તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બુધવારની બપોરે:કાહે કોયલ શોર મચાયે રે

અશોક દવે5 દિવસ પહેલા
  • કૉપી લિંક

લતા મંગેશકરને કોયલ કહેવી, એ સંગીતની સમજનો અભાવ કહેવાય. કોયલ જીવે ત્યાં સુધી લોહી પી જઈને એકનું એક ‘કુુઉઉ...કુઉઉ’ કરે રાખે છે, એમાં કોઈ સૂર બદલાતો નથી અને નવું કંઈ મળતું નથી. એના આ ‘કુઉઉ...કુઉઉ’ને બદલે એને કદી ‘ભોંઓઓઓ...ભોંઓઓઓ’ કરતી સાંભળી? એની ચીસોમાંય કોઈ વેરાઈટી ન મળે. માણસને કોઈ ચેન્જ તો જોઈએ કે નહીં? લતા મંગેશકરને મિનિમમ સાડા ત્રણ મિનિટ સુધી ‘મીઠા’ લાગવાનું હોય છે. અર્થાત્ એટલી મિનિટોના ગીતમાં એમને અનેક પ્રકારની રાગરાગિણી, સૂર અને મીઠાશ એના કંઠમાંથી લહેરાવવી પડે છે. આ તો અન્ય કોઈ પશુ-પક્ષીની સરખામણીમાં કોયલનો કંઠ જરા મીઠો લાગ્યો, તો લતાને નામ કોયલનું આપી દીધું. શહેરમાં તો બહુ ઓછો સાંભળવા મળે, નહીં તો મને ‘હોલો’ (Dove-ઉચ્ચાર ‘ડવ’)નો અવાજ બહુ મીઠો લાગે છે. (આ બતાવે છે કે, Dove હોય કે Dave, બોલે ત્યારે મીઠાં જ લાગે!) બિચારું ભોળું પક્ષી છે. ઉનાળાની ભરબપોરે લોઢાની જેમ તપતા ખેતરમાં હોલો ધીમા પણ મધુર કંઠે ગાતો રહે છે. કોયલ એકલી મીઠી નથી... બીજાં અનેક પક્ષીઓ કોયલનાય ડેડી થાય એવાં સૂરીલાં હોય છે. જોકે, કુકુ અને એશિયન કોયલ (Asian Koel) વચ્ચે કોઈ સગપણ ખરું કે નહીં તે મારે ગુજરાતના આદરણીય પક્ષીવિદ્્ ડો. બકુલ ત્રિવેદીને પૂછવું પડે! યસ, આપણને જે ટહુકો મીઠો લાગે છે, તે લેડી કોયલ નહીં, જેન્ટ્સ કોયલનો હોય છે. આ તો પ્રકૃતિથી આપણે જરા વધુ પડતા સ્ત્રીપ્રેમી રહ્યા એટલે સમજ્યાજાણ્યા વગર મીઠા કંઠને કોયલની સ્ત્રીજાતિને મશહૂર કરી નાંખી. વિજ્ઞાનના જણાવ્યા મુજબ, લેડી કોયલ ગળામાંથી જીવનભર મીઠો કે ઘોઘરો અવાજ કાઢી શકતી નથી. આ જે કંઈ ‘કુઉ’ ને ‘ફૂઉ’નો ઘોંઘાટ સંભળાય છે, તે પુરુષ કોયલનો હોય છે. જાનવરશાસ્ત્રમાં જણાવ્યા મુજબ, તમામ ઢોર, પશુ, પક્ષી કે જીવડાંની પુરુષ આવૃત્તિઓને પણ બંધારણે એકસરખો ભાંભરવાનો હક આપ્યો છે. એકમાત્ર કોયલ ભરજોબન ચઢેલી યુવતી હોવા છતાં લાઈફટાઈમ મોઢું બંધ રાખે છે ને જે કંઈ કકળાટ કાઢવાનો હોય છે, એ એના ગોરધનનો એટલે કે નર કોયલનો હોય છે. હું જ્યાં રહું છું, ત્યાં એક વાયડી કોયલ છેલ્લા દોઢ મહિનાથી અમારી પાછળ પડી છે ને સવાર-બપોર ને સાંજ નોનસ્ટોપ ‘કુઉઉઉ...