ર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની જીત થઈ અને ભાજપ જીતથી વિમુખ રહ્યું એની નવાઈ કેટલાક રાજકીય નિરીક્ષકોને લાગી નથી. રાજસ્થાનની જેમ કર્ણાટકનો પણ ટ્રેન્ડ રહ્યો છે કે જે રાજકીય પક્ષ સત્તામાં હોય એને પ્રજા વિરોધ પક્ષ તરીકે બેસાડે છે. ભાજપ વિરોધીઓ ગેલમાં આવી ગયા છે. એમનું કહેવું છે કે હવે દક્ષિણ ભારતના એક પણ રાજ્યમાં ભાજપ સત્તા પર નથી. એ જ હાલત પૂર્વ ભારતની છે. કર્ણાટકમાં ભાજપની હાર, કોંગ્રેસની જીત અને જેડીએસના સફાયા વિશે રાષ્ટ્રીય વિશ્લેષકો પોતપોતાની રીતે વિશ્લેષણ કરશે. શું કર્ણાટકની ચૂંટણીનાં પરિણામો 2024માં યોજાનાર લોકસભાની ચૂંટણીને અસર કરશે ખરાં? 2014માં ભાજપ અને એના સાથીદાર પક્ષો કેન્દ્રમાં સત્તા પર આવ્યા, ત્યાર પછી ભાજપ વધુ ને વધુ શક્તિશાળી પક્ષ બની રહ્યો છે, એ બાબતે કોઈને શંકા નથી. જોકે તામિલનાડુ, કેરળ, કર્ણાટક, તેલંગાણા, આંધ્ર પ્રદેશ, ઓડિસ્સા અને પશ્ચિમ બંગાળમાં ભાજપે ભરપૂર મહેનત કરી હોવા છતાં એનાં ફળ એને મળ્યાં નથી. ‘હિન્દી, હિન્દુ અને હિન્દુસ્તાન’નું સૂત્ર ગજવ્યા પછી પણ કેટલાંક રાજ્યોમાં ભાજપ ખાસ ઇમ્પેક્ટ પાડી શક્યો નથી. એમ કહેવાય છે કે કર્ણાટકમાં હિન્દુત્વનું કાર્ડ રમ્યા પછી પણ ભાજપને સફળતા મળી નથી. એનો અર્થ એમ થાય કે હિન્દુત્વનો મુદ્દો હવે બહુ અગત્યનો રહ્યો નથી. જોકે હકીકત એ છે કે છેલ્લા કેટલાક સમયથી ભાજપની કેન્દ્રીય નેતાગીરીએ હિન્દુત્વનો મુદ્દો ભૂલાવીને ‘એક હાથ મેં કોમ્પ્યૂટર, દૂસરે મેં કુરાન’ જેવું સ્લોગન આપીને તેમજ આરબ દેશોના દબાણને કારણે પ્રવક્તા નૂપૂર શર્માની હકાલપટ્ટી કરીને પોતાને બિનસાંપ્રદાયિક પ્રોજેક્ટ કરવાની સતત કોશિશ કરી છે. બીજી તરફ કોંગ્રેસે પોતાની મુસ્લિમ મતબેંક ટકાવી રાખવા માટે કર્ણાટકમાં બજરંગ દળ પર પ્રતિબંધ મૂકવાની વાત સુદ્ધાં કરી દઈ પોતાની મૂળભૂત પોલિસી અકબંધ રાખી છે. ભાજપે કદાચ દૂધ અને દહીં બંનેમાં પગ રાખવાનો પ્રયત્ન કર્યો, જેને કારણે કોંગ્રેસને ફાયદો થયો. જોકે આનો મતલબ એમ નથી થતો કે નરેન્દ્ર મોદી પોતાનો જાદુ ગુમાવી રહ્યા છે. આજે પણ સરવે થાય તો સાફ છે કે લોકપ્રિયતાની દૃષ્ટિએ નરેન્દ્ર મોદી, રાહુલ ગાંધી અને અરવિંદ કેજરીવાલ કરતાં ઘણા આગળ છે. કેજરીવાલની વાત નીકળી છે તો એક આડવાત કરી લઈએ. કર્ણાટકમાં આમ આદમી પાર્ટીએ 224 બેઠકોમાંથી 208 બેઠકો પર પોતાના ઉમેદવારો ઊભા રાખ્યા હતા. આ તમામ બેઠકો પર ‘આપ’એ ફક્ત 0.58 ટકા મત મેળવ્યા છે. કર્ણાટકમાં કોંગ્રેસની જીતથી ભાજપને એક આડકતરો ફાયદો પણ થયો છે. કર્ણાટકમાં આપના સફાયા પછી હવે અરવિંદ કેજરીવાલ પોતાને નરેન્દ્ર મોદીના એક માત્ર હરીફ તરીકે ગણાવી શકે એમ નથી. હવે 2024માં લોકસભાની ચૂંટણી કદાચ નરેન્દ્ર મોદી વિરુદ્ધ રાહુલ ગાંધી વચ્ચેના યુદ્ધ તરીકે લડાશે. આનો સીધો ફાયદો ભાજપને થઈ શકે એવી પૂરી શક્યતા છે. કર્ણાટકનાં પરિણામોએ બીજી એક વાત પણ પ્રસ્થાપિત કરી છે. કર્ણાટકમાં જેડીએસનો સફાયો થઈ ગયો છે. ચૂંટણીનાં પરિણામોનું વિશ્લેષણ કરીએ તો જોવા મળશે કે ભાજપે પોતાના મતદારોને પકડી રાખ્યા છે અને કોંગ્રેસે જેડીએસના મતદારોમાં જ મોટું ગાબડું પાડ્યું છે. કર્ણાટકની હારથી ભાજપની થિંક ટેન્કે હવે વિચારવું પડશે કે પોતાના વફાદાર હિન્દુ મતદારોને નારાજ કરીને પોતાની ઇમેજ સેક્યુલર પક્ષ તરીકે પ્રસ્થાપિત કરવી છે કે પછી પોતાની જીતની ફોર્મ્યુલા અકબંધ રાખવી છે. મુસ્લિમ મતદારો સંપૂર્ણ રીતે કોંગ્રેસ અને બીજા પક્ષોની સાથે રહેશે એ બાબતે કોઈ શંકા નથી. ભાજપ કદાચ પોતાના સલાહકારો પણ બદલી શકે એમ છે. રાષ્ટ્રીય પ્રમુખ તરીકે જે. પી. નડ્ડા ખાસ પ્રભાવ પાડી શક્યા નથી. આમ છતાં એ પણ ભૂલવું જોઈએ નહીં કે કર્ણાટકમાં ભાજપની હાર પાછળ મોટા ભાગનાં કારણો સ્થાનિક છે. આવનાર લોકસભાની ચૂંટણીમાં કર્ણાટકનાં પરિણામો ઝાઝો પ્રભાવ પાડી શકશે નહીં.{ vikramvakil rediffmail.com
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.