તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમવૉચ:મિસ્ટર નટવરલાલ’ નામધારી મહાઠગના અજબ-ગજબના કરતૂતોની રસપ્રદ કથા

23 દિવસ પહેલાલેખક: જયદેવ પટેલ
 • કૉપી લિંક
 • ભારતમાં ઠગાઇની ગુનાખોરીની આલમના ઉસ્તાદ

અમેરિકામાં યેનકેન પ્રકારે પ્રવેશ કરવા અનેકવિધ તરકીબો અજમાવીને ઘૂસી ગયેલા ‘બે નંબરી’ લોકોને અમેરિકન સિટિઝનશિપ અપાવવાની માયાજાળમાં ફસાવીને ઇમિગ્રેશનનું મહાકૌભાંડ ચલાવનાર ગુજરાતી યુવક નિરંજન પટેલ ઉર્ફે નહેરુને વડોદરા શહેરની પોલીસની ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો હતો. ભારત-અમેરિકા વચ્ચે પરસ્પર સમજૂતીના કરાર હોવાથી નિરંજન પટેલને આખરે પરત અમેરિકા રવાના કરી દેવામાં આવ્યો હોવાની કથા ગત અંકમાં રજૂ થઇ ગઇ હતી. હવે આજના લેખમાં ભારતના જ ડઝનબંધ રાજ્યોમાં અજીબોગરીબ અને અફલાતૂન કહી શકાય તેવી તરકીબો અજમાવીને ઠગાઇના ઢગલાબંધ ગુનાને અંજામ આપીને ‘મિસ્ટર નટવરલાલ’ની ઓળખથી નામચીન બની ગયેલા મહાઠગના કારનામાની કથા પ્રસ્તુત કરી છે. ઉત્તરપ્રદેશના કાનપુર શહેર પોલીસે મિસ્ટર નટવરલાલને ઝડપી લીધા બાદ તેની કરતૂતોની માહિતી આપવાના આશયથી વર્ષો પૂર્વે એ દિવસે શહેરના પોલીસ કમિશ્નરે પત્રકાર પરિષદ ગોઠવી હતી. જેમાં ઉપસ્થિત પત્રકારો સમક્ષ મહાઠગ નટવરલાલને રજૂ કર્યો હતો ત્યારે કોઇ પણ પ્રકારનો સંકોચ રાખ્યા વગર ચહેરા ઉપર સ્મિત ફેલાવતા તેણે કહ્યું હતું કે, ‘ઠગાઇનો કસબ અજમાવવાની મારી આ કામગીરીમાં મારી ઇચ્છા અધૂરી રહી ગઇ છે! મારા માર્ગમાં જો નટખટ નંદલાલ ઉર્ફે ભગવાન શ્રીકૃષ્ણ જો મને સામે મળી ગયા હોત તો મેં તેમને પણ શીશામાં ઉતારી દીધા હોત!’ મહાઠગની વાત સાંભળીને ઉપસ્થિત પોલીસ અધિકારીઓ તથા પત્રકારોના વર્તુળમાં તાળીઓના ગડગડાટ સાથે હાસ્યનું મોજું લહેરાઇ ગયું હતું. આ પછી મિસ્ટર નટવરલાલે કંઇક અંશે ગંભીરતા ધારણ કરીને કહ્યું હતું કે, ‘મેં ક્યારેય કોઇ ગરીબ કે સામાન્ય માનવીને મારી ઠગવિદ્યાનો શિકાર બનાવ્યા નથી. આવા ગરીબ માનવીઓ પાસેથી મેં ક્યારેય પૈસા પડાવ્યા નથી. મેં તો મારા કસબનો શિકાર ધનવાનો અને લોભિયા લોકોને બનાવ્યા છે. જેઓએ મારી તરેહ-તરેહની તરકીબોમાં ફસાઇને મારા પગમાં ધનના ઢગલા કરી દીધા હતા. હરામથી મળેલા આવા પૈસામાંથી મેં મારી જરૂરિયાત પૂરતા પૈસા જ મારી પાસે રાખ્યા હતા. બાકીના પૈસા મેં ગરીબો તથા જરૂરિયાતમંદો વચ્ચે વહેંચી દીધા હતા.’ ઉત્તરપ્રદેશના કાનપુર શહેરની ફોજદારી અદાલત સમક્ષ પોલીસે મિસ્ટર નટવરલાલને હાજર કર્યો, ત્યારે તેના બચાવમાં હાજર રહેલા વકીલ નંદલાલ જયસ્વાલે મેજિસ્ટ્રેટ સમક્ષ એક અરજી રજૂ કરતાં દલીલ કરી હતી કે, ‘મારા અસીલ મિસ્ટર નટવરલાલ તો વર્ષો પૂર્વે ભગવાનના ધામમાં પહોંચી ગયા છે. તેના બદલે ભળતા નામ ધરાવતા શખ્સને પોલીસે રજૂ કર્યો છે. જેના વિરુદ્ધ ઇ.પી.કો.ની કલમ 420 હેઠળના 100થી વધુ ગુના આચર્યા હોવાની ફરિયાદમાં રજૂઆત કરવામાં આવી છે. આ ફરિયાદ જ બોગસ હોવાથી તેને ડિસમિસ કરવા મારી વિનંતી છે!’ મિસ્ટર નટવરલાલાના મૃત્યુની વાત સાંભળીને ઘડીભર માટે ચોંકી ગયેલા ન્યાયાધીશે નટવરલાલના મૃત્યુનું પ્રમાણપત્ર (ડેથ સર્ટિફિકેટ) રજૂ કરવા વકીલને કહ્યું હતું. આથી વકીલ નંદલાલ જયસ્વાલ પણ ક્ષણભર માટે અવઢવમાં મુકાઇ ગયા હતા. ત્યાર બાદ મિસ્ટર નટવરલાલનું તા. 25 જુલાઇ, 2009ના રોજ મૃત્યુ નિપજ્યું હતું અને ત્યારે તેમની ઉંમર 97 વર્ષની હતી, તેવી માહિતી મળી હતી. સૌથી ચોંકાવનારી વાત તો એ હતી કે, 85 વર્ષના વયોવૃદ્ધ ગંગાપ્રસાદ શ્રીવાસ્તવ કે જે મિસ્ટર નટવરલાલના સગા ભાઇ હતા. તેમણે આ પછી રહસ્યની વાત કરી હતી કે, ‘મારા ભાઇ મિસ્ટર નટવરલાલનું મૃત્યુ 1996માં થયું હતું. બિહાર રાજ્યના રાંચી શહેરના પવિત્ર નદીકિનારે મેં અગ્નિસંસ્કાર કર્યા હતા. ઘડપણના કારણે મને તેમના

