તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બ્લેક એન્ડ વ્હાઈટ:ફરવાના શોખીનોનો જીવનમંત્ર નોકરી છોડો, વર્લ્ડ ટૂર કરો!

આશુ પટેલ10 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઘણા માણસો સારી નોકરી મેળવવા માટે રાત-દિવસ એક કરતા હોય છે, પણ સમાજની નજરમાં ઊંધી ખોપડીના કહેવાય એવા કેટલાક માણસો કોઈને પણ ઈર્ષ્યા આવે એવી નોકરી છોડીને વર્લ્ડ ટૂર કરવા માટે એક, દોઢ કે બે વર્ષનો ગેપ લેતા થયા છે. અહીં વર્લ્ડ ટૂરનો અર્થ એવો નથી કે દુનિયાના તમામ દેશો ફરી વળવા, પરંતુ એક વર્ષ કે એથી વધુ સમયગાળામાં શક્ય એટલા જુદા-જુદા દેશોમાં ફરીને ટ્રાવેલિંગનો અનુભવ લેવા માટે ટ્રાવેલિંગના શોખીનો જોબ છોડીને નીકળી પડે એની વાત છે. ઘણા કિસ્સાઓમાં કોઈ બે મિત્રો કે પતિ-પત્ની સાથે ફરવા નીકળી પડતાં હોય છે, તો કેટલાક કિસ્સાઓમાં કોઈ પુરુષ કે સ્ત્રી એકલાં દુનિયા ફરવા માટે નીકળી પડે છે. બે વર્ષ અગાઉ ભારતીય મૂળના યુવાન યુગલ માનસ દીવાન અને અનુરાધા દીવાને સો દિવસમાં અઢાર દેશોનો પ્રવાસ કર્યો હતો. એમનાં વિશે કદાચ તમારામાંથી કોઈએ વાંચ્યું હશે. માનસ દીવાન મસ્કતમાં એક મલ્ટિનેશનલ કંપનીમાં માર્કેટિંગ ચીફ તરીકે ફરજ બજાવતો હતો, પરંતુ 2016માં તેણે તેની પત્ની અનુરાધા સાથે બાઈક પર જુદા-જુદા દેશોના પ્રવાસે નીકળવાનું નક્કી કર્યું. પહેલાં તેમણે એવું વિચાર્યું હતું કે રિટાયર્ડ થયાં પછી ફરીશું. પછી તેમને લાગ્યું કે ફરવા માટે આ જ બેસ્ટ ટાઈમ છે, કારણ કે યુવાનીમાં તંદુરસ્ત શરીર સાથે ફરવાનું સરળ રહે અને તેમની પાસે બચત પણ હતી. તેમણે ડુકાટી સ્ક્રેમલર મોટરબાઇક ખરીદી અને એની વેલેન્સિયામાં ડિલિવરી લીધી અને ત્યાંથી તેમણે પ્રવાસ શરૂ કર્યો. તેઓ જુદા-જુદા દેશોમાં સ્થાનિક રહેવાસીઓ સાથે રહ્યાં અને સો દિવસ દરમિયાન તેમણે દરેક દિવસે નવો અનુભવ કર્યો. તેઓ જે હોટલમાં રોકાવાના હોય એના થોડા દિવસો પહેલાં જ એ હોટલમાં રૂમ બુક કરાવતાં હતાં. એ ટૂર પછી માનસ દીવાને મીડિયાને કહ્યું હતું કે એ ટૂરને કારણે અમારી દુનિયા જોવાની દૃષ્ટિ બદલાઈ ગઈ. તેણે મીડિયા સાથે એક કિસ્સો શેર કર્યો હતો. તેણે કહ્યું હતું કે આપણને લાગે કે યુરોપીયન લોકો જલસા કરે છે અને ભારતીયો માને છે કે યુરોપ એ દૂધ અને મધની ધરતી છે. પરંતુ અમે લેમિયા નામની સ્કૂલ ટીચર સાથે ગ્રીસમાં રહ્યાં હતાં એ વખતે તેણે અમને કહ્યું હતું કે છેલ્લે ત્રણ વર્ષ પહેલાં હું હોલીડે પર ગઈ હતી! તેમને પ્રવાસ દરમિયાન ટર્કીમાં એક સુખદ અનુભવ થયો હતો. તેઓ ટર્કીના સેફ્રાનબોલુ નામના એક ગામમાં એક ટર્કી નાગરિકના ઘેર રહ્યાં હતાં, જે એક ઇન્ડોનેશિયન સ્ત્રીને પરણેલો હતો. એ ટર્કી નાગરિક હિન્દી ફિલ્મનાં ગીતો એકદમ પરફેક્ટ સૂરમાં ગાઈ શકતો