62 વર્ષનાં રત્નાબહેન સાથે આખો પરિવાર કન્સલ્ટિંગ રૂમમાં આવ્યો. બધાં ચિંતિત હતાં. છેલ્લાં એક વર્ષથી ચાલી આવતી એમની શારીરિક ફરિયાદો હતી જ એવી! એમણે પેઇનપૂર્વક કથાનક શરૂ કર્યું, ‘ડોક્ટર, આ બધાં લોકો મારી વાત માનતા નથી. બીજા ડોક્ટરો કહે છે તમને કંઇ રોગ નથી, પણ હું સાચું કહું છું. મારો આ ઝણઝણાટીવાળો દુખાવો પેટમાંથી હવે પગ તરફ પહોંચ્યો છે. હું ત્યાં અડું તોય દુઃખે. ક્યારેક વળી ના પણ દુઃખે. બધા ડોક્ટરો કહે છે, ‘એ તમારા મનનો વહેમ છે.’ હવે ઝણઝણાટી અને દુખાવો થાય તો મને ખબર પડે કે એ બધા ડોક્ટરોને! રોગ પકડાય નહીં એટલે ‘તમને માનસિક તકલીફ છે.’ એવું કહીને છૂટી જવાનું. તમે જ કહો ડોક્ટર, ‘આ ઝણઝણાટીની પીડા કંઇ માનસિક હોય ખરી?’
રત્નાબહેનની સમસ્યા ‘સોમેટિક સિમ્પ્ટમ ડિસઓર્ડર’ કહી શકાય. આ વિકૃતિ ‘સોમેટોફોર્મ ડિસઓર્ડર’ તરીકે પણ ઓળખાય છે. આ એવી મનોદૈહિક વિકૃતિ હોય છે, જેનાં લક્ષણો શરીર ઉપર દેખાય છે પણ એનાં મૂળિયાં મનમાં પડ્યાં હોય છે. દર્દીને સતત એવું લાગ્યા કરે કે પોતે કોઇ ભયંકર રોગથી પીડાય છે. ઊંડાણપૂર્વકની મેડિકલ તપાસ પછી કોઇ ખાસ રોગનું નિદાન ન થાય તો પણ દર્દી એવું જ સમજે છે કે, ‘મારો રોગ કે દુખાવો પકડાતો નથી.’ દર્દીની આવી ‘હાયપોકોન્ડ્રિયાક’ માન્યતાને લીધે એના રોજિંદા કામમાં મુશ્કેલી આવે છે. વ્યક્તિગત, સામાજિક અને કામને લગતી બાબતો વિક્ષેપ પામે છે. સતત ચિંતા અને ગભરામણ જેવાં લક્ષણો પણ સાથે હોઇ શકે. મનમાં સતત ઉદાસી છવાયેલી હોય છે. આજકાલ આવા દર્દીઓ ગૂગલનો સૌથી વધુ ઉપયોગ કરે છે અને એ પણ પોતાનાં લક્ષણોમાંથી કોઇ ને કોઇ રોગનું નામ શોધવા માટે સર્ચ કર્યા કરે છે. ખાસ કરીને યુવા અને મધ્યમ વયનાં ટેક્નોસેવી લોકો પોતાનો કયો રોગ છે એ ગૂગલ પરથી નિદાન કરવા લાગે છે. આમ તો આ એક ભયાનક ટેવ છે. ગૂગલમાં માહિતી હોઇ શકે. ચિકિત્સક કરે તેવું નિદાન એટલિસ્ટ અત્યારના તબક્કે તો નથી જ. આવા ગૂગલ સર્ચથી રોગ-શોધની ભયંકર ટેવ મોટેભાગે પોતાને નુકસાન જ પહોંચાડે છે.
