દીવાન-એ-ખાસ:ઇઝરાયલ - પેલેસ્ટાઇન સમસ્યાનો ઉકેલ સહેલો નથી

8 મહિનો પહેલાલેખક: વિક્રમ વકીલ
  • કૉપી લિંક
  • આરબો સાથે સતત સંઘર્ષમાં આવવું પડતું હોવાથી આરબ વિસ્તારમાં જઈને જાસૂસી કરવા માટે કેટલાક યહૂદીઓ ઇસ્લામ ધર્મના તમામ નીતિ-નિયમો પણ શીખેલાં છે

છેલ્લાં 54 કરતાં વધુ વર્ષોથી ઇઝરાયલના યહૂદીઓ અને પેલેસ્ટાઇનના આરબો વચ્ચે વારંવાર સંઘર્ષ થતો રહે છે. બંને તરફ ખુવારી થતી રહે છે અને છતાં કોઈ સમાધાન શક્ય બનતું નથી. વિશ્વ આખાએ ઇઝરાયલ – પેલેસ્ટાઇન વચ્ચે શાંતિ જાળવવા સેંકડો વખત પ્રયત્નો કર્યા છે, પરંતુ એનો કોઈ અર્થ સર્યો નથી. ઇઝરાયલ – પેલેસ્ટાઇન સમસ્યાનો ઇતિહાસ ખૂબ લાંબો છે, પરંતુ ટૂંકમાં કહીએ તો 1897માં યહૂદીઓની કમિટીએ જાહેર કર્યું હતું કે પેલેસ્ટાઇન પર એમનો હક છે અને આથી યહૂદીઓએ હવેથી ત્યાં જ વસવાટ કરવો. શરૂઆતના તબક્કે અહીં યહૂદીઓની લઘુમતીનો વસવાટ હતો જ, પરંતુ બીજા વિશ્વયુદ્ધ પછી વિશ્વભરમાંથી યહૂદીઓ શરણાર્થી તરીકે અહીં આવી પહોંચ્યા. પેલેસ્ટાઇનના કબજા હેઠળનો વિસ્તાર 1967ના યુદ્ધ વખતે ઇઝરાયલે કબજે કર્યો હતો. ઇઝરાયલમાં આવેલા આરબ બહુમતીવાળા વિસ્તારને ગાઝાપટ્ટી કહેવાય છે. જોકે, ગાઝાપટ્ટી પર પણ ઇઝરાયલના જ લશ્કરનું પ્રભુત્વ છે. સંરક્ષણ, સરહદો, પાણી અને જેરૂસેલમ શહેર પરનાં વર્ચસ્વ જેવા પ્રશ્નો માટે પેલેસ્ટાઇનના નેતાઓ અને ઇઝરાયલ વચ્ચે જે સમાધાન થાય છે એ લાંબુ ટકતું નથી. જેરૂસેલમ શહેરમાં યહૂદીઓ અને આરબ ઉપરાંત ખ્રિસ્તી વસ્તી છે. ખ્રિસ્તીઓ સામાન્ય રીતે યહૂદીઓના પક્ષે રહે છે. પેલેસ્ટાઇની નેતાઓનું કહેવું છે કે, એમને આપવામાં આવેલા પ્રદેશ પર પણ ઇઝરાયલ પગપેસારો કરતું રહે છે. ઇઝરાયલની વસ્તી 90 લાખની આસપાસ છે એટલે કે આપણા બેંગ્લોર શહેર જેટલી કહી શકાય. ઇઝરાયલ ચારે તરફથી મુસ્લિમ દેશોથી ઘેરાયેલું છે. આમ છતાં યહૂદીઓ માટે અસ્તિત્વનો પ્રશ્ન હોવાથી તેઓ જીવ પર આવીને લડે છે. પેલેસ્ટાઇનીઓના પણ અલગ-અલગ જૂથ છે. હમાસ જેવા આતંકવાદી સંગઠન ઉપરાંત બીજાં અનેક નાનાં સંગઠનો છે જેના પર પેલેસ્ટાઇની નેતાઓનો કાબૂ નથી. આ પેલેસ્ટાઇની સંગઠનોએ ઇઝરાયલ સામે જ નથી લડવાનું પરંતુ પેલેસ્ટાઇનના ચૂંટાયેલા નેતાઓ સામે પણ એમણે લડવું પડે છે. ગાઝાપટ્ટીથી જેરૂસેલમ કે વેસ્ટબેંક તરફ જવું હોય તો ઇઝરાયલની ત્રણ જેટલી ચેકપોસ્ટ પસાર કરવી પડે છે. અમુક વિસ્તારમાં ફક્ત ઇઝરાયલી પાસપોર્ટવાળી વ્યક્તિને જ જવા દેવામાં આવે છે. કોઈ આરબ બીમાર હોય કે એને ખાસ જરૂરિયાત હોય તો યહૂદીઓના વિસ્તારની હોસ્પિટલો કે બીજે સ્થળે જવાની એને ખાસ પરવાનગી આપવામાં આવે છે. 2006ના વર્ષમાં હમાસે ચૂંટણીમાં વિજય મેળવ્યો હતો. હમાસની લશ્કરી પાંખ પણ છે. યાસર અરાફત જ્યારે જીવતા હતા ત્યારે પેલેસ્ટાઇનનો મુખ્ય ચહેરો તેઓ હતા. એ વખતે યહૂદીઓ અને આરબો વચ્ચેની કેટલીક મંત્રણા મહંદઅંશે સફળ પણ થઈ હતી. જોકે આ સમાધાન લાંબું ટક્યું નહીં. ઇઝરાયલને સ્વતંત્ર દેશ તરીકે દરજ્જો આપવા માટે વિશ્વનો એક પણ મુસ્લિમ દેશ તૈયાર નથી. અમેરિકા અને યુરોપના દેશો હંમેશાં ઇઝરાયલને પડખે રહ્યા છે. જોકે, આ પાછળનું કારણ એ પણ છે કે અમેરિકા અને યુરોપમાં ધંધા-ઉદ્યોગ ક્ષેત્રે યહૂદીઓનો ડંકો વાગે છે. ઇઝરાયલની રાષ્ટ્રીય ભાષા હિબ્રુ છે, પરંતુ મોટાભાગના યહૂદીઓ અરેબીક ભાષા પણ શીખી લે છે. આરબો સાથે સતત સંઘર્ષમાં આવવું પડતું હોવાથી આરબ વિસ્તારમાં જઈને જાસૂસી કરવા માટે કેટલાક યહૂદીઓ ઇસ્લામ ધર્મના તમામ નીતિ-નિયમો પણ શીખેલાં છે. હમણાં થોડા સમયથી ફરીથી હમાસ અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ શરૂ થયું છે. જોકે, આ વખતના યુદ્ધમાં એક નવીનતા એ છે કે ઘણા આરબો હમાસના આતંકવાદનો ખૂલીને વિરોધ કરી રહ્યા છે. જોકે, આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો સહિત બધાંનું માનવું છે કે ઇઝરાયલ – પેલેસ્ટાઇન વચ્ચેના સંઘર્ષનો અંત નજીકના ભવિષ્યમાં તો નહીં જ આવે. ⬛ vikramvakil@rediffmail.com

અન્ય સમાચારો પણ છે...