બુધવારની બપોરે:ઈટ્સ એ મેડ, મેડ, મેડ, મેડ વર્લ્ડ

20 દિવસ પહેલાલેખક: અશોક દવે
  • કૉપી લિંક

એક સંબંધીને મેન્ટલ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. હકીના સગામાં થાય એટલે ખબર કાઢવા જવું પડે. એના ફેમિલીએ સમાજને આવા અઢળક કેસો આપ્યા છે. આપણે ના જઈએ, કાલ ઊઠીને આપણને એવું કાંઈ થાય તો એ લોકોય ન આવે એટલે ખબર કાઢવા જવું તો પડે! આમ તો હોસ્પિટલમાંય એ સ્વસ્થ હતા, પણ ક્યારેક હુમલો આવે તો પાગલપન શરૂ કરી દે. હોસ્પિટલના સ્ટાફે એમને બાંધી રાખવા પડે!

એમના ફેમિલીવાળાઓય સારવાર કરી કરીને કંટાળી ગયા હતા ને હવે તો જોવાય કોઈ જતું નહોતું. વર્ષો પહેલાં હકીના ફેમિલીએ હકી માટે મને પસંદ કર્યો ત્યારથી જ ગામમાં વાતો ચાલતી કે, આખા ફેમિલીમાં કોઈ ડાહ્યું લાગતું નથી. જમ્બુભ’ઈ છેલ્લા કેટલાક વખતથી કોઈ માનસિક રોગના શિકાર હતા. આમ કાંઈ નહીં ને આમ જ્યારે સ્પીડ પકડે ત્યારે કોઈના નહીં. કોઈ એમની નજીક જવાની હિંમત કરતું નહીં. આશ્ચર્ય એ વાતનું ખરું કે, જ્યારે નોર્મલ હોય ત્યારે અત્યંત તેજસ્વી વાત-વર્તન કરે. પરફેક્ટ ઉચ્ચારો સાથે ઈંગ્લિશ કડકડાટ બોલે. એક જમાનામાં હું ને જમ્બુભ’ઈ ખૂબ નજીકના દોસ્ત. અમારા બંનેના હાઈટ-બોડી અને કેટલીક હદે ચહેરા પણ લગભગ મળતા આવે! (પેટ બળ્યાઓ આજે એમ પણ કહે છે, એમના પાગલ થઈ જવાનું ખરું કારણ આ હતું.) હું બે-ત્રણ મહિના પરદેશ હતો, એમાં આ બધું બની ગયું. અચાનક એ ગાંડા થઈ ગયા. મને આઘાત તો ખૂબ લાગ્યો પણ મેન્ટલ હોસ્પિટલમાં એમની ખબર કાઢવા હકીની તો હિમ્મત નહોતી. મારે એકલાને જવું પડ્યું.

ત્યાં એક વિચિત્ર ઘટના બની ગઈ. લાગ મળ્યો એમાં જમ્બુભ’ઈ પાગલપનના દૌરામાં હોસ્પિટલ છોડીને ભાગી ગયા. મને શું, કોઈને આ વાતની ખબર નહીં એમાં હું પહોંચ્યો. સ્ટાફમાં નાનકડી દોડધામ હતી કે, ‘પેશન્ટ ભાગ ગયા…!’ મેન્ટલ હોસ્પિટલના પાર્કિંગમાં ગાડી પાર્ક કરતા મારો પગ લપસ્યો. ખાસ કાંઈ વાગ્યું તો નહીં, પણ કપડાં અને વાળ ચીંથરેહાલ થઈ ગયાં. આવા વેશે મારું દાખલ થવું ને સામેથી ડોક્ટરનું આવવું. ગળે સ્ટેથોસ્કોપ, વ્હાઈટ કોટ અને ચશ્મા. મારા વીખરાયેલા વાળ અને કાદવવાળાં કપડાં એ જોઈ રહ્યા. મને એટલી ખબર કે, મેન્ટલ હોસ્પિટલોમાં ઘણા ગાંડાઓ છુટા ફરતા હોય ને હાથમાં આવે એ કપડાં પહેરી લેતા હોય છે. ઘણા ગાંડા હિટલર બની જાય, કોઈ શહેનશાહ અકબર તો કેટલાક પોતાને અમિતાભ બચ્ચન હોવાનું માની બેઠા હોય! પણ મને સામેથી આવતો આ ગાંડો એજ્યુકેટેડ લાગ્યો. વાસ્તવમાં એ હોસ્પિટલના ચીફ ડોક્ટર હતા, જે મને વેશ બદલેલો ગાંડો લાગ્યો હતો. (હવે આ ફકરો ફરીથી વાંચો.)

