ક્રાઈમ ઝોન:બસો નારીની બુલેટ કબૂલાત કે એ શેતાનનું ખૂન મેં કર્યું છે

પ્રફુલ શાહ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અક્કુ એટલે અપરાધ સમ્રાટ જેની સામે સૌની બોલતી બંધ! કોર્ટમાં

‘માપ્રજાના સામુહિક પ્રતિકાર માટે કસ્તુરબા નગર ઝૂંપડપટ્ટી અને 2004ની 13મી ઓગસ્ટ કાયમ યાદ રહેવાં જોઈએ. જ્યારે રાજકારણીઓ, પોલીસતંત્ર અને ન્યાયતંત્ર પરથી આમ આદમી વિશ્વાસ ગુમાવી બેસે ત્યારે શું પરિણામ આવે એની આ અકલ્પ્ય હકીકત છે. સાથોસાથ સમજુજનો માટે સબક પણ ખરો. કસ્તુરબા નગર ઝૂંપડપટ્ટી એટલે નાગપુરનો વિસ્તાર. નાગપુર એટલે મહારાષ્ટ્રની બીજી રાજધાની. ઓરેન્જ સિટીની આ ઝૂંપડપટ્ટીમાં ભરત કાલીચરણ યાદવ એટલે સ્થાનિક બાહુબલી. એ ઓળખાય અક્કુ યાદવના નામે. એની ગુંડાગીરી સામે પોલીસ પગલાં ન ભરે તો સામાન્યજનનું શું ગજું? એ મારપીટ, લૂંટફાટ, છેડતી, ખૂન અને બળાત્કાર કરે. એને રોકનારું કોઈ નહીં. ભૂરાયા સાંઢની જેમ ફરે, ચરે અને સામે થાય એ મરે. અક્કુના નામે ગણ્યા ગણાય નહીં એટલા ગુના પણ પોલીસ નોંધે તો કંઈક થાય ને? આ બધાં પીડિતો, શોષિતો અને લાચારોમાં આશા અને શક્તિનો સંચાર કર્યો એક મહિલાએ. કોઈની શેહમાં આવ્યા વગર આ ખંડણીબાજ, ઘરફોડું અને સિરિયલ રેપિસ્ટ વિરુદ્ધ સહી-ઝુંબેશ શરૂ કરી. એક આછા અંદાજ મુજબ અક્કુએ ત્રણથી વધુ હત્યા કરી હતી અને 40થી વધુ બળાત્કાર. કસ્તુરબાગાંધી ઝૂંપડપટ્ટીના આ વણઘોષિત ગુંડારાજ સામે હરફ ઉચ્ચારવાની કોઈની હિંમત નહીં, પણ ઉષા નારાયણે ગજબની તાકાત બતાવી હતી. આ શક્તિ આવી ક્યાંથી? બહારગામ હોટલ મેનેજમેન્ટનું ભણ્યા બાદ નોકરી સ્વીકારતા પૂર્વે ઉષા ઘરે આવી. એની બાજુના ઘર પર અક્કુના ગુંડાઓએ હુમલો કર્યો. બદમાશોએ ઉષાને ધમકી આપી કે પોલીસમાં જતી નહીં, પણ ઉષા ધરાર ગઈ. ઉશ્કેરાયેલો અક્કુ 40 ગુંડા અને એસિડની બોટલ સાથે આવ્યો. સ્માર્ટ ઉષાએ ઘર બંધ કરીને ગેસનો ચૂલો પેટાવ્યો. સામે ધમકી ઉચ્ચારી કે ઘરમાં પગ મૂક્યો તો ગેસ સિલિન્ડરથી બધાને ફૂંકી મારીશ. આડોશી-પાડોશી સ્તબ્ધ થઈ ગયાં. અગાઉ એક મહિલા પર અક્કુ અને એની ગેંગે સામુહિક બળાત્કાર કર્યો. એ ફરિયાદ કરવા પોલીસ સ્ટેશને ગઈ તો ત્યાં પ્રતિસાદ શું મળ્યો? ફરી સામુહિક બળાત્કાર. અત્યાર સુધી સૌને લાગતું હતું કે આપણે કંઈ ન કરી શકીએ આ રાક્ષસ સામે. તો પછી આ એકલી છોકરી કઈ રીતે ઝીંક ઝીલી શકી? અક્કુના અત્યાચારકાંડની કુંડળી પૂરેપૂરી જાણ્યા બાદ ઉષાનું લોહી ઉકળી ઊઠ્યું. છતાં સૌનાં મનમાં ફફડાટ કે એક શિક્ષિત યુવતીને એના ઘરમાં મારવા માટે અક્કુ દોડી આવે તો આપણી શી વિસાત! ઉષા નારાયણે મનમાં ગાંઠ વાળી લીધી કે ભલે જે થવાનું થાય પણ હવે ચૂપ નહીં બેસું. તેણે ઘેર ઘેર જઈને અક્કુ યાદવ વિરુદ્ધ સહી લેવાનું શરૂ કર્યું. પછી સ્થાનિક પોલીસ સ્ટેશને જવાને બદલે સીધી નાયબ પોલીસ કમિશનર પાસે પહોંચી ગઈ. સત્વરે અક્કુને જેલભેગો કરવાનું ભાથું બંધાવીને ઉષાને રવાના કરાઈ. સાવચેતીના પગલાં રૂપે ઉષાને સપરિવાર સલામત સ્થળે ખસેડાઈ. આમ છતાં અત્યાર સુધી શાંત રહેલો પીડિતો-શોષિતોની અંદરનો જ્વાળામુખી હવે ફાટ્યો. ટોળાએ અક્કુના ખાલી ઘરનો ભુક્કો બોલાવી દીધો. આનાથી એકદમ ડઘાઈ ગયેલા અક્કુએ સલામતી માટે છઠ્ઠી ઓગસ્ટ, 2004ના રોજ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કરી દીધું. મળતીયા પોલીસવાળાએ જ આ સોનેરી સલાહ આપ્યાની વાતો થવા માંડી હતી. બીજા દિવસે અક્કુને અદાલતમાં હાજર કરવાની ફોર્માલિટી નિભાવવાની હતી. એનો એક પીટ્ઠુ પોલીસની નજર સામે સંતાડેલી છરી અક્કુને આપવા ગયો, પરંતુ અક્કુ પર નજર માંડીને બેઠેલી 500 મહિલાની એક હજાર આંખોથી એ છૂપું ન રહ્યું. કાગારોળ મચી ગઈ. પોલીસે છરીવાળાની ધરપકડ કરી. અક્કુને અદાલતને બદલે ફરી પોલીસ સ્ટેશન લઈ જવાયો, પરંતુ એ અગાઉ ‘કસ્તુરબા નગર કા ગબ્બરસિંહ’ બહુ જલદી પાછા આવીને એક-એક મહિલાને જોઈ લેવાની ધમકી આપી આપવાનું ન ચૂક્યો. કસ્તુરબા નગરના ચોરેચૌટે અને ઝૂંપડે ઝૂંપડે એક જ વાત સંભળાય કે અક્કુને જામીન મળવાનું નિશ્ચિત છે. પછી એનો કાળો કેર અનેકગણો વધ્યા વગર નહીં રહે. આ ઉકળતા ચરુ વચ્ચે પીછેહઠ ન કરવાનો નિર્ણય લેવાયો. હવે જેલભેગો કરીનેય આતંક સમ્રાટ અક્કુની વાપસી ન થવા દેવાનો મક્કમ નિર્ધાર લેવાયો. અલગ-અલગ બેઠકોમાં મહિલાઓ ઢીલે પગલે જતી હતી ને દૃઢ મનથી પાછી ફરતી હતી. અંતે 13મી ઓગસ્ટે અક્કુને કોર્ટમાં લઈ જવાયો. એ અગાઉ બળબળતા અંગારાવાળી આંખ સાથેની 200 જેટલી મહિલાઓ જમા થઈ ગઈ હતી. અક્કુની નજર એક યુવતી પર પડી, જેના પર તેણે બળાત્કાર કર્યો હતો. મોઢામાંનું તમાકુ ચાવવાનું બંધ કરીને તેણે એ યુવતીને ‘વેશ્યા’ કહીને ધમકી આપી કે બહાર આવીને તારા પર ફરી રેપ કરીશ. આ સાંભળીને પોલીસવાળા માંડ માંડ હસવાનું ટાળી શક્યા. પરંતુ આ હસવામાંથી ખસવું થવામાં વાર ન લાગી. એ યુવતી પગનાં ચંપલ કાઢીને અક્કુ પર તૂટી પડી. સાથોસાથ ચીસો પાડવા માંડી કે અબ તૂ નહીં યા મૈં નહીં. એના ઉશ્કેરાટે ટોળા માટે જામગરીની ગરજ સારી. મહિલાઓ ગજબનાક ઝનૂન અને શક્તિ સાથે અક્કુ પર તૂટી પડી. કોઈએ ચપ્પલ માર્યું, કોઈકે રસોડાની છરી ઝીંકી, કોઈકે મરચાની ભૂકી મોઢા પર ફેંકી, કોઈકે ગડદાપાટું કર્યું… માત્ર નવ મિનિટના નારી આક્રોશમાં અક્કુ મડદું થઈને પડી ગયો. શરીર પર છરાના 70 ઘા અને મર્દાનગીના પ્રતીક સમું અંગ સુદ્ધાં ગાયબ. પોલીસે તરત એક્શન લઈને પાંચ મહિલાની ધરપકડ કરી, પરંતુ નાગપુરભરમાં મહિલાઓના ઉગ્ર દેખાવો અને ધરણાઓએ પાંચેય આરોપીઓને છોડી મૂકવાની ફરજ પાડી. બસો મહિલા એક જ સૂર આલાપે કે અક્કુને મેં માર્યો છે મેં, મારી ધરપકડ કરો. પ્રગતિશીલ રાજ્ય મહારાષ્ટ્રની આ ઘટના બધાં અખબારોનાં પહેલે પાને ચમકી. પોલીસે આ ઘટના માટે ઉષા નારાયણ સહિત પાંચ મહિલાની ધરપકડ કરી. આ પહેલો કેસ હતો કે જેમાં બીજી 195 મહિલા ખૂનનો ગુનો કબૂલતી હતી. અંતે ઉષા નારાયણને સજા થઈ, પણ ત્યાં સુધીમાં તે અદના આદમીની આશાનું, અત્યાચારના પ્રતિકારનું પ્રતીક બની ચૂકી હતી.{ praful shah1@gmail.com

અન્ય સમાચારો પણ છે...