તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આપણી વાત:કેનેડીના વંશજો તમને ભટકાય છે?

વર્ષા પાઠક3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જ્યારે જુઓ ત્યારે માગ્યા કરો છો, ટેક્સ સિવાય બીજું શું આપો છો?

જ્હોન એફ કેનેડીએ 20 જાન્યુઆરી, 1961ના દિવસે અમેરિકાના 35મા પ્રેસિડન્ટ તરીકે શપથગ્રહણ કર્યા. દેશને સંબોધીને એમણે જે પ્રથમ ભાષણ આપ્યું, એ કોણે લખી આપેલું (કે એમણે પોતે દિલથી કહેલું) એ આપણે જાણતાં નથી, પરંતુ એમણે ત્યારે ઉચ્ચારેલા શબ્દો વિશ્વ ઇતિહાસમાં કાયમી સ્થાન પામી ગયા- Ask not what your country can do for you- ask what you can do for your country. એ ન પૂછો કે તમારો દેશ તમારા માટે શું કરી શકે- એ (ખુદને) પૂછો કે તમે તમારા દેશ માટે શું કરી શકો. એ વખતે તો આ વાત સાંભળીને ત્યાંનાં લોકો, ખાસ કરીને યુવાનો ભાવવિભોર થઇ ગયેલાં. કેનેડી એમનો હીરો હતો અને એણે ખરા રાષ્ટ્રપ્રેમીની વ્યાખ્યા બાંધી આપેલી- એવી વ્યક્તિ જે દેશ પાસેથી શું મળશે એવું પૂછવાને બદલે પોતે કઈ રીતે દેશના વિકાસમાં યોગદાન આપી શકે એનો જ વિચાર કરે. અફકોર્સ પછી થોડા દિવસોમાં, કદાચ થોડા જ કલાકોમાં આ જુવાળ ઓસરી ગયો હશે. ઘરની ચિંતા કરવી કે દેશની? પરંતુ દુનિયાભરના નેતાઓને કેનેડીના આ શબ્દોમાં બહુ મોટી, ઈમ્પોર્ટન્ટ ટીપ મળી ગઈ. ખાસ કરીને ગરીબ દેશોના અમીર શહેનશાહોને તો આ બહુ ગમી ગયું. બિચારી જનતા કંઈ પણ માગે, એટલે સત્તાસ્થાને બેઠેલાંએ ઈમોશનલ થઈને પૂછવાનું- પહેલાં એ કહો કે તમે દેશને શું આપ્યું કે આપશો? પોતાના હકનું માગી રહેલાં લોકો પણ ઘડીક મુંઝાઈ જાય. અરે, ભલીભોળી વ્યક્તિને તો લજ્જા અને ગુનાહિત લાગણી ઘેરી વળે કે અરરર, હું આટલી સ્વાર્થી? પછી ધીમે-ધીમે અક્કલ આવે કે ઉલ્લુ બની ગયાં. જોકે, મેન્યુફેક્ચરિંગ ડિફેક્ટ હોય તો પછીયે દિમાગ સિગ્નલ ન આપે કે ખુરશી પર બેઠેલાએ જ્યારે કહ્યું કે તમારો દેશ તમારા માટે શું કરી શકે એ ન પૂછો, ત્યારે હકીકતમાં ‘દેશ’ની જગ્યાએ ‘સરકાર’ શબ્દ સાંભળવાનો હતો. પ્રજાએ એની પાસે કંઈ માગવાને બદલે એટલું જ વિચારવાનું કે સામેથી હું હજી કેટલું આપી શકું? ભલે ને પછી આપવા માટે કશું બચ્યું ન હોય. આ જ ખરો રાષ્ટ્રપ્રેમ કહેવાય. લોકશાહી તંત્રમાં સરકાર માઇબાપ કહેવાય છે, પરંતુ વાસ્તવિકતામાં એવું બને છે કે ચૂંટાયા પછી એ માઇબાપ લાડકવાયા દીકરાના રોલમાં આવી જાય છે અને પ્રજાએ ફરજપરસ્ત માઈબાપ બનીને એ પુત્રરત્નનો પડ્યો બોલ ઝીલવાનો આવે. બાપ ભલે તૂટેલાં ચંપલ પહેરીને મજૂરી કરવા જાય, કે મા ફાટેલી સાડી પહેરીને અડધી ભૂખી રહે, પણ દીકરાને લાખેણા જરકસી જામા પહેરાવવા પડે. હરવા-ફરવા