તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દુનિયાના ઇતિહાસમાં ધર્મને આધારે ઘણી કોમના સામૂહિક નરસંહાર (જિનોસાઇડ) થાય છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન યહુદીઓથી માંડીને નેવુના દાયકામાં કાશ્મીરી હિંદુઓને સામૂહિક રીતે મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે. વિશ્વ આખાએ આવા ઘાતકી જાતીય નિકંદનની નોંધ લઈ એના પર ફિટકાર વરસાવ્યો છે. જોકે, એક કોમનો નરસંહાર એવો છે જે વિશે બહુ ઓછાને ખબર હશે. યઝીદી કોમના સામૂહિક જાતીય નિકંદન અને એમના પર થયેલા અત્યાચાર વિશે જાણવું જ જોઈએ.
યઝીદી ધર્મ વિશ્વનો એક સૌથી પ્રાચીન ધર્મ ગણાય છે. મોટાભાગના મધ્યપૂર્વના દેશોમાં વસેલા છે. એમની બહુમતી ઉત્તર ઇરાકમાં છે. આ જ વિસ્તારમાં કૂર્દ વસ્તી પણ છે. કૂર્દો સુન્ની મુસ્લિમ ધર્મ પાળે છે. કેટલાક એવી દલીલ કરે છે કે યઝીદીઓ કૂર્દ વસ્તીનો જ એક ભાગ છે. યઝીદીઓ જે ભાષા બોલે છે એને ‘કૂમાનજી’ કહે છે. યઝીદીઓ એક જ દેવતામાં માને છે. તેઓ માને છે કે તેઓ જે શક્તિની પૂજા કરે છે એમણે જ પૃથ્વી ઉત્પન્ન કરી છે. યઝીદી કોમની સૌથી વધુ વસ્તી ઇરાક, ટર્કી અને સીરિયામાં છે. જોકે, આ ત્રણે દેશોમાં પણ તેઓ અતિસૂક્ષ્મ લઘુમતીમાં છે. આ ત્રણે દેશોના મુસ્લિમોને યઝીદીઓ પ્રત્યે ભારે તિરસ્કાર અને અણગમો છે. આનું મુખ્ય કારણ એ છે કે યઝીદીઓએ ઇસ્લામ ધર્મ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો. મધ્યપૂર્વના મુસ્લિમો માને છે કે યઝીદીઓ જે દેવતાની પૂજા કરે છે એ શેતાન છે! ઇરાકમાં યઝીદીઓની સૌથી વધુ વસ્તી હોવાનું કહેવાય છે, પરંતુ એ સંખ્યા પણ 70 હજારથી માંડીને 5 લાખ જેટલી જ છે. સીરિયામાં તો 15,000 જેટલા યઝીદીઓ જ રહી ગયા છે. જ્યોર્જિયા અને અર્મેનિયામાં પણ કેટલાક યઝીદીઓ છે.
છેલ્લાં થોડા વર્ષો દરમિયાન આ શાંત અને નિરઉપદ્રવી કોમ પર ઇસ્લામિક આતંકવાદીઓ દ્વારા રાક્ષસી અત્યાચારો થયા છે. ‘યુનાઇટેડ નેશન્સ’ (યુ.એન.)ના કહેવા પ્રમાણે ‘ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ ધ લીવેન્ટ ‘ (આઇએસઆઇએલ અથવા તો આઇએસઆઇએસ) દ્વારા યઝીદી કોમનું જાતીય નિકંદન કાઢવામાં આવ્યું છે. ઇરાકના કુર્દીસ્તાન વિસ્તારમાં રહેતા હજારો યઝીદીઓ પર અત્યાચાર કરીને એમને ભગાડવામાં આવ્યા છે. એમની હાલત આપણે ત્યાંના કાશ્મીરી હિંદુઓ જેવી થઈ ગઈ છે. આઇએસઆઈએસના આતંકવાદીઓએ યઝીદીઓની સ્ત્રીઓ તેમજ બાળાઓને શારીરિક સંબંધ બાંધવા માટે ગુલામ તરીકે રાખી છે અને હજારો યઝીદી પુરુષોને ક્રૂરતાથી મારી નાખ્યા છે. યઝીદી કોમનું ઇસ્લામ ધર્મમાં પરિવર્તન કરવાની જેહાદ વખતે આ બધા અત્યાચારો થયા છે. 2007ના એપ્રિલ મહિનામાં ઇરાકના મોસુલ શહેરથી એક બસનું અપહરણ કરવામાં આવ્યું. આ બસમાંથી મુસ્લિમ અને ખ્રસ્તીઓને ઉતારીને બાકીના 23 જેટલા યઝીદી પ્રવાસીઓને મારી નાખવામાં આવ્યા. 2007ના જ ઓગસ્ટ મહિનામાં ક્યુહાતનીયાહ અને જઝીરા વિસ્તારમાં ચાર ટ્રક ભરીને બોમ્બ લઈ જવામાં આવ્યા. આ ટનબંધ બોમ્બને એક્સપ્લોઝ કરવાથી લગભગ 500 જેટલા યઝીદીઓ સ્થળ પર જ મૃત્યુ પામ્યા અને 1500 જેટલા ઇજાગ્રસ્ત થયા હતા. અમેરિકન સરકારના કહેવા પ્રમાણે આ હુમલો અલ-કાયદાના આતંકવાદીઓએ કરાવ્યો હતો.
