લાઈટ હાઉસ:માફી આપવા કલેજું જોઈએ!

રાજુ અંધારિયા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માફી આપવાની વૃત્તિ એક પ્રકારની શાંતિ લાવે છે ને જિંદગીમાં આગળ વધતા રહેવામાં મદદ કરે છે

એ યુવતીને આપણે અંગના તરીકે ઓળખીશું. એને ખબર પડી કે એના પતિને કોઈ લગ્નેતર સંબંધ છે. એને ખૂબ આઘાત લાગ્યો, પણ પછી એણે પતિ સાથે વાત કરી, ખાસ મિત્રોની મદદ માગી. મિત્રોએ પણ એના પતિને સમજાવ્યો. પતિને ભૂલ સમજાઈ કે અવૈધ સંબંધને કારણે એની જિંદગીમાં મુશ્કેલી આવી શકતી હતી. આથી એણે એ લગ્નેતર સંબંધ પર પૂર્ણવિરામ મૂકી દીધું. જોકે, પતિની બેવફાઈ અંગનાના મનને હજી કોરી રહી હતી, સાથે એના પતિમાં આવેલું પરિવર્તન એ અનુભવી શકતી હતી. આવી દ્વિધાભરી સ્થિતિને કારણે એ પતિના ભૂતકાળને માફ કરી શકતી નહોતી અને બીજી બાજુ બંને વચ્ચેના સંબંધોમાં ઓટ આવી ગયાનો એને પળેપળ અહેસાસ થતો હતો. છેવટે એણે વૈકલ્પિક ચિકિત્સા આપતાં એક પુનર્વસન કેન્દ્રમાં થોડા દિવસ પસાર કરવાનો નિર્ણય કર્યો. ત્યાં ક્ષમાપનાની પ્રવૃત્તિ કરતી વખતે એણે રડવાનું શરૂ કર્યું. આ ચિકિત્સાની મદદથી અંગનાએ અનુભવ્યું કે પતિમાં સુધારો થઇ ગયા પછી પણ એ જે રીતે ધિક્કાર અને કિન્નાખોરીના કિલ્લામાં કેદ થઇ ગઈ હતી એ કેટલું નિરર્થક હતું. આજે એ પોતાના લગ્નજીવનથી સંતુષ્ટ છે અને એવા પ્રકારની આઝાદી અનુભવે છે કે જેમાં નાપસંદ, કિન્નાખોરી, ગુસ્સો અને ધિક્કારને પોતાના પર હાવી થવા દેતી નથી. માફી આપવી એટલી સહેલી હોતી નથી. ઘણી વખત આનું કારણ હોય છે ડર, નબળા, મૂંગા અને ડરપોક જેવાં લેબલ પોતાના ઉપર લદાઈ જવાનો ડર. મનમાં એવી ભીતી રહેતી હોય છે કે કોઈને માફી આપવી એ છટકવૃત્તિ, નિષ્ક્રિયતા અને કાયરતા માટેનું બહાનું છે અને જેઓ લડત આપી શકતાં નથી એ જ ક્ષમા આપવામાં માને છે. જોકે, ડર અને ક્ષમા વચ્ચે એક દેખીતો તફાવત છે. હા, અમુક લોકો પોતાના ડરને ક્ષમાના મુખવટા હેઠળ છુપાવતાં હોય છે, પરંતુ માફી આપવા માટેનો નિર્ણય કંઈ તમને કાયર ઠરાવતો નથી. બીજું એ કે આપણે લડી શકતાં નથી એવું સ્વીકારી લેવામાં શરમાવાનું શા માટે? લડવાનું કે લડવાની ક્ષમતા એ કોઈ સદગુણ તો નથી. નવાઈની વાત એ છે કે જેઓ લડે છે એને હીરો માનવામાં આવે છે, જોકે, લડાઈ કરતાં માફી આપવામાં ઘણી મોટાઈની જરૂર પડે છે. અન્ય મહત્ત્વનો મુદ્દો એ કે એક અથવા બીજા કહેવાતા સિદ્ધાંતની લડતને બદલે એ સિદ્ધાંત મુજબ જીવવાનું શરૂ કરી દઈએ તો આ દુનિયામાં સઘળું શુભ જ બને. આપણી સાથે કોઈ કશુંક બુરું કરે છે એને આપણે પચાવી શકતાં નથી તો એ આપણી સમસ્યા છે, બુરું કરનારની નથી. એનાથી તો આપણે દુભાયા હોઈએ છીએ, એ નહીં! ઘણાં બધાં સંશોધન અનુસાર બીજાને માફી આપવામાં