તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમયના હસ્તાક્ષર:શું પશુધન અને દૂધમંડળીઓને સમાપ્ત કરવાનું કાવતરું ઘડાયું છે?

5 દિવસ પહેલાલેખક: વિષ્ણુ પંડ્યા
  • કૉપી લિંક
  • જીવદયા તો સાર્વજનિક જીવન અને વ્યક્તિજીવનનો એક ભાગ છે, પણ તેનો અતિરેક હોવો જોઈએ?

આર્થિક સામ્રાજ્ય માટે કાયમ કામ કરતી બહુરાષ્ટ્રીય કંપનીઓની નજર હવે ભારતના ગોપાલક અને ડેરી ઉદ્યોગ પર પડી છે અને ભારતમાં કામ કરતી કેટલીક એન. જી. ઓ.ના ખભે બંદૂક રાખીને તેઓ આ કામ પાર પાડવા માગે છે. ઓછામાં ઓછું, અમુલ ડેરીના ઉપપ્રમુખ વાલમજી હુંબલે ખુલ્લી રીતે આવો દાવો કર્યો છે. દેશ-વિદેશમાં પંકાયેલી ત્રિભુવન દાસ અને જ્યોર્જ કુરિયનના પુરુષાર્થથી સ્થપાયેલી અને ગુજરાતના ડેરીઉદ્યોગને ઊંચાઈ સુધી પહોંચાડતા અમુલના એક જવાબદાર પદાધિકારી આવું કહે ત્યારે આ મુદ્દો જરૂર ગંભીર ગણવો જોઈએ. રાજકોટમાં 31 મેની તેમની આ ફરિયાદમાં એવી માગણી કરવામાં આવી છે કે ‘પેટા’નો અનર્થકારી વાતાવરણ પેદા કરીને ડેરીઉદ્યોગ પર જીવતાં, કમાતાં 10 કરોડ ખેડૂતોને બરબાદ કરવાનો આ ઇરાદો છે. એટલે સામાન્ય નાગરિકને સવાલ પેદા થાય કે આ ‘પેટા’ (People for the Ethical Treatment of Animals) વળી કઈ બલા છે? તેનો જવાબ એ છે કે દેશ-વિદેશમાં પ્રજાકીય સહયોગના નામે ફૂટી નીકળેલી સ્વૈચ્છિક સંસ્થાઓનું આ આંતરરાષ્ટ્રીય સ્વરૂપ છે. થોડાંક વર્ષ પૂર્વે પાંચ-સાત લોકોને થયું કે દુનિયામાં સેંકડો પશુઓ પર ક્રૂરતા આચરવામાં આવે છે તેની સામે સંગઠન થવું જોઈએ. વિશ્વયુદ્ધોમાં માર્યા ગયેલા કરોડો સૈનિકો કે ગૃહયુદ્ધોમાં જેમની લાશો ઢળી તેની તેમને કોઈ તકલીફ નહીં હોય, પણ આગળ કૂતરું અને રૂપાળી દોરી સાથે પાછળ દોરાતી ફેશનેબલ સ્ત્રી, એ આદર્શ જગત તેમને માટે હતું. પછી તો આમાં ધંધો પણ ભળી ગયો! બિકિની પહેરેલી અભિનેત્રીઓના ‘લાઈવ શો’ થવા લાગ્યા. તે બધી મંચ પર આવીને કુરકુરિયાંને રમાડે, કોઈએ શીખવાડેલાં પાંચ-સાત વાક્યો બોલે અને હજારોની મેદની, જે પોતાની રોજબરોજની ડિશમાં માંસાહારી વાનગીઓ ઝાપટવાની છે, તેઓ તાળીઓના ગડગડાટથી આ પિકનિકને વધુ ‘સાર્થક’ બનાવે. બેશક, જીવદયા તો સાર્વજનિક જીવન અને વ્યક્તિજીવનનો એક ભાગ છે, પણ તેનો અતિરેક હોવો જોઈએ? થોડાંક જ વર્ષો પૂર્વે નર્મદાવિરોધી આંદોલનનું નાટક આપણે નિ:સહાય બનીને જોવું પડ્યું હતું. સૌરાષ્ટ્ર અને બીજે દારુણ દુષ્કાળ પડતો હતો, લોકો નર્મદાના બંધ સાથે પીવાનું અને સિંચાઈનું પાણી ઝંખી રહ્યાં હતાં, રસ્તા પર પશુઓનાં હાડપિંજર રઝળતાં, ત્યારે આ ‘પ્રાણીઓ માટે કૈંક કરી છૂટવાની કોઈ પેટા-ફેટાએ એકાદ વાક્ય પણ કહ્યાંનું યાદ નથી. પેટાએ એવું નિવેદન પણ કર્યું કે આ ડેરીઉદ્યોગોમાં બિચારાં પશુઓ પર અત્યાચાર ગુજારવામાં આવે છે. એટલે આ દૂધ બરાબર નથી, જીવદયાનો ભોગ લેવાય છે. એટલે આપણે ‘વીગન મિલ્ક’ લેવું જોઈએ. વીગન મિલ્ક એટલે શાકાહારી દૂધ. કાજુ, અળસી, ડાંગર, નારિયેળ પાણી વગેરેથી બનતું દૂધ. આપણે જે રીતે બી કોમ્પ્લેક્સ, અને બીજા અખતરા કરીએ છીએ તેના મૂળમાં તો વિદેશી કંપનીઓનો બજારવાદ છે. ભારતીય નાગરિક તો ગાય, ભેંસ, બકરી, ઘેટાં, ઊંટ વગેરે દુધાળાં પશુઓનું દૂધ પીએ છે. ગામડાંમાં ઘમ્મર વલોણું, ધણ માટેનો ચારો, બળદનો ખેતી ઉપયોગ, બળતણ માટે છાણાં, આ બધું પ્રચલિત છે. હવે ડેરીઉદ્યોગથી પશુપાલકોને આર્થિક તાકાત મળવા લાગી છે. વીગન તો કારખાનાં ઊભાં કરશે, ત્યાં દૂધનું ઉત્પાદન કરશે. વિશ્વના બજારમાં આંતરરાષ્ટ્રીય ચીઝ, ચોકલેટ પનીર, છાશ, આઈસક્રીમ વગેરેનું વેચાણ છે એટલે કારખાનાંમાં મબલખ ઉત્પાદન કરવાના ઇરાદે તે કંપનીઓએ એન. જી. ઓ.ને આગળ ધરી છે. અમુલ અને બીજી ડેરીઓનું દૂધ સંપૂર્ણ શાકાહારી નથી તેવો પ્રચાર શરૂ કરવામાં આવ્યો તેમાં આ જીવદયાનો ઝંડો ઊઠાવનારી ‘પેટા’ મુખ્ય છે. તેની પાછલી કરમકુંડળી તપાસો તો એવા પણ આરોપો થયા છે, જેમાં આ એન. જી. ઓ.એ જ અનેક ઉંદર-બિલાડીઓને મારી નાખ્યાં છે. બીજી આવી સંસ્થા એફ. આઈ. એ. પી. ઓ. (Federation of Indian Animal Protection Organisations) છે. ત્રીજી, બ્યૂટિ વિધાઉટ ક્રૂઅલ્ટી (Beauty Without Cruelty) છે. એટલું સારું છે કે એફ. એસ. એસ. આઈ. (Food Safety and Standards Authority of India) જે ભારતની ખાદ્યસામગ્રીનો માપદંડ નક્કી કરે છે તેણે ઘસીને આવા વિવાદની ના પાડીને આંતરરાષ્ટ્રીય કંપનીઓના મનસૂબા પર પાણી ફેરવી દીધું છે અને ગુજરાત સહિત દેશ આખાના પશુપાલનને બચાવી લીધું છે, પણ મામલો એટલો આસાન નથી. અદાલત સુધી વાત પહોંચી છે. એ વાત સાથે સંમત થવા જેવું છે કે આ ‘પેટા’ જેવી સંસ્થાઓ જીવદયાના નામે સમસ્યાઓ પેદા કરે છે. તમે વસ્ત્રાપુરમાં બહુમાળી મકાન, સરકારી વસાહત અને જિલ્લા ગ્રંથાલયના રસ્તે ક્યારેક તો નીકળ્યા હશો. અહીં અનેક નાની-મોટી સોસાયટી છે, પણ રસ્તા પર ગોકુલિયું ગામ જ લાગે. પશુઓ આમતેમ ફરતાં હોય. રાત અને દિવસ મોટી સંખ્યામાં કૂતરાંઓ રખડતાં હોય, તેઓ સોસાયટીમાં આવીને ગંદકી ના કરે તે માટે કેટલાક યુવકો સક્રિય થયા તો એક એન.જી.ઓ.એ આવીને બધાંની સામે જીવદયા અને કનડગત કરવાનો કેસ કરવા પોલીસને બોલાવી. મધ્યમ વર્ગના યુવકો બિચારા ડરી ગયા અને શ્વાન-સામ્રાજ્ય યથાવત છે! {vpandya149@gmail.com

અન્ય સમાચારો પણ છે...