તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આપણી વાત:ભારતની તુલના હવે માત્ર પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સાથે કરવાની છે?

વર્ષા પાઠક25 દિવસ પહેલા
  • કૉપી લિંક

આપણાંમાંથી લગભગ દરેક જણને બાળપણમાં આ અનુભવ થયો હશે. જમતી વખતે અણગમતું શાક ખાવાની ના પાડીએ કે તરત લેક્ચર શરૂ થઇ જાય. પહેલાં તો એ ટીંડોરા, તુરીયાં આરોગ્ય માટે કેટલા સારાં છે, એનું જ્ઞાન પીરસાય. પછી ઈમોશનલ અત્યાચાર કે મમ્મીને આટલી રસોઈ બનાવવામાં કેટલી તકલીફ પડી છે અને છેલ્લે કુમળા દિમાગમાં ગુનાહિત લાગણીનો સંચાર કરાય કે દુનિયાનાં લાખો બાળકોને તો આટલુંય મળતું નથી, બાપડાં પાણી પીને સૂઈ જાય છે, તમારે તો ભગવાનનો ઉપકાર માનવો જોઈએ કે રોટલી સાથે દૂધીનું શાક તો મળે છે, વગેરે. ટૂંકમાં આપણે નહીં ભાવતું ખાઈ લેવાનું એટલું જ નહીં, બીજાની સરખામણીએ આપણે સુખી છીએ એવું પણ સ્વીકારી લેવાનું. હવે તો આપણે મોટાં થઇ ગયાં, પરંતુ એ સિલસિલો બીજા રૂપે હજી ચાલુ જ છે. આપણા દેશમાં પડતી કોઈ પણ તકલીફ કે અન્યાય વિશે ફરિયાદ કરીએ કે તરત અમુક લોકો બીજા દેશ પ્રત્યે આંગળી ચીંધીને કહે કે જોઇ લ્યો, ત્યાંની પ્રજા કેટલી દુઃખી છે, એની તુલનાએ આપણે ત્યાં તો સ્વર્ગ છે. તોયે અહીં તકલીફ પડે તો ત્યાં જતાં રહો. છેલ્લાં થોડાં વર્ષોથી એમાં નવો મસાલો ઉમેરાયો છે. બીજા દેશની જનતા કરતાં આપણી સ્થિતિ સારી છે એ માટે આપણે આપણા નેતાનો ઉપકાર માનવો જોઈએ, એવી વાતો માથે મરાય છે. જ્યારે પણ બીજા દેશમાં કોઈ તકલીફ ઊભી થાય, એટલી વાર ભારતમાં વાત ચાલે કે જુઓ, આપણે કેટલાં સુખી, સદ્દભાગી છીએ, થૅન્ક્સ ટુ મોદીજી. હકીકતમાં એવાં ગતકડાં આઇટી સેલમાંથી વહેતાં મુકાય છે. સ્થાપિત હિતો અને ભોળાં લોકો ઉત્સાહભેર ફોરવર્ડ કરે છે. અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ પર કટ્ટર ઇસ્લામપંથી તાલિબાનોએ કબ્જો કરી લીધો, એ જાણીને મુઠ્ઠીભર કટ્ટર, જૂનવાણી મુસ્લિમોએ આપણે ત્યાં જાહેરમાં આનંદ વ્યક્ત કર્યો તો એમના ઉપર ધિક્કાર વરસ્યો. પરંતુ કદાચ એ લોકો કરતાંયે ગોળનું વધુ મોટું ગાડું આઈટી સેલને મળી ગયું છે. અફઘાનિસ્તાનના સમાચાર સાંભળીને ભારતમાં પણ અરેરાટી થઇ ગઈ. મઝહબના નામે અમાનુષી અત્યાચાર કરતા તાલિબાનોના શાસનમાં માનવાધિકારો, ખાસ કરીને સ્ત્રીઓની કેવી દુર્દશા થશે એ વિચાર પણ કંપાવી મૂકે એવો છે. ભારતીય સરકારે રાજદ્વારી મૌન સેવ્યું, પણ એમનું પ્રચારતંત્ર કામે લાગી ગયું. આ જ ટાઈમ હતો, ભોળાં અને ભોટ, બંને પ્રકારનાં ભારતીયોનાં દિમાગમાં નાખવાનો કે