આપણને ભણાવવામાં આવતું કે, સૂર્યનું પ્રથમ કિરણ જાપાન પર પડે છે, પણ પૃથ્વીનો નકશો જુઓ. (તમે તો ‘ગૂગલ મેપ’ જ ખોલશો ને!) પૂર્વ તરફથી આવીએ, તો જાપાન કરતાં પહેલાં રશિયાની જમીન ચાલુ થઈ જાય છે. નીચે જોશો તો ન્યૂઝીલેન્ડની ભૂમિ પણ જાપાન કરતાં વધુ પૂર્વમાં છે. તો ‘સૂર્યનું પહેલું કિરણ જાપાન પર પડે છે’ એવી અફવા કોણે ફેલાવી? અફવા ફેલાવવાની વાત હોય એટલે મગજમાં ચીનનું નામ આવે. હા, સાતમી સદીમાં ચીનમાં એવું કહેવાતું કે, ‘આપણાં કરતાં જાપાનમાં વહેલો સૂર્યોદય થવાનો મતલબ છે કે, દુનિયામાં સૂર્યનો પ્રવેશ જાપાનમાંથી થાય છે.’ આ ચાઇનીઝ માન્યતાને જગતે સ્વીકારી લીધી. જાપાન ‘ઊગતા સૂર્યનો દેશ’ બની ગયો. એ સમયે ન્યૂઝીલેન્ડની શોધ પણ નહોતી થઈ, તો ત્યાંના સૂર્યોદય વિશે ક્યાંથી જાણ હોય! તોય રશિયા કે ન્યૂઝીલેન્ડ નહીં, સૂર્યનું પ્રથમ કિરણ મેળવનારો દેશ છે: કીરીબાતી (Kiribati). કાગળ પર પૃથ્વીનો નકશો જોતા, તમારી જમણી બાજુના છેડે સૌથી પહેલી જમીન કીરીબાતી ટાપુઓની આવે છે. આ 33 ટાપુઓનો સમૂહ છે. કીરીબાતીના સાવ નિર્જન એવા કેરોલિન ટાપુ (Caroline Island) પર સૌથી પહેલો સૂર્યોદય થાય છે. આ જગ્યા મોટાભાગના નકશાઓમાં દર્શાવી નથી હોતી, કારણ કે નકશો ગમે તેટલો મોટો હોય, તેમાં આટલા ઝીણા ટાપુ દેખી શકાતા નથી. (પણ ‘ગૂગલ મેપ’માં સર્ચ કરવાથી મળી જશે, હોં!) કીરીબાતીનો સમય ન્યૂઝીલેન્ડના સમય કરતાં એકાદ કલાક જેટલો આગળ ચાલે છે, અને જાપાન કરતાં લગભગ ચાર કલાક આગળ! અર્થાત્ ‘ઊગતા સૂર્ય’નો કહેવાતો દેશ જાપાન પૃથ્વી પર પ્રથમ સૂર્યોદય થયા પછી ચાર કલાકે સૂર્યનું કિરણ પામે છે. પણ એક મિનિટ… કાગળ પરના નકશાની જેમ પૃથ્વી સપાટ થોડી છે! પૃથ્વી તો ગોળાકાર છે, અને ધરી પર અવિરત ફરે છે. પ્રત્યેક ક્ષણે કોઈ સ્થળે સૂર્યોદય થાય છે, અને કોઈ સ્થળે સૂર્યાસ્ત. ‘સૌપ્રથમ સૂર્યોદય’ - આ શબ્દોનો ઉપયોગ જ માનવ સહજ મૂર્ખતા છે. મંગળવારે સવારે અમેરિકાના ‘સમોઆ’ (American Samoa) ટાપુ પર પૃથ્વી પરનો ‘સૌથી છેલ્લો’ સૂર્યોદય થાય છે, તે જ પળે ન્યૂઝીલેન્ડ પાસેના ફીજી ટાપુઓ પર બુધવારનો સૂર્યોદય થઈ રહ્યો હોય છે. બન્ને વચ્ચે દરિયાઈ અંતર માત્ર 1100 કિલોમીટર છે, તો પણ આખા એક દિવસનો ફરક! કારણ કે, એ બન્ને વચ્ચેથી International Date Line પસાર થાય છે. આ લાઈનને સૂર્યોદયનાં પ્રથમ કિરણો પાર કરે ત્યારે આપણે તારીખ બદલાઈ એમ ગણીએ છીએ. ‘તારીખ’ એ માનવસર્જીત ગોઠવણ છે, જ્યારે સૂર્યોદય અને સૂર્યાસ્ત કુદરતી છે. ‘ઈન્ટરનેશનલ ડેટ લાઈન’ની એક તરફના કોઈ ટાપુ પર સાંજના ચાર વાગ્યા હોય ત્યારે એ લાઈનની બીજી તરફ ફક્ત 150 કિલોમીટર દૂર આવેલા ટાપુ પર પણ સાંજના ચાર જ થયા હોય, પણ તારીખ એક દિવસ આઘીપાછી થઈ ગઈ હોય! મતલબ, જે દેશમાં ‘પહેલો સૂર્યોદય’ આપણે ગણીએ છીએ, એ જે તે તારીખનો પહેલો સૂર્યોદય હોય છે, પણ નકશા પર લીટા તાણી તાણીને તારીખ અને ઘડિયાળ તો પશ્ચિમના વૈજ્ઞાનિકોએ સેટ કરેલી છે. આપણે બિનધાસ્ત કહી શકીએ, ‘અમને આ બધું માન્ય નથી. સૂરજ સૌપ્રથમ ભારતમાં જ ઊગે છે.’⬛ nimitasheth21@gmail.com
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.