અંદાઝે બયાં:ખોયા હુઆ ખજાના ગુજરા હુઆ જમાના

11 દિવસ પહેલાલેખક: સંજય છેલ
  • કૉપી લિંક

ટાઇટલ્સ યાદોથી ખતરનાક ખજાનો કોઇ નથી. (છેલવાણી) ધરતીના પેટાળમાં છુપા ખજાનાઓમાં રાતના અંધકાર જેવું રહસ્ય હોય છે, જૂના પ્રેમપત્ર જેવો જર્જર રોમાંસ હોય છે ને સાડા ત્રણ કરોડ રુવાડાં ઊભાં કરતો રોમાંચ હોય છે. દંતકથા છે કે સિકંદર ભારતમાં કોઇ ખજાનો શોધવા આવેલો જેમાં કોઇ જડીબુટ્ટી હતી જેનાથી અમર થઈ જવાય. ભારતની સરહદ પર એ ખજાનો શોધતો હતો ત્યાં એક ત્રિકાળજ્ઞાની ઋષિએ સિકંદરને પૂછ્યું. ‘તું અમર થવાની જડીબુટ્ટી શોધે છે ને?’ સિકંદરે કહ્યું, ‘હા સાવ સાચું મહારાજ, એ જડીબુટ્ટી જ મારા માટે છેલ્લો ખજાનો છે કારણ કે મેં આખું જગત તો જીત્યું પણ હવે મારે મૃત્યુને જીતવું છે.’ ઋષિએ કહ્યું, ‘બેટા, મેં એ જડીબુટ્ટી મેળવેલી ને એનાથી જ હું ત્રણસો વર્ષથી હજી જીવું છું…પણ હવે મારી આસપાસ કોઈ જ નથી. મારાં સગાંવહાલાં, મિત્રો, બધાં જ મરી ગયાં છે. હું સદીઓથી સાવ એકલો અટૂલો છું. તારે પણ આવી કારમી કાતિલ એકલતાનો ખજાનો જોઈએ છે?’ ...એ સવાલ સામે વિશ્વવિજેતા સિકંદર હારી ગયો. હમણાં જ નેધરલેન્ડના ઓમેરીન વિસ્તારનું નાનું ગામ, લાખો યહૂદીઓને રિબાવી રિબાવીને મારનારા ઘાતકી નિર્દયી નાઝીઓ દ્વારા છુપાવવામાં આવેલા ખજાના માટે ચર્ચામાં અવેલું. 1944માં ક્રૂર, ધર્માંધ નાઝી સૈનિકોએ આર્નહેમ શહેરમાં વિસ્ફોટ કરીને બેંકની તિજોરીઓને ઉડાવી નાખેલી ને એમાંથી લાખોની કિંમતી માલમત્તાઓ લૂંટેલી. પછી 1945માં નેધરલેન્ડ, જ્યારે નાઝીઓના કબ્જામાંથી મુક્ત થયું એનાં થોડાં અઠવાડિયાં પહેલાં 5 જર્મન સૈનિકોએ ઓમेेેરીનના જંગલમાં સોના-ચાંદી, ઝવેરાત, ઘડિયાળો ને વિસ્ફોટકોથી ભરેલી 4 પેટીઓ દાટી હતી, પણ એ નાઝી-સૈનિકો લૂંટનો માલ દાટી રહ્યા હતા ત્યારે એમને ખબર નહોતી કે પાસેની ઝાડીમાં એમનો જ એક સાથી સૈનિક હેલમુટ સોન્ડર, ઈજાગ્રસ્ત હાલતમાં પડ્યો હતો ને એણે બધું ધ્યાનથી જોયેલું. પછી એ સોન્ડરે પેલો ખજાનો ક્યાં ને કેટલો ઊંડો દટાયો છે, એનો ઝીણવટભર્યો નકશો તૈયાર કરેલો. ત્યાર બાદ એ સોન્ડરનું શું થયું એની કોઈ જાણકારી નથી પણ એ નકશો ‘ડચ નેશનલ આર્કાઈવ્ઝ (સંગ્રાહલય)’માં સચવાયેલો હતો અને હમણાં થોડા સમય પહેલાં જ એ નકશાને આર્કાઈવ્ઝે પોતાના મેગેઝિનમાં છાપ્યો ત્યારે નાનકડા ઓમેરીન ગામમાં આખા દેશમાંથી લોકો રાતોરાત ખજાનો શોધવા પાવડા, મેટલ-ડિટેક્ટર વગેરે લઈને પહોંચી ગયાં. લોકોને નકશો તો મળ્યો પણ એ લૂંટનો ખજાનો ના મળ્યો. સ્થાનિક લોકોનું કહેવું છે કે ત્યાંની જમીનમાં બીજા વિશ્વયુદ્ધના સમયના જીવતા બોમ્બ હજુ જમીનમાં દટાયેલા છે એટલે વધારે ઊંડો એ ખજાનો શોધવો કદાચ ખતરનાક સાબિત થઈ શકે… છે ને કોઇ હોલિવૂડ ફિલ્મ જેવો સનસનીખેજ પ્લોટ? આપણે ત્યાં અગાઉ યુ.પી.માં ઉન્નાવ પાસે એક સાધુને સપનું આવેલું કે ત્યાં કોઈ રાજાનો ખજાનો દટાયેલો છે અને જો સરકાર ખોદી કાઢે તો ભારતની પ્રજા ન્યાલ થઈ જાય. કોઇને સપનું આવે ત્યાં સુધી ઠીક છે પણ આવા તુક્કા પર પુરાતત્ત્વ વિભાગ પણ ખજાનો શોધવા ત્યાં કોદાડી ને પાવડા લઈને પહોંચી ગયું! આપણાં સૌના ટેક્સના પૈસે ચાલતા એ વિભાગ દ્વારા મહિનાઓની મહેનત બાદ ત્યાં કશું જ નીકળ્યું નહીં. જોકે ઇટ્સ ઓકે, આમ પણ આ દેશના ખજાનાઓ તો અગાઉ વિદેશી ને હવે દેશી શાશકો દ્વારા લૂંટાયા જ કરે છે ને? ઇન્ટરવલ ગુજરા હુઆ જમાના, આતા નહીં દોબારા, હાફિઝ ખુદા તુમ્હારા. (તન્વીર નક્વી) એક માણસને ખબર પડી કે એના આંગણામાં મોટો ખજાનો દટાયેલો છે. એ મહેનત કરીને ખૂબ ખોદે છે પણ કશું મળતું નથી. છેવટે કંટાળીને એ ખોદવાનું છોડી દે છે. થોડા દિવસ પછી પુરાતત્ત્વ વિભાગના માણસો ત્યાં ખોદવાનું શરૂ કરે છે અને એમણે માત્ર 4 ફૂટ જેટલું જ ઊંડું ખોદ્યું કે એક ખજાનો બહાર નીકળ્યો. પેલાને અફસોસ થયો હશે કે હાય, જો જરાક વધારે ખોદ્યું હોત તો ખજાનો મળી જાત! મામૂલી પ્રેમ કે મહામૂલા ઈશ્વરની ખોજનો ખજાનો શોધવો પણ એવી જ વાત છે. સાંસ તૂટ જાતી હૈ, આસ નહીં છૂટતી. કહેવાય છે કે ચૌલા વંશના મહાન રાજવીઓએ સદીઓ સુધી રાજ કરીને અણમોલ ખજાનો બનાવેલો. જ્યારે દુશ્મનોએ આક્રમણ કર્યું ત્યારે એ ખજાનો એમણે છુપાવી દીધેલો ને જેના વિશે અમુક જ લોકોને ખબર હતી. વર્ષો પછી શિવાજી મહારાજે જ્યારે ‘હિન્દવી સામ્રાજ્ય’ સ્થાપ્યું ત્યારે ચૌલા વંશના વારસદારોએ શિવાજી મહારાજને કહ્યું કે તમે આ ખજાનો સાચવો. શિવાજી મહારાજે કહ્યું: ‘ના, એ મારી સંપત્તિ નથી એટલે હું એને હાથ નહીં લગાડું, પણ હું એ ખજાના માટે આઠ ગુપ્ત શિલેદાર કે સેનાપતિ રાખીશ, જે ખજાનાને વર્ષાનુંવર્ષ સાચવશે’ હજીયે એ ખજાનો ક્યાં છે ને એને સાચવનાર શિલેદારના વંશજો ક્યાં છે- એ રહસ્ય જ છે...પણ આખી વાતમાં શિવાજીની મહાનતા દેખાય છે કે બીજા રાજવીના અમૂલ્ય ખજાનાને હાથ લગાડાય નહીં. કદીક થાય છે કે આપણે સંસદ કે વિધાનસભાઓ ખોદી કાઢવી જોઈએ. ખબર નહીં એમાંથી કેટલાં હાડપિંજરો, સ્કેન્ડલો કે કૌભાંડો બહાર આવશે. રાજકારણીઓનાં ઘરોનાં કમ્પાઉન્ડ ખોદવા જોઈએ. ખબર નહીં કેટલા કરોડો રૂપિયા કે સોનાનાં બિસ્કિટ મળી આવશે. લોકલ છાપાં કે નેશનલ ન્યૂઝ-ચેનલોની ઓફિસો ખોદવી જોઈએ. ખબર નહીં કેટકેટલા દબાવી દીધેલા સમાચારોની કમાણીઓ કે નાક દબાવીને કમાયેલાં કાળાં નાણાં મળશે! કે પછી કવિઓ, કલાકારો કે લેખકોનાં દિલ ખોદવા જોઈએ. ખબર નહીં કેટકેટલી અધૂરી રચનાઓ, કેટકેટલાં તૂટેલાં દિલોના આહભર્યા અહેવાલ એમાંથી નીકળી આવશે. કંઈ કેટલાંયે ખજાનાઓ ધરબાઈને પડ્યા હશે, આ ધન્ય ધરામાં.. એન્ડ-ટાઇટલ્સ આદમ: મારી આંખોમાં શું શોધે છે? ઈવ: ખોવાયેલો ખજાનો! { sanjaychhel@yahoo.co.in