ડૉક્ટરની ડાયરી:કહીં રિશ્તે હૈં, ઈસલિયે ચૂપ હૂઁ, કહીં ચૂપ હૂઁ ઈસલિયે રિશ્તે હૈં

ડૉ. શરદ ઠાકર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કનુભાઈ તો સ્વાદ અને સુગંધથી પર થઈ ગયા હતા, પણ વોર્ડના અન્ય દર્દીઓ કનુભાઈના ટિફિનની સુગંધને પારખી શકતા હતા. એકાદ જણાએ પૂછ્યું પણ ખરું, ‘કાકા, આટલું સરસ ભોજન ક્યાંથી આવે છે?’

દક્ષિણ ગુજરાતનું એક જાણીતું શહેર. સરકારી હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ માટે ખાસ ઊભા કરેલા અલાયદા વિભાગમાં બધી જ પથારીઓ દર્દીઓથી ભરાઈ ગઈ હતી. નવા એક પણ દર્દી માટે જગ્યા બચી ન હતી. એટલે શહેરની મહાનગરપાલિકાએ બંધ પડેલી શાળાઓમાં વધારાની સુવિધા ઊભી કરવી પડી હતી. દર્દીઓની સંખ્યા કૂદકે ને ભૂસકે વધતી જતી હતી. આવા જ એક કેન્દ્રમાં એક દિવસ આડત્રીસ વર્ષનો મહેશ નામનો યુવાન કોરોનાના પોઝિટિવ ટેસ્ટ સાથે દાખલ થયો. એના સડસઠ વર્ષના પિતા એને લઈને આવ્યા હતા. ડો. કેતન પંડ્યાએ મહેશના રિપોર્ટ્સ જોયા. રિપોર્ટ્સ ખરાબ હતા. તેનાં બંને ફેફસાંમાં ન્યુમોનિયા ફેલાઈ ગયો હતો. ઓક્સિજન સેચ્યુરેશન અઠ્યાસી સુધી પહોંચી ગયું હતું. કિડની ઉપર અસર થવા લાગી હતી. એને એટલી બધી ખાંસી આવતી હતી કે મહેશ બીજા અસંખ્ય દર્દીઓમાં ચેપ ફેલાવી શકે તેમ હતો. ડો. પંડ્યાએ મહેશને આઈ. સી. યુ.માં દાખલ કરી દીધો. એના પિતા કનુભાઈ એની સાથે રહેવા માટે જીદ કરતા હતા, પણ ડોક્ટરે કડક શબ્દોમાં ના પાડી દીધી. કનુભાઈ કામચલાઉ હોસ્પિટલનાં પગથિયાં પાસે બેસી ગયા. મહેશની પત્ની એટલી બધી ડરી ગઈ હતી કે તે એક પણ વાર પતિના ખબર-અંતર જાણવા માટે આવી નહીં. કોઈની સાથે બે ટિફિન મોકલાવી આપતી હતી. એક પતિ માટે અને બીજું સસરા માટે. બે દિવસની સારવાર પછી મહેશની હાલતમાં સુધારો વર્તાયો. એને હવે એક નાનકડા અલાયદા રૂમમાં ખસેડવામાં આવ્યો. કનુભાઈની જીદ હવે હદ વટાવી ગઈ. દીકરાની સાથે રહેવા માટે એ કોઈ પણ જોખમ સ્વીકારવા તૈયાર હતા. ડો. પંડ્યા પણ લાચાર બની ગયા. તેમણે ખુલ્લી હા તો ના પાડી, પણ આંખ આડા કાન અવશ્ય કર્યા. કનુભાઈ દિવસ-રાત દીકરાની સેવામાં એની પથારી પાસે જ રહ્યા. ચોવીસ કલાકમાં તેઓ માંડ ત્રણેક કલાક ઊંઘતા હતા. પાંચમા દિવસે મહેશ ક્લિનિકલી સારો થઈ ગયો. હવે એણે ડોક્ટરને વિનંતી કરી, ‘મને ઘરે જવા દો, હોસ્પિટલમાં ગમતું નથી.’ ડો. પંડ્યાએ સલાહ આપી, ‘આટલા વહેલા તમને ઘરે જવા દેવાય નહીં. ઘરના અન્ય સભ્યોને ચેપ લાગવાનો ભય રહેશે. હજી તમારો ટેસ્ટ કરવાનો બાકી છે. એ નેગેટિવ આવે પછી…’ મહેશ ન માન્યો, ડોક્ટરની સલાહ વિરુદ્ધ ઘરે ચાલ્યો ગયો. ઘરમાં એની પૂરી કાળજી રાખવામાં આવતી હતી. એની માટે અલાયદો રૂમ હતો. એની પત્ની અને એનો દીકરો પણ એ રૂમમાં જતાં ન હતાં. ભોજનની થાળી મહેશની પત્ની બંધ બારણાં પાસે મૂકી દેતી હતી. એ દૂર ચાલી જાય ત્યારે બારણું ખોલીને મહેશ એ થાળી રૂમમાં લઈ લેતો હતો. આ બધું ચાલતું હતું તે દરમિયાન અચાનક એક દિવસ મહેશના પિતા કનુભાઈએ પુત્રવધૂને કહ્યું, ‘બેટા, છેલ્લા બે દિવસથી રસોઈ આવી ફિક્કી કેમ બનાવો છો? દાળ, શાકમાં મીઠું, મરચું કે ગળપણ જેવો કોઈ સ્વાદ જ નથી લાગતો. તમે વઘાર કરો છો ત્યારે એની સુગંધ મને નથી આવતી.’ સસરાની વાત સાંભળી વહુને આશ્ચર્ય થયું. એણે પોતે પોતાની બનાવેલી રસોઈ ખાધી હતી અને એને ભાવી પણ હતી. તો પછી સસરાએ આવી ફરિયાદ શા માટે કરી હશે? વહુ શિક્ષિત હતી. ગ્રેજ્યુએટ થયેલી હતી. એણે છાપામાં વાંચેલી માહિતી યાદ આવી ગઈ કે કોરોનાના કેટલાક દર્દીઓમાં સ્વાદ અને સુગંધ પારખવાની શક્તિ અદૃશ્ય થઈ જાય છે. એના હૈયામાં ફાળ પડી. સસરાને કોરોના તો લાગુ નહીં પડ્યો હોય ને? એણે ખાતરી કરવા માટે પોતાના રૂમમાંથી પરફ્યૂમની બોટલ લાવીને કનુભાઈના હાથના પાછળના ભાગ પર બે ફુવારા છાંટ્યા. આખો ઓરડો પરફ્યૂમની તીવ્ર સુવાસથી મઘમઘી ઊઠ્યો. વહુએ કહ્યું, ‘બાપુજી તમે સૂંઘો અને કહો કે પરફ્યૂમની સુવાસ આવે છે કે નહીં?’ કનુભાઈએ હાથના પંજાનો પાછળનો ભાગ સૂંઘીને માથું હલાવ્યું અને કહ્યું, ‘બેટા, મને જરા પણ સુગંધ આવતી નથી. મને લાગે છે કે તારું પરફ્યૂમ પડ્યું-પડ્યું જૂનું થઈ ગયું છે. એટલે એમાંથી સુગંધ ઊડી ગઈ છે.’ વહુનું મોં ચડી ગયું. એ મનોમન બબડી રહી, ‘મારા પરફ્યૂમને કંઈ નથી થયું, તમે જ પડ્યાં-પડ્યાં ખખડી ગયા છો.’ વહુ સસરાને લઈને તે જ ઘડીએ ડો. પંડ્યા પાસે પહોંચી ગઈ. કનુભાઈનો ટેસ્ટ કરવામાં આવ્યો. એની તપાસ કરીને ડો. પંડ્યાએ કહ્યું, ‘કોરોનાના ટેસ્ટનો રિપોર્ટ આવતા હજુ થોડી વાર લાગશે, પણ બે-ત્રણ મુદ્દા પરથી મને લાગે છે કે કનુભાઈને કોરોનાનો ચેપ લાગી ગયો છે. પહેલો મુદ્દો એ કે મહેશની સાથે તેઓ એક જ રૂમમાં એક અઠવાડિયા સુધી ગાઢ સંપર્કમાં રહ્યા હતા. એમની મોટી ઉંમરને ધ્યાનમાં લઈએ તો કોરોના લાગુ ન પડે તો જ નવાઈ લાગે. બીજો મુદ્દો એ છે કે એમને સ્વાદ અને સુગંધની ખબર પડતી નથી. આવું કોરોનાના અતિશય માઈલ્ડ કિસ્સાઓમાં જોવા મળે છે. કોરોનાના વાઈરસ આવા દર્દીઓ માટે ભાગ્યે જ ઘાતક સાબિત થાય છે. કનુભાઈને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર નથી. હું દવાઓ આપું છું. એ લઈ અને ઘરે જાઓ. એમને અવશ્ય સારું થઈ જશે.’ ડોક્ટરે આટલું ખોંખારીને કહ્યું તો પણ કનુભાઈની પુત્રવધૂ માની નહીં. એ કોઈ પણ સંજોગોમાં સસરાને ઘરમાં રાખવા માટે તૈયાર ન થઈ. એણે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું, ‘ડોક્ટર સાહેબ, તમારે મારા સસરાને દાખલ કરવા હોય તો કરો, નહીંતર એ બીજે ક્યાંય પણ પડી રહેશે. પૂરા સાત દિવસ સુધી હું એમને મારા ઘરમાં પગ મૂકવા નહીં દઉં.’ આટલું કહીને વહુ ચાલી ગઈ. ડો. પંડ્યા પાસે બીજો કોઈ વિકલ્પ બચ્યો ન હતો. એમણે કનુભાઈને જનરલ વોર્ડમાં દાખલ કરી દીધા. કનુભાઈ છોભીલા પડી ગયા હતા. તેમ છતાં તેમણે ઘરની આબરૂ જાળવી રાખવા માટે ડો. પંડ્યાને કહ્યું, ‘મારી વહુ આમ તો બહુ સારી છે, પણ એને મારા નાનકડા પૌત્રની ચિંતા હોવાથી આવું કર્યું હશે. મહેશને તો આ વાતની ખબર જ ક્યાં છે? એ તો બાપડો ઘરમાં જ આઈસોલેશનમાં છે. જો એને સારું હોત તો એ ક્યારેય આવી રીતે મને દવાખાનામાં મૂકીને ચાલ્યો ન ગયો હોત.’ બોલતાં બોલતાં કનુભાઈની આંખમાં ઝળઝળિયાં આવી ગયાં. ડો. પંડ્યા એ જોઈને વિચારતા રહ્યા કે આ ઝળઝળિયાંમાં સાચા આંસુ કેટલાં હતાં અને ઝાંઝવા કેટલાં હતાં! હોસ્પિટલમાં દર્દીઓને ભોજન આપવાની વ્યવસ્થા ન હતી. દરેક દર્દી માટે તેના ઘરેથી ટિફિન આવતું હતું. બીજા દિવસે સવારે કનુભાઈ માટે વોર્ડબોય ટિફિન આપી ગયો. સુંદર, સ્વાદિષ્ટ અને પૌષ્ટિક વાનગીઓથી ટિફિનના ડબ્બા ભરેલા હતા. રાત્રે પણ એવું જ ટિફિન. સવારે અને બપોરે આદુંવાળી ચા અને ગરમ-ગરમ નાસ્તો. કનુભાઈ તો સ્વાદ અને સુગંધથી પર થઈ ગયા હતા, પણ વોર્ડના અન્ય દર્દીઓ કનુભાઈના ટિફિનની સુગંધને પારખી શકતા હતા. એકાદ જણાએ પૂછ્યું પણ ખરું, ‘કાકા, આટલું સરસ ભોજન ક્યાંથી આવે છે?’ કનુભાઈ જવાબ આપે તે પહેલાં વોર્ડબોય બોલી ઊઠ્યો, ‘કનુભાઈના ઘરેથી આવે છે. એમના દીકરાની વહુ દિવસમાં ચાર વાર આવીને આ બધું આપી જાય છે. બાપડી અંદર આવી શકતી નથી. બહારથી જ પાછી વળી જાય છે.’ આ સાંભળીને જનરલ વોર્ડમાં કનુભાઈના પરિવારની વાહ-વાહ થઈ જતી હતી. ત્રીજા દિવસે ડો. પંડ્યા રાઉન્ડ લેવા માટે આવ્યા ત્યારે તેમણે કનુભાઈને પૂછ્યું, ‘કાકા, ખાવાનું કેવું લાગે છે?’ કનુભાઈએ ધીમા અવાજમાં જવાબ આપ્યો, ‘મને સ્વાદની તો ખબર પડતી નથી, પણ વાનગી જોઈને એવું લાગે છે કે કોઈએ દિલ નિચોવીને પ્રેમથી મારા માટે વાનગીઓ બનાવી આપી છે. ડોક્ટર, મને સાચું કહો આ ટિફિન મારી વહુ જ મોકલાવે છે? મારા માનવામાં નથી આવતું, કારણ કે આવી જાતજાતની વાનગીઓ બનાવતા એને આવડતું જ નથી.’ ડો. પંડ્યાએ કહ્યું, ‘કાકા તમે વહેમાશો નહીં. આ બધી વાનગીઓ તમારા દીકરા મહેશના કહેવાથી તમારી પુત્રવધૂ જાતે જ બનાવે છે અને તમારા માટે આપી જાય છે.’ કનુભાઈના ગળે વાત ઊતરી ગઈ. એમણે કહ્યું, ‘હવે સાચું. મારો દીકરો મહેશ કહે એટલે તો વહુએ માનવું જ પડે. હું નહોતો કહેતો કે મારો મહેશ તો લાખોમાં એક છે!’ પૂરા સાત દિવસ સુધી આ પ્રમાણે ચાલતું રહ્યું. કનુભાઈ રજા લઈને ઘરે ગયા. એ પછી વોર્ડબોયે ડો. પંડ્યાને પૂછ્યું, ‘સાહેબ, તમે સાત દિવસથી આ વૃદ્ધ પેશન્ટ માટે તમારા ઘરેથી ચા-નાસ્તો અને ટિફિન મોકલાવતા રહ્યા એ વાતનો ભાંડો હવે ફૂટી નહીં જાય? જ્યારે કનુકાકા ઘરે જઈને દીકરાનો આભાર માનશે ત્યારે…’ ડો. પંડ્યા બબડ્યા, ‘ભાંડો નહીં ફૂટે. કનુકાકાનો દીકરો અને વહુ પણ આ ભ્રમનો ભાંડો અકબંધ જાળવી રાખશે. પરિવારની આબરૂ આવાં ઝાંઝવાં ઉપર જ ટકેલી હોય છે.’⬛drsharadthaker10@gmail.com

અન્ય સમાચારો પણ છે...