હોઈએ! એ જે કહે તે બધું જ કરવાનું. જો તમે એની જીદ ના માની તો આવી બન્યું. ઓફ કોર્સ, એ આખા પરિવારનો સૌથી લાડકો છે. એ માંગે તે વસ્તુ મળી જાય છે. તેમ છતાં આવું વર્તન સમજાતું નથી. ભણવામાં પણ એ પાછું સારું પરફોર્મ કરશે?’ અનુપ્રિયા બહેનની વાત સાથે એમના પતિ રાજેશભાઈનો પણ આ જ સવાલ હતો. ઘણી વાર માતા-પિતા પોતાના સંતાનને શિસ્ત શીખવાડવાના નામે ખૂબ ટોર્ચર કરતા હોય છે તો ઘણી વાર એ લોકોની બધી જ ડિમાન્ડ પૂરી કરતા હોય છે. આ બંને પેરેન્ટ્લ બિહેવીયર ક્ષતિયુક્ત છે. બાળકોને કમ્પ્યૂટર, એનિમેશન કે કોડિંગ તો આવડી જશે, પરંતુ એ બીજાના ઈમોશન્સને ડિકોડ કરતા શીખે તે વધુ જરૂરી છે. ઘણીવાર માતા-પિતા પોતે જ મટીરિયાલિસ્ટિક હોય છે, મતલબ શો-ઓફ અને દેખાદેખીને વધુ મહત્ત્વ આપીને સંતાનને જરૂર ન હોય તેવી વસ્તુઓથી ઓવરફલો કરી નાંખે છે અને સમસ્યા છે કે આ જ બાબતને તેઓ પ્રેમ અને દરકારનું નામ આપે છે. સંતાનો બુદ્ધિની દૃષ્ટિએ સતેજ હોય તો જીવનમાં હંમેશાં સફળ અને સુખી થશે જ તેવી કોઈ ગેરંટી નથી, મહત્ત્વનું છે એમનું ભાવનાત્મક સંતુલન. જે બાળકોમાં આ EQનો યોગ્ય વિકાસ થતો નથી. તે ઘણી બધી રીતે જીવનમાં પછડાટ ખાય છે. ‘સાયકોલોજિકલ બુલેટીન’ નામની જર્નલમાં પ્રકાશિત એક સંશોધન જાણવા જેવું છે. એમાં પ્રાથમિક શાળાથી લઈને કોલેજ સુધીના કુલ 27 દેશોના 42,529 વિદ્યાર્થીઓ પર અભ્યાસ કરવામાં આવ્યો. આમાં સ્પષ્ટ જણાયું કે, જે વિદ્યાર્થીઓમાં ‘ઈમોશનલ ઈન્ટેલિજન્સ’નું પ્રમાણ વધારે હતું તેઓના પરીક્ષાના પરિણામો વધુ સારા હતા, આનું કારણ એવું જાણવા મળ્યું કે, વધુ ઈમોશનલ ઈન્ટેલિજન્સ ધરાવતા વિદ્યાર્થીઓ ભય, ક્રોધ, તિરસ્કાર, ચીડિયાપણું, ઈર્ષ્યા જેવી નકારાત્મક લાગણીઓ સાથે વધુ સારી રીતે કામ લઈ શકતા હતા. આ બધી જ લાગણીઓ અભ્યાસ પર નકારાત્મક અસરો જન્માવે જ છે. વધુમાં એ વિદ્યાર્થીઓ શિક્ષકો સાથે ઈમોશનલી વધુ ગાઢ સંબંધ ધરાવી શકતા હતા, મિત્રો અને પરિવાર સાથે પણ સંવાદિતા જાળવી શકતા હતા, એમના માનવીય પ્રેરણાઓ અને સામાજિક સંબંધો વિશેના વિચારો વધુ પોઝિટિવ હોવાને લીધે વિષય પરત્વેનું જ્ઞાન વધુ સુદૃઢ જોવા મળ્યું. ટૂંકમાં પોતાની લાગણીનું સંતુલન અને સામેવાળાની અપેક્ષાઓ અને વ્યક્તિત્વને સમજવાની શક્તિ ચોક્કસ મદદરૂપ છે, પછી તે અભ્યાસ હોય કે વ્યવસાય. નિલય જેવા કિસ્સામાં ઘણીવાર માતા-પિતા તરફથી લાગણી દર્શાવવાની માનસિક ક્રિયા વસ્તુઓ આપવાની ભૌતિક ક્રિયામાં રૂપાંતરીત થઈ જાય છે. એટલે પોતાની આંતરિક ગડમથલને સંતાનો મટીરિયલ સાથે જોડી દે છે. ટૂંકમાં મૂડ અને મટીરિયલ સાયકોલોજિકલી જોડાઈ જાય છે. કેટલાક બાળકો બ્રાન્ડ માટે આવા કારણોથી જ જીદ્દી બની જતા હોય છે અને ધીમે ધીમે પરિવારમાં એમનું એડજસ્ટમેન્ટ ખરાબ થતું જાય છે. માતા-પિતા દિલથી ક્યારેય એવું ન ઇચ્છે કે મારા સંતાનનું ભવિષ્ય ખરાબ થાય, પણ જાણે-અજાણે થતી ઈમોશનલ ઉછેરની ભૂલો સંતાનના વિચિત્ર વર્તનને વકરાવે છે. આ માટે માતા-પિતાનું કાઉન્સેલિંગ સંતાન કરતા વધુ અગત્યનું બને છે. વિનિંગ સ્ટ્રોક ઃ જો માતા-પિતા પોતાની આસપાસના લોકો માટેની સમજણ અને એમના પ્રત્યેનું વર્તન જ્યારે ઈમોશનલી અને સોશિયલી યોગ્ય રીતે મેનેજ કરતા હોય તો સંતાનમાં ભાવનાત્મક દૃઢતા વધે છે. drprashantbhimani@yahoo.co.in

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો