જાન્યુઆરી મહિનો સર્વાઈકલ કેન્સર અવેરનેસ મંથ:સ્વદેશી વેક્સિન અટકાવશે સર્વાઈકલ કેન્સર

25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 9થી 14 વર્ષની ઉંમરે છોકરીઓને સર્વાઈકલ કેન્સર સામે રક્ષણ આપતી વેક્સિન આપવામાં આવે તો સર્વાઈકલ કેન્સરથી બચી શકાય છે. સર્વાઇકલ કેન્સર થવામાં સામાન્ય રીતે 10થી 15 વર્ષનો સમય લાગે છે. તેથી તેનાં લક્ષણો પર નજર રાખવી જરૂરી છે

સર્વાઇકલ કેન્સર શું છે?
સ્ત્રીઓના ગર્ભાશયના નીચેના ભાગને સર્વિક્સ કહેવાય. સર્વાઇકલ કેન્સર સ્ત્રીઓના સર્વિક્સના કોષોને અસર કરે છે. સર્વાઇકલ કેન્સરને ગર્ભાશયના મુખનું કેન્સર પણ કહેવામાં આવે છે. આ વાઇરસ પુરુષો દ્વારા મહિલાઓ સુધી પહોંચે છે. આ કેન્સર સ્ત્રીઓમાં જોવા મળતા કેન્સરમાં બીજા નંબરે છે.

એચપીવીને કારણે થાય છે કેન્સર
મોટાભાગના સર્વાઈકલ કેન્સર HPV-એચપીવી વાઈરસને કારણે થાય છે. એચપીવી એટલે ‘હ્યુમન પેપિલોમા વાઈરસ.’ અસુરક્ષિત શારીરિક સંબંધ રાખવાથી આ વાઈરસનું સંક્રમણ થાય છે. આ ચેપની સમયસર યોગ્ય સારવાર કરવામાં ન આવે ત્યારે તે લાંબા ગાળે કેન્સરમાં પરિણમે છે. તેથી સમયસર સારવાર કરવી જરૂરી છે.

આ લોકોમાં સૌથી વધુ જોખમ
જે લોકોની રોગપ્રતિકારક શક્તિ ખૂબ જ નબળી હોય, અસુરક્ષિત શારીરિક સંબંધ બાંધતા લોકો આ કેન્સરનો સૌથી વધુ ભોગ બને છે. આ ઉપરાંત પાંચ વર્ષથી વધારે ગર્ભનિરોધક ગોળીઓ લેવાથી, સિગારેટ પીવાથી પણ આ કેન્સર થઈ શકે છે.

કેવી રીતે ખબર પડે?
સર્વાઇકલ કેન્સર થવામાં સામાન્ય રીતે 10થી 15 વર્ષનો સમય લાગે છે. તેથી તેનાં લક્ષણો પર નજર રાખવી જરૂરી છે. જેમકે, પિરિયડની તારીખ ન હોવા છતાં વજાઈનામાંથી બ્લીડિંગ થતું હોય, પ્રાઈવેટ પાર્ટમાંથી વધુ પડતું સફેદ પ્રવાહી ડિસ્ચાર્જ થાય, અચાનક વજન ખૂબ જ ઘટવા માંડે, પ્રાઈવેટ પાર્ટમાંથી દુર્ગંધ આવે, પીઠનો ભયંકર દુખાવો, નાભિની નીચે દુખાવો, સેક્સ દરમિયાન દુખાવો, મેનોપોઝ પછી બ્લીડિંગ, પેશાબ કરતી વખતે દુખાવો, નાની ઉંમરે લગ્ન થવાં, વારંવાર સગર્ભા બનવું, કુપોષણ, ગુપ્ત અંગોની સ્વચ્છતાનો અભાવ… આ તમામ લક્ષણો પછી પેપ સ્મીઅર ટેસ્ટ અને એચપીવી ટેસ્ટથી ખબર પડે છે કે સર્વાઇકલ કેન્સર છે.
શું કાળજી લેવી?
સર્વાઈકલ કેન્સરથી બચવા માટે પ્રાઈવેટ પાર્ટને હાઈજીન રાખવું ખૂબ જરૂરી છે.
સુરક્ષા વગર એક કરતાં વધુ વ્યક્તિ સાથે શારીરિક સંબંધ ન રાખવો જોઈએ.
ધૂમ્રપાન અને સિગારેટથી દૂર રહો. ડાયટમાં
ફળ-શાકભાજી સામેલ કરો. વેક્સિન અચૂક લો અને વજન કન્ટ્રોલમાં રાખો.

