તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અગોચર પડછાયા:રિકીને થયું કે આ સ્ત્રીથી તો ચેતીને રહેવું પડશે!

જગદીશ મેકવાન3 મહિનો પહેલા
  • કૉપી લિંક

એ યુવકનું નામ હતું રિકી અને સ્ત્રીનું નામ હતું મિશેલ. રિકી એક દિલફેંક યુવક હતો. 27 વર્ષની ઉંમર સુધીમાં તો તે ઘણી સ્ત્રીઓ સાથે પ્રણયફાગ ખેલી ચૂક્યો હતો. એ જે કંપનીમાં નોકરી કરતો હતો, એ કંપનીનો માલિક હતો ક્રિસ્ટોફર. અને મિશેલ, ક્રિસ્ટોફરની પત્ની હતી. મિશેલ પહેલેથી જ રંગીન મિજાજની હતી. એ યુગલને દસ વર્ષનો એક દીકરો પણ હતો, પણ એ ક્રિસ્ટોફરનો જ હતો કે કેમ, એ તો ખુદ મિશેલ પણ કહી શકે તેમ ન હતી. ક્રિસ્ટોફરે આપેલી એક પાર્ટીમાં બંનેનો પરિચય થયો. પછી જાણે ભોગવિલાસનું તાંડવ શરૂ થયું. વાસનાના ખેલમાં મિશેલ રિકીના પ્રેમમાં પડી ગઈ. રિકી માટે તો મિશેલ રૂપિયાની ફેક્ટરી સિવાય બીજું કંઈ ન હતું. એક રાત્રે જ્યારે બે શરીર એકબીજામાં ભળી ચૂક્યાં હતાં, ત્યારે મિશેલે રિકી સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી. રિકી બોલ્યો, ‘પણ એ માટે તો તારે ડિવોર્સ લેવા પડે. મને લાગે છે કે તારો પતિ આ બધું જાણે છે અને ચાલવા પણ દે છે. તો એમ જ ચાલવા દે ને.’ ‘એ જ મને છૂટાછેડા આપવાનું વિચારી રહ્યો છે.’ મિશેલે ધડાકો કર્યો. રિકીના પગ તળેથી જમીન સરકી ગઈ. તેને થયું કે સોનાનાં ઈંડાં આપતી મરઘી હવે ઈંડાં આપવાનું બંધ કરી દેશે. તેના મનના ભાવ સમજી ગઈ હોય એમ ધારદાર અવાજે મિશેલે તેને પ્રશ્ન કર્યો, ‘તું માત્ર રૂપિયા માટે મને ચાહે છે?’ ‘હું પણ તને ચાહવા લાગ્યો છું.’ રિકીએ જુઠ્ઠાણું ચલાવ્યું,‘પણ મારી જીવન પદ્ધતિ સ્વાભાવિકપણે મને રૂપિયા વગરનું જીવન જીવવા નહીં દે.’ ‘ક્રિસ્ટોફર મરી જાય તો હું બધી જ મિલકતની માલકણ. આપણે એને ખતમ કરી દઈએ તો?’ મિશેલે ખુન્નસભર્યા અવાજે રિકીની આંખમાં જોઈને પ્રશ્ન કર્યો. ‘પછી પોલીસ આપણને છોડશે?’ રિકીએ પ્રતિપ્રશ્ન કર્યો. ‘વૂડૂ.’ ‘વૂડૂ? વોટ વૂડૂ?’ ‘આફ્રિકાની અમુક જંગલી આદિવાસી જાતિઓમાં ‘વૂડૂ’ નામની કાળી વિદ્યાનો વપરાશ થાય છે. એનાથી તમે તમારા દુશ્મનને ખતમ કરી નાખો તો કોઈને અંદાજ સુદ્ધાં ન આવે.’ મિશેલ બોલી. રિકી આંખો ફાડીને એને જોઇ રહ્યો. તેને થયું કે આ સ્ત્રીથી ચેતીને રહેવું પડશે. પછી તે બોલ્યો, ‘બકવાસ. આ બધી વાતોને તું સાચી માને છે?’ ‘આ સાચી વાત છે, પણ એ માટે આપણે જેને ખતમ કરવા માગતા હોઈએ એનું લોહી જોઈએ, પણ એનો બંદોબસ્ત તો થઈ જશે. બસ, તું મારી સાથે હોવો જોઈએ.’ મિશેલે દૃઢતાપૂર્વક કહ્યું. ⬛ ⬛ ⬛ એક દિવસ તક જોઈને મિશેલ પોતાના બેડરૂમના દરવાજાની બહાર કાચના બે-ચાર ધારદાર ટુકડા નાખીને નહાવા જતી રહી. જ્યારે તેના સુંવાળા બદન પરથી સાબુનું ફીણ સરકી રહ્યું હતું. ત્યારે તેને ક્રિસ્ટોફરની ગુસ્સાભરી બૂમ સંભળાઈ અને એ ખુશીની મારી ટોવેલ લપેટીને દોડી. ક્રિસ્ટોફર બેડરૂમના દરવાજે ગુસ્સાથી ચિલ્લાઈ રહ્યો હતો, ‘મિશેલ...