પ્રશિષ્ટ ગુજરાતી રેખાચિત્રો પુસ્તકના સંપાદક સાહિત્યકાર મણિલાલ હ. પટેલે નોંધ્યું છે કે, ‘માણસને માણસમાં રસ છે.’ માણસ પ્રત્યેની અભિરુચિ વાર્તા, કવિતા કે નવલકથામાં ઝીલાય છે પણ તેથીય વધારે ચરિત્ર નિબંધમાં એ મૂઠી ઊંચેરું બની જાય છે. આપણને ચરિત્ર નિબંધો એટલે જ વાંચવા ગમે છે, પણ દરેક વ્યક્તિનું આલેખાયેલું ચિત્ર કંઈ ચરિત્ર નિબંધ બની જતું નથી. એના પણ કેટલાંક માપદંડ ઘડાયેલા છે. જો તેનું કોઈ વર્તુળ ન હોત તો ચોક્કસથી મનુષ્ય પ્રત્યે સંવેદના પ્રગટ કરતા કેટલાય ફેસબુક લેખો ચરિત્ર નિબંધમાં ખપાઈ જાત. એનાથી મોટો વસવસો તો શું હોત? ચરિત્ર નિબંધ ઓછો ખેડાયેલો સાહિત્ય પ્રકાર છે. ઓછો છે એટલે જ શિષ્ટ અને પ્રશિષ્ટ રહ્યો છે. હા, તેણે સમયાંતરે અનાવૃત્ત થઈ નવાં નવાં વાઘા અચૂક ધારણ કર્યાં છે. એના શબ્દેશબ્દમાં સ્પંદનો હોય છે. એ કંઈ સ્ફૂર્યું અને લખી કાઢ્યું એવી વસ્તુ નથી. એ જીવંત વ્યક્તિ સાથે લાંબી યાત્રા કરવાનો વિષય છે. એ યાત્રાનો અટકળે અંત આવે છે અને પૂર્ણ થયાનાં વર્ષો કેડે એ પ્રવાસને શબ્દોનો સ્પર્શ પ્રાપ્ત થાય છે. વાર્તાકાર અને નિબંધકાર જનક ત્રિવેદીના ‘મારો અસબાબ’ પુસ્તકમાં આવા કેટલાક ઉદાત્ત ચરિત્ર નિબંધો છે. પ્રસ્તાવનાકાર કિરીટ દૂધાત તેને વ્યક્તિમાંથી સમષ્ટિ બની જવાની ઘટના તરીકે મૂલવે છે. ‘મારો અસબાબ’ના નિબંધોમાં તેમનું અખિલ વ્યક્તિત્વ ખીલી ઊઠે છે. સુરેશ જોષી: એક અસામાન્ય પ્રતિભામાં સુ.જોનાં નિબંધની વાત કરતા વિવેચક શિરીષ પંચાલ લખે છે, ‘નિબન્ધના સ્વરૂપને તો સર્જકના સમ્પૂર્ણ વ્યક્તિત્વની અભિવ્યક્તિ તરીકે લેખવામાં આવ્યું છે.’ જેનાં અસંખ્ય ઉદાહરણ જનક ત્રિવેદીના ભાવકને મારો અસબાબમાં ઠેકઠેકાણે પ્રાપ્ત થશે. ચરિત્ર નિબંધોમાં જનક ત્રિવેદી કંઈ એકલા ભીંજાતા નથી. તેમનો પરિવાર પણ ‘ઈશ્વરને તલાક’ જેવા નિબંધમાં ચરિત્રની વાંછટથી અભિભૂત થાય છે. પરંતુ એક નિબંધ છે, જે ‘મારો અસબાબ’ના વિષાદ, વ્યંગ, કરુણ અને લલિત છાંટ ધરાવતા નિબંધોની વચ્ચે ભયરસની ભૂરકી છાંટે છે. એનું નામ છે ‘કિન્નર!’ વિષયને અલૌકિક અને રહસ્યમય બનાવવાનું કાર્ય આપણે લોકપ્રિય સર્જકોની ઉપર ઢોળી દીધું છે. ક્વચિતે જ આવો વિષય કોઈ સાહિત્યકાર લઈને આવે ત્યારે આશ્ચર્ય તો થવાનું જ. સ્વયં સર્જક આ ચરિત્ર નિબંધને અત્યંત ગૂઢ બનાવવા ઈચ્છે છે. આ માટે જ તેનો આરંભ તેમણે રહસ્યમય રાખ્યો છે, પણ એ રહસ્યમય શરૂઆતમાં ક્યાંય નિબંધના લયને ત્રિવેદીએ નુકસાન થવા દીધું નથી. ચરિત્ર નિબંધના સૂર અને તાલ બરાબર ઝંકૃત થતા રહે છે. શબ્દો કરોળિયાની જેમ જાળું ગૂંથે છે. આસપાસનું અવલોકન આપણને ઊંડા અંધકારમાં ધકેલી દે છે અને પછી મુખ્ય પાત્રના પરિઘમાં ક્યાંય પરમ તેજ આવતું નથી! ચરિત્ર નિબંધના આ સર્જકને ખ્યાલ છે કે કોલેજનો પરિવેશ ક્યારેય ખિન્ન ન હોય. જેથી આ નિબંધની શરુઆત સૂક્ષ્મ હાસ્યથી થાય છે. લેખક પોતાની આસપાસનાં પાત્રોને મર્યાદિત વક્રોક્તિ દ્વારા પોતાની ‘અસબાબ શૈલી’માં ઢાળી વાક્યબદ્ધ કરે છે. આમ છતાં આ તમામ વસ્તુઓ માત્ર મનોરંજનનો વિષય બનીને રહી જાય છે, કારણ કે આ ચરિત્ર નિબંધનો કેન્દ્રગામી ભાવ એ વિષાદ છે. મુકુન્દ ત્રિવેદી ઉર્ફ મુનસફ ઉર્ફ મુચકુન્દનો ખેદ. લેખક આ ચરિત્ર નિબંધને એક ફકરા માટે દંતકથાનો વિષય બનાવી એ અસંમજસમાં ધકેલી દે છે કે આ વાર્તા છે કે ચરિત્ર નિબંધ? વાર્તાકાર જનક ત્રિવેદીની પ્રતીકપ્રયોજનની કળા આ ચરિત્ર નિબંધમાં પણ સપાટી પર રહી છે. ‘શાપિત કિન્નર’ કે ‘યોગભ્રષ્ટ કલાધર’ આત્મ નીરવ એકાંતમાં પૃથ્વી પર ઊતરી આવે, વિષાદમય ગીત ગાય અથવા વાદ્ય વગાડે એવી પુરાણકથાઓ અમે પણ વાંચેલી. અજાણતાં એને જોતાં કે સાંભળતાં માનવી ઉન્મત બની જાય એવી ભયકથાઓ પણ અમે સાંભળેલી. પરંતુ એ ભયપ્રદ નહીં રોમાંચક લાગતું. વાંચવામાં અને સાંભળવામાં એ જેટલી રોમાંચક અને કુતૂહલપ્રેરક હોય છે એટલી જ ભયપ્રદ હોય છે તે આજે જાણ્યું.’ તો જનક ત્રિવેદીના મુનસફની અંદર ઘેરો વિષાદ છે, વાંસળી વગાડી જાણે એટલે એ કલાધર પણ છે, વિષાદમય વાંસળી વગાડે છે, એના તપમાં આસપાસના સહપાઠીઓ ભંગ પાડે છે એટલે એ યોગભ્રષ્ટ પણ છે, સ્વંય લેખક અને એમના મિત્ર પણ વાંસળીનું શ્રવણ કરી ઉન્મત બની જાય છે. છેલ્લે તો એટલું જ કે અંગ્રેજી સાહિત્યમાં ‘ગોથિક હોરર’ નામની ભયરસની એક પેટા શાખા છે, જેમાં રહસ્ય પણ હોય, ભયરસ પણ હોય અને ઉદાસીનતા કે અંધકાર પણ હોય. આ ત્રણેનું સમન્વય લેખક પોતાના ચરિત્ર નિબંધમાં કરે છે. નિબંધમાં ભયરસની નસ સ્પર્શવી હોય તો આ એક વાક્ય કાફી છે, ‘કહેવાય છે એને જોવાથી પાગલ થઈ જવાય.’⬛ cmayur835@gmail.com
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.