સમયના હસ્તાક્ષર:કાશ્મીરમાં હત્યા, વિસ્થાપન અને અલગાવી ઈરાદાઓ…

વિષ્ણુ પંડ્યા21 દિવસ પહેલા
  • કૉપી લિંક

વળી પાછું કાશ્મીર હત્યાઓનો ભોગ બની રહ્યું છે. મુખ્યત્વે કાશ્મીરી પંડિતો તેનાં નિશાન બને છે. આ બધું ‘ટાર્ગેટ કિલિંગ’ અનુસારનો એજન્ડા છે. રાજસ્થાની બેંક કર્મચારી વિજયકુમાર, એ જ કુલગામની શિક્ષિકા રજની બાલા તેમજ રાહુલ ભટ્ટ, સુશીલ ભાણ માર્યા ગયાં. લોકપ્રિય ગાયિકા આમરીન (અંબરીન) ભટ્ટને તો તેના ઘરની બહાર બોલાવીને મારી નાખવામાં આવી. નોંધવા જેવું છે કે બિનકાશ્મીરી હિન્દુઓ પણ ભોગ બની રહ્યાં છે. રજની બાલા શાળામાં વર્ગ લઈ રહી હતી. જેકે પોલીસકર્મી મુદસ્સિરનો ભોગ લેવાયો. બિહાર-પંજાબના બે મજદૂરોની હત્યા થઈ. કાશ્મીરી સાહિત્યકાર અગ્નિશેખર હજુ થોડાક દિવસ પર વર્ધા યુનિવર્સિટીના એક પરિસંવાદમાં મળ્યા ત્યારે તેમણે અંગત વાતચીતમાં મારી સાથે કાશ્મીર ઘાટી વિશે ગંભીર ચર્ચા કરી. થોડાક દિવસ પર તેમણે છેલ્લાં બે વર્ષના હિંસાચારની વેદના વ્યક્ત કરી હતી. પાંચેક વાર પંડિતોને માટે હિજરત કરવાનું દુર્ભાગ્ય રહ્યું છે. તેમનો એકમાત્ર આધાર પણ ખલાસ થઈ ગયો તેના કારણે બહાવરા બની ગયા છે. બીજું, સરકારના આતંકવાદી વિરુદ્ધનાં સખત પગલાં લેવાથી ક્રમશ: સફાયો થવા લાગ્યો તે કાશ્મીર, પાકિસ્તાન નિયંત્રિત કાશ્મીર અને પાકિસ્તાનના આતંક પર આકરો ઘા પડ્યો છે. ત્રીજી વાત ભારે મહત્ત્વની છે, 32 વર્ષથી વિસ્થાપિત હિન્દુ પંડિતોની ઘરવાપસીની પ્રક્રિયા. આગામી ચૂંટણીમાં મતક્ષેત્રોનું સીમાંકન થયું તેનો કેટલાંક પરિબળોએ વિરોધ કર્યો. એ જ રીતે ગ્રામકક્ષાએ સ્વ-શાસનનો અસરકારક પ્રયોગ થઈ રહ્યો છે- પંચાયત સ્થાપનાનો, તેણે તો સ્થાપિત હિતોના હોશહવાસને ખલાસ કરી નાખ્યો. હવે અહીં અબ્દુલ્લાઓ, મુફ્તીઓ ક્યારેય નહીં ફાવે તેની ખુશી શ્રીનગરના સામાન્ય મુસ્લિમોમાં પ્રવર્તે છે. મત બેંક ઝૂંટવાઈ જવી કોને ગમે? અને કાશ્મીરમાં તો 1947થી જ સાવ અલગ અને બેહૂદી પરિસ્થિતિ પેદા થઈ તેનો લાભ કાશ્મીરના અલગાવ અને કેન્દ્રનું બ્લેકમેઈલિંગ, એમ બેવડી રીતે લેવાયો. 1982માં આસામ આંદોલન દરમિયાન એક છાત્રનેતાએ કહ્યું હતું કે જેટલું કેન્દ્રીય નાણું કાશ્મીરની પાછળ ખર્ચવામાં આવ્યું એટલું ઈશાન ભારતમાં ખર્ચાયું હોત તો આ સ્થિતિ પેદા થઈ ના હોત. વહાલા-દવલાની નીતિએ જ આસામમાં ગુસ્સો પેદા કર્યો છે. એ તો સીધી સાદી વાત છે કે પાકિસ્તાનને ગમે તે ભોગે કાશ્મીર પોતાનું બનાવવું છે. 1947માં કબાઈલી આક્રમણનો હેતુ એવો જ હતો એટલે અરધું કાશ્મીર તો કબજે કરી પણ લીધું. આભાર આપણી સેનાનો કે બાકીનો માત્ર ભારતનું કાશ્મીર બની રહ્યો, પણ સામાન્ય મુસ્લિમ નાગરિકના દિલ-દિમાગમાં મઝહબી માધ્યમથી અલગાવ પેદા કરવામાં આવ્યો. અને પાકિસ્તાને તેને આંતરરાષ્ટ્રીય તખતા પર ‘મઝહબી મુદ્દો’ બનાવ્યો. ઈરાન સહિતના 37 ઈસ્લામિક દેશોનો ટેકો મેળવ્યો. લિબિયા, ઈરાન, સાઉદી અરેબિયા, જોર્ડનને તો 1965 અને 1971ના ભારત સાથેના યુદ્ધમાં પાકિસ્તાનની તરફેણ કરીને ટેકો આપ્યો હતો. ‘પાન-ઈસ્લામ’નો એજન્ડા આ રીતે કૂટનીતિ (ડિપ્લોમસી)માં ઉમેરી દેવામાં આવ્યો. જોકે, હવે તેવું રહ્યું નથી, પણ ચીન, સીટો-સેન્ટો, 1954-1959 પાક-અમેરિકી કટારો, ચીની શસ્ત્રો અને રસ્તાઓએ ભૂ-રાજકીય નકશાને ભારત વિરોધી બનાવી દીધો હતો! ચીની અડપલાં હજુ પણ તેવાં જ છે અને ભરોસાને લાયક નથી. કાશ્મીરનું આંતરિક રાજકારણ બાહ્ય પરિબળોથી ચાલતું હતું તેવું હવે રહ્યું નથી. 1963માં ગુલામ મોહમ્મદ બક્ષીની જગ્યા ખ્વાજા શમસુદ્દીને લીધી. 26 ડિસેમ્બરે હજરત મોહમ્મદનો ‘પવિત્ર વાળ’ હઝરત બાલમાંથી ગુમ થયો એવી અફવાએ રમખાણો શરૂ કરાવ્યાં અને શમસુદ્દીનની ગાદી અસલામત થઈ. તેની જગ્યાએ જી.એમ. સાદિક આવ્યા હતા. કેન્દ્રની કોંગ્રેસ સરકારના નિર્ણયો પણ વિરોધાભાસી રહ્યા. શેખ અબ્દુલ્લાની નેહરુજીએ તરફેણ કરી હતી, પણ પછી તેની ધરપકડ કરવી પડી. તેના પછી ગાદીનશીન થયેલા ગુલામ મોહમ્મદ બક્ષી ‘વડાપ્રધાન’ (કાશ્મીરમાં આવી પ્રથા હતી!)ને 1964માં જેલભેગા કરી દેવાયા! શેખ અબ્દુલ્લાએ પોતાની ગાદી કાયમ રહે તે માટે જ ચૂંટણી પંચ અને સર્વોચ્ચ અદાલતની સત્તાઓને કાશ્મીરમાંથી હટાવી લીધી હતી! ‘પરમેનેન્ટ રેસિડેન્સ’ કાનૂને તો હદ કરી નાખી. 1947ના હિન્દુ શરણાર્થીઓને હાંસિયામાં ધકેલીને જે અલગાવવાદી હતા તેમને નિવાસી બનાવવામાં આવ્યા. આજે નવાઈ લાગે પણ 1951ની ચૂંટણીમાં શેખ અબ્દુલ્લાના પક્ષે સત્તા પર રહેવા માટે પ્રજા પરિષદના તમામ ઉમેદવારોને જ ગેરકાયદે ઠેરવી દીધા હતા! કાશ્મીર ખીણમાં કુલ 62 ઉગ્રવાદી સંગઠનોનું અસ્તિત્વ હતું, આજે તેની સંખ્યા ઓછી થઈ હશે, પણ અસ્તિત્વ તો છે જ. જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રન્ટ (જેકે એલએફ), પાકિસ્તાની કાઉન્સિલ, અન્સરુલ ઈસ્લામ! પીપલ્સ લીગ, જે એન્ડ કે લિબરેશન ફ્રન્ટ, હિઝબુલ મુઝાહિદ્દીન, અલ્લાહ ટાઈગર્સ, ઈસ્લામિક જમિયત તુલબા, દુખતરન-એ-મિલ્લત, અલ બદર, ઓપરેશન બાલાકોટ, ઝીયા ટાઈગર્સ, કાશ્મીર ફિલ્મ, આર્મી ગેરિલા કમાન્ડો, સ્ટુડન્ટ્સ લિબરેશન ફ્રન્ટ, અલ ખોમેની, હીઝબી ઈસ્લામી, કાશ્મીર ફ્રીડમ મૂવમેન્ટ, કાશ્મીર લિબરેશન ફ્રન્ટ, જે એન્ડ કે લિબરેશન ઓર્ગેનાઈઝેશન, ઈસ્લામિક સ્ટુડન્ટ્સ લીગ અલ-મહેમુદી મુઝાહિદ્દીન, ઈન્કિલાબી કાઉન્સિલ, વિક્ટરી કમાન્ડો ફોર્સ, ઈસ્લામિક જમ્હુરી કાશ્મીર, પીપલ્સ લિબરેશન, તેહરીકે આઝાદ, સોલ્જર્સ ફિલ્ડ, ફ્રન્ટ, ફ્રી આર્મી, ઈખ્વાન-ઉલ-મુસલમાન, હીજ-ઉલ-આઝાદી, અલ હમઝાહ, અનવર-ઉલ-ઈસ્લામ, તેહરિકે આઝાદી, જિન્નાહ લિબરેશન ટાઈગર, કે.વી.સી., અલ-કરબલા ગ્રૂપ… આ બધાં સંગઠનો ચોપડા પર છે! 1947ના વિભાજનનું સૌથી ખતરનાક પરિણામ-કેન્દ્ર કાશ્મીર છે. તેની સમસ્યા કેન્દ્રે મોટા પડકાર તરીકે ઝીલી લીધી છે. કાશ્મીરમાં અલગાવવાદીઓનાં મોત અને યાસિન મલિક જેવાને આજન્મ સજા તેનાં હાલનાં ઉદાહરણો છે, પણ હજુ વધુ ‘એક્શન’ જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...