જ્યારે ઊણા ઊતરીએ છીએ ત્યારે પથરીનો ભોગ બનવાની શક્યતા રહે છે. નિકટનાં લોકો વચ્ચે સમસ્યા હોય ત્યારે કિડનીમાં પથરી થવાની સંભાવના વધી જાય છે. માફી નહીં આપવાના કારણે મનમાં ને મનમાં થતો ધૂંધવાટ અને એના પરિણામરૂપ મનમાં ઉદ્ભવતી નકારાત્મક લાગણી અને ગુસ્સાને લીધે પીઠની પીડાની સમસ્યા ઊભી થઇ શકે છે. કોઈએ શું અને શા માટે કર્યું એના માટે તમારામાં ઊંચા ધોરણનું જજમેન્ટ હોય તો ક્ષમા આપવી મુશ્કેલ બને છે. જે વ્યક્તિનો આવો જજમેન્ટલ સ્વભાવ હોય એના માટે લીવર અને એવા બીજા પાચનતંત્રના અવયવો સંબંધિત સમસ્યા ઊભી થવાની શક્યતા રહે છે. લેખની શરૂઆતમાં અંગનાના આપેલા દૃષ્ટાંતમાં જે વૈકલ્પિક ચિકિત્સા પદ્ધતિનો ઉલ્લેખ કર્યો છે એમાં યોગનો પણ સમાવેશ થાય છે. યોગની પ્રક્રિયા દરમિયાન વ્યક્તિ બદલાની ભાવના, કડવાશ, ગુસ્સો, નારાજી અને તીવ્ર અણગમાના વિચારોનો ઘણી વાર અનુભવ કરે છે, જે ન માત્ર મન પર અસર કરે છે, પરંતુ શારીરિક સંવેદનાને પણ ખલેલ - હાનિ પહોંચાડે છે. ક્ષમા આપવાની અક્ષમતા એ વ્યક્તિ માટે એના મનની શાંતિના સ્થાને પહોંચવા માટેની સૌથી મોટી અડચણ બની રહે છે. કોઈ વ્યક્તિ સતત કિન્નાખોરી જ લઈને ફર્યા કરે ત્યારે એ બીજા લોકોથી વાતવાતમાં દુભાઈ જાય છે એટલું જ નહીં, પરંતુ દરેક ક્ષણે એ વ્યક્તિ એવા વિચારોથી પ્રભાવિત થાય છે ત્યારે એણે પોતાની જિંદગી પરનું નિયંત્રણ એ બીજા લોકોના હાથમાં સોંપી દીધું હોય છે. માફી આપવી એ ભલે એક મન સાથેનો સંઘર્ષ હોય, પણ એક હકીકત એ પણ છે કે મનમાં બદલાની ભાવના શારીરિક અને માનસિક એમ બંને રીતે વ્યક્તિને ખુવાર કરી દે છે. બીજી બાજુ માફી આપવી એ તમને દુઃખ આપનાર માટે સમજણ, સહાનુભૂતિ અને કરુણાની લાગણી તરફ દોરી જઈ શકે છે. જોકે, માફી આપવી એનો અર્થ એ નથી કે થયેલાં નુકસાનને ભૂલી જવું અથવા એના માટેનું બહાનું બનાવવું. એનો અર્થ એ પણ નથી કે નુકસાન પહોંચાડનાર વ્યક્તિ સાથે સમાધાન કરવું, પરંતુ માફી આપવાની વૃત્તિ એક પ્રકારની શાંતિ લાવે છે ને જિંદગીમાં આગળ વધતા રહેવામાં મદદ કરે છે. માફી આપવામાં મનની મજબૂતીની જરૂર પડે છે એટલે જ સૌ પ્રથમ પોતાને માફ કરવાનું શીખી લેવાથી બીજાને માફ કરવાની હિંમત કેળવાય છે. આથી ક્ષમા તમારી જાતને અથવા અન્ય લોકોને એક ભેટ હોઈ શકે છે, એ તમને કશીક સાર્થક વસ્તુની પ્રાપ્તિ હોઈ શકે છે, સાથે જ એ એક એવી ગુણવત્તા હોઈ શકે છે જે મજબૂત સંબંધ કેળવવા માટે પાયાની ઈંટ સમાન બની રહે છે. કહેવાય છે કે આશા ઊંચે ઉડાન ભરવાની પાંખો આપે છે તો ક્ષમા એ છે જે જમીન પરથી ઉપર ઊઠવા મદદ કરે છે. આથી જ ક્ષમાને હંમેશની એક શ્રેષ્ઠ પ્રથા તરીકે વિકસાવવી જોઈએ. ⬛ rajooandharia@gmail.com

અન્ય સમાચારો પણ છે...