સ્ટાર્ટઅપ ટોક:ભારતનાં સદીઓ જૂનાં સ્ટાર્ટઅપ એટલે કુટિર ઉદ્યોગ

13 દિવસ પહેલાલેખક: કુણાલ ગઢવી
  • કૉપી લિંક

ભારત માટે કુટિર ઉદ્યોગો કોઈ MNCs જેટલા જ નોંધપાત્ર છે. તેઓ મોટી સંખ્યામાં લોકોને રોજગારી આપે છે. ભારત 65% ગામડાંઓનો બનેલો દેશ છે એટલે રોજગારીની તકો ગામડે જેટલી વધુ મળે તેટલો આર્થિક વૃદ્ધિ અને વિકાસ થાય. આ ઉદાહરણથી વાતને સમજવું હોય તો ગુજરાતનાં પાપડ-અથાણાં દુનિયાના ખૂણે ખૂણા સુધી પહોંચે છે. એમાં બહુરાષ્ટ્રીય કંપનીઓ (MNCs)ને કાંઈ લેવા દેવા નથી! ગામડે અને નાનાં શહેરોમાં સ્થાયી થયેલા ઉદ્યોગો ખાસ તો ગામનાં આજુબાજુના રહેવાસીઓને રોજગારી મળે એ હેતુથી સ્થાયી થવા માટે શહેરોમાં નથી જતા! ગ્રામ્ય વિસ્તારોમાં લાભ : કુટિર ઉદ્યોગો ઘણી વાર અસંગઠિત છે અને નાના પાયાના ઉદ્યોગોની શ્રેણીમાં વપરાશ માટે રોજિંદી ચીજવસ્તુ બનાવે છે. વધુમાં, આ ઉદ્યોગો એવા વિસ્તારોમાં ઉભરી આવે છે જ્યાં બેરોજગારી અને ઓછી રોજગારી સામાન્ય છે. પરિણામે, કુટિર ઉદ્યોગ ગ્રામીણ વિસ્તારોમાં અર્થતંત્રને લાભ આપે છે. બીજી બાજુ, આ ઉદ્યોગ અસંખ્ય પડકારોનો સામનો કરે છે. પરિણામે, ગુજરાત સરકારમાં પણ કુટિર ઉદ્યોગ માટે અલાયદી કમિશનર કચેરી છે, જે આ સંબંધિત સંકળાયેલા પ્રશ્નોના મુદ્દાઓને ઉકેલવાનો પ્રયાસ કરી રહી છે. એમાં ફૂડ પ્રોસેસિંગ, પરંપરાગત રેસિપીને લગતા ઉદ્યોગો, કપાસ વણાટ, મેટલ કામ, હસ્તકલા, માટીકામ, વાંસકામ અને આવા ઘણા બધા લાંબી યાદી બને એટલા ઉદ્યોગો જેમાં ઉદ્યોગોને ગમે તેવા વાતાવરણમાં આર્થિક ઉતાર ચડાવ માટે સહ-ફાયદા (Co-benifits), ટકાઉપણું (sustainability) જેવી બાબતો સંકળાયેલી છે! પડકારોનો સામનો : સમય જતાં આ વ્યવસાયમાં રોજગાર વધ્યો છે, ત્યારે લોકોની આવકમાં ઘટાડો પણ થયો છે. ઉ.દા. તરીકે પાવર લુમ્સ હંમેશાં નિપુણ ગૂંથણકામ અને સોયકામ કરનારા વણકરો માટે જોખમ ઊભું કરે છે. ભારતમાં કુટિર ઉદ્યોગો મૂડીની અછત અને શ્રમના મોટા પુરવઠાનો સામનો કરે છે, જે તેમને મૂડી-બચતનાં રોકાણ કરવાની ફરજ પાડે છે. પરિણામે, એવી વ્યૂહરચનાઓને વિચારવી પડે, જેમાં માત્ર ઉત્પાદનમાં વધારો જ નહીં, પરંતુ મજૂરોની ક્ષમતાઓ પણ વધે. મતલબ કે ટેક્નોલોજીની પ્રગતિ તરફ પ્રયત્નો થવા જોઈએ. પહેલાં લુહારના ઘરમાં મેટલ કામમાં લોઢાને જાતે ટીપી દેતાં, પણ હવે મશીનરી આવી ગઈ છે જેની કિંમત નજીવી હોય છે. આ માટે કુટિર ઉદ્યોગોના વિકાસમાં મદદ કરવા માટે સહાયક કંપનીઓ પણ ઓફર કરે છે, ખાસ કરીને તેમના પ્રારંભિક તબક્કામાં. કુટિર ઉદ્યોગોનું વિસ્તરણ : ભારતમાં કુટિર ઉદ્યોગના લાભ માટે કામ કરતી સંસ્થાઓ- ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ, સેન્ટ્રલ સિલ્ક બોર્ડ, ઓલ ઈન્ડિયા હેન્ડલૂમ બોર્ડ, ઓલ ઈન્ડિયા હેન્ડીક્રાફ્ટ બોર્ડ, ફોરેસ્ટ કોર્પોરેશન અને નેશનલ સ્મોલ ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશનનો સમાવેશ થાય છે. તે કુટિર ઉદ્યોગોના વિસ્તરણ માટે કાર્યરત છે. ઉદ્યોગ અને વાણિજ્ય વિભાગ આ માટે સંખ્યાબંધ કાર્યક્રમોનું સંચાલન પણ કરે છે. SIDBIના સહયોગ અને MSME દ્વારા તેમજ ડિસ્ટ્રિક્ટ ઈન્ડસ્ટ્રીઝ સેન્ટર્સ (DICs)ના નેટવર્ક દ્વારા દરેક જિલ્લામાં જનરલ મેનેજર હોય છે, તેમને મળવાથી તમારા કુટિર ઉદ્યોગ માટે સલાહ અને જરૂરી સંસાધન મળી શકે! વધુ વસ્તીવાળા દેશોમાં બેરોજગારી સામે લડવાનો ઉપાય કુટિર અને લઘુ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાનો છે.{ kunalgadhavi08@gmail.com (લેખક SIR, SEZ પોલિસી, વાઈબ્રન્ટ ગુજરાત, ઈન્ડસ્ટ્રિયલ-આન્ત્રપ્રેન્યોરશિપ ટ્રેનિંગ સહિતની કામગીરીમાં આઠ વર્ષનો અનુભવ ધરાવે છે.)

અન્ય સમાચારો પણ છે...