આપણી વાત:દરેક સામાજિક અન્યાય માટે એક જ વર્ગ જવાબદાર હોય છે?

વર્ષા પાઠકએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દુનિયાભરમાં શોષિત પીડિત વર્ગને અન્યાય કરવાનું જે પાપ થયું છે એ માટે દરેક વર્ણ-વર્ગ જવાબદાર છે

‘મહેરબાની કરીને ક્યાંકથી એક કુક શોધી આપો ને.’ કેરળમાં રહેવા આવી ત્યારથી ઘેર આવીને રસોઈ બનાવી જાય એવી વ્યક્તિની મારી શોધ ચાલુ હતી. એક સાંજે, પડોસમાં રહેતી અને હવે દોસ્ત બની ગયેલી ગ્રેસી અને રૂબિનાએ ઘેર આવીને ખુશખબર આપ્યાં કે એમણે મારા માટે એક કુક શોધી કાઢેલી. બે બાળકોની માતા રૂબિના એન્જિનિયરિંગ કોલેજમાં પ્રોફેસર છે, અને નાની વયે નાનીજી બની ગયેલી ગ્રેસી હોસ્પિટલના એડમિનિસ્ટ્રેટિવ ડિપાર્ટમેન્ટમાં જોબ કરે છે. ગ્રેસીને તો મારા માટે એટલી સહાનુભૂતિ પ્રગટી ગયેલી કે દસેક દિવસ એણે પોતે સવારના પહોરમાં બ્રેકફાસ્ટ બનાવીને મને પહોંચાડેલો. સવારે આઠ વાગ્યાની પહેલાં નોકરી માટે ઘેરથી નીકળી જતી ગ્રેસીએ મારા માટે આટલી મહેનત કરેલી અને એનાથીયે વધુ મહેનત કદાચ એને રોજ સારું વેજિટેરિયન ફૂડ બનાવી શકે એવી કુક શોધવામાં થઇ હશે. પણ આખરે મળી ગઈ, એ કહેવા માટે બંને જણ આવ્યાં. ગ્રેસીને મલયાલમ અને થોડાઘણાં તમિલ સિવાય બીજી કોઈ ભાષા આવડે નહીં અને એ બે ભાષાનું મારું જ્ઞાન હજી કુલ મળીને પચાસેક શબ્દથી આગળ નથી વધ્યું. રૂબિના અમારા માટે દુભાષિયાનો રોલ ભજવે. એ દિવસે જોકે કુક નજીકમાં રહે છે, વેજ ફૂડ બનાવી શકે છે એવી પ્રાથમિક જાણ કર્યા બાદ રૂબિના સહેજ અચકાઈ. એણે ગ્રેસી સામે જોયું, બંને વચ્ચે ટૂંકો સંવાદ થયો અને પછી રૂબિનાએ ધીરેથી કહ્યું કે ‘એ બાઈ એસસીએસટી ક્લાસની છે, તમને ચાલશે?’ ‘મને શું ફરક પડે છે, બસ સાફસુથરી હોય અને ઠીકઠાક ખાવાનું બનાવે એટલું પૂરતું છે’ મેં ત્યારે તો તરત કહી દીધું. પણ એમના ગયા પછી વિચાર આવ્યો કે એ બંને ભલી સ્ત્રીઓએ મને શું કામ આવું પૂછ્યું. અને પૂછનારમાંથી એક આધેડ વયની ખ્રિસ્તી હતી અને બીજી, હાઈલી એજ્યુકેટેડ મુસ્લિમ યુવતી. એ લોકો પણ આવા ભેદભાવમાં માનતાં હશે, કે પછી હું માનું છું, એવી ધારણા એમણે આપમેળે બાંધી લીધી? બીજે દિવસે મળેલા એક મિત્રને આ વાત કહી તો એમણે કહ્યું, ‘તું હિન્દુ બ્રાહ્મણ છે, એટલે એ લોકોએ માની લીધું હશે કે શેડ્યૂલ કાસ્ટના હાથનું નહીં ખાય.’ સાચું કહું તો આ સાંભળીને મને થોડું ખરાબ લાગ્યું કે, અમારી એટલે કે બ્રાહ્મણોની છાપ હજી આવી છે? જાણું છું કે આ સવાલના પ્રતિભાવમાં ઘણાં લોકો કહેશે કે હા, બ્રાહ્મણો વર્ષોથી એવું કરતાં આવ્યાં છે, અને એમની પછીની પેઢીઓ માટે આ ભેદભાવ, ઊંચનીચનો વારસો આપતાં ગયાં છે.’ અને એ સાંભળીને નવાઈ પણ નહીં લાગે, કારણ કે એની પહેલાં પણ ઘણીવાર એવી કથાઓ સાંભળી છે. અને દરેક વખતે મને વિચાર આવે કે ધારી લો કે બ્રાહ્મણોએ અન્યાયી, અમાનુષી કહેવાય એવા સામાજિક નિયમો બનાવ્યા હોય તોયે એનું અનુકરણ તો વૈશ્ય, ક્ષત્રિય ગણાતા બીજા વર્ણનાં લોકો પણ કરતાં જ હતાં ને? એ લોકોએ શું કામ ચોથા વર્ણ ગણાતાં શૂદ્રોનું કલ્યાણ કરવાનું તો બાજુએ રહ્યું, અન્યાય સામે પણ અવાજ ન ઉઠાવ્યો? સાદી ભાષામાં કહીએ તો નિર્બળ, નિધન વર્ગની લાચારીનો ફાયદો ઉઠાવવામાં સહુ સામેલ હતા, અરે શોષિત ગણાતા વર્ગમાં પણ ઊંચનીચના ભયાનક ભેદભાવ હતા, પણ પછી ‘આ તો બ્રાહ્મણોએ કહ્યું છે’ એમ કહીને બધાય દોષનો ટોપલો એક વર્ગના માથે નાખી દેવાનો? અહીં બ્રાહ્મણ ગણાતી જાતિનો બચાવ કે તરફેણ કરવાનો કોઈ ઈરાદો નથી. કહેવું છે એટલું કે સદીઓથી આપણે ત્યાં જ નહીં, દુનિયાભરમાં શોષિત પીડિત વર્ગને અન્યાય કરવાનું જે પાપ થયું છે એ માટે દરેક વર્ણ-વર્ગ જવાબદાર છે. પરંતુ આંગળી ચીંધવી હોય ત્યારે એક લક્ષ્ય હોય તો સહેલું પડે? મને તો સમજાતું નથી. વિદ્વાનો જાણતાં હશે.⬛ viji59@msn.com

અન્ય સમાચારો પણ છે...