સાંઈ-ફાઈ સાંઈ:જગદીશને જશ તો આપવો પડે હોં!

રામ દવે3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એટલું તો માનવું જ પડે કે કર્ણની દાતારી તેની વીરતાથી દસ ગુણ વધુ મેળવી જાય છે. દાતારો પોતાના દાન દ્વારા આપોઆપ લોકજીભે અમરપદને પામે છે

દાન કરવું એ બહુ દોહ્યલું છે. સમાજ સાથે મળીને ગમે તે વ્યક્તિને ટેકો આપી નેતા બનાવી શકે, પરંતુ દાતા તો માતાના ઉદરમાંથી દાતારીના સંસ્કારો લઈને પ્રગટે છે. પ્રિય બોલવા માટેના ક્યાંય કોર્સ નથી થતા. સજ્જનતા કે દાતારી શીખવી શકે એવા ક્યાંય કોચિંગ ક્લાસ નથી હોતા. શૂરવીરતાના સંસ્કારો કોઈ કોલેજ ન આપી શકે. મેવાડની યુનિવર્સિટીમાંથી મીરાં ન પાકે. જૂનાગઢની સ્કૂલમાં ભણવાથી નરસૈયો ન થવાય. ડિપ્લોમા કોર્સથી દાતાર ન થવાય, તેના માટે તો દાન કરતા શીખવું પડે. દાનનો આટલો મહિમા શાસ્ત્રોએ બતાવ્યો છે, પરંતુ તો’ય રૂપિયો છૂટતો નથી. અધિરથી કર્ણની વીરતા કરતાં તેની દાતારી જનમાનસ પર ઊંડી છાપ મૂકે છે. શ્રીકૃષ્ણ કર્ણને સદા ‘દાનેશ્વરી કર્ણ’ તરીકે પ્રેમપૂર્વક સંબોધતા. ત્યારે પાંડવોને સ્હેજ શંકા થઈ; કે એવું તે શું છે કર્ણના દાનમાં જે પાંડવો પાસે નથી? જેની પરીક્ષા લેવા ભગવાને બ્રાહ્મણનું રૂપ લીધું. વર્ષાઋતુમાં પાંડવો પાસે આવીને યજ્ઞ માટે ચંદનના કાષ્ટની માંગણી કરી. ત્યારે પાંડવોએ કહ્યું કે, ‘ભૂદેવ આપણા રાજ્યમાં ક્યાંય ચંદનનાં વૃક્ષો નથી. અમે તમને ધન આપી દઈએ, વરસાદને લીધે યજ્ઞ માટે કાષ્ટ નહીં આપી શકીએ.’ થોડીવાર બાદ એ જ બ્રાહ્મણ કર્ણ પાસે ચંદનના કાષ્ટ માંગવા જાય છે અને કર્ણ તેને એક મોટી ચંદનની થાંભલી દાન આપે છે. ત્યારે પાંડવોને આશ્ચર્ય થાય છે કે કર્ણએ આ દાન કર્યું કઈ રીતે? ત્યારે પેલો બ્રાહ્મણ ઉત્તર આપે છે કે ‘કર્ણએ પોતાના રાજમહેલની ચંદનની થાંભલી યજ્ઞ માટે મને દાન આપી છે; અને થાંભલીની જગ્યાએ છતને પોતાના હાથનો ટેકો આપી તે સ્વયં ત્યાં ઊભો છે!’ આ પ્રસંગ લોકસાહિત્યમાં ક્યાંક કંઠોપકંઠ સાંભળેલો છે. પરંતુ એટલું તો માનવું જ પડે કે કર્ણની દાતારી તેની વીરતાથી દસ ગુણ વધુ મેળવી જાય છે. દાતારો પોતાના દાન દ્વારા આપોઆપ લોકજીભે અમરપદને પામે છે. કોરોનામાં આખું જગત જ્યારે અર્થતંત્રની નુકસાનીની કાણ માંડીને બેઠું હતું, ત્યારે ભારતના લાખો દાનવીરોએ કોઈ મજૂર કે ગરીબ માણસ ભૂખ્યો ન સૂવે તેના માટે કરોડોનું દાન કર્યું. સરકારની સિદ્ધિઓના આંકડાની જેમ પ્રજાની સિદ્ધિઓના આંકડા પ્રસિદ્ધ થતા નથી, કારણ કે ઇતિહાસ હંમેશાં રાજાઓના લખાય છે, પ્રજાના નહીં. તેમ છતાં કેટલાય દાનવીરોએ ગુપ્ત દાન કરી પોતાની સદ્્લક્ષ્મીનો સદુપયોગ કર્યો; અને પ્રસિદ્ધિની અપેક્ષા પણ ન રાખી. દાતારીનો કરંટ કૈંક નોખો હોય છે. બ્રાહ્મણો આદિકાળથી વિદ્યાદાન કરતા આવ્યા છે. ઋષિ દધીચિએ પોતાની કરોડરજ્જુનું દાન કર્યાની શાસ્ત્રો સાખ પૂરે છે. પરંતુ કલાકાર હોય અને એ દાતાર નીકળે એવું ભાગ્યે જ બન્યું છે. ઝાલાવાડે સદૈવ ગુજરાતને ગરિમાપૂર્ણ કલારત્નો બક્ષ્યા છે. લ્યો જરાક ગણો તો ઝવેરચંદ મેઘાણી, હેમુ ગઢવી, બચુભાઈ ગઢવી, બાબુભાઈ રાણપરા, હરસુખ ગઢવી, લાભભાઈ ભાચળીયા, ગોપાલ બારોટ, કરશન પઢિયાર, મનુભાઈ ગઢવી, શાહબુદ્દીન રાઠોડ અને ડો. જગદીશ ત્રિવેદી. ઉપર લખેલાં તમામ નામ કલાજગતના તાજ છે, પણ મારે છેલ્લા નામ પર વાત કરવી છે. અગિયારમા ધોરણમાં બે વાર નાપાસ થયેલ વ્યક્તિ જિંદગીથી હાર્યા વગર ઝેરોક્ષની દુકાન શરૂ કરે. આખા ઝાલાવાડની ઝેરોક્ષ કાઢ્યા પછી એ માણસ પોતાના જાતની પણ ઝેરોક્ષ કાઢે. આત્મ સંશોધન આદરે અને પ્રચંડ પુરુષાર્થ શરૂ કરે. અત્યારે જગદીશ ત્રિવેદી કલાજગતનું એકમાત્ર એવું નામ કે જેની આગળ ત્રણ વાર ડોક્ટર લખવું પડે. અર્થાત્ 11 અગિયારમા ધોરણમાં નાપાસ થવાનો બદલો એ ત્રણવાર પી.એચ.ડી. કરી અને પાછો વાળે. જગદીશભાઈ મૂળ તો નાટકનો જીવ પણ તેણે નાટક લખ્યાં જીવનમાં કર્યાં નહીં. એક સમયે ‘જગાભાઈ ઝેરોક્ષવાળા’ તરીકે ઓળખાતા એ જ વ્યક્તિને હવે ગુજરાત ‘જગાભાઈ કલેજાવાળા’ તરીકે ઓળખે એ માટે મેં કલમ ચલાવી છે. હાસ્યની પોતાની વિશિષ્ટ ઝાલાવાડી શૈલીથી વિશ્વભરનાં ગુજરાતીઓનું વ્હાલ તેમણે મેળવ્યું. દેશ કરતાં વધારે વિદેશમાં કાર્યક્રમો કર્યા, પરંતુ મેં આ લેખ કલાજગતની સિદ્ધિઓ વર્ણવવા નથી લખ્યો. એક અતિ સામાન્ય પરિવારમાંથી આવતા ડો. જગદીશ ત્રિવેદી પાંચ વર્ષ પહેલાં ‘વન પ્રવેશ’ કરે. વળી, એકાવન વર્ષમાં પ્રવેશતા પહેલાં શ્વેત વસ્ત્રો સાથે શુદ્ધ હૃદયથી શ્વેત સંકલ્પ કરે કે ‘હવેથી હું જે કાંઈ કમાણી કરીશ એ સમાજમાં દાન આપીશ...!’ વાચકોને વાંચીને કદાચ આશ્ચર્ય થશે કે કલાકારો તો અઢારે’ય વરણ પાસેથી મહેનતાણું મેળવી અને ઘણા કિસ્સામાં માંડ માંડ પોતાનું ગુજરાન ચલાવતા હોય છે. ત્યારે જગદીશ ત્રિવેદીના ઘરમાં કાંઈ સોનાના નળ નથી, કે તેના આંગણામાં કાંઈ પાંચ પચ્ચીસ કરોડની ગાડીઓ નથી. તો વળી આ માણસ કોઈ વૈભવી જીવનશૈલી પણ જીવતા નથી, પણ આ માણસ પાસે એક વસ્તુ અણનમ છે અને એ છે દાતારીનું કલેજુ. લોકસેવા માટે છેલ્લાં પાંચ વર્ષમાં જગદીશભાઈએ સાડા ચાર કરોડનું માતબર દાન આપ્યું. કુલ અગિયાર કરોડની સેવાનો શુભ સંકલ્પ કર્યો. ત્રણ હજાર લોકોની હાજરીમાં પાંચ વર્ષ પહેલાં કરેલા તેમના સંકલ્પનો હું પણ સાક્ષી હતો. આશરે નવ જેટલી પ્રાથમિક શાળાઓ બંધાવી, કેટલીય લાઈબ્રેરીઓ સજીવન કરી અને અનેક આરોગ્યમંદિરોમાં દર્દીનારાયણ માટે દાન કર્યું. સમાજનાં કેટલાંક લોકો સ્વજનોને પણ હિસાબ આપવા ટેવાયેલાં નથી. જ્યારે આ ભૂદેવ વણમાંગ્યે પોતાની સેવાનું સરવૈયું નાની પુસ્તિકા સ્વરૂપે પ્રગટ કરી દાનની પારદર્શકતા જાળવવાનો સંનિષ્ઠ પ્રયત્ન કરે છે. ડો. જગદીશ ત્રિવેદીને ‘કલા જગતનો કર્ણ’ કહેવામાં મને સ્હેજ પણ અતિશિયોક્તિ નથી લાગતી. તેમણે લખેલાં નાટકો ભુલાઈ જશે, તેમના જોક્સ પણ લોકો વિસરી જશે, પરંતુ તેમણે દાખવેલી દાતારી યુગો સુધી અમર રહેશે એવી મને શ્રદ્ધા છે. સાડા ચાર કરોડ જેવી માતબર રકમનું કોઈ કલાકારે દાન કર્યું હોય એવો આ જશ દેવા જેવો દાખલો છે. દાતા થવા માટે અબજોની સંપત્તિ નહીં, પરંતુ કરુણા ભરેલું હૃદય જોઈએ એ જગદીશભાઈએ સાબિત કરી બતાવ્યું. મને એક હાસ્ય કલાકાર તરીકે એ વાતનું ગૌરવ છે કે ડો. જગદીશ ત્રિવેદી મારા સિનિયર છે. હાસ્ય કલાકારની વાત હસવા જેવી હોય છે, પણ હસી કાઢવા જેવી હરગીઝ નથી હોતી એ તેમણે સાબિત કર્યું. ડો. જગદીશ ત્રિવેદીના દાન થકી હાસ્યકારોને હસી કાઢનારા મોંમાં આંગળા નાખી ગયા. થેન્ક યુ જગદીશભાઈ! તમારા લીધે આવનારા સમયમાં હાસ્ય કલાકારોને ‘ફારસીયા’ ગણતા પહેલાં લોકો પણ વિચાર કરશે. આ સમગ્ર લેખ લખવાનો હેતુ માત્ર એટલો જ છે કે તેમનો અગિયાર કરોડનો સંકલ્પ ઝટ પૂરો થાય અને જગદીશભાઈની દાતારીથી બીજાને પ્રેરણા મળે. મારું આ આંગળી ચીંધ્યાનું પુણ્ય વાચકો વ્હાલથી સ્વીકારજો. દાન-શ્રમદાન-યોગદાન-પ્રદાન અને વરદાન આ પાંચમાંથી કાંઈ નહીં કરીએ તો બુદ્ધિના બારદાન નહીં કહેવાઈએ? વાઈ-ફાઈ નહીં, સાંઈ-ફાઈ આવે તો વિચારજો.{ sairamdave@gmail.com

અન્ય સમાચારો પણ છે...