માટે એને ઈમ્પોર્ટેડ ગાડી ઓછી પડે તો પ્લેન હાજર કરી દેવું પડે. એણે તો જગતમાં કુળનું, દેશનું નામ ઉજાળવાનું હોય. એની પાસે ન કંઈ મગાય, ન કંઈ પુછાય. હવે વધુ મોટી તકલીફ ત્યારે થાય જ્યારે એ વહાલા દીકરાના વહાલેશ્વરી થવા મથતાં લોકો મેદાનમાં આવે. સવાલ પૂછનારને સામો સવાલ પૂછીને તોડી પાડે. હમણાં-હમણાંથી આપણે ત્યાં તો આવું બહુ થાય છે. આગળ વધતાં પહેલાં સ્પષ્ટતા કરી લેવાની કે અહીં હું કોઈ રાષ્ટ્રવિરોધી, અર્થાત્ સરકારવિરોધી, અર્થાત્ મોદીવિરોધી વાત નથી કરતી. તમે કહો એના સોગન ખાઇ લઉં. વૉટ્સએપના કહેવા પ્રમાણે આપણા વડાપ્રધાન મોદીજીને વિશ્વના શ્રેષ્ઠ નેતા જાહેર કર્યા છે, અને મેં વફાદારીભેર એમના દરેક આદેશનું પાલન કર્યું છે- એમણે કહ્યું તો નોટબંધી વખતે કલાકો સુધી બેન્કની બહાર લાઈનમાં ઊભી રહી, પેન્ડેમિક દરમિયાન દીવા પ્રગટાવ્યા, થાળી પીટી, લોકડાઉન વખતે એમણે કહ્યું તો ત્રણ મહિના કામ પર નહીં આવેલી બાઈને પૂરો પગાર આપ્યો. મોટા માણસો આપણાં પૈસા લૂંટીને દેશ બહાર ભાગી ગયા અને બેન્કવાળા મારી નાનકડી એફડી પરનું વ્યાજ ઘટાડતા જાય છે, તોયે હું ફરિયાદ નથી કરતી. ટૂંકમાં, સોરી લંબાણપૂર્વક લેખક એવું કહેવા માગે છે કે એ રાષ્ટ્રદ્રોહી નથી. ઓકે? તો હવે મારાં જેવા અનેક વફાદાર પણ મામૂલી સૈનિકોને પડી રહેલી નાની-મોટી તકલીફની વાત કરું તો વાંધો નહીં ને? તો બોસ બહુ સારા જ હશે, પણ એમણે છુટ્ટા મૂકેલાં બાંગડુઓ બહુ સતાવે છે. જ્યારે પણ કોઈ ફરિયાદ કરીએ કે કંઈ માગીએ ત્યારે તરત સામે પૂછે છે કે તમે આ સમસ્યા સુલઝાવવા શું કર્યું? તમે દેશ માટે શું કર્યું? આવું પૂછનારાં પાસે પોતે ગામના પૈસે કેટલાં કિલો ઘઉં-ચોખાનું વિતરણ કર્યું, હોસ્પિટલમાં કેટલા ડોક્ટરોને ફટકાર્યા, વગેરેનો પૂરો હિસાબ હોય છે. આપણે તો અનાજ કે પૈસા આપીને ભૂલી ગયાં હોઇએ. ફોટા પાડ્યા ન હોય તો પુરાવા કઈ રીતે રજૂ કરવા? પણ વારંવાર આવાં ટપલાં ખાધાં પછી આપવાલાયક જવાબ મળ્યો કે ‘કેમ વળી, હું ઈન્ક્મટેક્સ ઉપરાંત સરકાર કહે એ બધાંય ટેક્સ ભરું છું.’ પરંતુ ખરાં રાષ્ટ્રપ્રેમીઓને આ જવાબ ગમતો નથી. તરત કહે કે ‘કેમ, સરકાર ઉપર ઉપકાર કરો છો? બદલામાં આટલી સગવડો મળે છે, એનું શું? પ્રામાણિકપણે ટેક્સ ભરવો એ દરેક નાગરિકની ફરજ છે.’ હવે આની સામે ભૂલેચૂકે પણ કહીએ કે ‘ટેક્સના પૈસા લઈને સરખી સગવડ આપવાની ફરજ સરકારની છે, જનતાના પૈસા જનતાના કલ્યાણ માટે વાપરીને એ કોઈ મહેરબાની નથી કરતા.’ તો પછી એટલું બધું સાંભળવું પડે કે પાછાં કેનેડી યાદ આવે. એટલે હવે રોજ ઊઠીને વિચારું છું કે દેશ માટે હજી વધુ શું કરું... શું કરું?⬛ viji59@msn.com

અન્ય સમાચારો પણ છે...