તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અત્ર-તત્ર-સર્વત્ર:ઓળખી લેવા જેવા છે આ રાજા…

ભરત ઘેલાણી10 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભુતાન… આ શબ્દ કાને પડતાં જ આંખો હસી પડે અને હોઠ પર સ્મિત રમી જાય! આ ખોબા જેટલો દેશ એનાં પ્રાકૃતિક સૌંદર્યથી લઈને પ્રજાનાં હૈયાં સુધી આપણને પરાણે વહાલો લાગે તેવો છે. હિમાલયના સાંનિધ્યમાં આવેલો આ દેશ અનેક રીતે અનોખો છે. દુનિયાના મોટાભાગના દેશ પોતાની આર્થિક સ્થિતિનો ક્યાસ કે જમા-ઉધાર એના ‘GDP – ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ’ આંકના આધારે કરે છે. જેમ કે, આ આંક જેટલો ઊંચો એટલી આર્થિક સ્થિતિ વધુ મજબૂત. થોડાંક વર્ષ પહેલાં ભુતાને દુનિયાને એક નવું ગણિત શીખવાડ્યું કે GDP કરતાંય પ્રજા માટે વધુ અગત્યનું છે ‘GNH – ગ્રોસ નેશનલ હેપ્પીનેસ’ એટલે કે દેશ જેટલો વધુ ખુશ એટલો એ વધુ સુખી..! આ આનંદના આંક - હેપ્પીનેસ ઈન્ડેક્સ મુજબ આપણા સહિત બીજા દેશોની સરખામણીએ ભુતાન ઘણું આગળ છે. પરંપરા મુજબ ત્યાંના રાજવી દેશના સર્વેસર્વા ગણાય છે, પરંતુ બદલાતા સમય મુજબ હવે રાજા ત્યાંના બંધારણીય રાષ્ટ્રપ્રમુખ ગણાય છે. પ્રજા દ્વારા ચૂંટાયેલી પાર્ટીના વડાપ્રધાન તથા મંત્રીમંડળ દેશનું શાસન ચલાવે. સૈકાઓથી બુદ્ધ ધર્મને અનુસરતા રાજવી પરિવારના ચોથા કિંગ જિગ્મે ખેસરે આ ‘ખુશ અને સુખ’ની વ્યાખ્યા વહેતી મૂકી પછી ભુતાન સરકારે એના માટે ખાસ ખાતાનું આયોજન કર્યુ, જેની મુખ્ય કામગીરી છે પ્રજાને સદાય આનંદમય રાખવાની. ભુતાન આપણા માટે વિશેષ મહત્ત્વ ધરાવતો પાડોશી છે. આપણી આર્થિક-રાજકીય પરિસ્થિતિની એના પર પ્રત્યક્ષ નહીં તો પણ પરોક્ષ અસર પડે છે. છેલ્લાં પોણા બે વર્ષથી જગત આખું અને આપણે કોરોનાની કપરી કટોકટીમાંથી પસાર થઈ રહ્યાં છીએ ત્યારે ભુતાનમાં કેવી પરિસ્થિતિ છે? આશરે 8 લાખની વસ્તી ધરાવતા આ દેશમાં (6 સપ્ટેમ્બરના આ લખાય છે ત્યાં સુધીમાં) કોવિડના 2596 કેસ નોંધાયા છે, જેમાંથી મરણનો આંક માત્ર ત્રણ જ વ્યક્તિનો છે. આની પાછળ હિમાલયના ખોળે ઊછરતા આ દેશના કુદરતી માહોલથી લઈને પ્રજાની જન્મજાત તંદુરસ્તી સુધીનાં અનેક કારણ હોઈ શકે. એનાં વિગતવાર પૃથક્કરણમાં ન અટવાઈએ તો આ કોરોના કાળ દરમિયાન ભુતાન અને અન્ય દેશો સમક્ષ એક વ્યક્તિનું કંઈક આગવું ચિત્ર ઊપસ્યું છે. એ છે ભુતાનના હાલના રાજવી કિંગ જિગ્મે ખેસર નામગ્યાલ વાંગ્ચુક. ખ્યાતનામ ઓક્સફર્ડ યુનિવર્સિટી અને વ્હીટોન કોલેજમાં ભણેલા આ 41 વર્ષીય કિંગ જિગ્મે વાંગ્ચુક જેટલા પરંપરાગત રાજવી છે એટલા જ આજના યુવાનો જેવી આધુનિક વિચારસરણી પણ ધરાવે છે. જેટલા બૌદ્ધ સંસ્કૃતિથી એ પરિચિત છે એટલા જ એ આજની ડિજિટલ દુનિયાથી માહિતગાર છે. કોરોનાના જીવલેણ વાઈરસથી પ્રજાને સાવચેત રાખવા અને સરળ છતાં સચોટ રીતે માહિતગાર કરવા માટે યુવા રાજવી જિગ્મે ખેસર વાંગ્ચુક ખુદ છેલ્લા 14 મહિનાથી ભુતાનની યાત્રા કરી રહ્યા છે. ભૌગોલિક કારણોસર ભુતાનમાં બધે ફરવું એટલું સરળ નથી. આમ છતાં શક્ય હોય ત્યાં કારમાં, અશ્વ પર કે પછી પગપાળા માઈલો સુધી દુર્ગમ પહાડીઓમાં થઈને દૂર-દૂર સુધી લોકોનાં ઝૂંપડાં સુધી આ રાજા પહોંચે છે. કોરોના વાઈરસની ગંભીરતાથી લઈને એનાથી કેમ બચવું એ સમજાવે. થોડા સમય પહેલાં એ સતત પાંચ દિવસ પગપાળા સફર કરીને 14 હજાર ફીટની ઊંચાઈ આવેલા એક દુર્ગમ સ્થળે પહોંચી ત્યાંના કોરોના યોદ્ધાઓને મળ્યા ને ‘થેન્ક યુ’ પણ કહ્યું. કિંગ સાથે કોઈ કોઈ વાર આવી યાત્રાએ જતાં ભુતાનના વડાપ્રધાન લોટય શેરિંગ કહે છે કે આવા સમયે સરકારી સૂચનો બહાર પાડવાને બદલે રાજવીની આવી મુલાકાત વધુ કામ કરી જાય છે. કિંગ ખુદ ક્યારેય પ્રેસને ઈન્ટરવ્યૂ આપતા નથી. એ માત્ર એટલું જ કહે છે: મારા સોશિયલ મીડિયા પરના એકાઉન્ટને ફોલો કરો. ભુતાનની વસ્તી પાંખી છે અને તબીબી સેવાની દૃષ્ટિએ એટલું સુસજ્જ પણ નથી એટલે યુવા રાજા જિગ્મે ખેસર વાંગ્ચુકને સતત ભય રહે છે કે પાડોશી ભારત જેવી તીવ્રતાથી કોરોના ત્રાટકશે તો પોતાનું દેવલોક જેવું ભુતાન પૃથ્વીના નકશા પરથી હંમેશ માટે ભૂંસાઈ જશે. ⬛ bharatm135@gmail.com

અન્ય સમાચારો પણ છે...