તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મનદુરસ્તી:ચરબીયુક્ત ખોરાકની મન પર અસર જાણો છો?

ડૉ. પ્રશાંત ભીમાણી7 મહિનો પહેલા
  • કૉપી લિંક

ડોક્ટર, અમારા આખા સંયુક્ત કુટુંબમાં લગભગ ત્રણેક પેઢી પછી કોઈક દીકરીનો જન્મ થયો છે. બાકી તો બધા દીકરા જ છે. યશસ્વી સૌની લાડકી દીકરી છે. એટલે આખા પરિવારને એની ખૂબ ચિંતા થાય છે. છેલ્લા ત્રણેક મહિનાથી એનામાં ડિપ્રેશન જેવું લાગે છે. અમારા બધાથી ભાગતી ફરે છે. ધીમે-ધીમે એણે ફ્રેન્ડઝને મળવાનું ઓછું કરી દીધું છે અને મોબાઈલ વાપરવાનું વધારી દીધું છે. એના રૂમમાં ભરાઈને આખો દિવસ લેપટોપ કે ફોન પર વેબ-સીરિઝ જોયા કરે છે. અઠવાડિયામાં પાંચ દિવસ ઑનલાઈન ઓર્ડર કરીને એનું જમવાનું મંગાવે છે. બ્રેડ, ચીઝ અને બટર એના કાયમી ફેવરિટ છે. હમણાથી એનો ચહેરો જાણે સાવ બદલાઈ ગયો છે. બધું નૂર ઊડી ગયું છે. સતત નિરાશાનાં વાદળો છવાયેલાં હોય, નાની વાતોમાં અમને બધાંને છણકા કરે. આખો દિવસ એની પથારીમાં જ પડી હોય. ઈચ્છા હોય તો નહાય નહીંતર નહીં. અમને બે બાબતે ચિંતા થઈ, એક તો એ કે એને હવે આ બારમું ધોરણ ભણવું જ નથી. અને બીજું એ કે છેલ્લા ત્રણ મહિનામાં એનું પંદર-વીસ કિલો વજન વધી ગયું છે. યશસ્વી જાણે સાવ ચેન્જ થઈ ગઈ છે.' જલ્પાબહેને દીકરીની ચિંતા વ્યક્ત કરી. યશસ્વી સાથે વાત કરીને વિગતો જાણ્યા પછી બે વાત નક્કી થઈ. એક તો એનો ઉછેર ખૂબ લાડકોડથી થયો હતો. અને બીજું એની ખાન-પાનની આદતો પહેલેથી જ અનહેલ્ધિ હતી. એ વાત સાબિત થયેલી છે કે, આપણા ફૂડની આપણા મૂડ ઉપર અવશ્ય અસરો પડે જ છે. ‘અન્ન તેવું મન' એ બહુ જૂની કહેવત છે. તાજેતરમાં ‘ટ્રાન્સલેશન સાઈક્યાટ્રી' જર્નલમાં પ્રસિદ્ધ થયેલો એક અભ્યાસ સ્પષ્ટ સૂચવે છે કે વધુ ચરબીયુક્ત ખોરાક ખાવાથી ડિપ્રેશનનું જોખમ વધે છે. આ માટે ઉંદરોના બે જૂથ પર એક પ્રયોગ કરવામાં આવ્યો. ઉંદરોના પહેલા જૂથને ત્રણથી આઠ અઠવાડિયાં સુધી વધુ ચરબીયુક્ત ખોરાક આપવામાં આવ્યો. અને બીજા જૂથના ઉંદરોને નોર્મલ ખોરાક અપાયો. બંને જૂથના ઉંદરોનું ત્રણ અને આઠ અઠવાડિયાંના અંતે વર્તન ચકાસવામાં આવ્યું. જે ઉંદરોએ ચરબીયુક્ત ખોરાક વધુ ખાધો હતો. તેમના વર્તનમાં ડિપ્રેશન જેવું વર્તન જોવા મળ્યું. બાકીનાને કોઈ અસર થઈ નહોતી. આ પ્રક્રિયામાં મગજનો હાયપોથેલેમસ વિસ્તાર સંકળાયેલો હતો. અલબત્ત, આ સંશોધન મેદસ્વી લોકો માટે એન્ટી-ડિપ્રેશન્ટ દવાઓની શોધ માટે દિશાસૂચક હતું. પણ એટલું નક્કી છે કે, ફેટી એસિડ કે ચરબી જેમ જેમ વધતી જાય તેમ તેમ કેટલાક લોકોમાં નિરાશા અને ચિડિયાપણું વધતું જોવા મળે છે. અન્ય હોર્મોન્સમાં પણ અસંતુલન સર્જાય છે. એમાં પણ જો વારસાગત કારણો સ્ટ્રેસ સાથે ભળે તો સમસ્યા વધુ વિકટ બની શકે. આજકાલ મોબાઈલ એ સંતાનને જમાડવા માટેનું એક ઉપયોગી સાધન થઈ ચૂક્યું છે. કેટલાક છોકરાઓ ટી.વી.ની સામે અકરાંતિયાની જેમ ખાધા કરે છે. ચિંતાતુર મમ્મીઓ એ માનીને હાશકારો અનુભવે છે કે મારું સંતાન જમે તો છે ને! પણ એ લોકોને એ ખબર નથી હોતી કે અહીંયા ભૂખ અને સ્ક્રિનનું એક મનોવૈજ્ઞાનિક જોડાણ થતું જાય છે, જેને પાછળથી દૂર કરવું અત્યંત મુશ્કેલ બને છે. અત્યારે ટીનએજમાં પહોચેલા સંતાનો સ્ક્રિન સાથે સજ્જડ રીતે જોડાઈ ગયા છે. એમાં પણ જો ડિપ્રેશન વધારે હોય તો સ્ક્રિન જોતાં-જોતાં અંદર ડૂબી જવાનું બહુ સાહજિક બની જાય છે. અને પોતાને ખબર પણ નથી રહેતી કે પોતે કેટલું ખાધું અને પોતાનો સ્ક્રિન ટાઈમ કેટલો વધી ગયો. આ વિષચક્ર તોડવું મુશ્કેલ બની જાય છે. યશસ્વી આમ પણ અતિશય લાડે-કોડે ઉછરેલું સંતાન હતું. એટલે સામજિક એડજસ્ટમેન્ટ કરવામાં મુશ્કેલીઓ આવવાની સંભાવના પણ હતી જ. ઘણીવાર આવા કેસમાં ખાન-પાનની ટેવો નિદાન વખતે ચૂકાઈ જતી હોય છે. યશસ્વીને સાઈકોથેરપી સાથે યોગ્ય ડાયેટ પણ સૂચવવામાં આવ્યું. એક્સરસાઈઝ અને યોગની આવા કેસમાં બહુ મોટી સકારાત્મક ભૂમિકા જોવા મળે છે. માતા-પિતાએ પણ સંતાનને આવનારી આપત્તિઓ કે ભવિષ્યના એડજસ્ટમેન્ટ માટે તૈયાર કરવા જરૂરી હોય છે. ⬛ વિનિંગ સ્ટ્રોકઃ બાળકને પાણીથી બચાવવાની ચિંતામાં રહેવા કરતાં એને તરતાં શીખવાડવું સલાહભર્યું છે. drprashantbhimani@yahoo.co.in

અન્ય સમાચારો પણ છે...