દીવાન-એ-ખાસ:કાશ્મીરી પંડિતોનાં નસીબમાં ઘર વાપસી નથી?

વિક્રમ વકીલ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જેહાદી આતંકવાદીઓએ પૂરાં આયોજન સાથે ત્રાટકવાનું શરૂ કર્યું છે. લશ્કર-એ-તૈયબાના આતંકવાદીઓ ગેરીલા પદ્ધતિથી ભારતના સુરક્ષાદળોને માત આપી રહ્યા છે

90ના દાયકાની શરૂઆતથી કાશ્મીરનાં હિન્દુ પંડિતો પોતાના જ દેશમાં શરણાર્થીઓની જેમ જીવી રહ્યાં છે. જેહાદી આતંકવાદીઓના અત્યાચારથી કાશ્મીરી પંડિતોએ સામૂહિક હિજરત કરવી પડી. હજારો પંડિતોની હત્યા થઈ, સ્ત્રીઓ પર બળાત્કારો થયા અને બાળકોને ક્રૂરતાથી રહેસી નાંખવામાં આવ્યાં. એને 30 કરતાં વધુ વર્ષ થયાં હોવા છતાં પંડિતોને હજી ન્યાય નથી મળી રહ્યો. 2014માં એનડીએ સરકાર સત્તા પર આવી ત્યારે સરકારના સમર્થકોને લાગ્યું હતું કે હવે તો કાશ્મીરનાં પંડિતોને ન્યાય મળશે જ. 370મી કલમની નાબૂદી પછી એ આશા બળવત્તર પણ બની હતી, પણ છેલ્લા થોડા મહિનાથી કાશ્મીરમાં ફરીથી જેહાદી આતંકવાદીઓએ હિન્દુઓ પર હુમલા શરૂ કરી દીધા છે. 90ના દાયકામાં કાશ્મીરના આતંકવાદ વિશે લખવા માટે હું ગયો હતો ત્યારે જમ્મુમાં શરણાર્થી કેમ્પની મુલાકાત લીધી હતી. કાશ્મીરમાં હતાં ત્યારે સમૃદ્ધિનું જીવન જીવતાં પંડિતો આ કેમ્પમાં તદ્દન દયાજનક હાલતમાં રહેતાં હતાં. આર્થિક, શારીરિક અને સામાજિક રીતે રાતોરાત ‘કંગાળ’ થઈ ગયેલાં પંડિતોને આશ્વાસન આપવા પણ ભાગ્યે જ કોઈ આવતું હતું. ત્યાર પછીનાં વર્ષોમાં પોતાનાં બળે કેટલાંક પંડિતો દિલ્હી સહિત દેશના બીજા વિસ્તારોમાં સ્થાયી થયાં. જોકે, મોટાભાગનાં યુવાન–યુવતીઓ એમનો અધૂરો રહેલો અભ્યાસ પૂરો કરી શક્યાં નહીં. પોતાનું બાળપણ કે યુવાવસ્થા ભારે યાતના હેઠળ પસાર કર્યા પછી છેલ્લા કેટલાક સમયથી પંડિતોને લાગ્યું હતું કે પોતાનાં જૂનાં ઘરો (જો બચ્યાં હશે તો)માં ફરીથી તેઓ રહેવા જઈ શકશે. પંડિતોનું આ સપનું પણ પૂરું થાય એમ હમણાં તો લાગતું નથી. જેહાદી આતંકવાદીઓએ પૂરાં આયોજન સાથે ત્રાટકવાનું શરૂ કર્યું છે. લશ્કર-એ-તૈયબાના આતંકવાદીઓ ગેરીલા પદ્ધતિથી ભારતનાં સુરક્ષાદળોને માત આપી રહ્યા છે. કાશ્મીરના ખીણ વિસ્તારની મોટાભાગની વસ્તી ભારત વિરોધી છે. આતંકવાદીઓને એમનો સંપૂર્ણ ટેકો છે. આતંકવાદીઓની હિંસાને કારણે બિહાર તેમજ ઉત્તર પ્રદેશથી આવેલા મજૂરો હવે ભાગી ગયા છે. સ્થાનિક કાશ્મીરીમાંથી ભાગ્યે જ કોઈ સખત મજૂરીકામ કરવા તૈયાર છે. આ સમસ્યાનો ઉકેલ શું? જ્યારે 90 ટકાથી વધુ સ્થાનિકો ભારત વિરોધી છે ત્યારે એમને કહેવાતા ગાંધી ચીંધ્યા માર્ગે સમજાવી શકાય એમ છે? છેલ્લાં 35 જેટલાં વર્ષોથી આ સમજાવવા-પટાવવાની નીતિ ચાલુ છે અને એમાં ભાગ્યે જ સફળતા મળી છે. ભારતીય લશ્કરના ભૂતપૂર્વ ઉચ્ચ અધિકારીઓનું માનવું છે કે લાતોનાં ભૂત વાતોથી માનવાનાં નથી. ફક્ત ત્રાસવાદીઓને જ નહીં પરંતુ જેમના સંબંધ ત્રાસવાદીઓ સાથે છે એવી સ્થાનિક વ્યક્તિઓ સાથે પણ કડકાઈથી કામ લેવું પડે. હજારોની હત્યા કરનાર આતંકવાદીઓમાંથી એક પણ આતંકવાદીને હજી સુધી ન્યાયતંત્ર મારફતે સજા મળી નથી અને એટલે કાશ્મીરમાં શાંતિ સ્થાપવી હોય તો બંદૂકની નળી દ્વારા જ એ સ્થાપી શકાશે. ⬛ vikramvakil@rediffmail.com

અન્ય સમાચારો પણ છે...