આ કાચના ટુકડા અહીં કોણે નાખ્યા છે? સાફ કરાવડાવ આ...’ બોલીને ક્રિસ્ટોફર ડ્રોઈંગરૂમ તરફ જતો રહ્યો. ક્રિસ્ટોફરના પગના અંગૂઠેથી વહેતાં લોહીને જોઈને, મિશેલના બદનમાંથી આનંદની એક ધ્રુજારી પસાર થઈ ગઈ. ધીમે રહીને એણે લોહીવાળા કાચના ટુકડા ઊંચકીને નોકરને સફાઈની સૂચના આપીને બાથરૂમમાં ઘૂસી ગઈ. ⬛ ⬛ ⬛ અને એ જ રાત્રે, મિશેલ અને રિકી આફ્રિકાના જંગલમાં, એક અજાણી કેડી પર જંગલી પ્રાણીઓના ખતરા સાથે આગળ વધી રહ્યાં હતાં. થોડી વાર ચાલ્યાં પછી બંને જણ એક વસ્તીની નજીક આવ્યાં. મિશેલે એક ઝૂંપડીનો દરવાજો ખટખટાવ્યો. તેમાંથી એક પિગ્મી બહાર આવ્યો. મિશેલે તેને ડોલર્સ ભરેલી બેગ આપી. એ લઈને પિગ્મી ઝૂંપડીમાં ગયો અને એક ઊંચી બ્રાન્ડનાં શૂઝ પહેરીને બહાર આવ્યો. લગભગ અડધા-પોણા કલાક સુધી ચાલ્યાં પછી ત્રણેય જણ એક ગુફા પાસે પહોંચ્યાં. ગુફાના પ્રવેશદ્વાર આગળ ઊભા રહીને પિગ્મીએ બૂમ પાડી, ‘બલૂકા...’ ‘બલૂકા...બલૂકા…’ અંદરથી જવાબ આવ્યો. એટલે ત્રણેય જણ અંદર ગયાં. અંદર આગ સળગતી હતી. આગ સામે ડાકણ જેવી હબસી સ્ત્રી બેઠી હતી. પિગ્મીએ મિશેલને ઈશારો કર્યો. મિશેલે સોનાના દાગીના ભરેલી થેલી પેલી સ્ત્રીના પગ આગળ મૂકી અને એ સ્ત્રીએ ધૂણવાનું ચાલુ કર્યું. પછી પેલી સ્ત્રીએ કપડાંની બનાવેલી એક નાની ઢીંગલી કાઢી અને મિશેલ સામે હાથ લંબાવ્યો. મિશેલે એને લોહીથી ભરેલી એક કાચની શીશી આપી. એ સ્ત્રીએ શીશીમાંથી લોહીનાં બે-ત્રણ ટીપાં પેલી ઢીંગલીને લગાડ્યાં અને શીશી આગમાં નાખી. થોડી વારમાં શીશી તડ અવાજ સાથે ફાટી. પછી પેલી સ્ત્રીએ એક મોટો અણીદાર સોયો લીધો અને પેલી ઢીંગલીના છાતીના ભાગે ખોસી દીધો. ⬛ ⬛ ⬛ મિશેલ અને રિકી ભાવિ સુખનાં શમણાંઓ સજાવતાં ઘરે પાછાં ફર્યાં. ક્રિસ્ટોફરને જોઇને વિચારમાં પડી ગયાં કે ક્રિસ્ટોફર જીવતો કેમ છે? હૃદયમાં ફફડાટ સાથે નજીક ગયાં. ત્યાં કોફિનબોક્સમાં નજર પડતાં જ મિશેલ આઘાતથી ફસડાઇ પડી, કારણ કે એ કોફિનબોક્સમાં તેના પુત્રની લાશ હતી. ⬛ ⬛ ⬛ હકીકતમાં મિશેલ બેડરૂમ આગળ કાચના ટુકડા નાખીને નહાવા ગઈ અને તેનો પુત્ર રમતો-રમતો ત્યાંથી પસાર થયો. તેના પગમાં કાચ વાગ્યો, પણ રમતના મૂડમાં હોવાને લીધે એ છોકરો ઈજા તરફ ધ્યાન આપ્યા વગર રમવા જતો રહ્યો. એ જ સમયે ક્રિસ્ટોફર ઊઠ્યો, પણ ચાદરમાં પગ અટવાતા ગડથોલિયું ખાઈને પડ્યો અને તેના પગના અંગૂઠે પલંગની ધાર વાગતાં લોહી નીકળ્યું. તેને ગુસ્સો ચડ્યો. ઉપરથી બેડરૂમના દરવાજા આગળ પડેલા કાચ જોઈને તે વધારે ગુસ્સે થયો અને મિશેલને કાચ સાફ કરાવાની સૂચના આપી. મિશેલ એ કાચના ટુકડા પર ચોંટેલા પોતાના પુત્રના લોહીને ક્રિસ્ટોફરનું લોહી સમજીને એક કાચની શીશીમાં ભરીને ‘વૂડૂ’ની ક્રિયા માટે આફ્રિકા લઇ ગઈ. ⬛ ⬛ ⬛ પુત્રના અપમૃત્યુને કારણે અપરાધભાવ અનુભવતી મિશેલની માનસિક હાલત લથડી ગઈ અને એક દિવસ રિકીની હત્યા કરીને એણે પણ આત્મહત્યા કરી લીધી.⬛ makwanjagdish@yahoo.com

અન્ય સમાચારો પણ છે...