તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મનદુરસ્તી:‘કયા ચોઘડિયામાં હું એના પ્રેમમાં પછડાઇ?’

ડૉ. પ્રશાંત ભીમાણી3 મહિનો પહેલા
  • કૉપી લિંક

‘ડોક્ટર, આ ઇમોશન્સ આપણા દોસ્ત છે કે દુશ્મન, ખબર નથી પડતી. તમે કોઇને દિલ ભરીને પ્રેમ કરો અને પછી એ તમારા દિલને ફૂટબોલની જેમ કિક મારીને બીજે ગેમ રમવા માંડે તો દુઃખ તો થાય જ ને!’ મિનલે આક્રોશ સાથે વાત આગળ વધારી. ‘અમારી લવસ્ટોરી, સોરી એક્સ-લવસ્ટોરી જાણવા જેવી છે. હું અને રાજ બહુ ઈન્ટરેસ્ટિંગ રીતે એકબીજાના પ્રેમમાં પડ્યાં હતાં. રાજની આગળની ગર્લફ્રેન્ડની હું ખાસ ફ્રેન્ડ હતી. અને મારા આગળના બોયફ્રેન્ડનો એ ક્લોઝ ફ્રેન્ડ હતો. એ બે જણાની લવ-લાઇફના લોચાઓને અમે બંને સોલ્વ કરી આપતાં હતાં. ધીમે-ધીમે બન્યું એવું કે એ બે તો એકબીજાની નજીક ન આવી શક્યાં, પણ હું અને રાજ ઇવેન્ચ્યુઅલી એકબીજા પ્રત્યે આકર્ષાવાં લાગ્યાં. તમે નહીં માનો ડોક્ટર, પણ રાજ એ વખતે એના ફ્રેન્ડની રિલેશનશિપ ન તૂટે એટલે એટલી સરસ રીતે એને સમજાવતો હતો કે હું તો એ વાત ઉપર જ રાજ ઉપર ફિદા થઇ ગયેલી. મનોમન હું વિચારતી કે, રાજ જેવો સમજુ અને વૉર્મ્થવાળો છોકરો ભાગ્યે જ બીજો કોઇ હશે. જાણે એનામાં એક છોકરીને ઇમોશનલી સમજવાની અદ્્ભુત શક્તિ મને દેખાઇ. એની વાતો, એની કેર કરવાની રીત, એની ધીરજ આ બધાંથી હું તો ફ્લેટ થઇ ગયેલી અને મેં જ એને લાઇફ પાર્ટનર બનવા પ્રપોઝ કરેલું. એણે પણ તરત હા પાડી દીધેલી, પણ આ છેલ્લાં બે વર્ષમાં જ મારી આંખો પરનાં ધૂંધળાં ચશ્માં ઊતરી ગયાં અને મને સ્પષ્ટ દેખાવા માંડ્યું કે, રાજ તો ખરેખર બધાં સાથે આવું કરે છે. એને તો વાસ્તવમાં પ્રેમમાં પડવાનું વ્યસન છે. એક છોકરી જોડે એ વ્યસન શરૂ થાય પછી થોડો સમય પિક ઉપર રહે પછી અચાનક ડાઉન-ફૉલ આવે. રાજની આ ખોટી લાગણી મારી જેવી ઘણી છોકરીઓનાં દિલ ભાંગીને ભુક્કો કરી નાંખતી હશે.’ ‘આ બધાંના લીધે મારી રાતોની ઊંઘ હરામ થઇ ગઇ છે. અમારાં બ્રેક-અપ પછી પણ હું એના સોશિયલ મીડિયા એકાઉન્ટને બ્લૉક-અનબ્લૉક કર્યા કરું છું. ક્યારેક એનું ડી. પી. જોયા કરું તો ક્યારેક એને ભરપૂર ગાળો સાથે મેસેજ લખીને પછી ડિલીટ કરી દઉં. છેલ્લે તો એવું થયું કે એને એ બધાં મેસેજ અને વોઇસ નોટ્સ મોકલી જ દઉં. મારી જિંદગી ડિસ્ટર્બ કરીને એ તો જલસા મારતો હશે. એ કયું ચોઘડિયું હતું કે હું એના પ્રેમમાં પછડાઇ?’ મિનલ અસ્ખલિત રડી રહી હતી. બ્રેક-અપને યોગ્ય રીતે હેન્ડલ કરવું ખૂબ જરૂરી છે. જ્યારે કોઇ વ્યક્તિને પ્રેમ કરીએ છીએ, ત્યારે આપણે ઘણી વાર એની નબળાઇઓ જાણતા હોવા છતાં આંખ આડા કાન કરીએ છીએ. એ વાત સાચી છે કે એ સમયે બીજુ કંઇ નજરમાં ન આવે પણ થોડો સમય થોભી જવું જરૂરી છે. સિગ્નલ વગરના ચાર રસ્તા પાસે જો વાહનને થોડી વાર ઊભું રાખીને આમ-તેમ જોઇને પછી વાહન ચલાવીએ તો એક્સિડન્ટ ઓછા થાય. સામેવાળી વ્યક્તિ કોઇ ભગવાન કે સંત નથી જ હોતી. એ પણ માનવસહજ નબળાઇઓથી ઘેરાયેલી હોય છે. પ્રેમ કરતી વખતે સર્વસ્વ હોમી દેવાની ‘આંધળી’ કળા હસ્તગત હોય તો જ આપણે સો કૉલ્ડ ‘સાચો’ પ્રેમ કર્યો કહેવાય એ ભ્રામક સ્વ-છલનામાંથી ઝડપથી નીકળવું જરૂરી છે. સંવેદનાનું પ્રદર્શન અને અનુભૂતિ દ્વિપક્ષીય અને સંતુલિત હોય એ અત્યંત જરૂરી છે. કોઇ વ્યક્તિ અન્ય ત્રાહિત કે ત્રીજી વ્યક્તિ માટે જેવું વર્તન કરે તેવું જ પોતાની વ્યક્તિ સાથે પણ કરશે જ, એ જરા વધુ પડતી અપેક્ષા ગણાય. જેટલું ઝડપથી પ્રેમમાં પડાય તેટલું ઝડપથી એમાંથી નીકળાતું નથી. એટલે જે-તે વ્યક્તિ સાથે ઇનવોલ્વ થવાની સ્પીડ અને દિશા બંનેનું ભાન પહેલેથી રાખવું જરૂરી છે. ઘણાં એવું કહે છે કે, પ્રેમમાં કંઇ હિસાબ કે ગણતરી થોડી હોય! વાત સાચી, પણ એ સમજ કે વિવેક ન હોય તો ડિપ્રેશન મોં ફાડીને બેઠું જ હોય છે. ઇમોશનલ બેલેન્સ રાખવા સ્પષ્ટ કોમ્યુનિકેશન અને પોતાની અપેક્ષાઓને વ્યક્ત કરવાની આવડત હોવી જરૂરી છે. એટલું જ નહીં, બધી અપેક્ષાઓ પૂરી ન થઇ શકે તે સત્યને પણ સમજવાની જરૂર છે. ઘણી વાર આપણે પ્રેમની વજનદાર બેડીઓ પહેરાવીને સામેવાળાને ઇમોશનલ કેદી બનાવી દઇએ છીએ, એ પણ પોતાની અસલામતી જ દર્શાવે છે. જેને જવું જ છે તેને રોકી રાખવાનો કોઇ અર્થ નથી. ઘણી વાર કેટલીક વ્યક્તિઓ દૂર થઇ જાય એમાં સુખ વધારે રહેલું હોય છે, જો એ જોતાં આવડે તો! મિનલની સાઈકોથેરેપીએ એને મજબૂત બનાવી. હવે એ બીજા સંબંધમાં જોડાવા તૈયાર છે, પણ નવા માઇન્ડ-સેટ સાથે. વિનિંગ સ્ટ્રોકઃ જો સંબંધમાંથી નીકળવું હોય તો ‘ઇમોશનલ ફેક્ટરી રી-સેટ’ કરીને જ જવું, માત્ર ડિલીટ કે બ્લોકથી નહીં ચાલે! drprashantbhimani@yahoo.co.in

અન્ય સમાચારો પણ છે...