બાઈબલમાં લખ્યું છે : ‘ફિઝિશિયન હીલ-ધાયસેલ્ફ.’ અર્થાત્્ : ‘હે તબીબ, પહેલાં તું તારી ખુદની સારવાર કર.’ 1990ની સાલમાં કુકરવાડાના ડો. આઈ. બી. પટેલની બાબતમાં ઉપરની સલાહ શબ્દશ: લાગુ પડી રહી હતી. તે સમયે બેંતાળીસ વર્ષના ડો. ઈશ્વરભાઈ પટેલને છ-સાત દિવસથી ખાંસી આવવી શરૂ થઈ હતી. શરૂઆતમાં ખાંસીનું જોર મંદ હતું જે ધીમે-ધીમે વધી રહ્યું હતું. ડો. પટેલ ખુદ એમ. બી. બી. એસ થયેલા ડોક્ટર હતા. વર્ષોથી એ ગામમાં જનરલ પ્રેક્ટિસ કરતા આવ્યા હતા. ખાંસીના હજારો દર્દીઓને સાજા કરી ચૂક્યા હતા. હવે એમને પોતાને સાજા કરવાનો સમય આવ્યો હતો. કોઈ પણ ડોક્ટર સામાન્ય રીતે જે દવાથી સારવારની શરૂઆત કરે એ દવા ડો. પટેલે પણ શરૂ કરી દીધી. પાંચ દિવસનો કોર્સ પૂરો કર્યા પછી સહેજ પણ રાહત ન મળી. ખાંસીનું કારણ એક જ ન હોય, ઈન્ફેક્શન સિવાયનાં અન્ય કારણો પણ હોય છે. એમાંથી જે બે-ત્રણ ‘કોમન’ કારણો હોય છે એ બધાંની ટ્રીટમેન્ટ ડો. પટેલે અજમાવી લીધી. પછી એમને યાદ આવ્યું કે વીસેક વર્ષ પહેલાં એમને ફેફસાંનો ટી.બી. થયો હતો. એ જમાનામાં એમની પાસે ટી.બી.ના અસંખ્ય દર્દીઓ આવતા હતા. આપણા દેશમાં સામાન્યજનોને આરોગ્ય માટે રાખવા જેવી તકેદારીઓ વિશે જ્ઞાન નથી, ભાન પણ નથી. ક્ષય રોગના દર્દીઓ ડો. પટેલની સામે બેસીને જોર જોરથી ખાંસતા હતા, જેના પરિણામે ટી.બી.ના જંતુઓ ડોક્ટરના શ્વાસ દ્વારા ફેફસાંમાં પહોંચી ગયા હતા. જોકે, ડો. પટેલે એ સમયે જરૂરી સારવાર પૂરા કોર્સમાં લઈ લીધી હતી અને એ રાજરોગમાંથી પૂર્ણપણે સાજા થઈ ગયા હતા. ડો. પટેલનો વર્ષોનો અનુભવ એમને સૂચવતો હતો કે કોઈ પણ પ્રકારની ખાંસી જો બેથી ત્રણ સપ્તાહ કરતાં વધુ સમય ચાલુ રહે તો ટી.બી.ની સારવારનો કોર્સ લઈ લેવો જોઈએ, ભલે ટી.બી. થયો હોવાની કોઈ સાબિતી ન હોય. બાજુના શહેર વિસનગરના બે-ત્રણ ફિઝિશિયન મિત્રોને પૂછ્યું તો એમણે પણ આવી જ સલાહ આપી. ત્યાં સુધીમાં ડો. પટેલે છાતીનો એક્સ-રે તથા બ્લડ ટેસ્ટ્સ કરાવી લીધા હતા, જે બધા નોર્મલ આવ્યા હતા. ડો. પટેલે ટી.બી.ની સારવારનો પૂરો કોર્સ લઈ લીધો. સહેજ પણ ફરક પડ્યો નહીં. હવે ગંભીર ચિંતાનો સમય શરૂ થઈ ગયો. એ સાથે જ શરૂ થઈ ગયા અમદાવાદના નામાંકિત ડોક્ટરોનાં ચક્કરો. કેટલાં નામ ગણાવું? અત્યારે જેમની મૂછ પર લીંબુ લટકે છે એ તમામ મોટાં નામો એ યાદીમાં સમાઈ જાય છે. પણ ડો. પટેલની ખાંસી આ બધા ડોક્ટરો કરતાંય વધારે મજબૂત નીકળી. એ મટી નહીં એટલું જ નહીં, પણ દિવસે ને દિવસે ખાંસી વધતી રહી. ડો. પટેલ ખાંસી આવે ત્યારે બેવડ વળી જતા હતા. આંખમાં પાણી આવી જાય એવી હાલત હતી. અમદાવાદના આંટાફેરામાં એમની પ્રાઈવેટ પ્રેક્ટિસ પણ ટલ્લે ચડી ગઈ. દર્દીઓ આવતા હતા અને ક્લિનિકમાં એકલા કમ્પાઉન્ડરને જોઈને પૂછી લેતા હતા, ‘ડોક્ટર સાહેબ કેમ હાજર નથી રહેતા?’ કમ્પાઉન્ડર બાપડો શું બોલે? સાહેબની તબિયત સારી નથી એવું કહીને દર્દીઓને પાછા કાઢતો હતો. ગામમાં અફવા ઊડવા માંડી. એક પ્રતિસ્પર્ધી ડોક્ટરે વાત વહેતી કરી : ‘ડો. પટેલને તો ફેફસાંનું કેન્સર થયું છે.’ વફાદાર દર્દીઓ ઘરે આવીને ડો. પટેલને મળીને અફસોસ સાથે આશ્વાસન વ્યક્ત કરી જવા લાગ્યા. ડો. પટેલને એ વાતથી દુ:ખ ન થયું કે કોઈ એમના વિશે આવી અફવા ફેલાવે છે, પણ સૌથી મોટું દુ:ખ એ વાતનું હતું કે ખાંસી મટતી ન હતી. અત્યાર સુધી જે સુક્કી ખાંસી હતી એમાં હવે ગળફા પડવાનું શરૂ થયું હતું. અમદાવાદના એક ખૂબ હોશિયાર ડોક્ટરે એમને બ્રોન્કોગ્રાફીની સલાહ આપી. પહેલી વાર રિપોર્ટમાં કંઈક જાણવા મળ્યું : જમણા ફેફસાના ઉપરના ભાગમાં બ્રોન્કોસ્ટેટિક ચેન્જીસ જોવા મળતા હતા. એક હોશિયાર સર્જને સૂચન કર્યું, ‘પટેલ સાહેબ, મને લાગે છે કે તમારી અન્નનળી અને શ્વાસનળી વચ્ચે કંઈક ગરબડ છે. અત્યાર સુધી બધા ડોક્ટરોએ તમારાં ફેફસાં અને શ્વસનમાર્ગ ઉપર જ ધ્યાન આપ્યું છે. હવે આ બંને માર્ગો પર ધ્યાન આપવાની જરૂર જણાય છે.’ ડો. પટવારીના ક્લિનિકમાં અન્નમાર્ગની એન્ડોસ્કોપી કરવામાં આવી. ડો. શાહના ક્લિનિકમાં બ્રોન્કોસ્કોપી કરવામાં આવી. કશું જ પકડાયું નહીં. મૂંઝવણ વધતી ગઈ. ત્યાં એક નવી વાત ડો. પટેલની પોતાની નજરમાં પકડાઈ. એમણે ડો. શાહની પાસે જઈને એ રજૂ કરી. ‘તુષારભાઈ, હું જ્યારે ચા પીઉં છું તે પછી મને ઉધરસ આવે છે તેમાં ગળફાનો રંગ ચાના રંગ જેવો હોય છે.’ ડો. તુષાર શાહ ઉછળી પડ્યા, ‘હું આ જ વાત કરતો હતો. ચા તો તમારી અન્નનળી દ્વારા હોજરીમાં જાય છે, તો પછી ગળફાનો રંગ આવો શા માટે? આનો અર્થ એ કે તમે પીધેલી ચાનું એકાદ ટીપું અન્નળીમાંથી શ્વાસનળીમાં જતું જ હોવું જોઈએ. હું શું કહું છું તે સમજાય છે ને તમને?’ ‘કેમ ન સમજાય? આપણાં ભણવામાં આવતું હતું કે આ બંને માર્ગો એકબીજાથી સાવ નજીકમાં આવેલા હોય છે. એટલે તો કહેવત પડી છે કે હસવું અને લોટ ફાકવો આ બે કામ એકસાથે થઈ ન શકે. માણસ જ્યારે કોળિયો ગળતો હોય ત્યારે શ્વાસનળીનું દ્વાર બંધ થઈ જાય છે અને શ્વાસ લેતી વખતે અન્નનળી બંધ હોય છે. આપણા પૂર્વજો આ કારણથી જ જમતી વખતે વાતો નહીં કરવાની સલાહ આપી ગયા છે. હવે તમે શું સલાહ આપો છો? ડો. તુષાર શાહે ‘બેરીયમ બોલસ’નો ટેસ્ટ કરાવવાની સલાહ આપી. એ સમયના ખૂબ અનુભવી અને જાણીતા રેડિયોલોજીસ્ટ ડો. જસાણી સાહેબે આ ટેસ્ટ કરીને રિપોર્ટ આપ્યો : ‘ધેર ઈઝ અ સ્મોલ ટ્રેકિયો-ઈસોફેજીયલ ફિસ્ચુલા’ આ એક ‘રેર’ કહી શકાય તેવી સ્થિતિ હતી. ઈશ્વરે માનવદેહની રચના કરતી વખતે અત્યંત નાની-નાની બાબતોનું ધ્યાન રાખ્યું છે. શ્વસનમાર્ગ અને અન્નમાર્ગ સાવ પાસે પાસે હોવા છતાં એ બંનેની વચ્ચે ખોરાક અને હવાની અદલ-બદલ ન થવી જોઈએ. એ માટે બંનેની વચ્ચે પાતળી દીવાલનું આવરણ હોય છે. લાખોમાંથી એકાદ કિસ્સામાં આ બે નળીઓની વચ્ચેની દીવાલમાં નાનું કે મોટું છિદ્ર બની જાય ત્યારે અન્નનળીમાંથી ખોરાક અથવા પાણીનો સાવ નાનકડો હિસ્સો એ છિદ્રમાં થઈને શ્વાસનળીમાં દાખલ થઈ જાય છે. એને બહાર કાઢવા માટે મનુષ્યને ખાંસી આવે છે. આ એક એવી ‘રેર’ સ્થિતિ છે જેનો ભાગ્યે જ કોઈ ડોક્ટરને વિચાર આવે. નિદાન થઈ ગયું એટલે ડો. પટેલને ‘હાશ’ થઈ ગઈ, પણ ઈલાજ હજુ બાકી હતો. ડો. તુષાર શાહ ગુજરાતનું આભૂષણ છે. સૌથી પહેલી ‘ઓપન હાર્ટ સર્જરી’ (ગુજરાતમાં) કરનાર તેઓ જ હતા. ડો. પટેલને એમણે હોસ્પિટલમાં દાખલ કરી દીધા. ઓપરેશન જટિલ હતું જે કલાકો સુધી ચાલ્યું. જમણી બાજુની છાતી ખોલીને સર્જરી કરવી પડી. બંધ થયેલું છિદ્ર ફરી પાછું ખૂલી ન જાય તે માટે એમને રૂઝાવાનો પૂરતો સમય આપવો પડે. ડો. પટેલને આઠ દિવસ સુધી લગાતાર મોં વાટે ભોજન કે પાણી લેવાની મનાઈ ફરમાવવામાં આવી. નવમા દિવસે પાણી પીવાની છૂટ આપી ત્યારે પેશન્ટ-ડોક્ટર બંનેના શ્વાસ અદ્ધર હતા. સદ્્ભાગ્યે ઉધરસ ન આવી. પછી તો નક્કર ખોરાક પણ શરૂ કર્યો. આજે એ ઘટનાને પૂરાં બત્રીસ વર્ષ થઈ ગયાં છે. ડો. પટેલ પૂરેપૂરા તંદુરસ્તછે. ચુંમોતેર વર્ષની ઉંમરે પણ તેઓ મેડિકલ પ્રેક્ટિસ કરી રહ્યા છે. 1973માં હું ફર્સ્ટ એમ. બી. બી. એસ.માં હતો ત્યારે અમને એનેટોમી ભણાવતા ડો. જાવડેકર સાહેબ એકવાર બોલી ગયા હતા તે મને યાદ છે. એમણે કહ્યું હતું : ‘ખાંસીને ક્યારેય હળવાશમાં લેશો નહીં.’⬛ શીર્ષકપંક્તિ : કતીલ શિફાઇ drsharadthaker10@gmail.com
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.