દીવાન-એ-ખાસ:ગાંજાને કાયદેસર કરવા હવે જો બાઇડન પણ મેદાને!

વિક્રમ વકીલ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઉંમરને કારણે મગજશક્તિ ગુમાવી ચૂકેલા અમેરિકન પ્રમુખ જો બાઇડને હમણાં એક મહત્ત્વની વાત છેડી છે. અમેરિકાનાં કેટલાંક રાજ્યોમાં મારિજુઆના કે ગાંજાને રાખવા માટે કે એનો ઉપયોગ કરવા માટે ઘણા જેલવાસ ભોગવી રહ્યા છે. આવા કેદીઓને તાત્કાલિક છોડી દેવા માટે બાઇડને હાકલ કરી છે. એમણે જાહેર મંચ પરથી કહ્યું છે કે : ‘મારિજુઆના રાખનારા કે પીનારાઓને માફી આપી દેવા હું હાકલ કરું છું. મારિજુઆનાને હેરોઇન કે કોકેઇન જેટલું હાનિકારક ગણવું એ મૂર્ખાઈ છે.’ જોકે, આ ચર્ચા શરૂ કરનાર અમેરિકા પહેલો દેશ નથી. યુરોપના પણ કેટલાક દેશોમાં આ ચર્ચાએ જોર પકડ્યું છે. સિગારેટ, પાઇપ કે ચીલમ દ્વારા પીવામાં આવતા આ નશીલા પદાર્થને કેનાબિસ, ગાંજો, ચરસ, માલ કે હસીસ પણ કહેવામાં આવે છે. વિશ્વના કેટલાક દેશોએ ગાંજાની ખેતીને કાયદેસરતા આપી છે. બાઇડન બોલ્યા એ પહેલાં જ અમેરિકાનાં કેટલાંક રાજ્યોએ કેનાબિસની ખેતી અને વેચાણ પરનો પ્રતિબંધ ઊઠાવી લીધો હતો. અમેરિકાના કેટલાક ડોક્ટરોએ કેનાબિસનો ઔષધીય ઉપયોગ માન્ય રાખ્યા પછી, ઘણા કેન્સરના દર્દીઓએ મારિજુઆનાને કાયદેસર કરવા માટે આંદોલન કર્યું હતું. આપણા દેશમા કેટલાક ભાગમાં પણ ગાંજો કે ભાંગ જેવા કેનાબિસ ગૌત્રના પદાર્થોનું સેવન સામાન્ય ગણાય છે. મહાશિવરાત્રી જેવા તહેવારો દરમ્યાન ભાંગ પીવામાં કોઈ છોછ લાગતી નથી. આપણા દેશમાં લાખો સાધુ-બાવાઓ ચીલમ દ્વારા ગાંજો ફૂંકતા હશે! 1985 સુધી આપણા દેશમાં પણ કેનાબિસના ઉત્પાદન પર પ્રતિબંધ નહોતો. વક્રતાએ છે કે, અમેરિકના તત્કાલીન પ્રમુખ નિક્સનના દબાણને કારણે રાજીવ ગાંધીની સરકારે ગાંજાને ‘નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોફિક સબસ્ટન્સ’ની વ્યાખ્યામાં લાવીને ગેરકાયદેસર જાહેર કર્યો હતો. એક અભ્યાસ પ્રમાણે ભારતમાં ત્રણ કરોડથી વધુ લોકો કેનાબિસ પદાર્થોનું સેવન કરે છે. આમાંથી એક કરોડ અને ત્રીસ લાખ જેટલા મારિજુઆના અને હસીસનું સેવન કરે છે. સિક્કિમ, ઉત્તર પ્રદેશ, દિલ્હી, ચંડીગઢ... જેવાં રાજ્યોમાં ગાંજા-ભાંગનું સેવન વધારે માત્રામાં થાય છે. ‘યુનાઇટેડ નેસન્શ ઓફિસ ઓન ડ્રગ્સ એન્ડ ક્રાઇમ’ દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા પ્રમાણે વિશ્વ આખાનાં 120 જેટલાં શહેરોમાંથી ગાંજો ફૂંકવામાં દિલ્હી ત્રીજા નંબરે છે. કોલમ્બિયાના વિશ્વ વિખ્યાત ડ્રગ માફિયા પાબ્લો એસ્કોબારના પુત્રના કહેવા પ્રમાણે પાબ્લો દરરોજ અબજો ડોલરનું કોકેઇન કોલમ્બિયાથી અમેરિકા મોકલતો હતો, પરંતુ એણે કદી કોકેઇનનો નશો કર્યો નહોતો. જોકે, પોલીસે એનું એન્કાઉન્ટર કર્યું ત્યાં સુધી એ નિયમિત રીતે મારિજુઆનાની સિગારેટ પીતો હતો. પાબ્લોએ એના ધંધાની શરૂઆત મારિજુઆનાના ધંધાથી જ કરી હતી. તેથી એને ખબર પડી કે કોકોના છોડને પ્રોસેસ કરીને બનાવવામાં આવતું કોકેઇન ઓછી મહેનતે હજારો ગણો વધારે નફો રળી આપી શકે એમ છે. ત્યાર પછી એણે મારિજુઆનાને બદલે કોકેઇનના ઉત્પાદન અને દાણચોરી પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું! કોકેઇન અને હેરોઇન જેવા માદક પદાર્થો ઘણા મોંઘા હોવાથી એનું વેચાણ ભદ્ર વર્ગમાં જ વધારે છે. ગાંજો પ્રમાણમાં સસ્તો હોવાથી સાધુઓ ઉપરાંત કેટલાક યુવાનો પણ એના નશા તરફ વળ્યા છે. કેનાબિસમાં 400 જેટલાં દ્રવ્યો હોય છે, એમાંથી ટીએચસી તરીકે ઓળખાતું દ્રવ્ય મગજમાં આવેલા કેટલાક જ્ઞાનતંતુઓ ઉપર સીધી અસર કરીને આનંદની અનુભૂતિ કરાવે છે. કેનાબિસમાં સીબીડી નામનો એક પદાર્થ છે, જેને નશા સાથે કોઈ લેવાદેવા નથી. મતલબ કે ગાંજામાંથી ટીએચસી દૂર કરીને ફક્ત સીબીડીનો ઉપયોગ જ કરવામાં આવે તો એના ઘણા વૈદકીય ફાયદા છે. કેનાબિસને કાયદાની પકડમાંથી મુક્ત કરવા માટે આંદોલન કરી રહેલા એનજીઓનું કહેવું છે કે કેન્સર અને બીજા રોગોમાં થતા અસહ્ય દર્દમાંથી સીબીડીને કારણે દર્દીને ખૂબ રાહત મળે છે. ગાંજાને કાયદેસરતા આપવા માટે આપણી સરકાર અમેરિકાની નકલ કરવા તૈયાર નથી. જો એમ થાય તો મોટો વિવાદ ઊભો થાય. હમણાં તો જો બાઈડનને જ એમની ચળવળ મુબારક!⬛vikramvakil rediffmail.com

અન્ય સમાચારો પણ છે...