શબ્દના મલકમાં:‘વેચાઇ જવા કરતાંય વધુ વહેંચાઇ જવામાં લિજ્જત છે’

મણિલાલ હ. પટેલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ‘ઘાયલ’ની કાવ્યબાનીમાં સહજતા-સરળતા સાથે અર્થનું ઊંડાણ પણ છે

ગુજરાતી ગઝલના બીજા તબક્કા (1940થી 1960)ના મહત્ત્વના શાયરો મરીઝ, બેફામ, ગની, શૂન્યની સાથે જેમનું નામ પૂરી અદબ સાથે અનિવાર્યપણે લેવાતું રહ્યું છે એ કવિ-શાયર ‘ઘાયલ’સાહેબને ગુજરાતી કાવ્યરસિકો ભલીભાતે ઓળખે છે ને એમની ગઝલોના એય કાયલ છે. ઉર્દૂ ફારસીમાંથી આવેલી ગઝલને પૂર્ણપણે ‘ગુજરાતીતા’ બક્ષનારા ઉપરોક્ત શાયરોએ ગઝલને ‘મુશાયરાની ચીજ’માંથી બહાર કાઢીને કવિતાની સરહદમાં માનભેર પ્રવેશ કરાવ્યો એમાં પણ ‘ઘાયલ’ની ગઝલોનો ઘણો મોટો હિસ્સો છે! ‘ઘાયલ’ની ગઝલોમાં પ્રેમમસ્તી, સનમ-સાકી, જુદાઇ અને ખુદાઇ તો છે જ…એક જમાનામાં એ ગઝલનાં પ્રાણતત્ત્વો ગણાતાં. પરંતુ ‘ઘાયલ’ ગઝલને એક નવા મુકામ સુધી પહોંચાડનારા ઝિંદાદિલ, ખુમારી અને ખુદ્દારી સાથે જીવનારા રસિક કવિ જીવ પણ છે. એમની ગઝલો આક્રમક ભાવ-ભાવનાઓ લઇને આવે છે, સુષ્ઠુ આલેખન તમને ઘાયલમાં ક્યાંય નહીં મળે! ‘ઘાયલ’સાહેબની ઓળખમુદ્રા બની ગયેલી આ ગઝલના થોડાક શેર ભાવકને અળગો કે આઘો નથી રહેવા દેતા-પોતામાં ભેળવી દે છે! ‘કાજળભર્યાં નયનનાં કામણ મને ગમે છે: કારણ નહીં જ આપું કારણ મને ગમે છે! લજ્જા થકી નમેલી પાંપણ મને ગમે છે: ભાવે છે ભાર મનને, ભારણ મને ગમે છે! અહીં ભાવલોક સાથે એક રહસ્યલોક પણ ભાવક અનુભવે છે ને પરિવેશમાં ક્યાંય ઉર્દૂની છાંટ પણ નથી. નર્યું ગુજરાતી વાતાવરણ અને ગુજરાતી કાવ્યબાની આપણને ચકિત કરી દે છે. રાજકોટ જિલ્લાના સરધાર ગામમાં 19-8-1916માં એમનો જન્મ. માતા સંતોકબહેન. પિતા લાલજીભાઇ ભટ્ટ. અમૃતલાલ ભટ્ટ ગઝલસર્જનમાં ‘અમૃત ઘાયલ’ તરીકે જાણીતા બન્યા. 1932માં તારાબહેન સાથે લગ્ન. એમનું અવસાન (1947) થતાં 1950માં ભાનુમતીબહેન સાથે બીજું લગ્ન. કુલ આઠ સંતાનો. સરધારમાં સાત ચોપડી ભણ્યા… પછી ભણવાનું છૂટે છે. પાજોદ દરબારના એટલે કે ગઝલકાર રુસ્વા સાહેબના અંગતમંત્રી તરીકે નોકરી (1939થી 1948) કરવા સાથે આલ્ફ્રેડ હાઇસ્કૂલ રાજકોટથી 1947માં મેટ્રિક થયા. રજવાડાનું વિલિનીકરણ થતાં એ નોકરી છૂટી ગઇ. 1948માં ધર્મેન્દ્રસિંહ કોલેજ રાજકોટમાં દાખલ થયા પણ અભ્યાસ છોડીને નોકરી સ્વીકારવી જરૂર બનતાં PWDમાં 1949થી 1958 સુધી સેવારત રહ્યા. એમના ગઝલ-લેખનનો આ પરિપાકકાળ હતો. 1959થી 1973 દરમિયાન રેવન્યૂ ખાતામાં વિવિધ પદો પર સરકારી નોકરી કરતા રહ્યા. એ પછી નિવૃત્તિનાં વર્ષો (2002) રાજકોટવાસી થઇને ગાળ્યાં! ‘રુસ્વા’સાહેબના મંત્રીપદે હતા અને ગઝલો લખાતી રહી. શૂન્ય સમેત અનેક ગઝલકારોના સંગમાં જીવન પણ મસ્તીભર્યું રહેલું. આજીવન શરાબ અને શાયરીમાં પ્રસન્નતાનો અનુભવ કરનાર ઘાયલે ગઝલોના દસ સંચયો આપેલા. જેમાં ‘શૂળ અને શમણાં’ ‘રંગ’ ‘રૂપ’ ‘ગઝલ નામ સુખ’ જાણીતા છે. ‘આઠોં જામ ખુમારી’માં એમની તમામ ગઝલો સચવાઇ છે. 1964માં ક્ષયનો હુમલો થયેલો. બચી ગયા. 1978માં રશિયા પ્રવાસે ગયેલા. હવે એમની મસ્તીભરી ગઝલોના એક-બે દૃષ્ટાંત લઇએ પ્રેમની મસ્તી સાથે ખુવારીની મધુર પીડાને માણતો આ શાયર ખુદ્દારી ચૂકતો નથી : ‘ઘડીઓ આ જુદાઇની અને તે પણ જવાનીમાં? અમે આ પણ સહન તલવાર બેધારી કરી લીધી! ભલે એ ના થયાં મારાં, ભલા આ સ્નેહ શું કમ છે? ઘડીભર સાથ બેસી વાત બે પ્યારી કરી લીધી.’ ‘ઘાયલ’ની કાવ્યબાનીમાં સહજતા-સરળતા સાથે અર્થનું ઊંડાણ પણ છે. વ્યંજના છે ને લાક્ષણિક મુદ્રાઓ પણ છે. બોલચાલની લઢણો, રુઢિપ્રયોગો અને કહેવતોથી એમની ભાવ-અભિવ્યક્તિ પોતીકી અને પ્રભાવક બની છે. ‘મુબારક તમોને ગુલોની જવાની/અમોને ન તોલો તણખલાની તોલે/અમે એ જ બુલબુલ છીએ જેમણે આ/ચમનની હંમેશાં હિફાજત કરી છે.’ અને ‘લિજ્જત છે’ – ગઝલ વિના તો ઘાયલની વાત જ નહીં થઇ શકે : દરેક બાબતે – લય, પ્રાસ, કાફિયા-રદ્દીફ-સંદર્ભે આ ઉત્તમ ગઝલ, ગુજરાતી કવિતાનું ઘરેણું બની રહી છે : ‘દુ:ખ પ્રીતનું જ્યાં ત્યાં ગાવું શું? ડગલે પગલે પસ્તાવું શું? એ જોકે વસમી ઠોકર છે પણ ખાઇ જવામાં લિજ્જત છે!’ ‘હું જેને જોડવા મથતો રહ્યો : મરતો રહ્યો વર્ષો : સંબંધોના એ તોડી તાર, ઊભો છું અદબ વાળી!’ જિંદગીમાં જેણે ગઝલ સિવાય કશું જ નથી ચાહ્યું એવા આ મુશાયરા ગજવતા શાયર ‘ઘાયલ’ સાહેબનું બીજી ડિસેમ્બર : 2002માં રાજકોટ ખાતે નિધન થયું હતું. ⬛ manilalpatel911@yahoo.com

અન્ય સમાચારો પણ છે...