ડોક્ટરે મને જોયો ને એમને દહેશત લાગી કે, સવારે ભાગી ગયેલો ગાંડો પાછો આવ્યો લાગે છે. એમણે મારા ખભે હાથ મૂકી મેડિકલ-સ્માઈલ સાથે વાત્સલ્યથી પૂછ્યું, ‘કેમ બહાર ફરો છો?’ આ તો ગાંડો હતો એટલે એને સાચો જવાબ આપીને શું કરવાનું? મેં એમને ગાંડા માની લીધા હતા એટલે નવેસરથી પૂછપરછ કરવાની જરૂર નહોતી એટલે જવાબ આપ્યો, ‘વાહ… કોનાં કપડાં પહેરી લાયા છો, ડોક્ટર?’ એમણે ડોક્ટરનાં કપડાં પહેર્યા હતા એટલે ડોક્ટર અંદર રૂમમાં આ ગાંડાનો સફેદ લેંઘો-ઝભ્ભો પહેરીને બેઠા હશે, એવું માનીને મેં પૂછ્યું. ડોક્ટરે સહેજ કડક થઈને મને પૂછ્યું, ‘અહીં શું કરો છો? તમારા રૂમમાં જાઓ છો કે નહીં?’

મને મનમાં ફિટ બેસી ગયું કે, ગાંડો સાચ્ચે જ પોતાને ડોક્ટર માની બેઠો છે. ત્યાં પાછળથી એક ભાઈએ મારા ખભે હાથ મૂક્યો. મેં પાછળ જોયું તો મને કહે, ‘ઓ ભ’ઈ… આ હોસ્પિટલના ચીફ ડોક્ટર છે… જરા બોલવાનું ભાન રાખો!’ આ વળી બીજો ગાંડો આવ્યો! મેં એના ખભેય બે વાર હાથ પંપાળતા કહ્યું, ‘આ ચીફ ડોક્ટર છે તો હું ચીફ મિનિસ્ટર છું. તમેય તમારી રૂમમાંથી બહાર કેમ નીકળી ગયા?’ દરમ્યાનમાં અસલી ચીફે ચપટી વગાડી કોઈ ઈશારો કર્યો, તે એમનો સ્ટાફ દોડી આવ્યો અને મને જબરદસ્તીથી દોરડાવાળો ઊંધો ઝભ્ભો પહેરાવી દીધો, જેથી મારા હાથ બાંધી શકાય! મેં ‘અરે… અરે’ કહેતા કૂદકા તો માર્યા, પણ લેઈટ થઈ ગયું હતું. મેં ઘણી યાચનાઓ ઈંગ્લિશમાંય કરી કે, ‘હું ગાંડો નથી. હું તો વિઝિટર છું.’ પણ વિશ્વમાં સત્યનો કોઈ ’દિ વિજય થયો છે? અને અચાનક એક ચમત્કાર થયો. મારી પાછળથી જમ્બુભ’ઈ કૂદ્યા અને મને પકડી લીધો. એ છાનામાના પાછા આવી ગયા હતા. ‘સાહેબ, આ જ અશોક દવે છે, જે કાલે આ હોસ્પિટલ છોડીને ભાગી ગયો’તો! પકડી લો, પકડી લો!’ જમ્બુભ’ઈ ભાગી જઈને છાનામાના પાછા આવી ગયા હતા. (ગાંડો આને કહેવાય!)

હવે ગભરાવાનો વારો મારો હતો. મારા વોર્ડમાં મારાથીય ચઢે એવા અનેક ગાંડા ભેગા કર્યા હતા. એક સજ્જન પોતાને શ્વાન સમજીને બીજા સજ્જનને કરડવા જવાનો કેવળ ભય ઊભો કરતા હતા. બીજો, નથ્થુરામ ગોડસે બન્યો હતો અને અમને બધાને મહાત્મા સમજી બેઠો હતો, એટલે જેને ને તેને ઠાર મારતો હતો. એક વળી, અમારા રૂમો વચ્ચેના કમ્પાઉન્ડમાં કબડ્ડી-કબડ્ડી એકલો રમતો હતો. મારી બાજુમાં બેઠેલો એક શખ્શ મને કહે, ‘કેમ છો જયકિશન? આજે કયું ગીત બનાવો છો?’ મેં પૂછ્યું, ‘આપ કોણ?’ તો મને કહે, ‘હું સંગીતકાર નૌશાદ… આજકાલ હું રેપ સોન્ગ બનાવું છું.’ હોસ્પિટલના ડોક્ટર સુપ્રીન્ટેડેન્ટ જોવા ઊભા હતા કે, એકેય ગાંડામાં સુધારો થયો છે? અસલી ગાંડો પકડાઈ ગયો છે, એમ માનીને જેને છોડી મૂક્યો એ જમ્બુભ’ઈ હતા અને જેને પકડીને પૂરી દીધો, એ અશોક દવે હતા!
સિક્સર
- મુંબઈ સેન્ટ્રલ આવતા ટ્રેન ધીમી પડી જાય છે. બહાર નજર કરતા હિંદીમાં વંચાય છે, ‘वा न र वे डे स्टेडियम…’ એ તો બાજુમાં કોક મરાઠી બેઠો હોય એને પૂછીએ ત્યારે ખબર પડે, ‘વાનખેડે સ્ટેડિયમ’ લખ્યું છે.
ashokdave52@gmail.com

અન્ય સમાચારો પણ છે...