તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શબ્દના મલકમાં:‘છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો, બાપુ’

મણિલાલ હ. પટેલ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મેઘાણીએ ‘વેવિશાળ’, ‘તુલસીક્યારો’માં સમાજનો કાન આમળ્યો છે. નવાં વલણો સામે એ પરંપરાને પણ મહત્ત્વ આપે છે

ઝવેરચંદ મેઘાણીની વ્યક્તિમત્તા અને સર્જક પ્રતિભાથી આજે પણ ગુજરાત અને ખાસ તો સોરઠ પ્રદેશ એમને જાણે છે, એમના વિશે સાંભળ‌વા અને એમનું લેખન-સર્જન વાંચવા તત્પરતા દેખાડે છે. લોકજીવન અને લોકવાણીમાં કેવી ગંજાવર તાકાત પડી છે એનો પરિચય આપણને મેઘાણીએ જે રીતેભાતે કરાવ્યો છે એવો તો યદ્યપિ કોઈએ નથી કરાવ્યો. વિદ્વાનોનાં ઉત્તમ વ્યાખ્યાનોથી પ્રતિષ્ઠા પામેલી, મુંબઈ યુનિ. દ્વારા પ્રતિવર્ષ યોજાતી ‘શ્રી ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળાના ઉપક્રમે મેઘાણીએ જે પાંચ વ્યાખ્યાનો આપેલાં તે ‘લોકસાહિત્યનું સમાલોચન’ (1946) નામે ગ્રંથસ્થ છે. આ ગ્રંથ ગુજરાતી લોકસાહિત્ય વિશેનો ઉત્તમ અને અનિવાર્ય ગ્રંથ છે. ગામડે-ગામડે પાદરે પનઘટે ને સીમવગડાની વાટે ડુંગરે-ડુંગરે ફરીને મેઘાણીએ અનેક કથાઓ-મૂળનાં જાણકાર મનેખોને મળીને, પછી પોતાની જોમવંતી જબાન એમાં ઉમેરીને આલેખી છે, એની યાદી તો જગ્યા માગે પણ અહીં થોડી યાદી મૂકીએ- સૌરાષ્ટ્રની રસધાર : પાંચ ભાગ, સોરઠી બહારવટીયા: ત્રણ ભાગ., કંકાવટી : બે ભાગ : દાદાજી અને ડોશીમાની વાતો, ચૂંદડી : બે ભાગ. રઢિયાળી રાત, વીરની વાતો, વીરાંગનાની વાતો, જનસમાજનાં વેરઝેર, પ્રેમ અને બંધુતા, દગો અને ધિક્કાર, દિલાવરો અને શહાદત, કોમળ અને કરુણની રસધારને વર્ણવતી આ કથાઓ-વાતો આજેય રુંવાડાં ઊભાં કરી દે છે અને આંખોનાં પાણી ખૂટવે એવી છે. પોતાને પહાડનું સંતાન ગણાવતા, મજબૂત બાંધાના, સાહસિક અને પ્રેમ તથા માનવતાના ભેરુ મેઘાણીનો જન્મ 28 ઓગસ્ટ, 1897માં ચોટીલા ખાતે થયો હતો. મૂળ વતન બગસરા, પિતા કાલિદાસ અને માતા ધોળીબાઈ. પત્ની ચિત્રાદેવી/દમયંતીબહેન. છ દીકરા- મહેન્દ્રભાઈ, નાનકભાઈ, મસ્તાનભાઈ, જયંતભાઈ, વિનોદભાઈ અને અશોકભાઈ. બધા પુસ્તકપ્રેમી. લોકો સુધી ઉત્તમ સાહિત્ય પહોંચાડવા જીવન ખર્ચી નાખનારા. લેખન તથા અનુવાદ-સંપાદનમાં સારું કાર્ય કરી પિતાનો વારસો દીપાવનારા. પિતાજીની નોકરીમાં બદલી આવતી એટલે મેઘાણીનું બધું શિક્ષણ વિવિધ ગામો-નગરોમાં થયેલું. રાજકોટ ને અમરેલી પછી કોલેજ માટે જૂનાગઢ ગયેલા. બહાઉદ્દીન કોલેજમાંથી અંગ્રેજી અને સંસ્કૃત સાથે બીએ થયા. શિક્ષક થયા. એમએ કરવાનો મેળ ન પડ્યો. કમાવા માટે કલકત્તા ગયા હતા. એલ્યુમિનિયમના કારખાનામાં શેઠ સાથે ફાવતું હતું. ત્રણ માસ ઈંગ્લેન્ડ પણ ગયેલા, પણ એમને પોતાનો ગોવાળ બોલાવતો સંભળાય છે ને મેઘાણી બગસરા આવે છે. પત્રકારત્વ ક્ષેત્રે ધીમે-ધીમે જમાવટ કરે છે. છેવટે એક છાપામાં તંત્રી બને છે અને સાહિત્ય-સર્જનનાં કામ સાથે અનુવાદો તથા લોકસાહિત્યનાં લેખન-સંપાદનમાં ગળાડૂબ રહે છે. ઉત્તમ નવલકથાઓ-વાર્તાઓ-કાવ્યો વડે લોકપ્રિય સર્જક તરીકે વ્યાપક ચાહના પામે છે. પચાસ વર્ષના ટૂંકા આયુષ્યમાં માંડ પચ્ચીસ વર્ષો એ સાહિત્યને આપી શકેલા. છતાં એમણે પચાસથી વધુ ગ્રંથો આપ્યા. મેઘાણીની ‘યુગવંદના’ની કવિતા ગાંધીયુગને કવિએ કરેલી શબ્દવંદના છે. ‘છેલ્લો કટોરો’માં ગોળમેજી પરિષદમાં જતા ગાંધીના મનોમંથનને આલેખ્યું છે. ગાંધીજીએ એને પ્રમાણ્યું ને મેઘાણી ‘રાષ્ટ્રીય શાયર’નું બિરૂદ પામ્યા. એમની કવિતામાં પીડિતોની વેદના છે- શહીદોની વીરતા છે. નવસર્જનનો સંદેશ છે. કસુંબીનો રંગ છે. ચારણ કન્યાની હિંમત છે. લોકકથા આધારિત વાર્તાઓ- શેત્રુંજીને કાંઠે, શેણી વિજાણંદ, ઓળીપો, કરિયાવર તો લોકભોગ્ય છે જ, પણ મૌલિક વાર્તાઓમાં ‘વહુ અને ઘોડો’ જેવી કલાત્મક વાર્તાઓ પણ છે. એ જ રીતે ઈતિહાસ આધારિત નવલોની સામે મેઘાણીની સર્જક પ્રતિભાનો અને સામાજિક નિસબતનો હિસાબ આપતી ‘વેવિશાળ’, ‘તુલસીક્યારો’ અને ‘નિરંજન’ જેવી સુખપાઠ્ય નવલકથાઓ મળે છે. મેઘાણીએ ‘વેવિશાળ’, ‘તુલસીક્યારો’માં સમાજનો કાન આમળ્યો છે. નવાં વલણો સામે એ પરંપરાને પણ મહત્ત્વ આપે છે. ‘માણસાઈના દીવા’ જેવા મૂલ્યવાન ચરિત્ર નિબંધ ગ્રંથના કર્તા મેઘાણીનું પેટની અસાધ્ય બીમારીથી માર્ચ, 1947માં અવસાન થયું હતું. ⬛ manilalpatel911@yahoo.com

અન્ય સમાચારો પણ છે...