નીલે ગગન કે તલે:કસ્તુર કાપડિયા–ગાંધી

મધુ રાય7 દિવસ પહેલા
  • કૉપી લિંક

લખાણ એટલે શું, માણારાજ? લખાણ એટલે તમને જેમાંથી કાંઈ ગનાન મલે તે? કે લખાણ એટલે તમે તે ગનાન કઈ શ્ટાઇલથી વાચકના ભાણામાં પીરસિત કરો છો તે? એથીયે ગંભીર સવાલ છે ગનાન મીન્સ વ્હોટ? એક સાથે સિત્તેર લાડવા ખાઈ જતા ભામણની જેમ તમે ચોપડા આરોગતા રહો, આરોગતા રહો ને તમે કેટલા લાડવા ખાધા કે તમને કેટલા ચોપડા લાધ્યા તેનાં કીરતન કીધા કરો પણ માણસાઈમાં કે સંસ્કારમાં ઝીરો ઝીરો હોવ, તે ગનાન? કાંઈ નવું જાણવાનું મલે તેથી માનસિક વિકાસ થાય તે વસ્તુ જ્ઞાન પામવાનો હેતુ કહેવાય, નો? અથવા હોવો જોઈએ, ને? દાખલા તરીકે અમારા હાલારમાં જેને નુખ કહે છે, ને બીજે ક્યાંક અટક કહે છે, ને બંગાળીમાં પદબી ને હિન્દીમાં ઉપાધિ કહે છે તેવી દુનિયાની પોપ્યુલરમાં પોપ્યુલર સરનેમો કે લાસ્ટનેમો વિશે આજે હમારા ઇનબક્સામાં દુનિયાની માહિતીપત્ર આવેલ છે, જેમાં અમે અમારા બિલોરી કાચમાં ગાળીને અત્રે કરીએ છીએ. મજકુર માહિતીપત્ર કહે છે કે આજે આપણે અંગ્રેજોએ આપેલી રસમ મુજબ મોહનદાસ કરમચંદ ગાંધી લખીએ છીએ પણ તે રસમ દુનિયામાં બધે લાગુ પડતી નથી. જેને માટે મોંગોલિયા નામે દેશ પ્રખ્યાત છે તે ક્રૂર અને બર્બર મોંગોલ રાજા ચંગીઝ ખાનના દેશ મોંગોલિયામાં આજકાલ કોઈને સરનેમ હોતી જ નથી! વળી હંગેરી રાષ્ટ્રમાં લાસ્ટનેમ ફર્સ્ટ લખાય છે, જેમકે ગાંધી મોહનદાસ! રશિયામાં પુરુષની અટક ને સ્ત્રીની અટક અલગઅલગ હોય છે જેમકે પીટર રોડઝિન્ક અને પેટ્રિશિયા રોડઝિન્કાઆ! આપણા બંગાળમાં નારી કુમારિકા હોય ત્યાં સુધી સ્વપ્ના કુમારી ને પરણે પછી સ્વપ્ના દેવી! બસ, મુખરજી ફુકરજી કુછ નહીં, તે બધું પુરુષો જાણે! આજકાલ નવા કસ્તુરબાઈ ગોકલદાસ કાપડિયા પ્રભુતામાં પગલાં માંડે મોહનદાસ કરમચંદ ગાંધી સંગાથે, તો લગ્ન બાદ પોતાનું નામ લખે ‘કસ્તુર કાપડિયા–ગાંધી!’ યસ, ગુજરાતની ટેલિફોન બુકોમાં કાપડિયા, ગાંધી, શાહ ને પટેલ વગેરે અટક મોટા પાયે દેખાય છે; આખા ભારતમાં કદાચ સૌથી વધુ સિંહ કે સિન્હા પ્રચુર માત્રામાં છે; ને આખી દુનિયામાં વાન્ગ બોલો ભાઈ વાન્ગ! ચીનમાં સૌથી વધુ લોકો વાન્ગ અટક વાપરે છે! વાન્ગ શબ્દ ચીની લિપિમાં જે રીતે લખાય છે, તેનો અર્થ ‘રાજા’ અથવા ‘સમ્રાટ’ થાય, અને મોટા ગજાના ચીનાઓને તે વાન્ગ લાસ્ટનેમ હોય છે! તે પછી આવે છે, વિયેતનામીઝ અટક ન્યુયેન Nguyen (24.6 મિલિયન). લગભગ 2100 વર્ષ પહેલાં આજે જે વિયેતનામ છે તે પ્રદેશ ચીનના કોઈ સમ્રાટે જીતી લીધેલો. ત્યારે વિયેતનામી પ્રજાને સરનેમ યાને અટકબટક જેવું કાંઈ નહોતું. તો ચીના અમલદારોએ તે નવા ગુલામોને સરનેમ આપ્યું રુઆન Ruan, જે ધીમેધીમે ન્યુયેન Nguyen થઈ ગયું! ને આજના કોરિયાના 17મી સદીમાં નાઇમુલ નામે શાસકે પોતાનો નવો રાજવંશ સ્થાપ્યો, કિમ! તે કિમ રાજાઓએ 500 વર્ષ કોરિયા ઉપર રાજ કર્યું. કિમ એટલે કોરિયન ભાષામાં સોનું! આજે કોરિયાના પાંચમા ભાગ (18.8 મિલિયન)ની વસતીનું લાસ્ટનેમ છે કિમ! આજના બ્રિટનમાં સ્મિથ યાને હથોડાછાપ માડૂ, અર્થાત પોતાના હાથ વડે કોઈ હુન્નરમાં હોશિયાર હોય તે સ્મિથ કહેવાતું: બ્લેકસ્મિથ, ગોલ્ડસ્મિથ, કોપરસ્મિથ. આજે યુકે, યુએસએ, કેનેડા, અને ઔસ્ટ્રેલિયામાં કુલ 45 લાખ સ્મિથો વસન્તા છે. હવે આવે છે મેરા ભારત મહાનના પંજાબની પહાડીઓમાંથી ગરજતા સિંહ, અથવા સિંઘ અથવા સિન્હા! પુરુષોમાં સિંહ હિન્દુ તથા શીખ બંને કોમોમાં અતિપ્રચલિત છે અને શીખ નારીઓમાં ઠેરઠેર છે કૌર. કહેવાય છે કે કેનેડાએ શીખોને ઈમિગ્રેશન માટે અરજી કરતાં પહેલાં પોતાનું સરનેમ બદલવા કહેલું છે; માત્ર સિંહ કે કૌર ન ચાલે કેમ કે બધા જ સિંહ છે ને કેટકેટલી કૌર છે! ખ્રિસ્તી દેશોમાં સૌથી લોકપ્રય સરનેમ છે જોનસન (3.1 મિલિયન). કેમકે બાઇબલમાં અનેક સુપાત્રોનાં નામ જ્હોન છે: જ્હોન ધ એપોસ્ટલ, જ્હોન ધ બાપ્ટિસ્ટ અને જ્હોન ધ ઇવેન્જલિસ્ટ. આજે અમેરિકામાં સ્મિથ પછી બીજા નંબરની અટક છે જોનસન, જોહ્નનનસ સન, યાને જોહ્નના વંશજ. તો આ તરફ કુરાનમાં એટલું જ જાણીતું નામ છે અહેમદ (25.7 મિલિયન) જે પાકિસ્તાન અને મુસ્લિમ પૂર્વ આફ્રિકામાં અત્યંત લોકપ્રિય છે. એહમદ એટલે ‘આભાર અથવા ખાસ કરીને, ‘ભગવાનનો આભાર.’ સ્પેનિશભાષી દેશોમાં ગોન્ઝાલેઝ (9.8 મિલિયન) લાસ્ટનેમ હકડેઠઠ હોય છે. જેનો અર્થ છે ‘ગોન્ઝાલોનો પુત્ર.’ બીજી એટલી જ પ્રચલિત અટક છે રોડ્રિગેઝ (9.2 મિલિયન) સ્પેનિશ ભાષામાં પ્રત્યય -ezનો અર્થ છે ‘પુત્ર.’ એ ‘રોડ્રિગોનો પુત્ર’નો અને એક જમાનામાં રોડ્રિગો નામે કોઈ ‘શક્તિશાળી રાજા’ હશે. આજે હવે તેના વંશજો ઉપરાંત કોઈ પણ પ્રજાજન રાજા રોડ્રિગોના સંતાન તરીકે મૂછો મરડી શકે છે. માહિતીપત્ર તો અહીં પૂરો થાય છે કેમકે તેને માનો કે ગુજરાતની બેટર અટકો વિશે માહિતી ક્યાંથી હોવાની! હવે કોઈ ગુજરાતી લેખક પણ પોતાની સાચી નુખ સંતાડીને જાહેરમાં નવી નુખ વળગાડે છે, જેનો અર્થ પણ ‘રાય’ યાને રાજા થતો હોય!⬛ madhu.thaker@gmail.com

અન્ય સમાચારો પણ છે...