તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમયના હસ્તાક્ષર:જૂન 1857 અને જૂન 2021 કેવી-કેવી દાસ્તાન?

3 મહિનો પહેલાલેખક: વિષ્ણુ પંડ્યા
  • કૉપી લિંક
  • લોકશાહી અને વિચાર સ્વતંત્રતાને સમજદારીપૂર્વક જો સ્વીકારવામાં ન આવે તો અંધાધૂંધી પેદા થાય

2021ના જૂનમાં જો આંખ, કાન હોય તો વર્તમાનના પડકારોની સાથે જ પાછલા વર્ષના ગુજરાતને પણ યાદ કરવું પડે એટલા માટે કે દરેક સમાજજીવનના ચડાવ-ઉતારનું એક સાતત્ય હોય છે. પ્રજા કંઈ એક દિવસમાં કે એક વર્ષમાં કે થોડાંક વર્ષોમાં પોતાનું અસ્તિત્વ ઊભું કરી શકતી નથી. તેની પાસે પોતાનું સાહિત્ય, પોતાનું સમાજદર્શન, પોતાનું અર્થકારણ અને રાજ્ય વ્યવસ્થા હોય છે. ભીષ્મપર્વથી માંડીને મનુસ્મૃતિ, શુકદેવ સંહિતા અને આચાર્ય વિષ્ણુ ગુપ્ત-કૌટિલ્યનું અર્થશાસ્ત્ર તેમજ પંડિત વિષ્ણુ શર્માનું પંચતંત્ર રાજ્ય વ્યવસ્થા અને સમાજ વ્યવસ્થા વિશે મજબૂત નિયમો આપે છે. સ્વતંત્ર ભારત પૂર્વે રાષ્ટ્રીય મહાસભાએ જવાહરલાલ નહેરુ અને સુભાષચંદ્ર બોઝના સંયુક્ત નેતૃત્વમાં ભારતનાં આર્થિક આયોજન વિશે અહેવાલ તૈયાર કરાવ્યો હતો. જૂન ઐતિહાસિકતાનો પ્રારંભ 1857થી થાય છે. અઝીમુલ્લા ખાન અને રંગો બાપુજીએ 1857 પછી શું થઈ શકે તેનો વિચાર કર્યો હતો તેવા દસ્તાવેજો પ્રાપ્ત થાય છે. પરંતુ તે વિપ્લવ નિષ્ફળ ગયો અને 1905થી અનુશીલન સમિતિના પ્રભાવ હેઠળ ‘બંગભંગ’ વિરોધી આંદોલન શરૂ થયું. તેનો વિગતે અભ્યાસ જુદાં-જુદાં પુસ્તકોમાં થયો છે. લંડનમાં પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા, બર્લિનમાં વિરેન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય અને કેનેડામાં લાલા હરદયાળ તેમજ અમેરિકામાં તારકનાથ દાસે સ્વતંત્રતા પછીના ભારત વિશે મંથન કર્યું હતું, તેના દસ્તાવેજો હજુ આપણાં સુધી પહોચ્યાં નથી. ગુજરાતમાં 1857ના મે મહિનાથી છેક 1860ના માર્ચ સુધી સ્વતંત્રતાની લાંબી લડાઈ કરી હતી. તે પછી 1905માં વડોદરાથી શ્રી અરવિંદે યજ્ઞ માંડ્યો. 1920થી સત્યાગ્રહો શરૂ થયા. બારડોલી, બોરસદ અને દાંડીકૂચ મહત્ત્વના રહ્યા. મજૂર અને માલિક વચ્ચે વિગ્રહ ના થાય તેવો પહેલો પ્રયોગ અનસૂયાબહેન સારાભાઇના નેતૃત્વમાં થયો. એ જ રીતે સમાજજીવનની તંદુરસ્તી માટે ‘જ્યોતિસંઘ’ની સ્થાપના મહિલાઓ દ્વારા થઈ. 1857ની પરંપરા અસ્ત થઈ નહોતી. 13 નવેમ્બર, 1909ના લોર્ડ મિન્ટોની શોભાયાત્રા પર બોમ્બ ફેંક્યો હતો. રાયપુર દરવાજાથી આગળ અનાથઆશ્રમની સામે કાપડીવાડમાં ફૂટપાથ પર એક નાનકડી તકતી લાગી છે. સરદાર ભગતસિંહ વડોદરા સુધી આવ્યા હતા. તેનો પણ પોતાનો ઇતિહાસ છે. તેના એક સાથી ભગવતી ચરણ વોહરા વડનગરના નાગર હતા. 