તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ટાઇટલ્સ સમય સાચવવા કરતા તબિયત સાચવવી સારી. (છેલવાણી) એક છોકરીએ બોયફ્રેન્ડ માટે 3 કલાક રાહ જોઇ પછી એણે કંટાળીને ડ્રેસ, મેકઅપ વગરે કાઢી નાખ્યા. છેક ત્યારે બોયફ્રેન્ડ લેટ આવ્યો અને કહ્યું, ‘અરે કમાલ છે! મેં તને 3 કલાકનો સમય આપ્યો તોય તું હજી તૈયાર નથી થઇ?’ પ્રેમિકા હસી પડી કે, ‘વાહ, કેટલી ક્યૂટ નફફટાઇ છે!’ જી હા, તમે મોડા પહોંચશો તો તમને ચાહનારા, તમારા કપડાં કે મેકઅપ જોયાં વિના તમે જેવા છો એવા સ્વીકારી લેવામાં આવશે, પણ જો રોજ ટાઇમસર જશો તો લોચો છે. આગળ જઇને જો કયારેક ઝગડા થશે ત્યારે એ જ વ્યક્તિ સંભળાવશે, ‘તું જ હતો જે વહેલો વહેલો મારી પાસે પહોંચી જતો હતો, અરે, તું જ પાછળ પડેલો, હું નહીં!’ વગેરે વગરે... એટલે તમે પ્રેમમાં ભલે પડો, પણ મુલાકાતમાં મોડા પડો એમાં જ તમારું ને મહોબ્બતનું સ્વમાન રહેલું છે. આજે 10-10 મહિના રાહ જોવડાવ્યા પછી કોરોનાની રસી આવી રહી છે એટલે એની આટલી કિંમત છે, કારણ કે આપણને એણે જીવલેણ રાહ જોવડાવી! ઇનશોર્ટ, મોડા પડ્યા એ જ મહાસુખ માણે!
શિસ્તવાળા ગમે તે કહે, પણ મોડાં પડવામાં મનમોજીલી મસ્તીછે! જોકે, ટાઇમ પર આવનારા ડાહ્યાં લોકોની કદર થાય છે, પણ લેટ આવનારનું બધે સ્વાગત કરવામાં આવે છે! કારણ કે મજા પ્રતિક્ષામાં છે, મિલનમાં નથી. ક્યારનીયે ઇંતઝાર કરતી પ્રેમિકા કે પ્રેમી હરખાઇને કેવું બોલી પડે છે: ‘હાશ, તમે આખરે આવ્યા તો ખરાં! મને શું શું વિચાર આવ્યા. જાન નીકળી ગઇ મારી!’ પરંતુ જો તમે વહેલા પહોંચશો તો એનો આમ જાન નીકળશે? નહીં ને? એકચ્યુઅલી પોતાના સિવાય આ જગતમાં બીજું કોઇ છે જ નહીં- એવું મોડો આવનાર માણસ માનતો હોય છે. ખરેખર તો એણે હું જ બધું સર્વસ્વ છું કે પછી અહં બ્રહ્માસ્મિવાળી આધ્યાત્મિક ઉંચાઇ કેળવી છે!
વળી, મોડાં પહોંચીને બહાના બનાવવામાં તમારી બુદ્ધિ અને કલ્પનાશક્તિ શું સોલિડ ખીલે છે કે પૂછો નહીં. રોજ નવાં બહાનાં વિચારીને તમે મગજને સતેજ બનાવી શકો છો. જેમ કે, એક બિયર બારમાં એક માણસ મિત્ર ને ફરિયાદ કરે છે, ‘યાર, રાત્રે પીધાં પછી હું રોજ ઘરની બહાર મારી કારનું એન્જિન બંધ કરીને, ધીમે પગલે, ચૂપચાપ કપડાં બદલીને, એકદમ સાવચેતીથી પલંગમાં સૂઇ જવા જાઉં છું. તોય મારી વાઇફ તરત આંખ ખોલીને બરાડે છે: ‘જોયું! આજેય પીને લેટ આવ્યો ને? હવે બોલ યાર, ભર ઉંઘમાંય વાઇફ મારી મને કઇ રીતે પકડી પાડે છે?’ ત્યારે એનો ફ્રેન્ડ બોલ્યો, ‘તારી રીત જ ખોટી છે. હું તો જોરથી હોર્ન વગાડીને કાર બંધ કરું, પછી ફ્રિજનું બારણું પછાડું, બડબડ કરું અને પછી પલંગમાં પછડાઇને પત્ની પર બરાડું કે, ‘હેય ડાર્લિંગ! ચલ ઉઠ... કમ ઓન, પાસે આવને, ચાલને પ્રેમ કર મને! બસ, તરત જ મારી વાઇફ, ઘસઘસાટ સૂતી હોય એમ નસકોરાં બોલાવવા માંડે છે!’ કેટલો ફેન્ટાસ્ટીક આઇડિયા છે, મોડા પડીને દાદાગીરી કરવાનો! કારણ કે મોડો પહોંચનાર બેઝિકલી એક નેચરલ કલાકાર છે. જ્યારે કે વહેલો પહોંચનાર એક ઓર્ડિનરિ ઓડિયન્સ જ હોય છે અને જગતમાં માન તો માત્ર કલાકારને જ મળે છે, પ્રેક્ષકને નહીં! ઇન્ટરવલ
શ્રદ્ધાની હો સુવાસ, પ્રતીક્ષાનો રંગ હો, એવાં ફૂલો ખીલે છે ફક્ત પાનખર સુધી.(બેફામ) તમે જોયું હશે કે ટ્રેન મોડી ભલે આવે આવે ત્યારે તમને હાશ થાય કે ચલો, આવી તો ખરી અને એમાં બેસતાં જ એ વ્હાલી લગાવા માંડે! વળી, જે માણસ ઇન્ટરવ્યૂમાં એકદમ ટાઇમ પર પહોંચે છે એ જ વ્યક્તિ પછી નોકરીએ ઘણીવાર મોડો પહોંચતો હોય છે, કારણ કે ઇન્ટરવ્યૂ વખતે લાચાર હતો, પણ હવે નહીં. વહેલા જવામાં લાચારી છે, મોડા પહેંચવામાં ખુદ્દારી છે. બિઝનેસ મિટિંગમાં તમે સમયસર પહોંચશો તો સામેની વ્યક્તિ વિચારશે કે આ તો સાવ ગરજાઉ પ્રાણી છે, પણ લેઈટ પહોંચશો તો એ ડરશે કે મોટો માણસ છે, આને તો પડી જ નથી! અર્થાત્ મોડાં પહોંચવામાં ગુરિલ્લા સ્ટાઇલનો અચનાક થતો એટેક છે. વહેલા પહોંચવામાં અમુક જાનલેવા ગેરફાયદા છે. સમયશિસ્તના સિપાહી ગાંધીજી 31 જાન્યુઆરી, 1948ની સાંજે જો પ્રાર્થનાસભામાં લેટ પહોંચ્યા હોત તો કદાચ ગોડસે પકડાઇ ગયો હોત અને ગાંધીજી બચી જાત! જરા વિચારો, મોડા પડીને તમે જે પ્લેન કે ટ્રેન ચૂકી ગયા હો અને એનો જો એક્સિડન્ટ થાય તો તમારો જાન બચી જાય ને? અને વહેલા પહેંચનારાને શું મળે?: વહેલું મોત! માટે મોડાં પડવામાં જ લાંબી જિંદગીનું ઇલ્લોજિકલ લોજિક છે.
સજજન અભિનેતા સુનીલ શેટ્ટી, શૂટિંગમાં સવારે સાત વાગે પહોંચી જાય છે અને નફ્ફટ ગોવિંદા કે સલમાન તો બપોરે 12 કે 2 વાગ્યે કે ક્યારેક સાંજે પહોંચે! પણ શું થિયેટરમાં બેઠેલ ઓડિયન્સ કદી એમ કહે છે કે, ‘ડાન્સમાં સલમાન નાચ્યો તો સારું, પણ શૂટિંગમાં લેટ આવેલોને એટલે મજા ના આવી!’ નેવર! મોડા પડવા વિશે ચલો જરા આપણા ચિંતકો કે નિબંધકારોની સ્ટાઇલમાં લખીને સમજાવું. ‘શું પતંગિયું ટાઇમટેબલ જોઇને ઉડે છે? સ્કૂલ કે કોલેજના બેલને જે નકારે છે એ જ સાચો ‘રી-બેલ’ છે! સમયસર જવામાં ચીવટ છે, પણ મોડા આવવામાં વટ છે. મોડાં જવામાં પાગલપણાની પોએટ્રી છે! થીજી ગયેલા સમયની થિરકતી હિસ્ટ્રી છે. કાળના કોકટેલમાં પીગળતી કોમળ કેમિસ્ટ્રી છે!’ ધર્મ જગતમાં પણ લેટ પહોંચવાની લીલાનો મહિમા છે. ‘દર્શન દો ઘનશ્યામ નાથ’ કે ‘હવે તો હરિ ઘરે આવોને’ જેવાં આજીજી કરતાં ભજન ગાઇને બિચારા ભક્તો જન્મોજનમથી રાહ જોયા જ કરે છે, પણ તોય ભગવાનને તો આવવું હોય ત્યારે જ આવે છેને? મહાભારતમાં દુઃશાસને જેવી દ્રૌપદીની સાડી ખેંચવી શરૂ કરી હોત અને ભગવાન શ્રીકૃષ્ણ ફટાક દઇને આવી ગયા હોત તો મજા આવત? નહીં ને? ખુદ ઇશ્વર પણ જાણે છે કે મોડાં જવામાં જ ડ્રામા છે, એક થ્રિલ છે તો પછી આપણે પામર લોકો કોણ? માટે યારો, તમે ય પણ વહેલી તકે મોડા પડો અને મજા લો. અને તમે જો આ લેખ વહેલી સવારે વાંચતા હોવ તો થેંક્સ, પણ જો મોડ મોડે મોડી રાત્રે વાંચો છો તો ડબલ થેંક્સ, કારણકે મોડે મોડે પણ ગુજરાતી ભાષામાં અમારા જેવા સારા લેખકને તમારા જેવા સમજુ લોકો વાંચતા થયાં એનો અમને મોડેમોડે પણ આનંદ તો થાય ને?
એન્ડ ટાઇટલ્સ ઇવ : આજેય ફરી લેટ? તને સમયનું ભાન જ નથી! આદમ : તારી સાથે ને તારા વિના મને કશું ભાન જ નથી રહેતું! sanjaychhel@yahoo.co.in
પોઝિટિવઃ- જમીન-જાયદાદનું કોઇ કામ અટવાયેલું છે તો આજે તેના પૂર્ણ થવાની સંભાવના છે. ભવિષ્યને લગતી થોડી યોજનાઓ ઉપર પણ વિચાર થશે. કોઇ અટવાયેલા રૂપિયા આવી જવાથી ચિંતા દૂર થશે. નેગેટિવઃ- તમારા મહત્ત્વપૂર...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.