અજવાળાનો ઓટોગ્રાફ:યાચકથી સહાયક અને ઉપાસકથી ઉદ્ધારક સુધીની યાત્રા

ડૉ. નિમિત્ત ઓઝા15 દિવસ પહેલા
  • કૉપી લિંક

આધ્યાત્મિક વિશ્વ અને આંતરિક શાંતિની પ્રાપ્તિ માટે, મને પ્રભાવિત કરનારા કેટલાક મહાનુભાવોમાંનું એક ગમતું નામ એટલે Thick Nhat Hanh (ટીક નાટ હાન). વિયેતનામમાં જન્મેલા અને 95 વર્ષની ઉંમરે પહોંચેલા તેઓ એક ઝેન ગુરુ અને શાંતિ કાર્યકર્તા છે. પચાસથી વધારે પુસ્તકો, અસંખ્ય વિડીયોઝ અને પોડકાસ્ટમાં પ્રકાશિત અને પ્રસારિત થતા તેમના વિચારો, કોઈ પણ સામાન્ય માણસની જિંદગી બદલી શકે તેમ છે. તેઓ ફક્ત વિશ્વશાંતિ માટે જ નહીં, દરેક મનુષ્યની વૈયક્તિક શાંતિ માટે પણ એટલા જ સક્રિય છે. મારો વ્યક્તિગત અનુભવ કહું તો હું જ્યારે જ્યારે એમનાં પુસ્તકો વાંચું છું, એમની વાતો સાંભળું છું કે એમનો ચહેરો જોઉં છું, ત્યારે ત્યારે એક અલગ જ પ્રકારની શાંતિનો અનુભવ થાય છે. એવું લાગે કે જાણે જાતની અંદર ધમપછાડા કરતું પાણી, એમના વિચારો સાંભળીને અચાનક શાંત થઈ જાય છે. તેમના પુસ્તક ‘At home in the world’માં તેમણે એક સુંદર પ્રસંગ લખ્યો છે. તાજેતરના વર્ષોમાં કેટલીક જેલમાં, કેદીઓ માટે પુસ્તકો ઉપલબ્ધ કરાવવામાં આવે છે. બન્યું એવું કે નોર્થ અમેરિકાની એક જેલમાં, મૃત્યુદંડની સજા પામેલા એક કેદીને ટીક નાટ હાનનું એક પુસ્તક આપવામાં આવ્યું. એ પુસ્તકનું નામ, ‘Being peace’. દેહાંતદંડનો દિવસ નજીક આવતા પહેલાં, એ ગુનેગારે આ આખું પુસ્તક વાંચી નાખ્યું અને એનાથી પ્રેરાઈને તેણે પોતાના જ સેલની અંદર મેડિટેશન કરવાનું શરૂ કર્યું. અંતિમ દિવસોમાં, તેણે તમાકુ ખાવાનું પણ છોડી દીધું. હવે બન્યું એવું કે એની બાજુની ઓરડીમાં જે ગુનેગારને રાખવામાં આવેલો, એ પણ તમાકુનો બંધાણી હતો. એક દિવસ એવું બન્યું કે તીવ્ર તલપ લાગતા, એ ગુનેગારે આ મૃત્યુદંડની સજા મળેલા ગુનેગાર પાસે તમાકુ માંગી. એણે પૂછ્યું, ‘થોડી તમાકુ આપશો?’ પોતે તમાકુ છોડી દીધા હોવા છતાં હાજર રહેલા સ્ટોકમાંથી થોડી તમાકુ તેણે પાડોશી ગુનેગારને આપી. તમાકુ આપતી વખતે તેણે પોતાની પાસે રહેલા પુસ્તક ‘Being peace’નું પહેલું પાનું ફાડી નાંખ્યું અને એ પાનાંમાં તમાકુ વીંટાળીને બાજુના ગુનેગારને આપી. બીજા દિવસે બીજું પાનું, ત્રીજા દિવસે ત્રીજું પાનું એ રીતે તમાકુ આપવાના બહાને એક ગુનેગારે પોતાની પાસે રહેલું આખું પુસ્તક બીજા સુધી પહોંચાડી દીધું. આ બીજો ગુનેગાર તમાકુ ખાતાં ખાતાં દરરોજ એક પાનું વાંચતો. એ રીતે ધીમે ધીમે તેણે આખું પુસ્તક પૂરું કર્યું. શરૂઆતમાં આક્રમક, તોફાની અને ગુનાહિત માનસિકતા ધરાવતો આ કેદી ધીમે ધીમે શાંત થવા લાગ્યો. માથા પછાડવાને બદલે કલાકો સુધી તે પોતાની ઓરડીમાં શાંતિથી બેસી રહેતો. એક સુંદર પુસ્તક મોકલવા બદલ થોડા દિવસ પછી તેણે બાજુના કેદીને એક ‘થેન્ક યૂ’ લખેલી ચિઠ્ઠી મોકલાવી. એ બંનેના મનમાં રહેલો એક કોમન વિચાર એ હતો કે આ પુસ્તક આપણે પહેલાં વાંચ્યું હોત, તો આજે આપણે અહીંયા ન હોત. કારાવાસમાં હોવા છતાં પણ એ બંને ગુનેગારો, એક પુસ્તક થકી દીક્ષિત થયા અને આપણે જેલની બહાર હોવા છતાં પણ ક્યારેક મનના કારાવાસમાં પુરાયેલાં હોઈએ છીએ. એ મનનો હોય કે તનનો, કારાવાસની અંદર અને બહાર રહેલાં લોકો વચ્ચે, તફાવત બસ એક પુસ્તકનો જ હોય છે. આપણી આસપાસ એવાં કેટલાંય આક્રમક અને અસંતુષ્ટ લોકો હોય છે જેઓ ખુલ્લી હવા, મોકળાં મેદાન કે અફાટ આભને માણી નથી શકતાં. બાગમાં ખીલેલાં ફૂલોની સુગંધ તેમનાં સુધી નથી પહોંચતી. વૃક્ષનો છાંયો, ઠંડો પવન કે સૂર્યાસ્ત સમયના આકાશની સુંદરતા તેઓ અનુભવી નથી શકતાં. આ એક પ્રકારનો કારાવાસ જ છે ને! જે પુસ્તક, પ્રતીતિ કે પ્રાર્થના આપણને જાત સાથેનો શાંતિ કરાર કરાવી શકે, મુક્તિ એ જ અપાવી શકે. બીજું કશુંય પામવાની ઝંખના ખંખેરીને જ્યારે આપણે જાત સાથે કમ્ફર્ટેબલ થઈએ છીએ, ત્યારે આંતરિક શાંતિ તરફ પ્રયાણ કરીએ છીએ. જેઓ જાત સાથે શાંતિપૂર્વકના સહચર્યમાં છે, ફક્ત તેઓ જ અન્યમાં ફાટી નીકળેલો અંતર-વિગ્રહ નિહાળી શકે છે. અને એ તેમની જવાબદારી છે કે તેઓ અન્યને શાંતિ સ્થાપવામાં મદદ કરે. પીડિતોને મદદ કરી શકવાની સૌપ્રથમ લાયકાત જ એ છે કે સહાયકનું અંત:કરણ પીડામુક્ત હોવું જોઈએ. જેમનું અંત:કરણ ઈજાગ્રસ્ત હોય છે, તેઓ ઉપાસક હોય છે. એ રુઝાયા બાદ, તેઓ ઉદ્ધારક બની જાય છે. અન્ય માટે કશુંક માંગી શકવાની સૌથી પહેલી જરૂરિયાત જ એ છે કે આપણી જાત તૃપ્ત હોવી જોઈએ. યાચક કે સહાયક, આપણે કઈ અવસ્થામાં છીએ એની જાણ હોવી જરૂરી છે. કારણ કે આ એક એવી યાત્રા છે જેમાં વર્તમાન મુકામ પ્રત્યેની સભાનતા જ આપણી મુસાફરીને વેગ આપે છે. આપણા ઘા રુઝાયા બાદ જ આપણે અન્યનાં જખમ પર ફૂંક મારી શકીએ, એ વાત જેટલી સાચી છે એટલી જ સાચી એ હકીકત પણ છે કે અન્યની ઈજા પર ફૂંક મારવાથી આપણા ઘા જલદી રુઝાય છે. સ્વમાંથી ઉદ્્ભવતો અને સર્વ સુધી વિસ્તરતો આ ફૂંક મારવાનો કોન્સેપ્ટ, અંતે તો દુભાયેલાં મનને રાહત આપવાનો છે. એ તમાકુ હોય કે પુસ્તક, ક્રોધ હોય કે કરુણા, રંઝાડ હોય કે રાહત, આપણે અન્યને એ જ આપી શકીએ, જે આપણી પાસે વિપુલ માત્રામાં હોય. ⬛ vrushtiurologyclinic@yahoo.com

અન્ય સમાચારો પણ છે...