એક અંદાજ પ્રમાણે જનરલ પ્રેક્ટિશનરને ત્યાં આવતા આશરે 6થી 15 ટકા જેટલા દર્દીઓ આવા ‘હાયપોકોન્ડ્રિયાક’ હોય છે. નાની તકલીફને મોટા રોગનું મનોમન નામ આપી દેતા આવા દર્દીઓનું મનોવિશ્લેષણ બતાવે છે કે, આવા દર્દીના અચેતન મનમાં ગુસ્સો દમિત થયેલો હોય છે. એમના આત્મગૌરવમાં ક્ષતિ રહે છે. કોઇ કલ્પિત કે સાચી ભૂલની બચાવ પ્રયુક્તિ તરીકે ‘હાયપોકોન્ડ્રિયાસિસ’ થઇ શકે. પોતાની કોઇ ગંભીર ભૂલ કે અક્ષમ્ય અપરાધના પ્રાયશ્ચિત કે વળતર સ્વરૂપે દુઃખ અનુભવવાની અચેતન પ્રવૃત્તિ આવી મનોદૈહિક સમસ્યામાં પરિવર્તિત થાય છે. પોતે આવી પીડાની સજાને પાત્ર જ છે કારણ કે, પોતે કંઇક પાપ કર્યાં છે. આવા વિચાર વ્યક્તિને વધુ પીડા આપે છે. રત્નાબહેન સાથે ઊંડાણપૂર્વક ક્લિનિકલ વાતચીત થઇ. એમના ઇતિહાસમાં એમની સમસ્યાનાં મૂળ પડેલાં હતાં. રત્નાબહેનનાં લગ્ન 18 વર્ષની નાની ઉંમરે થઇ ગયેલાં, પણ લગ્નનાં 15 વર્ષ બાદ એ વિધવા બન્યાં. રત્નાબહેન એક મોટા સંયુક્ત પરિવારના સૌથી મોટા પુત્રવધૂ હતાં. ચાર ભાઇઓ અને એમની પત્નીઓ મતલબ દેરાણી-જેઠાણી બધાં શાંતિથી રહેતાં હતાં. આખા કુટુંબના ‘નૈતિક વડા’ રત્નાબહેન હતાં. સમગ્ર પરિવારની સમાજમાં ખૂબ પ્રતિષ્ઠા હતી. રત્નાબહેનની સૌથી લાડકી નાની દીકરી સુજ્ઞાએ મોટી ઉંમર સુધી લગ્ન નહોતા કર્યાં. ચાલીસ વર્ષે એણે નક્કી કર્યું કે એ લીવ-ઇનમાં પોતાનાથી નાની ઉંમરના છોકરા સાથે રહેશે. આ વાત રત્નાબહેન માટે વજ્રઘાત સમાન બની. એક બાજુ પોતે પરિવારના મોભી તરીકે બધા નિયમો નક્કી કરતા, બીજી બાજુ એમની સૌથી લાડકી સુજ્ઞાએ એમના જ નૈતિક નિયમોનો ભંગ કર્યો હતો. આ વાતનો વસવસો અને અપરાધભાવના રત્નાબહેનના અચેતન માનસમાં ધરબાઇ ગઇ હતી. રત્નાબહેનને હિપ્નોથેરેપી આપવામાં આવી. આવી મનોદૈહિક સમસ્યાઓમાં આ સાઈકોથેરેપી ઉત્તમ કામ આપે છે. એમના મનમાંથી નિરાશા અને અપરાધની લાગણી દૂર કરવામાં આવી. દીકરીનો સમજણ સાથે અંતરમનથી સ્વીકાર થયો. ઘરના નૈતિક વડાનો દબદબો બરકરાર છે. વિનિંગ સ્ટ્રોક : ઘણીવાર આપણે એમ માનીએ છીએ કે, ‘બીજા શું કહેશે?’ પણ વાસ્તવમાં એ પોતાના પ્રત્યેની પોતાની જ શંકા હોય છે. drprashantbhimani@yahoo.co.in
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.