મનદુરસ્તી:સાથે ચાલવું અને સાથે રહેવું બંનેમાં ફરક છે?

ડૉ. પ્રશાંત ભીમાણી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બંને એવું સમજી શક્યાં કે માત્ર શારીરિક રીતે એકબીજાની કંપની હોવા કરતાં પ્રેમયુક્ત માનસિક કંપની વધારે અગત્યની છે

સુષ્ટિ, હવે હું તારાથી થાક્યો છું. રોજ તને ઉઠાડવા પાછળ મારો અડધો કલાક બગડે છે અને હું એકલો મોર્નિંગ વોક માટે જતો રહું તો તારો મૂડ બગડે છે. અને મેં જોયું છે જ્યારે આપણે સાથે ચાલવા જઇએ છીએ ત્યારે તું એકદમ ખુશ હોય છે. પણ, આ તારી સોશિયલ મીડિયાની ટેવ તને અને મને બંનેને હેરાન કરે છે. મોડી રાત સુધી મોબાઇલ પર રહે પછી બીજા દિવસે વહેલી સવારે કેવી રીતે ઊઠાય?’ સમર્થે કહ્યું. ‘સમર્થ, તને તો મારી સાથે વાત કરવાનો ટાઇમ નથી હોતો. એટલે હું મારા ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ જોયા કરું છું. હું તને કોઇ પણ વાત માટે ફોર્સ નથી કરતી કે ડિસ્ટર્બ પણ નથી કરતી. મેરેજનાં પાંચ વર્ષ પછી આપણે બંને એકબીજાની લાઇફમાં ઓછું માથું મારીએ તો સારું નહીં!’ આમ તો મેરેજ કાઉન્સેલિંગ માટે આવેલાં આ બંનેએ મોર્નિંગ વોક વિશે કુતૂહલપૂર્વક પૂછ્યું, ‘ડોક્ટર, હું રેગ્યુલર એક્સર્સાઈઝ અને યોગ કરુ છું, પણ મારી વાઇફ ક્યારેક ચાલવા આવે તો ક્યારેક ન આવે. મારું વજન સ્ટેડી રહે અને એનું ફ્લક્ચ્યુએટ થયા કરે. એનો મૂડ આવે તો મારી સાથે ચાલવા આવે, નહીંતર નહીં. આવું કેમ હશે?’ સમર્થે વાતનો દોર ચાલુ રાખ્યો, ‘આમાં કોઇ સાઈકોલોજિકલ ફેક્ટર હોય ખરું?’ સમર્થની વાત વાજબી હતી અને પ્રશ્ન પરફેક્ટ હતો. વજનના વધવાને લાઇફ સ્ટાઇલ, વારસાના જીન્સ, સ્ટ્રેસ, ખોરાકની પદ્ધતિ આ બધા સાથે સંબંધ છે. મૂડ સ્વિંગ્સને કારણે પણ વજનકાંટો સ્વિંગ થઇ જાય છે. હોર્મોનલ ઇમ્બેલેન્સ પણ મોટું કારણ છે. અમેરિકાની ‘નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓન એજીંગ’ દ્વારા હમણાં કેટલાંક રસપ્રદ તારણો બહાર પડ્યાં. એમાં 1988 લોકો ઉપર 50 વર્ષના લાંબા ગાળા સુધી કરાયેલાં પરીક્ષણોનાં પરિણામો હતાં. એમાંનું સૌથી મોટું તારણ એ હતું કે ‘ઇમ્પલ્સિવિટી’ એટલે કે તરંગીપણું એ મેદસ્વીતા માટેનું એક મોટું અને સૌથી પ્રબળ કારણ છે. સૌથી વધુ તરંગીપણું દર્શાવતાં ટોપ 10 ટકા લોકોમાં સ્થિરતા દર્શાવતા નીચેના 10 ટકા લોકો કરતાં વજનમાં દસેક કિલોનો વધારો જોવા મળ્યો. ઉપરાંત જે લોકોમાં ઉચ્ચ આદર્શો કે સંન્નિષ્ઠતાનું પ્રમાણ વધારે હતું તેઓમાં દૂબળાપણાંનું પ્રમાણ પણ વધારે જોવા મળ્યું. શક્ય છે એમની ડાયેટિંગ કરવાની દૃઢતા અને એક્સર્સાઈઝ પ્રત્યેનાં કમિટમેન્ટના કારણે આવાં પરિણામો મળ્યાં હોય. આ બધાં જ પરિણામો ‘જર્નલ ઓફ પર્સનલ અને સોશિયલ સાઈકોલોજી’માં પ્રકાશિત થયાં છે. સમર્થ અને સૃષ્ટિનાં પેરન્ટિંગ બેકગ્રાઉન્ડમાં પણ આ તફાવત જોવા મળ્યો હતો. સમર્થના ફેમિલીમાં પહેલેથી જ સ્વાસ્થ્ય પ્રત્યે સુગમ શિસ્તનું વાતાવરણ અને સૃષ્ટિના કુટુંબમાં એનાથી વિરુદ્ધ માહોલ. ઉપરાંત અત્યારના સ્ટ્રેસની અસર તો બંનેને હતી જ. પણ, સમર્થ સ્ટ્રેસનો સામનો સુપેરે કરી શકતો હતો જ્યારે સૃષ્ટિની માનસિક પર્સનાલિટીમાં લાગણીઓ જ પ્રધાનતા ધરાવે. એટલે તરત જ ખુશ થઇ જાય અને તરત જ નિરાશ પણ થઇ જાય. આવી ‘સાઈક્લોથાયમિક’ પર્સનાલિટી ધરાવતી સૃષ્ટિને સાઇકોથેરેપી આપવામાં આવી. બંને જણા એકબીજાનાં જીવન પર જેમ નકારાત્મક અસરો કરી શકે તેવી જ રીતે સકારાત્મક અસરો પણ પ્રયત્નપૂર્વક ઊભી કરી શકે છે. જે દિવસે સવારે સાથે ચાલવા જવાય તો તો કોઇ પ્રશ્ન જ નહોતો, પણ ના ઊઠાય તો ઇવનિંગ વોકનો વિકલ્પ પણ ખુલ્લો જ હતો. બંને એવું સમજી શક્યાં કે માત્ર શારીરિક રીતે એકબીજાની કંપની હોવા કરતાં પ્રેમયુક્ત માનસિક કંપની વધારે અગત્યની છે. બંનેને એમના અનુકૂળ સમયે કસરતને પ્રાધાન્ય અપાયું. યોગ શિક્ષક ઘરે આવીને હવે યોગ કરાવે છે. ખોરાકમાં પણ ફેરફારો છે અને મૂડમાં પણ સ્થિરતા છે. વિનિંગ સ્ટ્રોક : લગ્નજીવનમાં બધી જ બાબતોને મેચ ન કરી શકાય તે વાત સાચી, પણ વ્યવહારિક અને વૈજ્ઞાનિક સત્ય હોય એમાં મેચ થવું જરૂરી છે. સાથે ચાલવા જવું અને મનથી સાથે રહેવું એ બંનેનો સુયોગ થાય તે સૌથી ઉત્તમ છે.⬛ drprashantbhimani@yahoo.co.in

અન્ય સમાચારો પણ છે...