મનદુરસ્તી:‘ઠંડા’ ઉછેરની ‘ગરમ’ સમસ્યાઓ વિશે જાણો છો?

ડૉ. પ્રશાંત ભીમાણી4 મહિનો પહેલા
  • કૉપી લિંક

‘ડોક્ટર, હું તમારી પાસે મારી ભત્રીજી માટે આવ્યો છું. નિષ્યા અત્યારે અગિયારમા ધોરણમાં છે. એ ભણવામાં ખૂબ હોશિયાર છે અને અત્યારથી જ ક્લીયર છે કે એને બાયોટેક રિસર્ચમાં કરિઅર બનાવવી છે. એ એવું કહે છે કે, હવે તો અવાર-નવાર પેન્ડેમિક આવ્યા કરે છે એટલે મારે એવું કોઇ રિસર્ચ કરવું છે કે એક સિંગલ દવા કે વેક્સિનથી લોકોને મોટા પ્રમાણમાં ઇમ્યુનિટી મળે અને કોમ્યુનિટી હેલ્થ સુધરે. એના આઇડિયાઝ બહુ સારા છે, પણ પ્રોબ્લેમ એ છે કે નિષ્યા પોતે જ બહુ બીમાર રહે છે. એને ક્યારેક પેટમાં દુઃખે તો ક્યારેક માથું દુઃખે, ક્યારેક ખૂબ અશક્તિ હોય તો ક્યારેક તાવ પણ રહે. મોટે ભાગે એનું શરીર ‘ગરમ’ રહે છે. ફિઝિશિયન પાસે અમારે વારંવાર જવું પડે છે. દવા લઇએ એટલે થોડો વખત સારું લાગે પણ પછી થોડા વખતમાં એ ફરી બીમાર પડે. આમ તો કોઇ દેખીતું કારણ નથી એની ખરાબ હેલ્થનું, પણ મને એવું થયું કે ચાલો એક વાર સાયકોલોજિકલ ઓપિનિયન લઇ જોઇએ. એને કોઇ સ્ટ્રેસ તો નહીં હોય ને!’ નિષ્યાના કાકાએ પૂછ્યું. સૌ પ્રથમ તો મને એ સવાલ થયો કે, નિષ્યાનાં માતા-પિતા કેમ એની સાથે નથી આવ્યાં. સામાન્ય સંજોગોમાં દીકરી સાથે મમ્મી તો હોય છે. કાકાને પૂછ્યું તો ખબર પડી કે મોટે ભાગે એનાં મમ્મી ક્યાંય નિષ્યા સાથે જતાં જ નથી. આમ પણ કુટુંબમાં કાકાનું વર્ચસ્વ વધારે એટલે જ સક્રિય ભૂમિકા નિભાવતા હોય. છતાં પણ સર્વાંગી સારવાર માટે મારે પેરેન્ટ્સને મળવું જરૂરી હતું. નિષ્યાનાં માતા-પિતાને બોલાવવામાં આવ્યાં પછી એક વાત મનોવૈજ્ઞાનિક દૃષ્ટિએ સ્પષ્ટ થઇ કે એ બંને ‘કોલ્ડ-પેરેન્ટ્સ’ હતાં. ખાસ કરીને મમ્મી. મતલબ આ કોલ્ડ પેરેન્ટિંગ એક એવી ઉછેર પદ્ધતિ છે જેમાં માતા-પિતા બાળકની એક્ટિવિટી કે ઉછેરમાં ખૂબ ઓછો રસ લેતાં હોય છે. આવાં ‘કોલ્ડ’ માતા-પિતા ઘણી વાર જાણે-અજાણે પોતાનાં સંતાનની સિદ્ધિઓ કે નિષ્ફળતાને અવગણતાં હોય છે. સંતાનની શારીરિક, માનસિક, ખાસ કરીને ભાવાત્મક તેમજ સામાજિક કે આર્થિક જરૂરિયાતો પ્રત્યે બેદરકાર રહેતાં હોય છે. આવાં બેદરકાર માતા-પિતાની બાળકોનાં સ્વાસ્થ્ય પર મોટી ઉંમરે પણ નકારાત્મક અસરો દેખાયા કરે છે, એવું ‘બાયોલોજિકલ સાઇક્યાટ્રી’ જર્નલ સૂચવે છે. 1976માં ખૂબ મોટી સંખ્યામાં અમેરિકન અને કેનેડિયન બાળકોની માતાઓની ઉછેર પદ્ધતિ વિશે એક સર્વે કરવામાં આવ્યો હતો. આ માટે બાળકનાં શરૂઆતનાં પંદર વર્ષ ધ્યાનમાં લેવામાં આવ્યાં હતાં. એ પછી ઇ.સ. 2003 અને 2006ની વચ્ચે સંશોધકોએ એ બાળકોના ડી.એન.એ.નો અભ્યાસ કર્યો. દરેક ડી.એન.એ.ના છેડા પર એક રક્ષણાત્મક કવચ હોય છે, જેને ‘ટૅલોમીયર્સ’ કહેવાય છે. તે જેમ મોટું હોય તેમ સ્વાસ્થ્ય વધુ સારું એમ મનાય છે. આ અભ્યાસના 199 બાળકોનાં ‘ટૅલોમીયર્સ’ ટૂંકા જોવા મળ્યાં. આ એ સંતાનો હતાં જેમણે પોતાની માતાના ઉછેરને સર્વેના પરિણામમાં રૂક્ષ અથવા બેદરકારીભર્યો જણાવ્યો હતો અને જે સંતાનોએ પોતાનાં માતા સાથેના સંબંધોને હૂંફાળા જણાવ્યા હતાં તેમનાં આ ડી.એન.એ.ના ‘ટૅલોમીયર્સ’ 25 ટકા જેટલા વધુ મોટાં હતાં. નિષ્યાનાં મમ્મી-પપ્પાને પણ સમજવું જરૂરી હતું કે સંતાનને માટે હૂંફ અને આધાર ખોરાક-પાણી જેટલાં જ અનિવાર્ય છે. જ્યારે સંતાનને કોઇ અપેક્ષિત સિદ્ધિ મળે તો જ એને બિરદાવવું એના કરતાં બિનશરતી પ્રેમ અને એના પ્રયત્નોને બિરદાવવા જરૂરી હોય છે. સંતાનનાં વર્તનનાં પ્રદાનમાં માતા-પિતા અને શિક્ષકો પુરસ્કાર કે પનિશમેન્ટ દ્વારા ભાગ ભજવતાં હોય છે, પણ આ વર્તન સંતુલિત હોવું જરૂરી છે. બાળક સમક્ષ શબ્દો અને આલિંગનની હૂંફ વખતોવખત અભિવ્યક્ત કરવી અનિવાર્ય છે. નિષ્યાનાં માતા-પિતા આ બાબત સારી રીતે સમજ્યાં એટલે સારવાર બાદ સમય જતાં નિષ્યા વધુ હેલ્ધી થવા લાગી. વિનિંગ સ્ટ્રોક : મા-બાપ તરફથી લાગણીની અતિવૃષ્ટિ તેમજ રૂક્ષતારૂપી અનાવૃષ્ટિ બંને સંતાન માટે સમસ્યાઓ ઊભી કરી શકે. ⬛ drprashantbhimani@yahoo.co.in

અન્ય સમાચારો પણ છે...