થોડા સમય અગાઉ કોઈએ એક મેસેજ વોટ્સએપ પર ફોરવર્ડ કર્યો હતો. એ મેસેજ તો લાંબો હતો, પણ એનો સાર એ હતો કે થોડા દાયકાઓ પહેલાં વડીલો દીકરાને કહેતા કે ‘બેટા, અમે કહીએ ત્યાં જ લગ્ન (એટલે કે અરેન્જડ મેરેજ જ) કરજે.’ એ પછી વડીલો સંતાનોને કહેતાં થયાં કે ‘આપણી જ્ઞાતિમાં જ લગ્ન કરજે.’ ત્યાર બાદ વડીલો આધુનિક વિચારસરણીને અનુસરીને એવું બોલતાં થયાં કે ‘આપણી ભાષા બોલતી છોકરી સાથે જ લગ્ન કરજે.’ એ પછી વડીલો સમય સાથે તાલ મિલાવવાની કોશિશ કરવા લાગ્યાં અને દીકરાઓને સમજાવતાં થયાં કે ‘આપણા ધર્મની છોકરી સાથે જ લગ્ન કરજે.’ સમય એથી પણ આગળ વધ્યો ત્યારે વડીલો એવું કહેતાં થઈ ગયાં કે ‘આપણા દેશની (એટલે કે ભારતીય) છોકરી સાથે જ લગ્ન કરજે.’ અને હવે વડીલો દીકરાઓને એવી વિનંતી કરતા થઈ ગયાં છે કે ‘બેટા, છોકરી સાથે જ લગ્ન કરજે!’ આપણા દેશમાં સજાતીય સંબંધો ગેરકાનૂની ગણાતા હતા અને સજાતીય સંબંધો રાખનારાં સ્ત્રી-પુરુષો માટે ઇન્ડિયન પિનલ કોડની સેક્શન 377 અંતર્ગત જેલની સજાની જોગવાઈ હતી. જોકે, 2017માં આપણી સુપ્રીમ કોર્ટની પાંચ જજની બેંચે સજાતીય સંબંધોને કાનૂની રીતે માન્યતા અપાવી. એ વખતે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે સેક્શન 377 સજાતીય સંબંધો ધરાવતાં યુગલોના સમાનતાના અધિકારનો ભંગ કરે છે (આપણા દેશ પર જ્યારે અંગ્રેજોનું રાજ હતું ત્યારે અંગ્રેજોએ ઘણા કાયદા ઘડ્યા એ આજની તારીખે પણ અમલમાં છે. એ જ રીતે સેકશન 377 અંગ્રેજોએ 1860માં ઇન્ડિયન પીનલ કોડમાં ઉમેરી હતી. એ કલમ અંતર્ગત સજાતીય સંબંધો રાખનારાઓ માટે દસ વર્ષની જેલની અને દંડની પણ જોગવાઈ હતી). લેસ્બિયન અને ‘ગે’ સ્ત્રી-પુરુષો કાનૂનના-સજાના ડર વિના સંબંધો રાખી શકે એ માટે સુપ્રીમ કોર્ટે માર્ગ મોકળો કરી આપ્યો હતો, પરંતુ એ પછી હવે સજાતીય લગ્નને કાનૂની માન્યતા આપવાની માગણી કરાઈ છે. હૈદરાબાદના ‘ગે’ કપલ સુપ્રિયો ચક્રવર્તી અને અભય ડાંગે સજાતીય લગ્નને કાનૂની માન્યતા આપવાની ધા નાખી છે અને આવી જ બીજી અરજી દિલ્હીના ‘ગે’ કપલ પાર્થ ફિરોઝ મેહરોત્રા અને ઉદયરાજ આનંદે કરી છે. એ સિવાય દિલ્હી અને કેરળ સહિત દેશની અલગ અલગ હાઇકોર્ટ્સમાં પણ આ પ્રકારની અરજીઓ પેન્ડિંગ છે કે સજાતીય લગ્નને કાનૂની માન્યતા આપવામાં આવે અને તેને સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ લાવવામાં