આંતરમનના આટાપાટા:જ્હોન ડી. રોકફેલર - એક અનોખા અબજપતિ

10 દિવસ પહેલાલેખક: જય નારાયણ વ્યાસ
  • કૉપી લિંક
  • રોકફેલરને સમાજ અને કુદરત પ્રત્યેની કૃતજ્ઞતાનો અહેસાસ થયો અને પોતાની મોટાભાગની સંપત્તિ સમાજના લાભ પાછળ વાપરી

જ્હોન ડી. રોકફેલર એક સમયે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ હતા, વિશ્વના પ્રથમ અબજપતિ હતા. 25 વર્ષની ઉંમરે પહોંચ્યા ત્યાં સુધીમાં તેઓ અમેરિકાની સૌથી મોટી ઓઈલ રિફાઈનરીઓમાંની એક ચલાવી રહ્યા હતા. 31 વર્ષની ઉંમર સુધીમાં તેઓ વિશ્વના સૌથી મોટા ઓઈલ રિફાઈનર બની ગયા. 38 વર્ષની ઉંમર સુધીમાં તેઓ અમેરિકાના 90 ટકા ઓઇલનું શુદ્ધિકરણ કરી રહ્યા હતા. 58 વર્ષની વયે તેમણે નિવૃત્તિ લીધી ત્યાં સુધીમાં તેઓ દેશના સૌથી ધનિક વ્યક્તિ હતા. તેઓ મૃત્યુ પામ્યા ત્યાં સુધીમાં તેઓ વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા. એક યુવાન તરીકે તેમણે લીધેલો દરેક નિર્ણય અને વલણ તેમની વ્યક્તિગત શક્તિ અને સંપત્તિ વધારનાર બની રહ્યા. પરંતુ 53 વર્ષની ઉંમરે તેઓ માંદગીમાં પટકાયા. તેમનું આખું શરીર દર્દથી કણસતું હતું. તેમણે પોતાના બધા વાળ ગુમાવી દીધા હતા. આવી યાતનાભરી સ્થિતિમાં વિશ્વનો એકમાત્ર અબજોપતિ, જે પોતાને જોઈતી ગમે તે વસ્તુ ખરીદી શકે તેમ હતો, તે માત્ર દૂધ અને બિસ્કિટ જ પચાવી શકે તેવી સ્થિતિમાં પહોંચી ગયો. તેમના એક સહયોગીએ લખ્યું કે તેઓ ઊંઘી શકતા નથી, હસી શકતા નથી અને જીવનમાંથી રસ ગુમાવી ચૂક્યા છે. તેમના અંગત એવા નિષ્ણાત ચિકિત્સકોએ આગાહી કરી હતી કે તેઓ એક વર્ષમાં મૃત્યુ પામશે. તે વર્ષ ખૂબ જ ધીમી ગતિએ પસાર થઈ રહ્યું હોય એમ લાગતું હતું. ધીમે ધીમે તેઓ મૃત્યુની નજીક પહોંચતા હતા. એક સવારે એક સ્વપ્નની અસ્પષ્ટ યાદો સાથે તેઓ જાગી ગયા. સ્વપ્નમાં તેમણે અનુભવ્યું કે તેમણે આ જીવનમાં જે કોઈ સફળતા હાંસિલ કરી છે તેને તેઓ પોતાની સાથે મૃત્યુ બાદની બીજી દુનિયામાં લઈ જઈ શકે તેમ નથી. જે માણસ વ્યાપારી દુનિયાને નિયંત્રિત કરી શકે છે તેને અચાનક સમજાયું કે તેના પોતાના જીવન પર જ કોઈ નિયંત્રણ નથી. તેમની પાસે માત્ર એક જ વિકલ્પ બચ્યો હતો. તેમણે પોતાના વકીલો, એકાઉન્ટન્ટ્સ અને મેનેજરોને બોલાવ્યા અને જાહેરાત કરી કે તેઓ પોતાની સંપત્તિને સંશોધન અને હોસ્પિટલો