જુઓ, અફઘાનિસ્તાનની હાલત કેવી છે! ઇન્ડિયાની ટીકા કરનારે ત્યાં જવું છે? વર્ષો પહેલાં પણ જેમણે ભારતની વર્તમાન સ્થિતિ, નેતાગીરીની આછીપાતળીયે ટીકા કરેલી, એમને પાકિસ્તાન જવાનું કહેવાયેલું, હવે અફઘાનિસ્તાન મોકલી દેવાની ડિમાન્ડ થવા લાગી. પહેલી વાર સોશિયલ મીડિયા પર આ વાંચ્યું ત્યારે તો હું માથું ખંજવાળતી રહી ગઈ- આ લુચ્ચાઓ ભારતની સરખામણી અફઘાનિસ્તાન સાથે કરતાં હતાં? હું કાયદેસર ભારતીય નાગરિક છું, મારા દેશના બંધારણે મને વાણીસ્વતંત્રતા આપી છે, મારા દેશની, સરકારની આલોચના કરવાનો મને પૂરેપૂરો અધિકાર છે. સત્તાધીશો સામે બૂમો પાડી છે, અને પાડતી રહીશ. તમે કોણ આવ્યા મને ભારત છોડીને અફઘાનિસ્તાન જવાનું કહેવાવાળા? તુલના જ કરવાની હોય તો અમેરિકા અને ઓસ્ટ્રેલિયા, અરે ભુતાન સાથે પણ શું કામ ન કરું? અરે, ભારતનાં જ બે રાજ્ય વચ્ચે શું કામ ન કરું? ગુજરાતમાં એક યા બીજા ટેક્સ સામે બૂમરાણ ઊઠે ત્યારે ત્યાંના શાસક જનતાને એવું કહી શકે કે ગેટ આઉટ, મુંબઈ જતાં રહો. ત્યાં જઈને ખબર પડશે કે કેટલાં વધુ કરવેરા ભરવા પડે છે? મુંબઈમાં ખરાબ રસ્તા અંગે કકળાટ થાય ત્યારે મહારાષ્ટ્ર સરકાર અમને છત્તીસગઢના આદિવાસી વિસ્તારમાં જતાં રહેવાની સલાહ આપે તો કેવું લાગે? અરે બાપા, અફઘાનિસ્તાનનું જે થવાનું હોય એ થાય, આપણે ત્યાં જવું નથી. અહીંની વાત કરો. બીજો એક એવો સવાલ વાઇરલ થયો છે કે અફઘાનિસ્તાનના હાલહવાલ જોયા પછી વિચારો કે, તમને કાંદા, બટેટાં, દાળ ને પેટ્રોલ સસ્તાં જોઈએ છે કે મનની શાંતિ? મેં તો આદેશાનુસાર વિચાર્યું અને દિમાગે જવાબ આપ્યો કે સસ્તાં શાકભાજી, અનાજ અને પેટ્રોલ આપી દો, મનની શાંતિ આપોઆપ મળી જશે, પણ હવે તમે જ કહો કે આપણે ત્યાંની મોંઘવારી સાથે અફઘાનિસ્તાનના સત્તાપલટાને શું લાગેવળગે? આવો સવાલ પૂછવા પાછળ શું હેતુ હોઈ શકે? તમને શાંતિ જોઈતી હોય તો મોંઘવારી સહન કરવી પડશે, એમ જ ને? અને આવો વાહિયાત સવાલ કોઈ સામાન્ય નાગરિક તો પૂછે જ નહીં (હા, વિચાર્યા વિના ફોરવર્ડ કરી શકે) નિઃશંક, આ પરીક્ષાપત્ર કેન્દ્ર સરકારની આઇટી સેલમાંથી નીકળ્યું હતું અને ત્યાં બેઠેલાંને પણ કદાચ આઈડિયાઝની કે પગારની કમી પડવા લાગી છે એટલે એકના એક તુક્કા વારંવાર છોડે છે. આ અગાઉ પણ ભારતમાં કાંદા-બટેટાં સહિત જીવનાવશ્યક ચીજોના ભાવ ઊંચાઈએ પહોંચી ગયેલાં એ વખતે પણ પરેશાન જનતાને આવું જ કહેવાયેલું કે આલુ-પ્યાજની વાત છોડો. આપણા નેતા દુનિયાભરમાં ભારતનું નામ રોશન કરવા મથી રહ્યા છે. દેશપ્રેમીઓ, એમને સાથ આપો. યાદ છે તમને આ મેસેજ? ⬛ viji59@msn.com

અન્ય સમાચારો પણ છે...