ૃત્યુની તિથિ કે તારીખની કોઇ જ યાદ નથી.’ ‘મિસ્ટર નટવરલાલ’ના મૃત્યુની હકીકત પાછળ પણ જબરજસ્ત ગરબડ-ગોટાળો આજેય અકબંધ રહી ગયો છે. કોણ હતો મિસ્ટર નટવરલાલ? જેની ગુનાખોરીની આછી-પાતળી ઝલક ચલચિત્ર જગતના ગ્રેટેસ્ટ શો મેન સ્વર્ગીય રાજ કપૂરના ‘શ્રી 420’ ચલચિત્રમાં જોવા મળી હતી. આ ઉપરાંત, સદીના મહાનાયક અભિનેતા અમિતાભ બચ્ચનના ‘મિ. નટવરલાલ’ ચલચિત્રમાં પણ મિસ્ટર નટવરલાલના અફલાતૂન કારનામાનો પ્રેક્ષકોને પરિચય થયો હતો. બિહાર રાજ્યમાં એક મધ્યમ પરિવારમાં એક બાળકનો જન્મ થયો હતો, જેનું નામકરણ મિથિલેશ શ્રીવાસ્તવ રાખ્યું હતું. બાળપણથી મિથિલેશનું મન અભ્યાસમાંથી ઊઠી ગયું હતું. અભ્યાસની બાબતમાં મારઝૂડથી તંગ આવી ગયેલ મિથિલેશ એક દિવસે ઘર છોડીને નાસી છૂટ્યો હતો. ત્યાર બાદ ખુલ્લા આકાશમાં એક પક્ષીની જેમ વિહાર કરતા મિથિલેશને કડવી વાસ્તવિકતા સમજાઇ કે, ‘આ દુનિયામાં જ્યાં જુઓ ત્યાં બસ, પૈસાની જ બોલબાલા છે. લોકો ધનિકો આગળ ઝૂકીને તેમને સલામ ભરે છે. જગતમાં જે કંઇ છે, તે માત્ર પૈસો જ છે- બાકીનું બધું વ્યર્થ છે!’ ત્યાર બાદ મિથિલેશે તેના નામને બદલી નાખ્યું હતું અને ‘મિસ્ટર નટવરલાલ’ નામ ધારણ કરીને ઠગાઇના માર્ગે પ્રયાણ કર્યું હતું. આ પછી તો દેશના ડઝનબંધ રાજ્યોને કર્મભૂમિ બનાવીને ઠગાઇનો સિલસિલો શરૂ કર્યો હતો. આ મહાઠગ ડઝનબંધ બનાવટી નામો ધારણ કરીને અનેકવિધ તરકીબો અજમાવીને સેંકડો વેપારીને શિકાર બનાવ્યા હતા. ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉની સેન્ટ્રલ જેલમાં સજા કાપી રહેલા મિસ્ટર નટવરલાલે ફરાર થઇ જવા ગજબની કરામત અજમાવી હતી. જેલના જ ત્રણ કર્મચારીને પ્રલોભનમાં ફસાવીને તેમને મિત્રો બનાવ્યા હતા. આ પછી એક દિવસે જેલના અધિકારીનો યુનિફોર્મ તેમની પાસેથી મેળવી લીધો હતો. ત્યાર બાદ જેલ અધિકારીના ગણવેશમાં સજ્જ થઇને મિ. નટવરલાલ જેલના કર્મચારીઓની સલામી ઝીલતો-ઝીલતો આરામથી જેલની બહાર નીકળીને ગાયબ થઇ ગયો હતો. લખનઉની સેન્ટ્રલ જેલમાંથી નાસી છૂટવાની આ ઘટનાએ ત્યારે ઉત્તરપ્રદેશના ગૃહવિભાગમાં ભારે ઉહાપોહ મચાવી મૂક્યો હતો. લખનઉના તત્કાલીન જિલ્લા પોલીસ અધિક્ષક (ડી.એસ.પી.) એમ. એમ. ખાને આ બનાવમાં પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરતાં કહ્યું હતું કે, ‘નટવરલાલ એક ગજબના ગુણો ધરાવતો કમાલનો માનવી છે. સામી વ્યક્તિની રીતભાત તથા તેના ચરિત્રને ઘડીકમાં જ પારખી જવાની તે અફલાતૂન શક્તિ ધરાવે છે. આ મહાઠગની અસલિયતનો તાગ મેળવવામાં પછી તેને ઓળખવામાં ભલભલા ‘તીસમારખાં’ પણ ગોથાં ખાઇ જાય છે...’ આવા લાજવાબ મહાઠગના ચોંકાવનારા કારનામાની વધુ કથા આગામી લેખમાં. (ક્રમશ:) {

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો