તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હવામાં ગોળીબાર:ખુશ્બુ... ગુજરાત કે ભજિયાં કી!

3 મહિનો પહેલાલેખક: મન્નુ શેખચલ્લી
  • કૉપી લિંક
  • બિચારો મહિવાલ વિના ટિન્ડર, વિના ફેસબુક, વિના સ્નેપચેટ સોહનીના પ્રેમમાં પડી ગયો હતો

સોહની-મહિવાલની મૂળ દંતકથા એવી છે કે ચોમાસાની મસ્ત સીઝનમાં જ્યારે સોહની ગરમાગરમ મસાલેદાર ભજિયાં તળતી હતી ત્યારે તેની સુગંધ છેક હિમાચલ પ્રદેશમાં ગઢવાલ ગામે લોટ દળવાની ઘંટી ચલાવતા મહિવાલના નાકે પહોંચી હતી! ‘ઓહો! આ ભજિયાંની સુગંધ આટલી મનમોહક છે તો એ તળવાવાળી કેવી મોહિની હશે!’ એવું વિચારીને બિચારો મહિવાલ વિના ટિન્ડર, વિના ફેસબુક, વિના સ્નેપચેટ પ્રેમમાં પડી ગયો હતો. પોતાનું સળવળતું નાક તેના માટે એન્ટેના બની ગયું! એ મહિવાલ છેક ગઢવાલથી ભાવનગર સુધી ‘ભજિયાંની તળનારી’નાં દર્શન કરવા ખેંચાઈ આવ્યો હતો. હા, એ વાત અલગ છે કે સોહનીના બાપે તેને ચણાના લોટમાંથી એક લાખ દાંડિયા બનાવવાની શરત મૂકી હતી, જેના કારણે જ ભાવનગરમાં લાંબા વણેલા ગાંઠિયાની શોધ થઈ હતી. આપણે હમણાં ગાંઠિયાને બાજુમાં મૂકો, કારણ કે આ વરસાદની મોસમમાં ગરમાગરમ ભજિયાં ખાવાની જે લિજ્જત આવે છે તેનાથી વધારે લિજ્જત જો આવતી હોય તો તે ભજિયાં તળાતાં હોય તેની સુગંધ માણવામાં આવે છે. કવિ કાલિદાસે જે ‘અષાઢસ્ય પ્રથમ દિવસે...’ નામનું પ્રણય-કાવ્ય લખ્યું છે તે હકીકતમાં તો તળાઈ રહેલાં ભજિયાંની સુગંધથી જ પ્રેરાઈને લખ્યું હોવાના પુરાવાની શોધ ભારતભરના પુરાતત્ત્વ વિભાગોમાં ચાલી રહી છે. અમદાવાદના ફેમસ રાયપુર ભજિયાં હાઉસ પાછળની અસલી દંતકથા એવી છે કે ભજિયાં ખાવાનો શોખીન પેલો સસલો તાજાં તળાઈ રહેલાં ભજિયાંની સુગંધ તરફ લાળ ટપકાવતો દોડી રહ્યો હતો! એની અડફેટમાં એકાદ કૂતરું આવી ગયું હતું તે જોઈને અહેમદશાહને ભ્રમ થઈ ગયો કે સાબરમતીનાં પાણીમાં કેટલી તાકાત છે! આમાં ને આમાં એણે અમદાવાદ શહેર વસાવી નાખ્યું! જોકે, જતે દહાડે એનો આ ભ્રમ તૂટી જ ગયો, કારણ કે આજે અહેમદશાહ નથી રહ્યો, એનું રાજ પણ નથી રહ્યું છતાં આખા અમદાવાદમાં આજની તારીખે ભજિયાંનું જ રાજ છે! કહેવાય છે કે અહેમદશાહના રાજમાં જે-જે લોકોએ ઉધારમાં ભજિયાં ખાઈને પૈસા ચૂકવ્યા નહોતા તેમને સૌને સાત જનમ પછી જેલની સજા થઈ અને એમણે સાબરમતી જેલમાંથી રાયપુર દરવાજે આવીને ભજિયાં તળવાં જ પડ્યાં! (હાલમાં આ સ્કીમ કોરોનાને કારણે બંધ છે, કેમ કે આજકાલ ઘેર-ઘેર બહેનો ભજિયાં તળે છે અને જો કેદીઓ ભજિયાંની સુગંધથી ઘરમાં ઘૂસી આવે તો નવી ઉપાધિઓ થાય.) મહાન શાયર ગાલિબ ભજિયાંના જબરા શોખીન હતા. જો તેમને ભજિયાં ન ખાવા મળે તો તે બીમાર પડી જતા હતા! એટલે જ તે લખી ગયા કે ‘ઉન કે ‘ખાને’ સે જો આતી હૈ મુઁહ પર રોનક, વો સમજતે હૈ કી બીમાર કા હાલ અચ્છા હૈ!’ ભજિયાંનાં વિવિધ સ્વરૂપો છે. સાદાં ભજિયાં, કાંદા ભજિયાં, મરચાંનાં ભજિયાં, ગોટા ભજિયાં, બટેટાની કાતરીનાં ભજિયાં, વેજિટેબલ ભજિયાં, બેબી-કોર્ન ભજિયાં (લેટેસ્ટ છે). ટામેટાં ભજિયાં, આઈસક્રીમ ભજિયાં (જી હા, રાજકોટમાં બને છે) એટલે જ આપણા ગુજરાતી આદિ કવિ નરસિંહ મહેતાએ ગાયું હતું કે ‘હોય ભલે રંગ-રૂપ જુજવાં, અંતે તો ચણાનો લોટ હોય!’ મશહૂર ફિલ્મકાર મનોજકુમાર ચણાના લોટની તાકાત પારખી ગયા હતા એટલે જ તેમણે ‘ક્રાંતિ’ ફિલ્મમાં ગાયન લખાવડાવ્યું કે ‘મેરા ચના હૈ અપની મરજી કા, મરજી કા ખુદગર્જી કા!’ ગુલઝાર જેવા ગુલઝાર જ્યારે ભજિયાં વિશે કવિતા ના લખી શક્યા ત્યારે એમણે આખી ફિલ્મ બનાવી, જેનું નામ હતું, ‘ખુશ્બુ!’ અરે, એ ભજિયાંની જ ખુશ્બુ હતી ને? ભજિયાં તળવામાં બે ચીજ મહત્ત્વની છે. એક માચીસ અને બીજો ઝારો. ગુલઝારે ‘માચિસ’ નામની ફિલ્મ બનાવી અને બાકી હતું તે યશ ચોપરાએ પૂરું કર્યું, ‘વીર-ઝારા’ નામની ફિલ્મ બનાવીને.⬛ mannu41955@gmail.com

અન્ય સમાચારો પણ છે...