માટે વાપરવા માંગે છે. તે દિવસે જ્હોન ડી. રોકફેલરે એક પાયો નાખ્યો. આ નવી દિશા આખરે પેનિસિલિન, મેલેરિયા, ટ્યુબરક્યુલોસિસ અને ડિપ્થેરિયાના ઈલાજની શોધ તરફ દોરી ગઈ. પણ રોકફેલરની આ વાર્તાનો સૌથી અદ્્ભુત ભાગ તો હવે આવે છે. તેમણે જે ક્ષણે પોતે જે સંપત્તિ એકઠી કરી હતી તેનો એક ભાગ સમાજને પાછો આપવાનું શરૂ કર્યું, ત્યારથી જ તેમના શરીરનાં રસાયણોમાં નોંધપાત્ર રીતે ફેરફાર થવા લાગ્યો અને તેમનું સ્વાસ્થ્ય સુધરવા લાગ્યું અને ધીરે ધીરે તેમણે સંપૂર્ણ સ્વસ્થતા પ્રાપ્ત કરી. એવું લાગતું હતું કે આ માણસ 53 વર્ષની ઉંમરે મૃત્યુ પામશે પરંતુ તે 98 વર્ષ સુધી જીવ્યો. રોકફેલરને સમાજ અને કુદરત પ્રત્યેની કૃતજ્ઞતાનો અહેસાસ થયો અને પોતાની મોટાભાગની સંપત્તિ સમાજના લાભ પાછળ વાપરી અને એ રીતે સમાજમાંથી જે મેળવ્યું હતું તે પાછું આપ્યું. આમ કરવાથી તેમને પૂર્ણતાનો અહેસાસ થયો. સાજા થવું એ એક વસ્તુ છે અને પૂર્ણતાનો અહેસાસ અલગ વસ્તુ છે. રોકફેલરે ચર્ચમાં જવાનું શરૂ કર્યું અને જ્યાં સુધી તેઓ મૃત્યુ પામ્યા ત્યાં સુધી ચર્ચની સફાઈ કરતા રહ્યા! મૃત્યુ પહેલાં તેમણે પોતાની ડાયરીમાં લખ્યું: ‘મને શરૂઆતથી જ કામ કરવાની સાથે સાથે રમવાનું પણ શીખવવામાં આવ્યું હતું. મારું જીવન એક લાંબી અને ખુશીઓથી ભરેલી રજાઓ જેવું રહ્યું છે; કામથી ભરપૂર પણ સાથે સાથે રમતથી પણ ભરપૂર. આ સફરમાં મેં સઘળી ચિંતાઓ વચ્ચે જ ક્યાંક છોડી દીધી અને ઈશ્વર પણ મારા પ્રત્યે દયાળુ રહ્યો!’ આપણે હંમેશાં જીવનને ઊજવવું જોઈએ, જીવને આપેલી સોગાતને વહેંચવી જોઈએ. માલિકીપણાના ભ્રમથી આસક્તિ આવે છે અને તે તમને અસુરક્ષિત બનાવે છે, તમને સતત કંઈક ગુમાવવાનો ડર લાગે છે. જે તમારી પાસે છે તે ખરેખર તમારું નથી પણ તમને થોડો સમય વાપરવા માટે આપવામાં આવ્યું છે. તમારા પહેલાં તે બીજા કોઈ માટે ઉપયોગમાં લેવાતું હતું અને ટૂંક સમયમાં જ બીજા કોઈને આપવામાં આવશે. આસક્તિ શું છે? તમે બીજા લોકો સાથે શું વહેંચો છો અને તમે શેના માટે આભાર માનો છો? જેઓ આસક્તિથી યુક્ત છે એમની પાસે કાંઈ ન હોય તોય સમગ્ર જગત એમના માટે પરિગ્રહરૂપ પુરવાર થાય છે અને જેઓ આસક્તિથી મુક્ત છે એમની પાસે ઘણું બધું હોય તોય સમગ્ર જગત એમના માટે અપરિગ્રહરૂપ પુરવાર થાય છે.⬛

અન્ય સમાચારો પણ છે...