જાણવું જરૂરી છે:ગોળીઓનું સેવન હાનિકારક છે?

ડૉ. પારસ શાહ15 દિવસ પહેલા
  • કૉપી લિંક

સમસ્યા : મારી ઉંમર 28 વર્ષની છે. મારાં લગ્નને 9 મહિના થયાં છે. લગ્ન પછીના બે મહિના સેક્સ માણ્યું હતું. પછી એકાદ મહિનો એકબીજાથી દૂર રહ્યાં હતાં. એ પછી હવે મારી ઇન્દ્રિયમાં બિલકુલ ઉત્થાન થતું નથી અને જો ભૂલેચૂકે પણ ઉત્થાન થાય તો તરત જ સ્ખલન થઇ જાય છે. ફેમિલી ડોક્ટરે મને દેશી વાય્રાગા 50 મિલિની આપી છે. શરૂઆતમાં આ ગોળી અસર કરતી હતી, પણ હવે અસર કરતી નથી. શું આ ગોળીઓની આડઅસર થાય છે? મારો સ્કૂલનો એક મિત્ર ડોક્ટર છે. તેનું કહેવું છે કે આ ગોળીઓનાં સેવનથી પત્નીને ગર્ભ રહેવામાં મુશ્કેલી પડતી હોય છે. તો શું હવે મને બાળક રહેશે કે નહીં? ઉકેલ : જો કોઇ પુરુષને આજે, કાલે કે છેલ્લા ત્રણ મહિનામાં, જાગતા, સૂતા કે કોઇ પણ અવસ્થામાં એકપણ વાર ઇન્દ્રિયમાં પૂરું ઉત્થાન આવે તો કોઇ ચિંતા કરવાની જરૂર નથી. બે-ચાર વારની ઇન્દ્રિયમાં ઉત્થાનની નિષ્ફળતાને કાયમી નપુંસકતા જેવી ગંભીર બીમારી ગણી લેવી ના જોઇએ. કેટલાંક નવપરણીત યુગલોમાં જરૂરી સ્પર્શના અભાવને કારણે ઇન્દ્રિયમાં ઉત્થાનની તકલીફ ઊભી થઇ શકે છે. યુગલોમાં મુક્ત વાતચીતનો અભાવ, શરમાળપણું, સંકોચ વગેરેને કારણે તેઓ સંપૂર્ણપણે વસ્ત્રરહિત થવાનું તો ક્યારેક સીધો ઇન્દ્રિય સ્પર્શ કરવાનું ટાળે છે. આ ટેવ જો લાંબા ગાળાની બને તો ઉત્થાનમાં મુશ્કેલી આવી શકે છે. ક્યારેક અમુક દિવસો માટે ઇન્દ્રિય કામ ન આપે એવું બની શકે છે, પણ જો ભય રાખવામાં આવે તો એ તકલીફ લાંબી ચાલે છે. ઘણી વાર ઉત્થાન થશે કે નહીં થાય? નહીં થાય તો પત્ની મારા માટે શું વિચારશે? આ ડરના કારણે પુરુષ સેક્સથી દૂર ભાગે છે અને પછી લાંબા સમયે સમાગમ કરે ત્યારે શીઘ્ર સ્ખલન થઇ જતું હોય છે. તમારા ડોક્ટર મિત્રની વાત એકદમ સાચી છે. દેશી કે વિદેશી વાય્રાગાના સેવન બાદ શુક્રાણુના મોરફોલોજીમાં ફેરફાર જોવા મળે છે, જેનાથી ભવિષ્યમાં પિતા બનવામાં મુશ્કેલી જરૂર થઇ શકે છે. ઉપરાંત આ વાયગ્રાની આદત પડી જાય છે. જેથી દવા વગર સંબંધ બાંધવો શક્ય બનતો નથી. પરંતુ અમુક સમય બાદ આ દવાની અસર થતી પણ બંધ થઈ જાય છે. જે સ્ત્રીઓમાં માસિક નિયમિત હોય, તેમનામાં માસિકના બારમા દિવસથી અઢારમા દિવસમાં સ્ત્રી બીજ સામાન્ય રીતે છૂટું પડતું હોય છે. માટે આ દિવસોમાં ગર્ભનિરોધકના પ્રયોગ વગર સંબંધ રાખવામાં આવે તો બાળક રહેવાની શક્યતા વધી જતી હોય છે. ⬛ dr9157504000@shospital.org

સમસ્યા : હસ્તમૈથુનની કુટેવથી મારી ઇન્દ્રિય ટૂંકી થઇ ગઈ છે. નસો ઢીલી પડી ગઈ છે. મેં આ માટે ઘણી દવાઓ કરાવી છે, પણ કંઇ ફરક પડતો નથી. છાપામાં આવતી જાહેરાત મુજબ તેલ-ટીકડીઓ-જાપાની યંત્રો વગેરે પાછળ ખૂબ જ પૈસા ખર્ચ કર્યા છે, પણ કોઇ જ ફરક પડ્યો નથી. ઉકેલ : હસ્તમૈથુન એક આદત છે, બીમારી નહીં. આપણે આની ચર્ચા ઘણી વાર કરી ચૂક્યા છીએ કે હસ્તમૈથુનથી કોઇ જ કમજોરી, નબળાઇ કે નપુંસકતા આવતી નથી. હસ્તમૈથુન કરવા કે ના કરવાથી ઇન્દ્રિયની લંબાઇમાં કોઇ જ ફરક પડતો નથી. આ માત્ર આપનો ભ્રમ છે. ઇન્દ્રિયમાં નશો ઢીલી પડવા જેવું કંઈ હોતું નથી. ઇન્દ્રિયમાં માત્ર ખાલી જગ્યાઓ જ હોય છે, જેમાં લોહીનો ભરાવો થવાથી ઇન્દ્રિયમાં કડકાઇ આવે છે અને પુરુષ સંભોગ કરવા કાબેલ બને છે. આમાં નસો ક્યાંથી આવી? બાકી કોઇ તેલ-ટીકડી કે દેશી-વિદેશી યંત્ર-મંત્રથી ઇન્દ્રિયની લંબાઇમાં ફેર ના પડે. ફરક માત્ર આપના ખિસ્સાં ઉપર જ પડે. સમસ્યા : મારી ગર્લફ્રેન્ડનું બે વર્ષ પહેલાં એક ઓપરેશન થયું ત્યારે તેને બ્લડ ચઢાવવામાં આવેલું. થોડાક સમય પહેલાં ખબર પડી કે તેને એચ.આઇ.વી.ની બીમારી થઈ છે અને આ બીમારી લોહી ચઢાવવાથી થઈ છે. તો શું તેની બચવાની શક્યતા ખરી? કેટલો સમય તે જીવી શકે છે? ઉકેલ : મેડિકલ સાયન્સની કેટલીક મજબૂરી છે. એચ.આઇ.વી. રોગ પહેલા ત્રણ મહિના સુધી લોહીમાં ઝડપાતો નથી. આ સમયને વિન્ડો પીરિયડ કહેવામાં આવે છે અને આવી વ્યક્તિનું લોહી જો કોઇને ચઢાવવામાં આવે તો તે વ્યક્તિને એચ.આઇ.વી.ની બીમારી થઇ શકે છે. એચ.આઇ.વી. એક ચેપ છે, જેના લીધે શરીરની રોગપ્રતિકારક શક્તિ ઓછી થઇ જાય છે અને જ્યારે રોગનો સમૂહ બને ત્યારે તેને એઇડ્રસ તરીકે ઓળખવામાં આવે છે. એચ.આઇ.વી. ગ્રસ્ત વ્યક્તિ પંદર-વીસ વર્ષ કે તેથી પણ વધુ જીવી શકે છે, પરંતુ તેણે આ ચેપ કાબૂમાં રાખવો પડે. ડોક્ટરના માર્ગદર્શન હેઠળ નિયમિત ચેકઅપ અને દવા લેવી પડે. જે રીતે ડાયાબિટીસના દર્દીઓ દવા લઇને ડાયાબિટીસ કાબૂમાં રાખે છે, તે જ રીતે દવા દ્વારા એચ.આઇ.વી. કાબૂમાં રાખી શકાય છે. પરંતુ કોઇ પણ વ્યક્તિને એચ.આઇ.વી. પોઝિટિવ કહેતા પહેલાં બે અલગ અલગ લેબોરેટરીમાં આની તપાસ કરાવવી જોઇએ અને જો આ ટેસ્ટ પોઝિટિવ આવે તો વેસ્ટર્ન બ્લોટ ટેસ્ટ દ્વારા કન્ફર્મેશન કરવું જોઇએ. સારવારની શરૂઆત માટે સીડીફોર કાઉન્ટ ઉપર આધાર રાખે છે. નવી આવેલ એન્ટિવાઇરલ દવા દ્વારા આજની તારીખમાં એચ.આઇ.વી. ચેપ કાબૂમાં રાખી શકાય છે. તેનાથી જીવનની ક્વોલિટી અને આયુષ્યમાં વધારો થાય છે. જો આપે આપની ગર્લફ્રેન્ડ જોડે નિરોધના પ્રયોગ વગર સંબંધ રાખ્યો હોય તો આપનું પણ એચ.આઇ.વી. ટેસ્ટિંગ અચૂક કરાવી લેવું જોઇએ. સમસ્યા : મારી ઉંમર 20 વર્ષની છે. હું અઠવાડિયામાં બેથી ત્રણ વાર હસ્તમૈથુન કરું છું અને તેમાં મને ખૂબ જ આનંદ અને સંતોષ મળે છે. પરંતુ વીર્ય સ્ખલનમાં સફેદ ચોખા જેવા દાણા વીર્યમાં હોય છે. મને ખૂબ જ ચિંતા થાય છે. શું કરું? ઉકેલ : આપના વીર્યની લેબોરેટરી તપાસ કરાવવી જોઈએ. જો તેમાં ચેપ, લોહી, પરુના પુરાવા મળે તો તેનો ઇલાજ શક્ય છે ને તે કરાવી લેવો જોઇએ, કારણ કે સારવાર ન કરાવવાથી ભવિષ્યમાં પિતા બનવામાં તકલીફ થઇ શકે છે.

અન્ય સમાચારો પણ છે...