ઉત્તર પ્રદેશના બીજનૌરનું અલગ જ મહત્ત્વ છે. આજે શેરડીના પાક અને મિલ માટે જાણીતા આ સ્થળનું પુરાતત્ત્વની દૃષ્ટિએ પણ અદકેરું આકર્ષણ હોવું જોઈએ. યમુના નદીને કિનારે વસેલી હડપ્પા સંસ્કૃતિમાં આવેલું આ સ્થળ ક્યારેક ‘પરશુરામ કા ખેડા’ કે ‘આલમગીરપુર’ તરીકે પણ ઓળખાતું હતું. આ સ્થળની આસપાસ ભગવાન પરશુરામના પિતા મહર્ષિ જમદગ્નિનો આશ્રમ હોવાની કિંવદંતી છે. આવા બીજનૌરમાં આવેલા ખાનપુર ઉર્ફે તિમરપુરનો કિસ્સો તાજેતરમાં આખા ઉત્તર પ્રદેશમાં ગાજ્યો હતો. ત્યાંના મંડાવર-ચંદક રોડ પરથી ગામના 24 વર્ષના યુવાન સચિનની લાશ મળી. છાતીમાં ગોળી વાગવાથી સચિનનું મૃત્યુ થયું હતું. આમ તો નાના ગામમાં ગોળી મારીને ખૂન થાય એ મોટી ઘટના ગણાય, પણ યુપી-બિહારમાં એવું નથી. સચિનની લાશ મળ્યાની માહિતી આવ્યા બાદ પોલીસે અડધી રાત્રે પહોંચીને કામગીરી શરૂ કરી દીધી. માહિતી મળી કે મૃતકનું પૂરું નામ સચિન મુન્નુસિંહ ચૌધરી છે. રાતના સાડા ત્રણ વાગ્યાના અંધારામાં એક હકીકત ઉડીને આંખે વળગી કે ગોળી મારવાથી મોત થવા છતાં આસપાસ ક્યાંય લોહીના રેલા તો ઠીક, ટીપું સુદ્ધાં નથી. અન્યત્ર હત્યા કર્યા બાદ અહીં લાશ લાવ્યાની શક્યતા વધુ દેખાઈ. ‘તમાશાને તેડું ન હોય’. ‘વા વાયો ને નળિયું ખસ્યું’...ની પંક્તિને સાર્થક કરતા મુન્નુસિંહ ચૌધરીના ઘરે વાત પહોંચી. આ પરિવારે ફટાક કરતા પોલીસમાં ફરિયાદ કરી કે અમારા વહાલસોયા સચિનને હુકુમસિંહ કે એના પરિવારે જ મારી નાખ્યો હશે. લાગે કે પોલીસનું કામ આસાન થઈ ગયું. આવી જ માન્યતા સાથે પોલીસ મુન્નુસિંહના ઘરે પહોંચી. ઘરે માતમનો માહોલ હોવાનો જ. મુન્નુસિંહના વયોવૃદ્ધ પત્ની દયાવતીનાં આંસુ રોકાવાનું નામ લેતાં નહોતાં. મુન્નુસિંહે પરિવાર પર આવી પડેલી આફત માટે હુકુમસિંહને જ ખલનાયક ગણાવ્યો. ફેબ્રુઆરી મહિનામાં હુકુમસિંહના દીકરા નરેન્દ્રસિંહની હત્યા થઈ હતી. આ મર્ડર કેસમાં પોતાના મોટા દીકરા મોહિતસિંહ ચૌધરીને ખોટેખોટો ફસાવીને જેલ ભેગો કરાયો ત્યારથી દયાવતી સતત રડ્યાં કરતાં હતાં. પોતાના દીકરા નરેન્દ્રસિંહની હત્યાનું વેર વાળવા માટે હુકુમસિંહે જ સચિનને મરાવી નાખ્યાનું મુન્નુસિંહ દૃઢપણે માનતા હતા. ખૂન કા બદલા ખૂનવાળી થિયરી સાચી ન હોવાનું માનવા માટે પોલીસ પાસે કારણ નહોતાં. હુકુમસિંહને પકડીને આકરી પૂછપરછ કરવાથી સચ્ચાઈ બહાર આવી જશે, નહીંતર ચૌદમું રત્ન ચખાડવામાં તો ભલભલા ગૂંગાય બોલતા થઈ જવાના. પોલીસને લાગ્યું કે ધારણા કરતાંય ઝડપથી અને આસાનીથી સચિન ચૌધરી મર્ડર કેસ ઉકેલાઈ જશે. આ હાશકારા સાથે મંડાવર પોલીસ ચોકીના વર્દીધારીઓની નજર ઘરની ભીંતના એક ખૂણા પર પડી