1947માં જૂનાગઢમાં આરઝી હકૂમતની લડાઈ થઈ હતી. તે પહેલાં આઝાદ હિંદ ફોજમાં નેતાજીના નેતૃત્વમાં ગુજરાતીઓ પાછળ નહોતાં. મણિલાલ દોશી, પ્રાણજીવન મહેતા, રમા મહેતા, શકુંતલા ગાંધી, નીલમ મહેતા, એમ. આર. વ્યાસ, હેમરાજ અને હીરાબહેન બેટાઈ તેમજ લક્ષ્મીદાસ દાણીએ મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. સુરતના કાસિમ ઈસ્માઇલ અને પોરબંદરના છગન ખેરાજ વર્માને ગદર ચળવળમાં ફાંસી મળી હતી. માંડવી-કચ્છમાં જન્મેલી પેરિન દાદાભાઈ નવરોજીની પૌત્રી હતી અને સાવરકરની સાથે લંડનમાં તેણે ક્રાંતિ કાર્ય કર્યું હતું. કોરોના જેવી મહામારી અને બીજી આપત્તિઓ આવશે અને જશે, પણ સ્વાધીન સમાજનો ઇતિહાસ સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ સાથે જોડાયેલો છે અને આપણાં અસ્તિત્વને, લોકશાહીને ટકાવી રાખવા માટે તેની જરૂર કાયમ રહેશે. આઝાદીનાં 75 વર્ષની ઉજવણીનો મૂળ ઉદ્દેશ્ય એકતા, અખંડિતતા અને આઝાદીની જાળવણીનો છે. એકલા ગુજરાતની વાત કરીએ તો પણ 101 એવી જગ્યાઓ છે, જે બલિદાનના રક્તથી રંગાયેલી છે. પાલનપુર, પાટણ અને કડી, પ્રતાપપુરા, તારંગાનાં જંગલો, સિપોર અને સરણા (મહેસાણા), છાબલિયા, કબીરપુર, દમલા, મંડાલી, ખરોળ, પીલવાઇ, કોટડી, લોદરા, ઇડર, રિદ્રોડા (મહેસાણા), સમૌ (મહેસાણા), મુડેઠી (સાબરકાંઠા), સમી, રાધનપુર, પાલનપુર, ડિસા, આબુ, નગરપારકર, કટોસણ, ઇલોલ, માણસા, નંદાસણ, દેવરાસણ, વસઇ, વિજાપુર, ખેરાળુ, કાલોલ, પેથાપુર, ડભાલા, આગલોડ, કનેરિયા, દુબારા, આજોલ, પાટણ, ખેડા, ઠાસરા, ખંભાત, વડતાલ, છોટા ઉદયપુર, ઉનાવા, કોડીનાર, માછરડા, મોરબી, ભાવનગર, ભાલોદ, કોરલ, વડોદરા, અમદાવાદ કેન્ટોનમેન્ટ, સંતરામપુર, શિહોર, સામરખા, પાલ, દ્વારિકા, બેટદ્વારિકા, નવસારી, સુરત, ગોધરા, દાહોદ, માનગઢ, ચાંદોદ-કરનાળી, ડાકોર, અંગેર, લુણાવાડા, જાંબુઘોડા, દેવગઢબારિયા, સંખેડા, ખાનપુર, આણંદ, આસોજ, ચંડુપ, નાદોદ, નડિયાદ, લીમડી દાહોદ, કંબોઇ ધામ, ઝાલોદ, વસઇ, ધ્રાસણવેલ, આભપરા (જામનગર), વનચરડા (પોરબંદર), ભાદરવા, મીયાગામ, પાલ-દઢવાવ-ચિતરીયા (વિજયનગર), સિપોર, સોમનાથ, વેરાવળ, જેતલસર, માંડવી, ઉમરેઠ, જૂનાગઢ, માણાવદર, ટંકારા, રાણપુર, ધંધુકા, હરિપુરા, કરમસદ, કનડો ડુંગર.. આમાંનાં કેટલાંક સ્થાનો સુધી આપણાં સંશોધકો પહોંચ્યા હશે? આપણાં પાઠ્યપુસ્તકોમાં આમાંથી કેટલાંનું સ્થાન હશે? આપણા પરિસંવાદોમાં આ વિષય ખરેખર ચર્ચાયો છે ખરો? જૂન 2021માં આ ઘટનાઓનું ભારે મહત્ત્વ છે. લોકશાહી અને વિચાર સ્વતંત્રતાને સમજદારીપૂર્વક જો સ્વીકારવામાં ન આવે તો અંધાધૂંધી પેદા થાય અને છેવટે અરાજકતાને કારણે દેશ અને સમાજ છિન્ન-ભિન્ન થઈ જાય અને વર્ષો પછી પ્રાપ્ત સ્વતંત્રતા વેરવિખેર થાય એટલે વિચાર સ્વતંત્રતાના નામે અજીર્ણ અને અતિરેક થવા જોઈએ નહીં. કવિ ઇકબાલે એક જમાનામાં એવું કહ્યું હતું- વતન કી ફિક્ર કર નાદાન કી મુસીબત આને વાલી હૈ, તેરી બરબાદીઓં કે મશવરે હૈ આસમાનોં મેં! વ્યર્થ વાદ-વિવાદ વિના સૌથી પહેલાં દેશ, એ સૂત્ર આત્મસાત થવું જોઈએ એવું જૂન 1857માં અને જૂન 2021માં પણ એટલું સાચું છે.{vpandya149@gmail.com

અન્ય સમાચારો પણ છે...