નીલે ગગન કે તલે:‘કાંતિવલી’

મધુ રાય20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કાંતિલાલ કદી ફિક્શન ન વાંચે, ન વાર્તા, ન નવલકથા, કે ન ડ્રામાફામા, ન સિનેમા જુએ! એ બધામાં કલાકો વેઇસ્ટ કરવાનો શો અર્થ?

એકવાર હરકિસન મહેતાની ઓફિસમાં અમે કહેલું કે હરકિસન મહેતા, તારક મહેતા, અને કાંતિ ભટ્ટે તમારા ફિલ્મી ચોપાનિયાને નેશનલ વીકલી બનાવી દીધું. તો સામે બેઠેલા ચંદ્રકાંત બક્ષી કહે કે તે ત્રણેના ટોટલ કરતાં બક્ષીની મહાજાતિ ગુજરાતી લેખમાળા વધુ પોપ્યુલર છે. તે પછી એકવાર નેહરુજીની ઓફિસમાં અમારાથી બોલાઈ ગયેલું કે ભારતની આઝાદીમાં નેહરુ, સરદાર અને ગાંધીજીનો મોટો હિસ્સો છે. ત્યારે પણ બક્ષી સામે બઠેલા, ને તેમણે કહેલું કે ડોટડોટડોટ! સૌથી પહેલાં કબૂલાત કે બીજા લેખકોની નોવેલુંની ફિલમું ઊતરે, ને મૂછનો દોરો ફૂટ્યો ન હોય તેવા ટાબરો બલૂનના બિઝનેસ ક્લાસમાં બેસીને દુબઈમાં શાયરિયું બોલી આવે, ને કાલ સવારના ઇંગલિસ સ્પીકિંગ બોયઝો ને ગર્લ્સો ડ્રામા ઝૂડી કાઢે જેના દરિયા જેટલા શો’ઝો થાય ત્યારે અમારી આંખ જેલસીથી લાલ થઈ આવે છે! પણ ફર્નીચરને લાતું મારવા જેટલો પિત્તો ત્યારે જાય છે જ્યારે કોઈ લેખક વાર્તાબાર્તા નહીં પણ લેખો લખીને, યસ કોલમના લે–ખો લખીને, લોટોફ ફેમસિટી કમાય છે! કાંતિભાઈ લખતા કોલમો ગાડાં ભરીભરીને. અમે એમને ઓળખીએ છેક સિત્તોતેર ઈઠ્ઠોતેરથી, તેવણ અને તેવણનાં બાયકો હરકિસન મહેતાની ચિઠ્ઠી લઈને લોસ એન્જલસ આવેલા ત્યારથી. તે સમયે અમારાં બાયકો માયકે ગયેલાં તેથી કાંતિલાલ રોજ પરોઢે દહીં મેળવે ને દૂધી કાપે ને શી ખબર લસણ સમારે ને બસ હરતકી ને આમળા ને જાવન્ત્રી વગેરેનું સેવન કરે ને કરાવે. પ્રવૃત્તિમાં? બસ શીલા ભટ્ટ સાથે લોસ એન્જલસના ભારીભરકમ રઈસોના ને ડાક્ટરોના ને એક્ટરોના ઇન્ટરવ્યૂ કરતા ને ઈશ્વર કેરું ચિંતન કરતા. હરામ બરાબર જો એકવાર પણ ખડખડાટ હસ્યા હોય તો! શીલા ભટ્ટ ખિલખિલ કરે ને કિલકારી પણ કરી કાઢે. પણ કાંતિ ભટ્ટ જાણે જોખીજોખીને કોઈવાર અવાજ ન થાય તેવું હસી આપે. એમનું લખાણ માહિતીના ગોદામોથી ખદબદે, પણ સહેજે વિનોદ, મજાક, રમૂજ, કટાક્ષ, વ્યંગ્ય, મર્મ? ઇલ્લે. અને હલો! કાંતિલાલ કદી ફિક્શન ન વાંચે, ન વાર્તા, ન નવલકથા, કે ન ડ્રામાફામા, ન સિનેમા જુએ! એ બધામાં કલાકો વેઇસ્ટ કરવાનો શો અર્થ? મારા વાચકોને રસ પડે તે વાતમાં જ મને રસ પડે એવું ચોખ્ખેચોખ્ખું કહી દે! કાંતિલાલ ન વાર્તા વાંચે ને મધુલાલ ન લેખ વાંચે. બસ તેવી સુલેહ આપોઆપ થઈ ગયેલી. તે પછી વર્ષૉ બાદ ભટ્ટયુગલે એક બીજું સાપ્તાહિક હાથમાં લીધું, ને મધુલાલને તેમાં કોલમ લખવા કહ્યું. તે વખતે બીજેથી અમને કોલમના 75 રૂપિયા પુરસ્કાર મળતો હતો પણ ભટ્ટલોકોએ 750ની ઓફર કરી! અને મધુલાલે માર્યો ભૂસકો! આની પહેલાં પણ મધુલાલ બા–તખલ્લુસ સુલેમાન રોશનઅલી નવરોઝ સાપ્તાહિકમાં અને મુંબઈના દૈનિકોમાં કોલમ લખતા, પણ ભટ્ટલોકોના પ્રચુર ફેલાવાવાળા સાપ્તાહિકમાં આરંભ થયો ‘નીલે ગગન કે તલે’નો, જેનો યશ જાય છે કાંતિ ભટ્ટ આણિ ભટરાણીને. તે પછી લંડનથી પણ એમના સાપ્તાહિકની એક આવૃત્તિ પ્રગટ કરવાની યોજના હતી તે મિષે કાંતિલાલ લંડન પધારેલા ત્યારે અમારો ને કાક ભટ્ટનો ભેટો થાય છે. તેમને વિમાનબંદર પર લેવા જવામાં સહેજ વિલંબ થયો હશે તો ભટ્ટરાજા વળતી ગાડીની બોમ્બેની ટિકિટ કપાવવા જવા માંડેલા. લંડનના જે શ્રેષ્ઠીને ત્યાં એમનો ઉતારો હતો ત્યાં બે ટાણાં બબ્બે શાક બનાવવાની એમની વરધી હતી. એમની કે એમની આદતોની મશ્કરી કરો તોય તે તમારી સામી મશ્કરી કરે નહીં. આપણને થાય કે એમને ખબર તો પડતી હશે ને કે આપણે તેમનો ઠઠ્ઠો કરીએ છીએ? તે પછી ફરી વર્ષોનાં વર્ષો બાદ કોઈકોઈ વાર પ્રસ્તુત દૈનિકમાં કાંતિ ભટ્ટની કોલમ અમારી આંખ સામે ભુટકાય તો સહેજ નજરબજર કરી લઈએ ને એમની એસ્ટ્રોનોમિકલ લોકપ્રિયતા નિહાળી પાસેની ખુરશીબુરશીને એકાદી કિક મારી દઈએ. અને હવે પદ્મશ્રી નટરાજ મનોજ જોશી કાંદિવલીમાં પત્રકારરાજ ‘કાંતિ ભટ્ટ ઉદ્યાન’નું લોકાર્પણ કરે છે! કાંદિવલીના એક પાર્કનું ઉદ્ઘાટન! એક પદ્મશ્રી નટરાજા દ્વારા! મોરપિચ્છના રંગની ઇર્ષાથી દાંત કચકચાવીને ગગનવાલા દાઢમાં બબડે છે કે જાઓ ને, કાંદિવલી આખાનું ‘કાંતિવલી’ કરી કાઢો ને! જય જોકિંગલી બક્ષીવલી!⬛ madhu.thaker@gmail.com

અન્ય સમાચારો પણ છે...