ગઈ અને મગજમાં બલ્બ થયો. ખૂણામાં લોહીના ધબ્બા દેખાયા. નજીક જઈને નિરીક્ષણ કરતા લાગ્યું કે લોહીના ધબ્બા પ્રમાણમાં તાજા છે. હુકુમસિંહના ઘરે દોડી જવાને બદલે પોલીસે મુન્નુસિંહને ત્યાં જ ધામા નાખ્યા. મુન્નુસિંહ, દયાવતી અને અન્ય સભ્યોની પહેલાં સહજતાથી પૂછપરછ થઈ. એમાં કંઈ નક્કર પરિણામ ન મળ્યું. છતાં જવાબોમાં વિસંગતિ હતી, ઊટપટાંગ વર્ણન મળ્યાં. પોલીસવાળાએ મૂછને વળ દઈને ચહેરો કરડો કર્યો અને વટાણા વેરાવા માંડ્યા એક પછી એક... આ સચિનસિંહના મોતના બે ચિત્ર સામે આવ્યાં. પોતાના મોટાભાઈ મોહિતસિંહને ખોટી રીતે ફસાવીને જેલમાં પૂરી દેવાયો હોવાથી સચિન ખૂબ તાણ અનુભવતો હતો. કોઈકે વળી એવુંય કહ્યું કે એને પરિવાર સાથે ઘણા મતભેદ હતા. આ બધાંમાં સચિને દેશી કટ્ટાથી પોતાની છાતી પર ગોળી ધરબી દઈને આપઘાત કરી લીધો હતો, પરંતુ તો પછી લાશ ઘરથી પંદર કિલોમીટર દૂર અને નરેન્દ્રસિંહના ગામની સીમમાં કેવી રીતે પહોંચી ગઈ. અહીં વેર અને દિમાગના ખેલે દીકરા ગુમાવવાની વેદના પર કબ્જો જમાવી દીધો. એક દીકરો જેલમાં ને બીજો યમરાજના ધામમાં. મુન્નુસિંહ અને દયાવતીએ કારસો વિચારી કાઢ્યો. સચિનની લાશને ઘરેથી ઢસડી જઈને બાઈક પર મૂકીને હુકુમસિંહના ગામ બહાર ફેંકી દીધી. આનો આળ હુકુમસિંહ પર નાખીને એને ભીંસમાં લેવાનો. પછી સોદો કરવાનો કે અમારા મોહિત પર મૂકેલો ખૂનનો આરોપ પાછો ખેંચીને એને જેલમાંથી છોડાવ, તો અમેય સચિનના ખૂનનો આરોપ તારા પરથી પાછો ખેંચી લઈશું. આવાં મા-બાપ માટે શું કહેવું? સચિન ચૌધરીના મોતનું બીજું વર્ઝન વધુ ચોંકાવનારું અને આઘાતજનક છે. હકીકતમાં તો હુકુમસિંહને ફસાવવા માટે મુન્નુસિંહ અને દયાવતીએ એક કાવતરું ઘડ્યું, જેમાં સચિન સુદ્ધાં સહભાગી થયો. સચિનની હત્યા કરવા માટે કોઈએ એના પર ગોળી છોડી એવું નાટક કરવાનું, એના આરોપમાં હુકુમસિંહને ફસાવી દેવાનો અને પછી દીકરા મોહિતને છોડાવવા માટે સોદાબાજી કરવાની. આ મુજબ થોડા દૂરથી સચિન પર એવી રીતે ગોળી છોડવાની કે એ હાથ પર વાગે અને થોડા દિવસની સારવાર બાદ સચિન સાજો થઈ જાય. કમનસીબે નિશાન ચૂકી જવાયું અને ગોળી હાથને બદલે છાતીમાં ઘૂસી ગઈ. સચિનના મોતનો માતમ મનાવવાને બદલે હુુકુમસિંહને ફસાવવાનો એજન્ડા બરકરાર રહ્યો. આ બેમાંથી જે વર્ઝન સાચું હોય એ. સચિનનો જીવ ગયો. એને ઢસડીને અંધારામાં બાઈક પર લઈ જતી વખતે પગની ટચલી આંગળી રોડ પર ઘસાવાથી થયેલી ઈજા પણ પોલીસના ધ્યાનમાં આવી. એક દીકરાને છોડાવવામાં બીજાને ગુમાવી બેસનારાં આવાં મા-બાપ માટે શું કહેવું!{ praful shah1@gmail.com
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.