પ્રતિમાઓ:જનેતાનું પાપ

ઝવેરચંદ મેઘાણી21 દિવસ પહેલા
  • કૉપી લિંક

[5] દાક્તરી વિદ્યામાં ભારી ઝળકે તેવો છે, પણ એનું ખર્ચ કોણ ઉપાડી શકે?’ ‘દાક્તરીમાં કેટલું ખર્ચ થાય?’ ‘ઓ બાપ! લખલૂટ ખર્ચ. એ તો વિચાર જ કરવા જેવો નથી.’ ‘દાક્તરીમાં મારો દીકરો બહુ ઝળકી ઊઠશે?’ ‘ગજબ.’ દાક્તરે હાથ પહેળાવ્યા: ‘સર્વને ઢાંકે તેવો દાક્તર બને. મહાપુરુષ નીવડે.’ મા થોડી વાર થંભી ગઈ. એના હોઠ છાનું બબડતા હતા: ‘મહાપુરુષ, મહાપુરુષ’: એની આંખો ભાવિનાં શિખરો ઉપર એક પાતળા ઓછાયાને છલંગો દેતો ભાળી રહી હતી. એણે વિદાય માગતાં કહ્યું: ‘દાક્તરસાહેબ, મારા કાગળની વાટ જોજો.’ [6] થોડાક જ મહિના ગયા, પછી માસે માસે એ દાક્તર ઉપર નાણાંનાં પરબીડિયાં આવવા લાગ્યાં. અને એ છૂપી મદદથી માતાનો પુત્ર દાક્તરી અભ્યાસનાં પગથિયાં પછી પગથિયાં ચડવા લાગ્યો. કોના તરફથી આ પૈસાની ટપાલ આવે છે તે પુત્રને જણાવવાની ના લખાઈ આવેલી. એ નોટોના થોકડા ચાલ્યા આવતા હતા સામા તીરની સૃષ્ટિમાંથી, જ્યાં પુત્રની માતા ફરી વાર પોતાના શરીરને શણગારી, ગાલના ખાડામાં સુવાસિત પાઉડરનાં પુરાણ કરી હોઠ રંગી, હવસનાં પૂતળાંને રમાડતી હતી. મધરાત પછીની મદભભકતી મહેફિલોમાં પોતાના લૂંટાતા યૌવનને એ જાણે એમ કહેતી કહેતી રોકતી હતી કે, ‘પાંચ જ વર્ષ ઠેરી જા! મારો બેટો ભણીગણીને મહાપુરુષ બની જાય ત્યાં સુધી તું થોભી જા!’ પરંતુ જોબન કાંઈ કોઈના બેટાને મહાપુરુષ બનાવવા સારુ રોકાયું છે કદી? એ તો ચાલતું થયું- માના ભરપૂર દેહમાંથી-માંસ રુધિરના લોચા ને લોચા તોડીને એ તો ચાલ્યું. એક બાજુ દાક્તરી વિદ્યાલયના ભવ્ય વ્યાખ્યાન-મંદિરમાં વીસ વર્ષનો પુત્ર એક હાડપિંજરની પાંસળીઓ ગણી રહ્યો છે, ત્યારે એ મોડી રાતની રંગસૃષ્ટિમાં માતાનાં હાડકાંનું માળખું પણ ભમે છે. જોબન ગયું, પફ-પાઉડરના થથેડા પણ કદરૂપતાને ઢાંકવા અશક્ત નીવડ્યા, અને પુત્ર ‘મહાપુરુષ’ની નિસરણીને વચગાળે પગથિયે પૈસાની જોગવાઈ વિના અટકી પડ્યો હોવાના સમાચાર આવ્યા. એટલે પછી માતા સીધેસીધી દ્રવ્યચોર બની. જુગારખાનામાં, જલસાઓમાં ને પીઠાઓમાં એની ત્રાંસી નજરની ચાતુરીએ પરાયાં ગજવામાંથી પાકીટો સેરવવા માંડ્યાં અને રહ્યુંસહ્યું શરીર પણ જે કોઈ પલીતને વા પિશાચને વેચી શકાય તેને વેચી એણે પુત્રને નિસરણીનાં છેલ્લાં પગથિયાં ચડાવ્યાં. છેલ્લું રૂ. 400ની નોટોનું પરબીડિયું ઉઠાવીને જ્યારે એ એક જુગારખાનામાંથી નાસી, ત્યારે એને અને ભયાનક મોતને હાથવેંતનું છેટું હતું. એની લાશ સુધ્ધાં હાથ ન આવવા દ્યે એવી ટોળી એનો પીછો લઈ રહી હતી. એક અંધાર-ગલીના ખૂણામાં બેસીને માએ જ્યારે ફફડતે હૈયે એ નોટો ગણી, ત્યારે એની ઊંડી ગયેલી આંખોમાં સંતોષની ઝલક ઝલકી ઊઠી, જાણે કોઈ હિંસક જાનવર લપાઈને બેઠું બેઠું ભૂખ્યાં બચ્ચાં માટે ભીષણ યુદ્ધ કરીને આણેલા શિકાર ઉપર આંખો તગતગાવતું હતું. બીજે દિવસે જ્યારે દાક્તરે આવીને એ થોકડો પુત્રના હાથમાં મૂક્યો, ત્યારે પુત્ર એટલું જ બોલ્યો: ‘ઓહો! આજ આ ખરચી ન મળી હોત તો મારી આખી કારકિર્દી પર પાણી ફરી વળત.’ [7] કમ્મરેથી ભાંગી ગયેલી, વાંકી વળેલી, ડગુમગુ ચાલતી એક ડોશી એક સંધ્યાએ વનિતા-વિશ્રામને દ્વારે આવી ઊભી રહી. કાળાં વસ્ત્રોમાં એ પોતાનું શરીર સંકોડતી હતી- હાડકાં અને ચામડીના માળખાને જો શરીર કહી શકાય તો એ શરીર હતું. એના માથા પરથી વાળ ખરી ગયા હતા. એના મોં પર કોઈ પાગલીના જેવું હાસ્ય હતું. ‘તારે અાંહીં દાખલ થવું છે, ડોશી?’ વનિતા-વિશ્રામની ઉપરી બાઈએ પૂછ્યું. ડોશીએ ડોકી ધુણાવી પૂછ્યું: ‘મને પાછી બહાર ક્યારે નીકળવા દેશો?’ ‘અહીં દાખલ થનારને મરણ સુધી બહાર નીકળવાનું નહીં મળે.’ ‘ત્યારે તો રહો, રહો.’ ડોશીએ કાલીઘેલી ચેષ્ટા કરતાં કહ્યું: ‘હું એક જણને મળીને પછી આવું.’ ‘સારું. રાતના બાર બજ્યા સુધી અહીં દાખલ થઈ શકાય છે.’ ‘હો.’ એટલું કહીને ડોશી ત્યાંથી ચાલતી થઈ. ઘણું લાંબું અંતર ચાલી. સાંજના ધમધોકાર વાહન-વ્યવહારની ભીડમાં કચરાતી-છૂંદાતી એ કેમ બચી ગઈ હશે એ હરકોઈ જોનારને વિસ્મય પમાડે તેવી વાત હતી. જે મોટા મકાનને દરવાજે એ ઊભી રહી, ત્યાં પિત્તળનું એક સુંદર ચગદું ચોડેલું હતું. રસ્તા પરની બત્તીને અજવાળે એની નિસ્તેજ આંખોએ નજીક જઈને ચગદા પરનું નામ વાંચ્યું: ‘ડો…’ આગળપાછળ કોઈ જ નથી એ તપાસીને આ ખંધી જેવી લાગતી બુઢ્ઢીએ ધારીધારીને એ ચગદું ઉકેલ્યું. એ નામના એક પછી એક અક્ષર ઉપર એણે એના ધ્રૂજતા હાથની બન્ને હથેળીઓ પસારી. પોતાના કરચલિયાળા ગાલ એ ચગદા સાથે ચાંપીને છૂપી શીતળતા અનુભવી. પછી એણે પોતાના ફાટેલાં કપડાં વતી અક્ષરો લૂછી સાફ કર્યા. અને એ અક્ષરોની પછવાડે પોતાનું મોંનું પ્રતિબિમ્બ નીરખ્યું. પારકા સાઈન-બોર્ડના એ લીસા પિત્તળને, અરીસો કરી એ ડોશીએ પોતાના મોં પરની કરચલીઓ લૂછી, આંખો લૂછી, માથાના રહ્યાસહ્યા કેશ સરખા કર્યા, માથે ઓઢેલું ઓઢણું સરખું કર્યું, અને પછી એ ઊપડતે પગલે એ મકાનમાં દાખલ થઈ. ‘કોણ છો તમે? કેમ આવ્યાં છો?’ દરવાજા ઉપર આવેલી એક સુશોભિત, કદાવર નર્સે એને પ્રશ્ન કર્યો. ડોશી કશું બોલી ન શકી. ‘તમે દાક્તરસાહેબને મળવા આવ્યાં છો?’ નર્સે ફરી પૂછ્યું. ડોશીથી કશું બોલાયું નહીં. એણે યંત્રવત્્ ડોકું હલાવ્યું. ‘પણ દાક્તરસાહેબને મળવાનો આ સમય જ નથી.’ નર્સે કહ્યું. ડોશી જડવત્્ ઊભી રહી. ‘તમને દાક્તરસાહેબે અત્યારનો સમય આપ્યો છે?’ ડોશીએ ડગમગતી ડોક ધુણાવી. ‘હા.’⬛ (ક્રમશ:) (‘પ્રતિમાઓ’ પુસ્તકમાંથી સાભાર)

અન્ય સમાચારો પણ છે...