2014ની 3જી ઓગસ્ટે આઇએસઆઈએસના આતંકવાદીઓએ ઇરાકના સિનઝાર શહેર ઉપર હુમલો કરીને એનો કબજો લઈ લીધો હતો. આ વિસ્તારમાં યઝીદીઓની વસ્તી સારા એવા પ્રમાણમાં હતી. આતંકવાદીઓએ અહીં હજારો યઝીદીઓના ગળા કાપી નાંખ્યા. આશરે 50 હજાર જેટલા યઝીદીઓ ઘરબાર છોડીને નજીકના પહાડી વિસ્તારોમાં ભાગી છૂટ્યા. અહીં પણ આઇએસઆઈએસના આતંકવાદીઓએ એમને ઘેરીને એમને ભૂખ્યા રાખી મારી નાખ્યા હતાં. 2014ની 4થી ઓગસ્ટે યઝીદીઓના નેતા પ્રિન્સ તહેશીન સૈદ એમીરએ વિશ્વના નેતાઓ સમક્ષ યઝીદી કોમને બચાવવા માટે અપીલ કરવી પડી હતી. 3જી ઓગસ્ટે ઇરાકના એક ગામડામાં રહેતા 10 જેટલા યઝીદી કુટુંબીઓએ ભાગવાની કોશિશ કરી ત્યારે આતંકવાદીઓએ ઘેરીને 90 જેટલા પુરુષોની હત્યા કરી હતી. સ્ત્રીઓને ઉંચકી લઈ જઈ એમને સેક્સ માટે ગુલામ બનાવી દેવામાં આવી હતી. 4થી ઓગસ્ટે યઝીદી વસ્તી ધરાવતા જબાલ સિંજાર પર હુમલો કરીને આતંકવાદીઓએ 60 જેટલા યઝીદી પુરુષોની હત્યા કરી હતી. યઝીદીના નેતાઓના કહેવા પ્રમાણે સિંજાર ખાતે આતંકવાદીઓએ 70 જેટલા યઝીદીઓના માથાં વાઢી નાંખ્યા હતાં. 3જી ઓગસ્ટે ઢોલા ગામ નજીક ડઝનબંધ યઝીદીઓને મારી નાખવામાં આવ્યા હતા.
2014ની 10મી ઓગસ્ટે ખુદ ઇરાકની સરકારે કબુલ કર્યું હતું કે આઇએસઆઈએસના આતંકવાદીઓએ અગણિત સંખ્યામાં યઝીદી સ્ત્રી-પુરુષ અને બાળકોને ઉત્તર ઇરાકમાં જીવતા દાટી દીધા હતા. આ હત્યાકાંડમાં 500 યઝીદી માર્યા ગયા હતા. કેટલાક યઝીદીઓ ભાગીને કુર્દીશોનું પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાં ચાલ્યા ગયા હતા. એજ વર્ષમાં 15મી ઓગસ્ટે યઝીદીઓના ગામ ખોજો ખાતે આતંકવાદીઓએ જઈને એમને ધર્મપરિવર્તન કરવા દબાણ કર્યું હતું, પરંતુ ધર્મપરિવર્તન કરવા માટે યઝીદીઓ સહમત ન થતા, 80 જેટલા યઝીદીઓના માથાં કાંપી નાખવામાં આવ્યા હતા. જે કેટલાકે ડરના માર્યા ધર્મ પરિવર્તન કર્યું એમને આઇએસઆઈએસના સૈનિક તરીકે લડવા માટે સીરિયા મોકલી આપવામાં આવ્યા હતા. એમ કહેવાય છે કે યઝીદીઓના જાતીય નિકંદન માટે સ્થાનિક સુન્નીઓએ પણ આઇએસઆઈએસના આતંકવાદીઓને પૂરો સહકાર આપ્યો હતો. શરૂઆતમાં સુન્નીઓ યઝીદીઓને ભરમાવીને ગામ છોડવા દેતા નહોતા અને પછી આઇએસઆઈએસના આતંકવાદીઓને બોલાવીને એમને મરાવી નાખતા હતા. દુનિયામાં થયેલા બીજા સેંકડો જાતીય નિકંદનોની જેમ યઝીદીઓના જાતીય નિકંદનની સત્ય હકીકતો પણ દરેક માનવતાવાદી સુધી પહોંચવી જ જોઈએ. vikramvakil@rediffmail.com
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.