દેશી ઓઠાં:કલો કારેલું

અરવિંદ બારોટ11 દિવસ પહેલા
  • કૉપી લિંક

નામ તો એનું કલોભાભો…પણ ગામ આખું વાંહેથી એને ‘કલો કારેલું’ જ કહેતું. જીભે નકરી કડવાશ. કંઈ પણ કારણ વન્યા કજિયો કરે. કલોભાભો ઘરને ઓટલે બેઠા હોય ને કોઈ આવતું-જાતું પૂછે કે કાં, કલાબાપા બેઠા છો ને? કલો વડચકું ભરે: ‘તું કે’તો હોય તો ઊભો થઈ જાઉં!’ પછી તો કોઈ એને બોલાવે જ નહીં. તોય કેટલાક અદકપાંહળી તો એને ખીજવવા ને ગાળ્યું બોલાવવા એનો ચાળો કરે. ઘરમાં તો કોઈથી ઉંકારો નો થાય. દીકરા તો કામ નો હોય તોય વાડીએ જ રે’તા. પણ, પૂરી ડોશી અને વહુવારુઓ તો ક્યાં જાય! અરે, છોકરાનાં છોકરાંનેય કોઈ દિ’ મીઠે મોઢે નો બોલાવે. એટલે જ નામ પડ્યું: ‘કલો કારેલું.’ રે’તાં રે’તાં કલાને પોતાના નામની ખબર પડી ગઈ. પછી તો ઘરમાં કારેલાનું શાક નો કરવા ધ્યે. ગામની બજારમાં બકાલાંવાળાં કારેલાં વેચતાં હોય તો એની હાર્યે બાધે. વખત જાતાં વાર કેટલી! કલોભાભો માંદો પડ્યો. ઘણાં ઓસડિયાં કર્યાં પણ મંદવાડ વધ્યો. કલાભાભાને સમજાઈ ગ્યું કે હવે જાવાનું ટાણું થઈ ગ્યું. દીકરાઓને બોલાવીને કીધું: ‘હું કેમ જીવ્યો છું ઈ મને ખબર છે. હું મરીશ એટલે ગામ તો રાજી થાશે, પણ ગમે તેમ તોય હું તમારો બાપ છું. તમે એવું કાંઈક કરજો કે ગામને કે’વું પડે કે કલોભાભો સારો હતો.’ આટલું કહેતાં ભાભાની આંખ મીંચાઈ ગઈ. રિવાજ પરમાણે દીકરાઓએ છૂટે હાથે ખર્ચો કરીને બારમું કર્યું. મહિને દહાડે બેય દીકરાએ બાપની ઇચ્છા પરમાણે કરવાનો વશાર કર્યો. ભાગવત કથા કરીઈં, ગામ ધુમાડો બંધ કરીઈં, અવેડો બંધાવીઈં... બધું કરશું પણ એમાં સારું તો આપડું કે’વાશે, બાપાનું નહીં… બહુ વશાર કર્યા પછી નાના ભાઈએ એક રસ્તો બતાવ્યો. બીજે દિ’થી ઈ પરમાણે ચાલુ કર્યું. ઊભી બજારે ગાળાગાળી ને મારામારી ચાલુ કરી. જે મળે એની હાર્યે કજિયો કરવો, તોડફોડ કરવી, ધોકાવાળી કરવી...થોડા દિ’માં તો ગામ થાકી ગ્યું. બધાંય કહેવા મંડ્યા કે આના કરતાં તો આનો બાપ કલોભાભો સારો હતો. કુવાડજીભો હતો પણ મારામારી તો નહોતો કરતો...!⬛

અન્ય સમાચારો પણ છે...