હતો. અન્ય એક કિસ્સામાં બે દાયકા સુધી મોટી આઇટી કંપનીમાં ફરજ બજાવ્યા પછી 47 વર્ષીય મનીષ કુમારે તેની પત્ની મેહાલા અને દીકરી મિહિકા સાથે દુનિયાના પાંચ ખંડોનો પ્રવાસ કર્યો હતો. મનીષ કુમારે 45 વર્ષની ઉંમરે તેની પત્ની સાથે મળીને નક્કી કર્યું હતું કે આપણે વર્લ્ડ ટૂર કરીએ. તેની બેંગ્લુરુમાં વિપ્રો કંપનીમાં ફરજ બજાવતી પત્નીએ એક વર્ષનો બ્રેક લીધો અને તેમની ટીનેજર દીકરી પણ તેમની સાથે પ્રવાસમાં જોડાઈ. એ વખતે તેમની દીકરી છઠ્ઠા ધોરણમાં પાસ થઈ હતી અને સાતમા ધોરણમાં પ્રવેશવાની હતી. તેઓ દુનિયાના ઘણા દેશોમાં ફર્યાં. પ્રવાસ દરમિયાન મનીષ કુમારે તેમની દીકરી મિહિકાને ભણાવવાનું ચાલુ રાખ્યું હતું, જેથી તેઓ પાછાં ફરે ત્યારે તે સાતમા ધોરણની પરીક્ષા આપી શકે. તેઓ પ્રવાસ દરમિયાન રોજ ફ્લાઈટમાં, હોટલમાં કે એરપોર્ટની લાઉન્જીસમાં એકથી બે કલાક મિહિકાની ટેક્સ બુક લઈને બેસતાં હતાં. એ ટૂર વખતે પુસ્તકોમાં શીખવા ન મળે એવું તેમની દીકરી મિહિકાને શીખવા મળ્યું હતું એવું તેમણે મીડિયાને કહ્યું હતું. કમ્બોડિયામાં તેમણે જીનોસાઈડ એટલે કે સામૂહિક માનવસંહારની સાઈટ જોઈ હતી. તો ઇજિપ્તમાં પાંચ હજાર વર્ષ જૂના પિરામિડ જોયા હતા. તેમને નોર્થ અમેરિકા, સાઉથ અમેરિકા, પેરુ, ઈક્વૅડોર, કેન્યા, ઓસ્ટ્રેલિયા, વિયેતનામ જેવા દેશોના જુદા-જુદા તેર નૅશનલ પાર્કમાં વાઈલ્ડ લાઈફ નિહાળવાનો લહાવો મળ્યો હતો. જોકે, એક વર્લ્ડ ટ્રીપ માટે તેમણે 70 લાખ રૂપિયા ખર્ચવા પડ્યા હતા. તેમણે એક વર્ષ દરમિયાન તેમનો બંગલો ભાડે આપી દીધો હતો અને છ મહિના અગાઉ સસ્તાં ભાડાથી ફ્લાઇટ્સ બુક કરી હતી. તેઓ થ્રી સ્ટાર હોટલ્સ અને એરબીએનબી રૂમ્સમાં રહ્યાં હતાં. એક બાજુ આવાં લોકો છે તો બીજી બાજુ જોકે આવાં સાહસ કરી ચૂકેલાં કેટલાંક ટ્રાવેલર્સ એવી સલાહ આપે છે કે વર્લ્ડ ટ્રીપ કરવા માટે જોબ છોડાય નહીં. માઈક્રોસોફ્ટમાં ડાયરેક્ટર રહી ચૂકેલા રવિ રામને તેમની પત્ની એલિસન સાથે સતત દોઢ વર્ષ સુધી પ્રવાસ કર્યો હતો. એમાં તેમણે છ મહિના માત્ર અમેરિકામાં પ્રવાસ કર્યો હતો અને બાકી અન્ય દેશોમાં પ્રવાસ કર્યો હતો. રવિ રામને કહ્યું હતું કે જોબ છોડીને વર્લ્ડ ટૂર કરવાને ગ્લોરિફાય કરવામાં આવે છે, પણ એના ફાયદા છે એના કરતાં નુકસાન વધુ છે અને તમે ધાર્યું હોય એનાથી તમારું બજેટ ઉપર જતું જ રહે છે. તો બીજી બાજુ આવા વર્લ્ડ ટૂર કરવાના શોખીનોને નોકરી માટે આકર્ષવા ઘણી કંપનીઝ દ્વારા લલચામણી ઓફર્સ આપવામાં આવે છે. એવી કંપનીઓ તમને તમારી જોબના એક પાર્ટ રૂપે વર્લ્ડના જુદા-જુદા દેશોમાં ફરવાની તક આપે અને તમને પગાર પણ મળતો રહે. તમને વર્લ્ડ ટૂર કરવાનો શોખ હોય તો એવી કંપનીઓનું લિસ્ટ ઇન્ટરનેટ પર જોઈ શકો છો! {

અન્ય સમાચારો પણ છે...