દેશી ઓઠાં:કલાભાભાની કોઠાસૂઝ

10 દિવસ પહેલાલેખક: અરવિંદ બારોટ
  • કૉપી લિંક

ઘણાં વરહ પે’લાંની વાત છે. એક ગામમાં રણછોડ કરીને એક ખેડૂ રે’તો. ઘરવાળી દૂધી, નાનો દીકરો ગગલો અને રણછોડનો બાપ કલોભાભો. આ ચાર જણનું કટંબ. ટૂંકી ખેતીમાં માંડ બે છેડા ભેગા થાય છે. પૈસે ટકે થોડોક ટેકો રે’ એટલા માટે રણછોડે પડખેના ખોડપર ગામના દુદા પાસેથી બે હજારમાં એક દૂઝણી ભેંસ લીધી. ભેંસ લીધી ઈ સવારે કલોભાભો જાતરાએ નીકળી ગ્યો. બાપા આવશે તો રાજી થાશે ઈ વાતનો રણછોડને હરખ છે. બેય માણાહ ભેંસની સેવામાં લાગી ગ્યાં છે. સાંજે દો’વા ટાણું થ્યું. ભેંસને ખોળ કપાસિયા નીર્યાં. રણછોડ દો’વા બેઠો. ભેંસ પ્રાહવો મૂકતી નથી. અજાણ્યું પડતું હશે એમ માનીને મન વાળ્યું. બીજે દી પણ એમ જ થ્યું. ત્રીજે દી પણ દૂધનું ટીપું નો મળ્યું એટલે રણછોડ ખોડપર જઈને દુદાને મળ્યો: ‘એલા દુદા! ભેંસ તો દો’વા નથી દેતી!’ ‘ભેંસને સું ખવડાવસ?’ ‘ખૉળ ને કપાસિયા!’ ‘ખોળ-કપાસિયા નઈ, ઈને ગોળ ખવડાવ્ય! ટંકે દહ શેર દૂધ દેશે!’ રણછોડે તો મકાશેઠને હાટેથી લાવીને ગોળની ભીલી તગારામાં ભાંગીને ભેંસની સામે મૂકી. ભેંસે જીભનો લબરકો લીધો, ને પ્રાહવો મૂક્યો. રણછોડ મંડ્યો દો’વા. દહ શેર દૂધથી બોઘરું છલકાણું. રણછોડ ને દૂધી તો કાંઈ રાજી થાય.. કાંઈ રાજી થાય! પછી તો ભેંસને રોજ એક ભીલી ગોળ ખવડાવે અને ભેંસ બે ટાણાં દહ દહ શેર દૂધ આપે. આમ એકાદ મહિનો થ્યો. દૂધમાંથી કેટલી આવક થઈ એનો આંકડો માંડ્યો તો 320 રૂપિયા થ્યા. ને મકાશેઠને ગોળના હિસાબ લેખે રૂપિયા 370 દેવાના નીક્ળ્યા. પચાસ રૂપિયાની ખોટ ગઈ! રણછોડ ને દૂધી તો મૂંઝાણાં. લમણે હાથ દઈને બેઠાં. તાં કલાભાભાએ ડેલીમાં પગ મૂક્યો. બેયનાં નિમાણાં મોઢાં જોઈને કારણ પૂછ્યું. રણછોડે માંડીને બધી વાત કરી. બાપો બોલ્યા: ‘અરે, દીકરા! આ તો ખાતર માથે દીવો થ્યો! પણ, કાંઈ વાંધો નહીં. હવે હું કહું એમ કરો.’ બાપાના કીધા પરમાણે ઢીલો-ચીકણો ગોળ મંગાવ્યો. તગારાને તળિયે ગોળનું લીંપણ કર્યું. થોડુંક પાણી છાંટ્યું. આમ ગોળ અને પાણીના થર કરીને તગારાને તડકે મૂકી દીધું. સાંજ પડતાં તો ગોળ પાણા જેવો કઠણ થઈ ગ્યો. તગારું ભેંસની સામે મૂક્યું. ભેંસ જીભના લબરકા લઈને ચાંટવા મંડી. ગોળનો સવાદ આવ્યો. પ્રાહવો મૂક્યો. દહ શેર દૂધ દીધું. પછી તો રોજ બેય ટાણાં ભેંસ ગોળ ચાટે ખરી, પણ ગોળ ઓછો નો થાય! ગોળનો ખરચો જ મટી ગ્યો. ભેંસનેય ગોથે ચડાવી દિયે ઈ કરામત્ય કલાભાભાની! આનું નામ કોઠાસૂઝ!{ઘ