આવે. એક કેસમાં અરજદારો તરફથી મુકુલ રોહતગી, નીરજ કિશન કૌલ અને મેનકા ગુરુસ્વામી જેવા વરિષ્ઠ વકીલો સુપ્રીમ કોર્ટમાં હાજર થયા હતા. તેમણે દલીલ કરી હતી કે આપણા દેશના સ્પેશિયલ મેરેજ એક્ટમાં આંતરધાર્મિક અને આંતરજાતીય લગ્નને સંરક્ષણ મળેલું છે, પણ સજાતીય યુગલો સાથે ભેદભાવ કરાઈ રહ્યો છે એ દૂર કરવો જરૂરી છે. નવેમ્બર, 2022ના ત્રીજા સપ્તાહમાં સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડ અને જસ્ટિસ હિમા કોહલી સામે એ અરજી સુનાવણી માટે આવી હતી. એ વખતે તેમણે સંકેત આપ્યો હતો, ઈશારો આપ્યો હતો કે આ મુદ્દે દેશની અલગ અલગ હાઇકોર્ટ્સમાં અરજીઓ પેન્ડિંગ છે તેને સુપ્રીમ કોર્ટમાં ટ્રાન્સફર કરીને એકસાથે સાંભળવામાં આવશે. અગાઉ આ મુદ્દે કેન્દ્ર સરકારને દિલ્હી હાઇકોર્ટમાં ઘસડી ગયેલાં કવિતા અરોરા અને નિવેદિતા દત્તાએ કરેલી જુદી જુદી અરજીઓના સંદર્ભમાં સુપ્રીમ કોર્ટને વિનંતી કરી હતી કે અમારી અરજીઓ સુપ્રીમ કોર્ટમાં ટ્રાન્સફર કરવાનો આદેશ આપો. એ વિષે 14 ડિસેમ્બર, 2022ના દિવસે સુનાવણી થઈ એ વખતે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડ અને પી. એસ. નરસિંહાની બેન્ચે કહ્યું હતું કે અમે આ મુદ્દે દિલ્હી હાઇકોર્ટને નોટિસ મોકલાવીશું. આ અરજીઓને મુદ્દે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી છે. બીજી બાજુ કેન્દ્ર સરકાર સજાતીય લગ્નોને માન્યતા આપવાનો વિરોધ કરી રહી છે. સજાતીય યુગલો લગ્ન કરી શકે હિન્દુ મેરેજ એક્ટ 1955માં ‘ગે’ કમ્યુનિટીને આવરી લેવાય એ માટે દિલ્હીની હાઇકોર્ટમાં એક અરજી થઈ હતી. એની સુનાવણી સપ્ટેમ્બર, 2020માં થઈ એ વખતે કેન્દ્ર સરકાર વતી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ દલીલ કરી હતી કે સેઇમ સેક્સ મેરેજ આપણી સંસ્કૃતિનો હિસ્સો નથી અને એ આપણા કાનૂનનો પણ હિસ્સો નથી. એટલે કે આ મુદ્દે કેન્દ્ર સરકાર દેશના વડીલોની ભાષા બોલી રહી છે! આપણા દેશમાં સજાતીય સંબંધોને માન્યતા મળી છે, પણ સજાતીય યુગલોનાં લગ્નને હજી માન્યતા મળી નથી. જોકે, હજી દુનિયાના 69 દેશો એવા છે કે જ્યાં સજાતીય સંબંધ ગેરકાનૂની ગણાય છે અને એમાંના કેટલાક દેશોમાં તો સજાતીય સંબંધો રાખનારાઓ પકડાઈ જાય તો તેમને દાયકા સુધી જેલની સજા કરવાની જોગવાઈ પણ છે!{
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.