1થી 30 નવેમ્બર લંગ કેન્સર અવેરનેસ મંથ:અન્ય કેન્સર કરતાં ફેફસાંનું કેન્સર શું વધુ પડતું ઘાતકી છે?

ડો. ઈન્દુ આંબુલકર11 દિવસ પહેલા
  • કૉપી લિંક

ફેફસાંના કેન્સર માટે લોકોમાં જાગૃતિ આવે એ હેતુથી ‘વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન’ (ડબલ્યુ.એચ.ઓ.) દ્વારા દર વર્ષે નવેમ્બર મહિનાને ‘લંગ કેન્સર અવેરનેસ મંથ’ તરીકે ઊજવવામાં આવે છે. વિશ્વભરમાં ફેફસાંના કેન્સરના કેસ સૌથી વધુ જોવા મળે છે. જોકે, એમાં સૌથી મોટી મુશ્કેલી એ છે કે ફેફસાંનું કેન્સર શરૂઆતના સ્ટેજમાં ઓળખી શકાતું નથી. હા, 90 ટકા કિસ્સાઓમાં દર્દીને બીડી, સિગારેટ, ગુટખા જેવી તમાકુવાળી વસ્તુઓની કુટેવ હોય છે. આ ઉપરાંત અન્ય કારણોમાં રાસાયણિક ફેક્ટરીમાં કામ કરવાથી અથવા પ્રદૂષણવાળા વિસ્તારમાં રહેવાથી પણ ફેફસાંનું કેન્સર થઈ શકે છે. કોઈ પણ રીતે સ્મોકિંગનો ધુમાડો અંદર જવાથી કેન્સરનો ભોગ બની શકાય છે. ફેફસાંના કેન્સરનું નિદાન મોડું થાય છે અને કદાચ એ કારણે જ તેની સારવારમાં વિલંબ થાય છે. તેથી જો સમસયર તેનાં કારણો ઓળખી શકાય તો કેન્સર અટકાવી શકાય છે અને દર્દીને રાહત મળે છે. જોકે, ફેફસાંનું કેન્સર ધરાવતા તમામ લોકો ધૂમ્રપાન કરતા હોય તે જરૂરી નથી. ફેફસાંના કેન્સરથી પીડાતા દર્દીઓમાં કેટલાક એવા હોય છે જેમણે પહેલાં ધૂમ્રપાન કર્યું હોય, જ્યારે કેટલાક એવા લોકો પણ હોઈ શકે કે જેમણે ક્યારેય ધૂમ્રપાન કર્યું જ નથી છતાં આ રોગથી પીડાય છે. કેવી રીતે ફેલાય છે? શરીરના કોષો હંમેશા વિભાજિત થાય અને વધતા રહે છે. કેન્સરમાં કેટલાક કોષો અનિયંત્રિત રીતે વિભાજિત થઈને સમૂહમાં વૃદ્ધિ પામે છે. તેને ટ્યુમર પણ કહે છે. ફેફસાંનું કેન્સર ફેફસાંના ભાગમાં શરૂ થાય છે. ત્યાંથી આ કેન્સર લસિકા ગાંઠો અથવા અન્ય અંગોમાં ફેલાઈ શકે છે. મોટાભાગે 80થી 90 ટકા ફેફસાંના કેન્સરનું કારણ ધૂમ્રપાન જ છે. સૌથી સરળ રસ્તો એ જ છે કે વહેલાસર ધૂમ્રપાન છોડી દેવું.

આ પણ જાણીએ

વિશ્વભરમાં કેન્સરના મૃત્યુનું સૌથી સામાન્ય કારણ ફેફસાંનું કેન્સર છે. ફેફસાંનું કેન્સર મહિલાઓ કરતાં પુરુષોમાં વધુ જોવા મળે છે. કેન્સરના નવા કેસોમાં માત્ર ફેફસાંના કેન્સરનું પ્રમાણ 6.9 ટકા છે અને તે ધૂમ્રપાન અને પ્રદૂષણના કારણે થાય છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અનુસાર, દર વર્ષે લગભગ 2 મિલિયન નવા ફેફસાંના કેન્સરના કેસો નિદાન થાય છે. દર વર્ષે ફેફસાંના કેન્સરને કારણે લગભગ 1.76 મિલિયન મૃત્યુ નોંધાય છે. ઉધરસ એક સપ્તાહ કે તેથી વધુ ચાલુ રહે તો ફેફસાંમાં કેન્સરના સંકેત હોઈ શકે છે. ફેફસાંના કેન્સરના દર્દીઓ માટે વિટામિન-ડી ખૂબ જ ફાયદાકારક છે, કારણ કે તે ફેફસાંના સ્નાયુઓને મજબૂત બનાવે છે.

વિશેષ લક્ષણો બેથી ત્રણ અઠવાડિયાં સુધી ઉધરસ મટી ન હોય. જોકે, ઉધરસની સાથોસાથ અન્ય લક્ષણો પર ધ્યાન આપવું જરૂરી છે. જેમકે, લાળમાં લાલ રંગ અથવા લોહી, ન્યુમોનિયાની ફરિયાદ, સખત કફ જામી ગયો હોય, ઘણી વાર કફ સાથે લોહી આવે, છાતીમાં દુખાવો, ખૂબ જ થાક લાગે, ધીમે ધીમે વજન ઘટતું જાય, શ્વાસ લેવામાં તકલીફ પડે. અતિશય ખાંસી આવતી હોય અને લાંબા સમય સુધી તેમાં કોઈ બદલાવ ન આવ્યો હોય તો તે ફેફસાંમાં કેન્સરના કોષો વધવાનો સંકેત આપે છે. નિદાન કેવી રીતે થાય? સીટી સ્કેનમાંની ફેફસાંની ગાઠનો નાનકડો ટુકડો લઈને તેને તપાસ માટે એટલે કે બાયોપ્સી માટે મોકલવામાં આવે છે. બાયોપ્સીમાં શ્વાસનળીમાં દૂરબીન નાખીને અથવા તો સીટી સ્કેનના માર્ગદર્શન અંતર્ગત કરવામાં આવે છે. બાયોપ્સી વિના ફેફસાંના કેન્સરનું નિદાન કે સારવાર શક્ય નથી. ઉપાયો રેડિએશન થેરાપી ઉપરાંત સર્જરી દ્વારા કેન્સર દૂર કરી શકાય. સર્જરીમાં ઓપરેશનથી કેન્સરની ગાંઠ દૂર કરવામાં આવે છે. એમાં કિમોથેરાપી પણ એક વિકલ્પ છે. કિમોથેરાપી, કેન્સરની દવા દર્દીને ગ્લુકોઝની બોટલમાં નાખીને ચઢાવવામાં આવે છે. શેકથેરાપીમાં કેન્સરવાળાં ફેફસાંના ભાગને કિરણોની સારવાર આપવામાં આવે છે. તેમજ ટાર્ગેટેડ ડ્રગ થેરાપી, ઇમ્યુનોથેરાપી અને એક્સરસાઈઝથી પણ ફાયદો થાય છે. ફૂડમાં ફળફળાદિ, અખરોટ, બદામ, બેરી, બ્રોકોલી, દ્રાક્ષ, એન્ટી કેન્સર ફૂડ તરીકે લઈ શકાય. નવાં સંશોધન અનુસાર જિનેટિક ફેરફાર બાયોપ્સીના ટુકડામાંથી જાણી લઈ ફેફસાંના કેન્સરની સચોટ સારવાર શક્ય છે.

અન્ય સમાચારો પણ છે...