કુઉઉઉ’ કરીને આજુબાજુના ઓલમોસ્ટ 3500 ફ્લેટ-બંગલાઓને સિસોટી, હેડકી કે વાંસળી જેવા અવાજો કાઢીને ત્રાહિમામ પોકારાવી દીધો છે. કહે છે કે, ચોમાસું આવવાનું થાય એટલે કોયલો શહેરનાં વૃક્ષો પર આવી જાય. (સમાજ અને વિજ્ઞાન ભલે ગમે તે કહેતું હોય, આપણે આ લેખ પૂરતી લેડી કોયલને જ કકળાટીયણ કહીશું... અને એમાં તો દરેક વાચક હામાં હા મિલાવે જ!) અમારા નારણપુરામાં 80 ટકા વસ્તી જૈનો અને પટેલોની... બિચારા બંને સીધા માણસો! જૈનો તો આમેય અહિંસક એટલે પશુ-પક્ષીઓ સામે તો ‘હટ્ટ’ જેવો ઘાંટોય ન પાડે! જ્યાં સુધી શ્રીનવકાર મંત્રથી પતી જતું હોય, ત્યાં ‘હઈડ હઈડ’ પણ ન બોલે! જ્યારે પટેલોની છટકે તો ઊંધા હાથની લબોચામાં વળગાડી દે... જોકે, આ સાબિતી પટેલોનાં બસ્સો વર્ષના ઈતિહાસ પહેલાં મળી હતી! હવેના પટેલો તો શેર-શાયરી, કવિતા ને ગઝલો ઉપર ચઢીને ઊંધા હાથની વળગાડે છે. પટેલ કવિ ભલે કાલિદાસના લેવલનો હોય, પણ કવિતા-ગઝલના ઉચ્ચારો તો મહેસાણા-ઊંઝાના જ રહેવાના. ‘ઈહની બૂન્ન ને, એક મ્હેલેને ભોડામાં, જ્યમ વ્હિશ્કી રેડી શોડા મોં!’ પણ કોયલો માટે એવું સાંભળ્યું હતું કે, ભરબપોરે કોક આંબાવાડિયામાં જ એ કંઠના લિસોટા પાથરે અને એય દસ-પંદર મિનિટ મીઠું લાગે. બાજુમાં આપણો બંગલો હોય તો સગી સાળીના અવાજો કિચનમાંથી આવતા હોય એય અડધી ઊંઘમાં સહન ન થાય ત્યાં કોયલ તો કઈ વાડીની મૂળી? આખી બપોર આ સેમી લોકડાઉનના આલમમાં જરાક અમથી એકાદ કલાકની ઊંઘ ખેંચી કાઢવાની હોય, ત્યાં આ કાળી કકળાટીયણ ‘કૂકૂકૂકૂ’ના લમણામાં વાગે એવા અવાજોથી આપણી જ નહીં, આપણી ઊંઘોનીય પથારી ફેરવી નાંખે છે. કહે છે કે, આ ટહુકો કોયલ જે તે વિસ્તાર ઉપર માલિકીહક એનો છે, એ સાબિત કરવા અથવા/અને લેડી કોયલને આકર્ષવા કરે છે. (આવું પ્રાણીશાસ્ત્રમાં કહ્યું છે, મારું કોઈ સંશોધન નથી!) એ જે હોય તે, પણ છેલ્લા મહિનોમાસથી અમારાવાળી આ કોયલનું કોઈ ઠેકાણું પડ્યું લાગતું નથી ને હજી રોજ આખો દહાડો મચી ને મચી પડેલી રહે છે. આપણેય ઈચ્છીએ કે, ભાઈનું વેળાસર ઠેકાણે પડી જાય તો અમને નિરાંત, પણ આના જવાબમાં હજી સુધી તો સામી કોઈ કોયલે પ્રત્યુત્તર આપ્યો નથી, ત્યાં સુધી લોહી તો અમારા પીવાયને? (કેમ કોઈ બોલતું નથી? મારો કેસ ઢીલો પડી રહ્યો છે. મને સપોર્ટ આપો!) હું રહું છું, એ ફ્લેટને અડીને આસોપાલવનું એક તોતિંગ વૃક્ષ છે, જેમાં મિનિમમ હજારેક ચામાચીડિયાં રહે છે. આ લોકો વીફરે... આઈ મીન, અંદરોઅંદરની કોઈ બોલાચાલી થઈ હોય ત્યારે આખેઆખું ઝૂંડ આખી રાત ‘ચીંચીંચીંચીં’ના બુલંદ અવાજો સાથે તોફાને ચઢે છે. અહીં કોયલ વહાલી લાગે કે, એ કદી કોઈના ઘરમાં ઘૂસતી નથી, જ્યારે ચામાચીડિયાંઓમાં કોઈ એકાદને એ લોકોએ ઝાડનિકાલ કર્યું, તો અડધી રાત્રે મારી બારીમાંથી બેડરૂમમાં ઘૂસી આવે અને ફૂલ સ્પીડમાં ભયજનક ચક્કોર મારીને સાલાઓ બીવડાવે છે. ઊડવાની એમની સ્પીડ જોતાં, ભૂલેચૂકેય આપણે એની હડફેટમાં આવી ગયાં, તો છાતીની આરપાર નીકળી જશે, એવી બીકો લાગે! કોયલ હોય કે ચામાચીડિયાં, મારો નૈતિક પ્રશ્ન એ છે કે, આપણે એમનાં ઝાડ ઉપર જઈને રોજેરોજ કકળાટો કરીએ છીએ?{ ashokdave52@gmail.com

અન્ય સમાચારો પણ છે...