આ રીતે થાય સારવાર
જ્યારે સર્વાઈકલ કેન્સર હોવાનું નિદાન થાય અને જો તે પ્રાથમિક તબક્કામાં હોય તો તે ફક્ત સર્વિક્સ પૂરતું મર્યાદિત હોય છે. એમાં નાના ઓપરેશનથી ગર્ભાશયને સલામત રાખીને માત્ર સર્વિક્સનો ભાગ કાઢી દેવાથી આ રોગ દૂર કરી શકાય છે. આ પ્રક્રિયાને Trachelectomy કહે છે. એનાથી જીવનની ગુણવત્તા તેમજ ગર્ભ ધારણ કરવાની ક્ષમતા જળવાઈ રહે છે. પરંતુ જો વધુ આગળનું સ્ટેજ હોય તો ઓપરેશન દ્વારા ગર્ભાશય કાઢી વાખવું જરૂરી બની જાય છે. ત્યાર પછીના સ્ટેજમાં રેડિયોથેરાપી અથવા તો કીમોથેરાપીનો ઉપાય અજમાવવો પડે છે. આ બધામાં સૌથી મોટી વાત છે સર્વાઈકલ કેન્સરની રસી એટલે કે વેક્સિન સમયસર લઈ લેવી.

સર્વાઈકલ કેન્સર માટે મહત્ત્વના ટેસ્ટ અને જરૂરી વેક્સિન

સ્વદેશી વેક્સિન
ભારતને સર્વાઇકલ કેન્સર સામે પહેલી સ્વદેશી વેક્સિન મળી છે. તેનું નામ ‘ક્વાડ્રીવેલેન્ટ હ્યુમન પેપિલોમા વાયરસ વેક્સિન’ (QHPV)' છે. તે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (SII) અને કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેક્નોલોજી (DBT) દ્વારા સંયુક્ત રીતે બનાવવામાં આવી છે.
વેક્સિનની કેટલી અસર થશે?
નેશનલ સેન્ટર ફોર બાયોટેક્નોલોજી ઈન્ફર્મેશનમાં ઈન્ડિયન જર્નલ ઓફ મેડિકલ એન્ડ પીડિયાટ્રિક ઓન્કોલોજીના એક રિપોર્ટ અનુસાર, HPV વેક્સિનનો 3 વર્ષ સુધી અભ્યાસ કરવામાં આવ્યો, જેમાં કેન્સર સામે 95.8% અસરકારક સાબિત થઈ છે. આ રસી મહિલાઓને સર્વાઇકલ કેન્સર અને વલ્વર કેન્સરથી બચાવવામાં 100% અસરકારક છે.
કઈ ઉંમરે વેક્સિન અપાય?
છોકરીઓને 11થી 13 વર્ષની ઉંમરે આપવામાં આવે તો એનો વધારે ફાયદો મળી શકે છે. 9 વર્ષથી શરૂ કરીને 45 વર્ષની સ્ત્રીઓને આ વેક્સિન આપી શકાય છે. કહેવાય છે કે સ્ત્રીઓની સેક્સ્યુઅલ લાઈફ શરૂ થાય એ પહેલાં આ વેક્સિન આપી દેવી જોઈએ. સીડીસી એટલે કે ‘સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ’ 26 વર્ષથી નાની ઉંમરની દરેક સ્ત્રીને આ વેક્સિન આપવાની ભલામણ કરે છે. વેક્સિનેશન કોઈ પણ હોસ્પિટલમાં કરાવી શકાય છે. પ્રથમ ડોઝ બાદ બીજો ડોઝ એક મહિના બાદ અને ત્રીજો ડોઝ 6 મહિના બાદ એમ ત્રણ ડોઝ લેવાના હોય છે.

ક્યારે અને કઈ ઉંમરે ટેસ્ટ કરાવાય?
અમેરિકન કેન્સર સોસાયટી મુજબ 25થી 65 વર્ષની વયની મહિલાઓએ સર્વાઇકલ કેન્સરના ટેસ્ટ અચૂક કરાવવા જોઇએ. દર ત્રણ વર્ષે અથવા પાંચ વર્ષે ટેસ્ટ કરાવી લેવો જોઈએ. વેક્સિન લીધા પછી પણ દરેક સ્ત્રીએ 30 વર્ષ પછી પેપ સ્મીઅર ટેસ્ટ કરાવવો જોઈએ.
આ પણ જાણો

​​​​​​​વેક્સિનેશન અંગે જાગૃતિના અભાવે 1% કિશોરીઓને પણ વેક્સિનેશન થતું ન હોવાનું નિષ્ણાતો જણાવી રહ્યા છે. વિશ્વમાં સર્વાઈકલ કેન્સરના એક તૃતીયાંશ કેસ ફક્ત ભારત અન ચીનમાં છે. 2018માં ભારતમાં સર્વાઈકલ કેન્સરના 97,000 કેસ નોંધાયા અને એમાં લગભગ 60,000 મૃત્યુ પામ્યાં. એ જ વખતે ચીનમાં 1,06,000 કેસ આવ્યા અને 48 હજાર મૃત્યુ પામ્યાં. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના આંકડાઓ અનુસાર ભારતમાં દર આઠ મિનિટે એક મહિલા આ રોગથી જીવ ગુમાવે છે.

થોડી જાણકારી અને યોગ્ય સારવારથી થશે ફાયદો

આજકાલ ઘણી બધી યુવતીઓ બહુ નાની ઉંમરે સર્વાઇકલ કેન્સરના ભય હેઠળ આવી રહી છે, પણ જો આ દરેક યુવતી સર્વાઈકલ કેન્સર વિશે સભાન બને એટલે કે થોડી જાણકારી રાખે અને યોગ્ય સારવાર કરાવે તો તેઓ આ રોગ સામે સરળતાથી જીતી શકે છે. ખાસ કરીને એે છોકરીઓ કે જેઓ પ્રથમ વાર જાતીય સંબંધમાં આવી રહી છે. આ યુવતીઓ પણ રસીકરણની મદદથી (cervical cancer vaccination) આ રોગના ભયને જીવનભર ખતમ કરી શકે છે. આ ઉપરાંત ટ્રીટમેન્ટમાં ઈમ્યુનોથેરાપી પણ બેસ્ટ છે. ઇમ્યુનોથેરાપી કે જેને બાયોલોજીક થેરાપી પણ કહેવાય છે, તે એની ગાંઠ સામે લડવા માટે મદદરૂપ બને છે. ઈમ્યુનોથેરાપી શરીરના કુદરતી સંરક્ષણને વધુ મજબૂત બનાવે છે. એટલું જ નહીં, તે રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે. જે મહિલાઓને પહેલાથી સર્વાઇકલ કેન્સર છે તેમના માટે અગાઉ વાત કરી એમ રોગનિવારક રસી વિકસાવવામાં આવી છે. સર્વાઈકલ કેન્સરના કોષો સામે લડવામાં આ રસી એટલે કે વેક્સિન સૌથી કારગર ઉપાય છે. આપણા દેશમાં સર્વાઈકલ કેન્સર બાબતે જાગૃતિનો ખૂબ જ અભાવ છે, પણ આ અભાવ દૂર કરીને આ કેન્સરને દૂર કરવાનો સૌએ પ્રયત્ન કરવાની જરૂર છે.

આંકડા મુજબ

35થી 44 વર્ષની વયની સ્ત્રીઓ આ પ્રકારનો સર્વાઈકલ કેન્સરનો સૌથી વધુ ભોગ બને છે. 15%થી વધુ નવા કેસ 65 વર્ષથી વધુ ઉંમરની સ્ત્રીઓમાં જોવા મળે છે. ખાસ કરીને એ લોકો કે જેઓ નિયમિત ચેકઅપ કરાવતા નથી. ‘વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન’ની ઈન્ટરનેશનલ એજન્સી ફોર રિસર્ચ ઓન કેન્સરના જણાવ્યા મુજબ ભારતમાં દર વર્ષે સર્વાઇકલ કેન્સરના અંદાજે 1.23 લાખ કેસ નોંધાય છે. એ જ રીતે જો વિશ્વની વાત કરીએ તો સર્વાઇકલ કેન્સરમાં ભારત પાંચમા નંબરે છે. મોટાભાગે 15થી 44 વર્ષની વયની સ્ત્રીઓ સર્વાઇકલ કેન્સરને કારણે મૃત્યુ પામે છે.

WHOનો પ્લાન શું છે?
WHOના જણાવ્યા પ્રમાણે સર્વાઈકલ કેન્સરને નાબૂદ કરવા માટે એની વેક્સિન, સ્ક્રીનિંગ તેમજ ટ્રીટમેન્ટ પર વધુ ધ્યાન કેન્દ્રત કરવામાં આવશે.
194 દેશોમાં 15 વર્ષની ઉંમરની 90% છોકરીઓને 2030 સુધી વેક્સિન આપવામાં આવશે જેથી કેન્સરના કારણે બનતા ‘હ્યુમન પેપિલોમા વાઈરસ’ને અટકાવી શકાય.
35 વર્ષ અથવા તેનાથી વધારે ઉંમરની 70% મહિલાઓનું હાઈ પરફોર્મન્સ સ્ક્રીનિંગ કરવામાં આવશે. આ ઉપરાંત 45 વર્ષ અથવા તેનાથી વધુ ઉંમરની 90% મહિલાઓની તપાસ કરવામાં આવશે અને કેસ સામે આવવા પર સારવાર કરવામાં આવશે.
એક્સપર્ટ : (ડો. અંશુમન કુમાર-ડાયરેક્ટર-ધર્મશિલા કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરના ડિપાર્ટમેન્ટ ઓફ સર્જિકલ ઓન્કોલોજી ડિપાર્ટમેન્ટ)

અન્ય સમાચારો પણ છે...